અમેરિકા અને ઇઝરાયેલનો વધુ માર ઇરાન ખમી શકે એમ નથી. જોવાનું એ છે કે, ઇરાન શરણે થશે કે ફના થશે?



આ યુદ્ધ જો લંબાયું તો વાત ત્રીજા વિશ્વયુદ્ધ સુધી પહોંચી શકે છે. ઇરાન પાસે પોતાના પડોશી દેશોમાં જ્યાં અમેરિકન સેના છે તેના પર હુમલા કરવાનો ઓપ્શન છે. ઇરાન પોતાના હુમલાઓ ઇઝરાયેલ સુધી મર્યાદિત રાખશે કે પછી વધુ જોખમ લેશે? ઇરાનના મિત્ર દેશો તેને મદદ કરવા આવશે કે કેમ? 

આખરે અમેરિકાએ ઇરાન પર સીધો હુમલો કરી જ દીધો. ઇઝરાયેલે ઇરાન પર હુમલાઓ શરૂ કરવાનું શરુ કર્યું એ પછી અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવી વાત કરી હતી કે, અમે ઇરાન પર હુમલો કરીશું. આવી વાત કર્યા પછી ટ્રમ્પે ફરી વિચાર માંડી વાળ્યો હતો. એ પછી તેમણે કહ્યું હતું કે, ઇરાન પર હુમલો કરવો કે નહીં તેનો નિર્ણય અમે બે અઠવાડિયામાં કરીશું. વધુ સમય બગાડ્યા વગર ટ્રમ્પે બીજા જ દિવસે ઇરાન પર હુમલો કરીને હલચલ મચાવી છે.

અમેરિકાએ ઇરાનના ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન અણુ મથકો પર હુમલા કર્યા છે. અમેરિકાના બી-2 બોમ્બર્સે ફોર્ડોમાં 30 હજાર પાઉન્ડ વજનના બંકર બસ્ટર બોંબ ઝીંક્યા છે. ઇરાનનું આ અણુમથક બંકરમાં આવેલું છે. અમેરિકાના બોંબ 200 ફૂટ નીચેના બંકરનો ખુરદો બોલાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત અમેરિકન નેવીની સબમરિન પરથી નતાંજ અને ઇસ્ફહાનના અણુ મથકો પર મિસાઇલો છોડવામાં આવી હતી.

અમેરિકાના હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આદત મુજબ કહ્યું કે, અગાઉ કોઇએ કર્યું ન હોય એવું અમે કરી બતાવ્યું છે. ઇઝરાયેલની સાથે ટીમ બનીને અમે આ કામ કર્યું છે. જરૂર પડ્યે ઇરાન પર વધુ હુમલાની તૈયારીઓ હોવાની વાત પણ ટ્રમ્પે કરી છે. અમેરિકાના હુમલાથી ઇઝરાયેલ ખુશખુશાલ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે, શાંતિ માટે શક્તિનો માર્ગ જ અપનાવવો પડે છે. અમેરિકાના હુમલા બાદ બ્રિટન સહિતના અમેરિકાના નજીકના દેશો તેમની પડખે ચડ્યા છે અને અમેરિકાના પગલાંને વાજબી ગણાવ્યો છે. બ્રિટને કહ્યું કે, ઇરાન વધુ સંઘર્ષ ટાળીને વાતચીત માટે તૈયાર થઇ જાય એ તેના હિતમાં છે.

ઇરાન હવે શું કરે છે તેના પર દુનિયાની નજર

ઇઝરાયેલ દસ દિવસથી ઇરાન પર હુમલાઓ કરતું હતું. હવે અમેરિકા પણ મેદાનમાં આવી ગયું છે. ઇરાન ઇઝરાયેલ પર તો એટેક કરી જ રહ્યું હતું પણ હવે અમેરિકાના હુમલા બાદ ઇરાન શું કરે છે એ સોથી મોટો સવાલ છે. અમેરિકા પર સીધો હુમલો કરવો ઇરાન માટે સહેલો નથી. ઇરાનના પડોશી દેશોમાં અમેરિકન સેનાની હાજરી છે. ઇરાન તેના પર હુમલા કરી શકે છે. અલબત્ત, જો ઇરાન એવું કરે તો પડોશી દેશો પણ તેની સામે લડવા મેદાનમાં આવી જાય. ઇરાને એપ્રિલ મહિનાના પહેલા વિકમાં છ દેશ ઇરાક, કુવૈત, યુનાઇટેડ આરબ અમિરાત, કતાર, તુર્કિયે અને બહેરીનને એવી ધમકી આપી હતી કે, ઇઝરાયેલ અને અમેરિકા સાથે યુદ્ધ થાય તો તમે દૂર જ રહેજો.

તમે તમારી જમીનનો ઉપયોગ કરવા દીધો છે તો અમે તમારી સામે પણ લડી લેશું. અમેરિકાના હુમલા બાદ ઇરાન અને ઇઝરાયેલ બંનેએ એક-બીજા પર હુમલાઓ તેજ કર્યા છે. યુદ્ધના નિષ્ણાતો કહી રહ્યા છે કે, ઇરાન ઇઝરાયેલ અને અમેરિકા સામે બહુ લાંબી ઝીંક ઝીલી શકે એમ નથી. ઇરાન જેટલું લડવા જશે એટલું વધુ તબાહ થશે. ઇરાન માટે સારી વાત એ જ રહેશે કે, યુદ્ધને લાંબું ખેંચવાને બદલે વહેલી તકે શાંતિ મંત્રણાના રસ્તે આગળ વધે. જો કે, ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલા ખોમૈની યુદ્ધવિરામ માટે તૈયાર થશે કે કેમ એ સવાલ છે.

રશિયા, ચીન અને બીજા દેશો કંઇ કરશે ખરા?

રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને અમેરિકાને એવી ચેતવણી આપી હતી કે, ઇરાન પર હુમલો કરતા પહેલા વિચાર કરજો, એના પરિણામો સારા નહીં હોય. પુટિને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ સાથે પણ વાત કરીને આ યુદ્ધ વિશે ચર્ચા કરી હતી. તુર્કિયે અને પાકિસ્તાન પણ ઇરાનની પડખે રહ્યા છે. પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરને તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા બોલાવીને સમજાવી દીધા હોય એવું લાગે છે કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો દૂર જ રહેજો. પાકિસ્તાન કંઇ કરે એવું લાગતું નથી. તુર્કિયે પણ કોઇ જોખમ લેશે નહીં એવું અત્યારે તો લાગે છે. નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન રશિયા અને ચીનની ચડામણીથી ઇરાનને પાછલા બારણેથી મદદ કરે એવી શક્યતા રહે છે.

રશિયા અને યુક્રેન તથા ઇઝરાયેલ અને હમાસ યુદ્ધના કિસ્સાઓમાં આખી દુનિયાએ જોયું છે કે, યુદ્ધ શરૂ થયા પછી કંઇપણ થઇ શકે છે. આ બંને યુદ્ધ આટલા લાંબા ચાલશે એની કોઇએ કલ્પના કરી નહોતી. હવે ઇરાનનું યુદ્ધ પણ કેટલું ખેંચાય છે એના પણ ઇરાનના ભવિષ્યનો ઘણો બધો આધાર રહેવાનો છે. ઇઝરાયેલના હુમલાઓમાં ગાઝા અને રશિયાના હુમલાઓમાં યુક્રેન ખંડેર થઇ ગયું છે. ઇરાન જો નહીં સમજે તો તેના હાલ પણ ખરાબ જ થવાના છે.

અમેરિકાએ ઇરાનના લોકોને તહેરાન ખાલી કરી દેવાનું કહ્યું છે. લોકો તહેરાન છોડીને ભાગી રહ્યા છે. ઇરાનમાં કેટલા લોકોના મોત થયા તેનો સાચો આંકડો બહાર આવ્યો નથી પણ પાંચસોથી વધુ લોકોના જીવ ગયા હોવાનું મનાય છે. લડવાનો નિર્ણય સત્તાધીશો કરે છે અને ભોગ નિર્દોષ લોકો બને છે. ઇઝરાયેલ અને અમેરિકાએ આ વખતે ઇરાનનું કાયમ માટે પૂરું કરી નાખવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. ઇરાનના ભવિષ્ય સામે અનેક સવાલો લાગી ગયા છે. સ્થિતિ હજુ વણસે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે!


આયોતોલા ખોમૈનીનું શું થશે એના વિશે તર્કવિતર્ક : ઇરાનમાં સત્તા પરિવર્તન થશે?
ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખોમૈની 86 વર્ષના છે. ઇઝરાયેલ અને અમેરિકાએ પહેલી વખત આયાતોલા ખોમૈનીને મારી નાખવાની ચોખ્ખી વાત કરી છે. ઇઝરાયેલ ડ્રોનથી ટાર્ગેટ કરીને કોઇ પણ વ્યક્તિને મારવામાં સક્ષમ છે. ઇરાને ખોમૈનીને સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા છે. એ કોઇ બંકર જ હોવાનું છે. અમેરિકાએ ત્યાં સુધીની વાત કરી છે કે, ખોમૈની ક્યાં છે એની અમને ખબર છે. સામા પક્ષે ખોમૈનીએ પણ અમેરિકા અને ઇઝરાયેલને જોઇ લેવાની ધમકી આપી છે. આ દરમિયાનમાં એવા સમાચારો પણ વહેતા થયા છે કે, આયાતોલા ખોમૈનીએ પોતાનો ઉત્તરાધિકારી નક્કી કરી લીધો છે.

તેમણે ત્રણ મૌલવીઓના નામો આપ્યા છે. આ ત્રણમાંથી એક ઇરાનના સર્વોચ્ચ નેતા બનશે. એ ત્રણમાં પણ પહેલા, બીજા અને ત્રીજો એમ ક્રમ આપ્યા હોય એવી શક્યતા વર્તાઇ રહી છે. અલબત્ત, તેમણે પોતાના ઉત્તરાધિકારીના નામ જાહેર નથી કર્યા. નામ જાહેર કરે તો એ શક્યતાઓ પણ રહે કે, અમેરિકા કે ઇઝરાયેલ તેને ખોમૈની પહેલા જ ખતમ કરી દે! આયાતોલા ખોમૈનીએ ઉત્તારાધિકારી તરીકે પોતાના પુત્ર મોજતબાનું નામ આપ્યું નથી. મોજતબા પણ મૌલવી છે અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડસ કોરની નજીક છે. હવે તેના નામ પર ચોકડી લાગી ગઇ છે. અમેરિકાની દાનત તો ઇરાનમાં સત્તાપરિવર્તન કરીને પોતાના ગમતા માણસને સત્તા સોંપવાની છે. એની આ મહેચ્છા પૂરી થશે કે કેમ એ જોવાનું રહેશે!


  • Follow us on: