સોશિયલ મીડિયા પર સ્ટેન્ડઅપ કોમેડીના નામે વલ્ગર વાતો ચાલતી રહે છે. સંસ્કાર, મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતોને નવે મૂકીને ગલીપચી થાય એવું બોલાતું રહે છે. હોબાળો મચે પછી માફી માંગી લેવાથી વાત પૂરી થઇ જાય? સમાજ પર થતી અસરોનું કંઇ નહીં?

દરેકના હાથમાં ફોન છે અને દરેક ફોનમાં સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા આજના હાઇટેક સમયનું અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. સ્ટેન્ડઅપ કોમેડી અને રીલ્સના નામે જે ચાલી રહ્યું છે એ જોઇને એવો સવાલ થયા વગર ન રહે કે, આવું થોડું હોય? કંઇ લાજશરમ કે સંસ્કાર જેવું છે કે નહીં? શું લોકોની સંવેદનાઓ આડા પાટે ચડી ગઇ છે? દર થોડા દિવસે સોશિયલ મીડિયાની કોઇને કોઇ પોસ્ટના કારણે વિવાદો થતાં રહે છે. હવે આમાં વધુ બે ઘટનાનો ઉમેરો થયો છે. સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરેના લાઇવ કોમેડી શો ક્રાઉડ વર્કમાં બનેલી બે ઘટનાએ લોકોને મોટો આંચકો આપ્યો છે.

ગર્લફ્રેન્ડને ખવડાવેલી રૂપિયા 370ની બિરયાની વસૂલ કરવાની વાતે હોબાળો મચાવ્યો છે. તેનાથી પણ વધુ ધૃણાસ્પદ એક મહિલા ડોકટરે કરેલી વાત છે. દેહદાનમાં મળેલા મૃતદેહોના પ્રાઇવેટ પાર્ટની સાઇઝ વિશે એ છોકરીએ જે વાત કરી એ બધાને હચમચાવી નાખે એવી છે. એને આવું બોલતા પહેલા જરાયે વિચાર નહીં આવ્યો હોય? સોશિયલ મીડિયા પર હોબાળો થાય એ પછી જે લોકોએ વિવાદો સર્જ્યા હોય એ પાછા સોશિયલ મીડિયા પર આવીને મારી ભૂલ થઇ ગઇ એવું કહીને માફી માંગી લે છે.

સવાલ એ થાય કે, માફી માંગી લેવાથી વાત પૂરી થઇ જાય? તમે જે વાત કરી છે એની સમાજ પર શું અસર થાય છે એની ક્યારેય કલ્પના કરી છે? હલકી મનોવૃતિનું પ્રદર્શન કરીને તમે કરોડો લોકોના દિલ દુભાવો છો અને લોકોને વિચારતા કરી મૂકો છો કે અત્યારની જનરેશન આવું જ વિચારે છે? બધા યંગસ્ટર્સ તમારા જેવા નથી. સારા, મહેનતુ અને ફોકસ્ડ યંગસ્ટર્સની સંખ્યા વધુ છે. થોડાક યુવાનોની બેફામ વાતોના કારણે સારા યંગસ્ટર્સ પણ બદનામ થાય છે. 

ડોક્ટરની વાત બધાને ડિસ્ટર્બ કરી ગઇ છે

પ્રણિત મોરેના શોમાં મુંબઇની એક જાણીતી હોસ્પિટલની મેડિકલ સ્ટુડન્ટ ડોક્ટર સેજલ પવાર આવી હતી. પ્રણિત સાથે વાત કરતી વખતે ડોક્ટર સેજલે કહ્યું કે, મેડિકલમાં એનાટોમી ક્લાસ દરમિયાન તેની સામે પુરૂષોના મૃતદેહો લાવવામાં આવે છે. અમે મૃતદેહોના પ્રાઇવેટ પાર્ટની સાઇઝ વિશે સાથી મેડિકલ સ્ટુડન્સ સાથે હસી મજાક કરીએ છીએ. એ જે બોલી એ અહીં લખવામાં પણ સંકોચ થાય એવું છે. આ ડોક્ટર યુવતીની વાત સાંભળીને કોમેડિયન પ્રણિત મોરે પણ ખિખિયાટા કાઢતો હતો. એ છોકરીએ મેડિકલ એથિક્સના સરાજાહેર ધજાગરા કર્યા હતા. તેની વાત પછી એવી ચર્ચાઓ ચાલી છે કે, કોઇ છોકરા ડોક્ટરે જો મહિલાઓના મૃતદેહ અને અંગો વિશે આવી વાત કરી હોત તો? લોકો તેના પર તૂટી જ પડ્યા હોત કે તમારે મા બહેન નથી? એના કરતા પણ મહત્ત્વની વાત એ છે કે, જે લોકો દેહદાન કરે છે એનું આ કેવડું મોટું અપમાન છે.

નોબલ કોઝ અને મેડિકલ રિસર્ચ માટે લોકો પોતાની બોડી ડોનેટ કરતા હોય છે. આ એક મહાન કામ છે. જે લોકો દેહદાનની જાહેરાત કરે છે એ વંદનીય લોકો છે. આવી વાતો પછી જે લોકો દેહદાન કરવાનું ઇચ્છતા હોય એને કેવા કેવા વિચારો આવી જશે? એ છોકરીની વાતથી દેહદાનના શુભ આશયના કામને ધક્કો પહોંચવાનો છે. આખી ઘટના મામલે હોબાળો મચ્યો પછી ડો. સેજલ પવારે બધાની માફી માંગી અને કહ્યું કે, મારી ભૂલ થઇ ગઇ. મારે આવું કરવું જોઇતું નહોતું. તમારે જે કરવું હતું એ તો તમે કરી નાખ્યું. માત્ર લોકો જ નહીં, મેડિકલ ફેટરનીટીએ પણ આ ડોક્ટરની વાતને અશોભનીય અને વિકૃત ગણાવી છે. 

370ની બિરયાની વસૂલ કરવાની વાત શું છે?

કોમેડિયન પ્રણિત મોરેના જ શો માં હિમાંશુ જાગડા નામના 23 વર્ષના એક વેબ ડેવલપરે યુવાને એક છોકરી સાથે ડેટિંગની ઘટનાની વિકૃત વાત કરી હતી. આ છોકરો તેની પ્રેમિકા સાથે ડેટ પર ગયો હતો. એક રેસ્ટોરન્ટમાં તેણે પોતાની પ્રેમિકાને રૂપિયા 370ની ચિકન બિરયાની ખવડાવી હતી. બાદમાં છોકરીએ તેને ઘરે છોડી જવાનું કહ્યું હતું. તેણે કહ્યું કે, મારે 370ની બિરયાની તો વસૂલ કરવાની હતીને! એ છોકરીને તે એક ગાર્ડનમાં લઇ ગયો. છોકરી સાથે અંધારામાં તેણે શું કર્યું તેની બધી વાત તેણે બેશરમીથી કરી હતી. કોમેડિયન પ્રણિત મોરે સહિત આ શો માં હાજર તમામ લોકો ખી ખી કરીને હસતા હતા. પ્રણિત મોરેએ આ છોકરાને ઇનામ પણ આપ્યું.

હિમાંશુ જાગડાની આ વાતથી લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટના મહિલાઓનું અને તેની લાગણીઓનું ઘોર અપમાન છે. જે યંગસ્ટર્સ આવું જોવે એને શું વિચાર આવવાના છે? આવું તો હોય, આવું તો કરાય, એવું જ વિચારશેને? પ્રેમિકા પાછળ કરાતા ખર્ચને આ રીતે વસૂલ કરવાની વાત જ કેટલી ગંદી, વિકૃત અને ધૃણાસ્પદ છે? આ ઘટના પછી ગુરૂગ્રામની જે કંપનીમાં એ નોકરી કરતો હતો ત્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો છે. પ્રણિત મોરે સામે પણ સવાલો ખડા થયા છે. તેના ફોલોઅર્સ મિલિયન્સમાં છે. ચીપ કોમેડીના નામે ચરી ખાનારા પ્રણિત મોરે જેવા કોમેડિયનોની સોશિયલ મીડિયા પર કમી નથી. કરૂણતા એ છે કે, આવું બધું ચાલતું રહે છે અને તેને લાખોની સંખ્યામાં ફોલોઅર્સો પણ મળતા રહે છે. વાણી સ્વતંત્રતાના નામે કંઇ પણ કરવાનું? કોઇ પૂછવાવાળું કે રોકવાવાળું જ નથી?  


કોમેડીમાં સેક્સ અને ગંદી વાતો સિવાય કંઇ છે નહીં? હલકા હાસ્યની બોલબાલા
સ્ટેન્ડઅપ કોમેડીના નામે ચાલતા ભવાડાએ એ સવાલ પેદા કર્યો છે કે, કોમેડીના નામે સેક્સ અને ગંદી વાતો સિવાય કંઇ બચ્યું જ નથી કે શું? ગયા વર્ષે સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના શારીરિક સંબંધો વિશે અયોગ્ય વાત કરી હતી. સોશિયલ મીડિયા પર આવું કરનારાઓનું તો લાંબુ લિસ્ટ છે. પત્ની વિશે પણ કેટલાંક કોમેડિયનો ગંદી વાતો કરતા રહે છે.

આ બધાએ ભેગા મળીને કોમેડીને જ વિકૃત બનાવી દીધી છે. નિર્ભેળ હાસ્ય ગાયબ થઇ ગયું છે. જોક્સ ગંદા થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર ગાળો બોલનારા, બિભત્સ હરકતો કરનારા અને પોતાના અંગો બતાવીને ફોલોઅર્સ મેળવનારાઓની મોટી ફોજ છે. લોકો પણ લાંબુ વિચાર્યા વગર તેને ફોલો કરી રહ્યા છે. જે લોકો આવા બધાને ફોલો કરે છે એ પણ કંઇ ઓછા જવાબદાર નથી. આવું જ જોવાય છે અને આવું જ ચાલે છે એવું માનીને સોશિયલ મીડિયા પર લોકો મન ફાવે એવું કરી રહ્યા છે. જે રીતે બધું ચાલી રહ્યું છે એ બહુ ખતરનાક અને જોખમી છે. 


  • Follow us on: