| અમેરિકાના જાહેરમાં મોતની સજા આપવાના આદેશે આખી દુનિયામાં હલચલ મચાવી છે. બુદ્ધિજીવીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, જો આવું જ કરવું હોય તો તમારા અને કટ્ટરવાદી દેશમાં ફેર શું છે? આવું કરવાથી અમેરિકાની આબરૂ જવાની છે |
અમેરિકા પોતાની સેનાના ભૂતપૂર્વ આર્મી મેજરને જાહેરમાં ગોળી મારીને મોતની સજા આપવાનું છે. આગામી તારીખ 3જી ડિસેમ્બર, 2026ના રોજ બપોરે એક વાગે અમેરિકાના ફોર્ટ હૂડ સૈન્ય બેઝ પર 56 વર્ષના નિદાલ હસન મલિકને ગોળી મારી દેવાશે. અમેરિકામાં સામાન્ય સંજોગોમાં ઝેરનું ઇન્જેક્શન આપીને મોતની સજા આપવામાં આવે છે. આ કિસ્સામાં દાખલો બેસાડવા માટે ફાયરિંગ સ્ક્વોડ દ્વારા સજા આપવાનું નક્કી થયું છે. પૂરા 65 વર્ષ પછી અમેરિકા પોતાના સૈનિકને આ રીતે સજા આપવાનું છે. નિદાલ હસનને ખુરશીમાં બાંધીને ગોળી મારી દેવાશે.
આ ઘટનાનું લાઇવ સ્ટ્રિમિંગ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. દુનિયાના કેટલાંક કટ્ટર અને શરિયા કાનૂન અપનાવનાર દેશો જાહેરમાં મોતની સજા આપે છે. અમેરિકાના આવા નિર્ણય બાદ કેટલાંક બુદ્ધિજીવીઓએ એવા સવાલ ઉઠાવ્યા છે કે, જો આવી જ રીતે સજા આપવાના હોવ તો તમારામાં અને બીજામાં શું ફેર રહી જવાનો છે. ભલે ગુનેગાર હોય પણ મોતનો મલાજો જાળવવો જોઇએ. તેની સામે એવી દલીલ કરવાવાળાઓ પણ છે કે, સેનાના જવાને જે કરતૂત કર્યું છે તેને આવી જ સજા આપવી જોઇએ. બીજા લોકો આવું કરતા પહેલા સો વખત વિચારે.
નિદાલ હસને સેનાના તેર સૈનિકોને મારી નાખ્યા હતા
જેને મોતની સજા આપવાની છે એ નિદાલ મલિક હસને એક હત્યાકાંડ સર્જ્યો હતો. વાત છે તારીખ પ નવેમ્બર, 2009ની. બપોરે 1.34 વાગ્યાનો સમય હતો. અમેરિકાના ટેકસાસમાં આવેલા ફોર્ટ હૂડ મિલિટરી બેઝ પર સોલ્જર રેડીનેસ પ્રોસેસિંગ સેન્ટરે અફઘાનિસ્તાન અને ઇરાકમાં તહેનાત થનારા અમેરિકાની સેનાના જવાનો મેડિકલ ચેક અપ માટે ભેગા થયા હતા. આર્મી મેજર નિદાલ હસન બે સેમી ઓટોમેટિક પિસ્તોલ લઇને ત્યાં આવ્યો હતો અને અલ્લાહુ અકબર બોલીને સૈનિકો પર આડેઘડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. એક ગર્ભવતી મહિલા સૈનિક સહિત તેર લોકોને નિદાલ હસને મારી નાખ્યા હતા. 32 લોકો ઘાયલ થયા હતા. નિદાલને કાબુમાં કરવા તેના પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિદાલને પાંચ ગોળી વાગી હતી છતાં તે બચી ગયો હતો. કરોડરજ્જુમાં ગોળી વાગતા નિદાલ હસનને લકવો મારી ગયો હતો. એ સમયથી નિદાલ વ્હીલચેરમાં છે. હવે તેને ચેરમાં બેસાડીને તેણે જે જગ્યાએ લોકોને મારી નાખ્યા હતા, એ જ સ્થળે ગોળી મારીને મોતની સજા આપવામાં આવશે.
નિદાલ હસને શા માટે હત્યાકાંડ સર્જ્યો?
નિદાલ હસન પેલેસ્ટિયન અમેરિકન સિટિઝન છે. તેના માતા-પિતા પેલેસ્ટાઇનથી અમેરિકા શિફ્ટ થયા હતા. તારીખ 8મી સપ્ટેમ્બર, 1970ના રોજ અમેરિકાના વર્જિનિયામાં નિદાલનો જન્મ થયો હતો. વર્જિનિયાની પ્રખ્યાત લશ્કરી યુનિવર્સિટીમાં તેણે અભ્યાસ કર્યો હતો. 1995માં નિદાલે અમેરિકન આર્મી જોઇન કરી હતી. સેનામાં તેની પોસ્ટ મેજરની હતી. એ મનોચિકિત્સક હતો અને સેનાના જવાનોની માનિસક બીમારીઓની સારવાર કરતો હતો. તેનું જ મગજ ફર્યું અને હત્યાકાંડ સર્જી દીધો. અમેરિકાએ અફઘાનિસ્તાન અને ઇરાકમાં સેના મોકલી એનાથી એ નારાજ હતા. અમેરિકા મુસ્લિમો વિરૂદ્ધ યુદ્ધ લડે છે એવું માનીને તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું.
હુમલા પહેલા નિદાલ હસન યમનના અલકાયદાના આતંકવાદી અનવર અલ-અવલાકીના સંપર્કમાં હતો. બંને વચ્ચે અનેક ઇમેલ થયા હતા. અનવરની વાતોથી જ નિદાલ કટ્ટરવાદી અને જેહાદી વિચારધારામાં આવી ગયો હતો. આખરે તેણે હત્યાકાંડ સર્જ્યો હતો. નિદાલના કિસ્સામાં બીજી એક વાત પણ બહાર આવી છે. અમેરિકન સેનાએ ઓક્ટોબર, 2009માં નિદાલ હસનને અફઘાનિસ્તાન જવાનો આદેશ કર્યો હતો. નિદાલને અફઘાનિસ્તાન જવું નહોતું. તે પોતાના જ ધર્મના લોકો સામે હથિયાર ઉપાડવાના કામને પાપ સમજતો હતો. નિદાલે એવું નક્કી કર્યુ હતું કે, હું તો અફઘાનિસ્તાન નહીં જાવ, બીજા સૈનિકોને પણ નહીં જવા દઉં. એટલે જે તેણે અફઘાનિસ્તાન જવાની તૈયારીઓ કરતા સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.
મિલિટરી કોર્ટમાં જ્યારે નિદાલ હસન સામે કેસ શરૂ થયો ત્યારે તેણે પોતાનો કેસ પોતે જ લડવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે કહ્યું કે, હું ખોટી સેનામાં હતો. મેં મારી બાજુ બદલી લીધી છે. તેણે પોતાનો કોઇ બચાવ પણ કર્યો નહોતો. નિદાલના વકીલો અને કાનૂની નિષ્ણાતોએ તેની દલીલો વિશે કહ્યું હતું કે, નિદાલ એવું જ ઇચ્છતો હતો કે મને મોતની સજા ફરમાવવામાં આવે. તે પોતે જે કર્યું છે એને યોગ્ય ઠેરવી શહીદ સાબિત થવા માંગતો હતો.
નિદાલ હસન પરણેલો નથી. તેના પરિવારે તેના મેરજ માટે પ્રયાસો કર્યા હતા પણ મેળ પડ્યો નહોતો. આર્મીના ક્વાર્ટર્સમાં નિદાલ એકલો જ રહેતો હતો. નિદાલ હસનને મોતની સજા ફરમાવવામાં આવી એ પછી તેની પાસે દયાની અરજી કરવાનો વિકલ્પ હતો. બધાના આશ્ચર્ય વચ્ચે તેણે દયાની અરજી કરવાનો પણ ઇન્કાર કર્યો હતો. કોર્ટ કાર્યવાહી દરમિયાન નિદાલે જે વાતો કરી એ પણ તેની કટ્ટરવાદી વિચારસરણીનું જ ઉદાહરણ હતું. અદાલતે મોતની સજા ફરમાવી પછી તેને જાહેરમાં ગોળી મારવાનો નિર્ણય અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે કર્યો હતો. પીટ હેગસેથે કહ્યું કે, અમે એ સાબિત કરવા માંગીએ છીએ કે, દેશદ્રોહ અને જઘન્ય ગુનાઓના કેવા પરિણામ આવે છે. જે લોકો માર્યા ગયા છે એ લોકોના સ્વજનોએ સત્તર વર્ષ સુધી ચુકાદાની રાહ જોઇ છે. તેમને પણ ન્યાય અને માનસિક શાંતિ મળશે. અમેરિકાના જાહેરમાં મોતની સજાના આ નિર્ણયની ચર્ચા ચારેકોર થઇ રહી છે.
| અમેરિકામાં આ પહેલા 1961માં એક સૈનિકને મોતની સજા અપાઇ હતી અમેરિકામાં સૈનિકને મોતની સજા આપવાની ઘટના પૂરા 65 વર્ષ પછી બનવાની છે. આ પહેલા તારીખ 13મી એપ્રિલ, 1961ના રોજ જ્હોન આર્થર બેનેટ નામના સૈનિકને ફાંસી આપીને મોતની સજા આપવામાં આવી હતી. જ્હોન બેનેટ ઓસ્ટ્રિયામાં ફરજ પર હતો ત્યારે અત્યંત નશાની હાલતમાં તેણે ઓસ્ટ્રિયાની એક 11 વર્ષની બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્હોને તેને પાણીમાં ડુબાડીને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે એ બાળા બચી ગઇ હતી. અમેરિકાની મિલિટરી કોર્ટમાં તેની સામે કેસ ચાલ્યો હતો અને મોતની સજા ફરમાવી હતી. આખા કિસ્સામાં રસપ્રદ વાત એ છે કે, જે બાળકી પર બળાત્કાર થયો હતો તેણે અને તેના માતા-પિતાએ સૈનિકને મોતની સજા માફ કરવા અપીલ કરી હતી. તેમની અપીલને માન્ય રાખવામાં આવી નહોતી. જહોન બેનેટને જાહેરમાં ગોળી મારીને નહીં પણ ખાનગીમાં ફાંસી આપીને મોતની સજા અપાઇ હતી. |
