ડર્ટી બોમ્બનો ઉદ્દેશ કોઇને મારવા કરતા વધુ દહેશત ફેલાવવાનો હોય છે. ડર્ટી બોમ્બ સામાન્ય વિસ્ફોટ કરે છે અને કિરણોત્સર્ગી ધૂળ અને ધુમાડો ફેલાવે છે. ભય અને અસ્થિરતા સર્જવાની સાથે એ ચેતવણી પણ આપવામાં આવે છે કે, કંઇ કરવું હોય તો આટલી વાર લાગે

ઇરાન ડર્ટી બોમ્બ દ્વારા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમના અધિકારીઓને ટાર્ગેટ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વાત બીજા કોઇએ નહીં પણ ખુદ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ કરી છે. જેવી આ વાત બહાર આવી કે તરત જ પ્રેસિડેન્ટ ટ્રમ્પ એની આદત મુજબ મેદાનમાં આવી ગયા અને કહ્યું કે, જો કંઇ કર્યું છે તો તમારી હાલત બગાડી નાખીશ. અમેરિકા અને ઇરાનનું યુદ્ધ અત્યારે અટકેલું છે. યુદ્ધ ખતમ થયું નથી. આ બ્રેકના સમયમાં ઇરાન ચૂપ ભલે લાગતું હોય પણ એ બહુ મોટા પ્લાનિંગ કરી રહ્યું છે.

અમેરિકન ઇન્ટેલિજન્સે પોતાના અહેવાલમાં ત્યાં સુધીની વાત કરી છે કે, ઇરાન વોશિંગ્ટન ડીસીમાં ગમે ત્યારે ડર્ટી બોમ્બથી હુમલો કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા લોરેન બિસે કહ્યું કે, અમે ભવિષ્યના તમામ ખતરા પર નજર રાખી રહ્યા છે. ડર્ટી બોમ્બના અહેવાલ પછી અમેરિકાના સુરક્ષા તંત્રને ટેન્શન થઇ ગયું છે. વોશિંગ્ટન ડીસીમાં જબરદસ્ત બંદોબસ્ત લાદી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ અમેરિકા સહિત આખી દુનિયામાં વધુ એક વખત ડર્ટી બોમ્બ ચર્ચાનો વિષય બન્યો છે. 

શું છે ડર્ટી બોમ્બ? કેવી રીતે કામ કરે છે?

ડર્ટી બોમ્બને વૈજ્ઞાનિક ભાષામાં રેડિયોલોજિકલ ડિસ્પર્સલ ડિવાઇસ કહેવામાં આવે છે. આ બોમ્બમાં પરંપરાગત વિસ્ફોટકો સાથે કિરણોત્સર્ગ ફેલાવી શકે તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ડર્ટી અને ન્યૂક્લિયર બોમ્બ વચ્ચે મોટો તફાવત છે. પરમાણુ બોમ્બ પ્રચંડ વિસ્ફોટ કરે છે અને લાખો લોકોના જીવ લઇ લે છે. ડર્ટી બોમ્બમાં સામાન્ય વિસ્ફોટ થાય છે અને કિરણોત્સર્ગ ફેલાય છે. કોઇ ચોક્કસ વિસ્તારમાં ભય ફેલાવવા માટે આ બોમ્બનો ઉપયોગ થાય છે. ડર્ટી બોમ્બ પરમાણુ હથિયાર કરતા અલગ પ્રકારનું રેડિયોલોજિકલ વેપન છે. અલબત્ત, ડર્ટી બોમ્બની અસરો ગંભીર જ હોય છે. ડર્ટી બોમ્બની સૌથી મોટી સમસ્યા એ છે કે, જ્યારે આ બોમ્બનો ઉપયોગ થાય ત્યારે એ ખબર નથી હોતી કે, આ ડર્ટી બોમ્બ છે કે પરમાણુ બોમ્બ? એના કારણે જબરદસ્ત ભય ફેલાય છે.

ઇરાન ડર્ટી બોમ્બનો ઉપયોગ કરીને અમેરિકામાં દહેશત ફેલાવવા જ ઇચ્છતું હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના ગુપ્તચર અહેવાલો બાદ ઇરાને કહ્યું છે કે, અમેરિકા પર ડર્ટી બોમ્બના ઉપયોગની તૈયારીની વાતો ખોટી છે. બીજો સવાલ એ પણ છે કે, ઇરાન કેવી રીતે અમેરિકા સુધી ડર્ટી બોમ્બ પહોંચાડી શકે? જો ઇરાન કોઇ પણ રીતે અમેરિકામાં જ પોતાના લોકો પાસે ડર્ટી બોમ્બ તૈયાર કરાવે તો જ એ શક્ય બને એવું છે. એ કામ જરાયે સહેલું નથી. અમેરિકાની સુરક્ષા એજન્સીઓ તીણી નજર કરીને એ ચેક કરી રહ્યા છે કે, આવી કોઇ ગતિવિધિ તો ક્યાંય ચાલતી નથીને? 

કેટલા દેશ પાસે ડર્ટી બોમ્બ છે?

દુનિયામાં કેટલા દેશો પાસે ડર્ટી બોમ્બ છે એ વિશે કોઇ ચોક્કસ વિગતો બહાર આવી નથી. અનેક દેશો પાસે આવા બોમ્બ હોવાનું માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી રેડિયોએક્ટિવ સામગ્રીની સુરક્ષા અને તેની હેરફેર પર નજર રાખે છે. આ એજન્સીનું કહેવું છે કે, અનેક દેશો પાસે ડર્ટી બોમ્બ છે. ઇરાન પાસે બોમ્બ છે કે નહીં એની કોઇને ખબર નથી. ઇરાન પાસે ડર્ટી બોમ્બ હોવો જોઇએ, તો જ અમેરિકાની એજન્સી આવી વાત કરે. અત્યાર સુધીમાં કોઇ દેશે ડર્ટી બોમ્બનો ઉપયોગ કર્યો નથી. ડર્ટી બોમ્બના કિસ્સાઓમાં વર્ષ 1995માં રશિયાના મોસ્કોમાં બનેલી એક ઘટના સૌથી વધુ નોંધપાત્ર રહી છે. ચેચન્યા સાથે સંકળાયેલા બળવાખોર નેતા શામિલ બસાયેવે રશિયન ટેલિવિઝનને કહ્યું હતું કે, મોસ્કોના ઇઝમાયલોવસ્કી પાર્કમાં એક શંકાસ્પદ ઉપકરણ દાટવામાં આવ્યું છે.

એ ગમે ત્યારે વિસ્ફોટ સર્જશે. આ વાત પછી રશિયાની સુરક્ષા એજન્સીઓ ધંધે લાગી ગઇ હતી. પાર્કમાંથી સીઝિયમ-137 નામના રેડિયોએક્ટિવ પદાર્થ ધરાવતું એક કન્ટેનર મળી આવ્યું હતું. એ પછી 1998માં ચેચન્યાના જ અર્ગુન વિસ્તારમાં રેલવે ટ્રેકની નજીકથી વિસ્ફોટકો સાથે રેડિયોએક્ટિવ પદાર્થ ધરાવતું કન્ટેનર મળ્યું હતું. આ બંને ઘટનાએ એવું સાબિત કર્યું હતું કે, ચેચન આતંકવાદીઓ પાસે રેડિયોએક્ટિવ પદાર્થો છે. એ સમયથી સૌથી મોટી ચિંતા એ જ વાતની છે કે, કોઇ આતંકવાદી સંગઠનોએ જો ડર્ટી બોમ્બનો ઉપયોગ કર્યો તો હાલત ખરાબ થઇ જવાની છે. 

ઇરાનના ડર્ટી બોમ્બના અહેવાલો વિશે એવી ચર્ચાઓ પણ થઇ રહી છે કે, અમેરિકાને ડરાવવા માટે જ ઇરાન આવું બધું કરી રહ્યું છે. ઇરાનને ખબર છે કે, જો ડર્ટી બોમ્બનો ઉપયોગ કર્યો તો અમેરિકા અમારી હાલત ખરાબ કરી નાખશે. નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે, યુદ્ધના સમયમાં કંઇ પણ થઇ શકે છે. અમેરિકા એટલે જ સતર્ક થઇ ગયું છે. અમેરિકાને ડરાવવામાં ઇરાનને મજા આવી રહી છે. એ વાત જુદી છે કે, આવી મજા ક્યારેક સજા બની જાય છે અને ખતરનાક સાબિત થાય છે. ઇરાનના મિત્ર દેશો પણ તેને સમજાવી રહ્યા છે કે, ડર્ટી બોમ્બના ઉપયોગના જોખમો લેતા નહીં. જો એવું થયું તો ઘણું બધું ન થવાનું થઇ જશે. 


અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે : ટ્રમ્પ આખરે શું કરવા ધારે છે?
અમેરિકા અને ઇરાન યુદ્ધને સાડા આઠ મહિના થઇ ગયા છે. હજુ યુદ્ધનો કોઇ નિવેડો આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ મિડ ટર્મ ઇલેકશન હારી ગયા તેનું સૌથી મોટું કારણ ઇરાન યુદ્ધ જ છે. ઇરાન યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે બાંધેલી તમામ ગણતરીઓ ઊંધી પડી ગઇ છે. માત્ર અમેરિકાએ જ નહીં, આખી દુનિયાના તમામ દેશોએ આ યુદ્ધના પરિણામો ભોગવવા પડ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અંદરખાને યુદ્ધ પતે એવું ઇચ્છી રહ્યા છે પણ દુનિયામાં પોતાની તંગડી ઊંચી રાખવા જાતજાતની વાતો કરતા રહે છે. હમણાં ફિલિપાઇન્સના મનીલાની મુલાકાત દરમિયાન પણ ટ્રમ્પે કહ્યું કે, ઇરાનને પરમાણુ હથિયારો બનાવવા દઇ શકાય નહીં, ઇરાન જો નહીં માને તો વધુ ભયંકર હુમલાઓ કરીશું. ટ્રમ્પ લગભગ રોજ ઇરાનને ધમકી આપી રહ્યા છે. ઇરાને જાણે ટ્રમ્પને ગણકારવાનું જ બંધ કરી દીધું છે. ઇરાને કહ્યું છે કે, જ્યાં સુધી અમારી શરતો માનવામાં નહીં આવે ત્યાં સુધી સમાધાન થવાનું નથી. ઇરાન યુદ્ધના મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર શું કરવા ધારે છે એ કોઇને સમજાતું નથી.