| ઇઝરાયેલના હુમલા એ વાત સાબિત કરે છે કે, વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને યુદ્ધ પૂરું કરવામાં કોઇ રસ નથી. ઇરાન પણ લડી લેવાના મૂડમાં છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને જેમ બને એમ વહેલીતકે યુદ્ધ ખતમ કરવું છે પણ તેમનું કંઇ ચાલતું નથી |
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા ઇરાન યુદ્ધ પતાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના અંત માટેની એક શરત એ હતી કે, ઇઝરાયેલ લેબેનોનમાં હિઝબુલ્લાહ પર હુમલાઓ નહીં કરે. ઇઝરાયેલે અમેરિકાના આગ્રહ છતાં લેબેનોન પર હુમલાઓ ચાલુ રાખ્યા. એક તબક્કે તો ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને પાગલ કહીને લેબેનોન પર હુમલા બંધ કરવા ધમકાવ્યા હતા. નેતન્યાહૂએ કહ્યું કે, અમે હુમલાઓ ચાલુ રાખવાના છીએ. અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને તારીખ 28મી ફેબ્રુઆરી, 2026ના રોજ ઇરાન પર હુમલા કરીને યુદ્ધ છેડી દીધું હતું. ચાલીસ દિવસ યુદ્ધ ચાલ્યું હતું.
આ યુદ્ધ દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલની તમામ ગણતરીઓ ઇરાને ખોટી પાડી હતી. આખરે અમેરિકાએ તારીખ 8મી એપ્રિલ, 2026ના રોજ યુદ્ધવિરામ જાહેર કર્યું હતું. યુદ્ધવિરામ બાદ બંને દેશો પોતપોતાની શરતો મૂકતા રહ્યા. પાકિસ્તાનમાં બેઠકો પણ થઇ. જોકે, સમાધાન સુધી પહોંચી શકાયું નહીં. યુદ્ધવિરામના 61 દિવસ બાદ ઇરાન અને ઇઝરાયેલે નવેસરથી એક-બીજા પર હુમલાઓ કરતા વધુ એક વખત યુદ્ધ સામે અનેક સવાલો સર્જાયા છે. જે થઇ રહ્યું છે એ જોઇને નિષ્ણાતો કહી રહ્યા છે કે, આવું જ ચાલ્યું તો યુદ્ધ વકરી શકે છે. ટ્રમ્પ ડીલની વાતો કરી રહ્યા છે. રોજ નવી ધમકીઓ આપી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ ટ્રમ્પે ધમકી આપી હતી કે, જો ઇરાન યુરેનિયમ નહીં સોંપે તો અમે હુમલા કરીને યુરેનિયમ પડાવી લેશું. તાજા હુમલાઓએ ટ્રમ્પનું ટેન્શન વધારી દીધું છે. ગમે કે ન ગમે, અમેરિકા પાસે ઇઝરાયેલને સાથ આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ પણ બચ્યો નથી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂનો ઇરાદો પહેલેથી યુદ્ધ ખતમ કરવાનો નથી. નવા હુમલાની શરૂઆત ઇરાને કરતા ઇઝરાયેલને વળતો પ્રહાર કરવાનું બહાનું મળી ગયું છે.
ઇરાનના હુમલા અને ઇઝરાયેલનો પ્રહાર
ઇરાને રવિવારે રાતે ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઇલો છોડી. ઇરાનના દાવા મુજબ તેણે ઇઝરાયેલના નેવાતિમ, તેલ નોફ અને રામત ડેવિડ એરબેઝને નિશાન બનાવ્યા છે. ઇરાને એમ પણ કહ્યું કે, ઇઝરાયેલ લેબેનોન પર સતત હુમલા કરી રહ્યું છે એટલે અમે ઇઝરાયેલ પર હુમલા કર્યા છે. ઇરાનના હુમલા બાદ ઇઝરાયેલે પણ ઇરાન પર મિસાઇલોનો મારો કર્યો. ઇઝરાયેલે ઇરાનના તહેરાન, ઇસ્ફહાન અને તબરીઝ પર હુમલા કર્યા છે. યમનથી હૂથીઓએ પણ ઇઝરાયેલ પર હુમલા કર્યા. યુદ્ધવિરામ બાદ આ સૌથી મોટા હુમલા છે. સવાલ એ છે કે, આટલાથી પૂરું થશે કે વાત વણસી જશે? અમેરિકા શું કરશે એના વિશે પણ ચર્ચાઓ થઇ રહી છે.
દુનિયાના દેશોમાં ફરીથી ચિંતાના વાદળો છવાયા
ઇરાન યુદ્ધના કારણે આખી દુનિયા પહેલેથી જ ટેન્શનમાં છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાના કારણે દુનિયાના અનેક દેશોમાં ઉર્જા સંકટ પેદા થયું છે. પેટ્રોલ ડિઝલની અછતના કારણે અનેક દેશોની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. યુદ્ધવિરામ બાદ પણ હોર્મુઝ ખુલ્લું ન થતા દુનિયાના દેશોની દશામાં કંઇ ફેર પડ્યો નથી. ફરીથી હુમલાઓ શરૂ થતા દુનિયા પર જોખમ વધ્યું છે. ઇરાન આસાનીથી નમતું જોખે એવું લાગતું નથી. અમેરિકાની કોઇ વાત માનવા ઇરાન તૈયાર નથી. ઇરાનને એક વાત સમજાઇ ગઇ છે કે, અમેરિકાને યુદ્ધ લડવું નથી એટલે એ પોતાનું ધાર્યું કરવા મથી રહ્યું છે.
હોર્મુઝ તો ઓલરેડી બંધ છે, હવે ઇરાને બીજો દરિયાઇ માર્ગ બાબ અલ મંદેબ પણ બંધ કરી દેવાની ધમકી આપી છે. લાલ સમુદ્ર અને એડનની ખાડીને જોડતો આ બાબ અલ મંદેબ દરિયાઇ માર્ગ એશિયા અને યુરોપ વચ્ચેના વેપાર માટે લાઇફલાઇન ગણાય છે. વિશ્વમાં ઓઇલનો 30 ટકા જથ્થો આ દરિયાઇ માર્ગ પરથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થયો તો હાલત કોઇને કલ્પના પણ ન આવે એવી થઇ જવાની છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના નવા હુમલાઓના કારણે વધુ એક વખત ઓઇલના ભાવ અને દુનિયાના દેશોના શેરબજારમાં ખળભળાટ મચ્યો છે.
ઇઝરાયેલ માનતું નથી એટલે અમેરિકા તેના પર ખફા છે. નેતન્યાહૂ ટ્રમ્પનો ઉલાળિયો કરી રહ્યા છે. ટ્રમ્પે જો પોતાની વાત મનાવવી હશે તો વધુ આકરાપાણીએ થવું પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલને એક હદથી વધારે છંછેડવાનું જોખમ લેવા ન માંગતા હોય એવું લાગી રહ્યું છે. અમેરિકા પર ખાડી દેશો સહિત આખી દુનિયાનું પ્રેશર વધી રહ્યું છે કે, ગમે તેમ કરીને યુદ્ધ રોકાવો. ખાડીના દેશોને એ વાતનો ભય સતાવે છે કે, ક્યાંક યુદ્ધ ફરી શરૂ થયું તો ઇરાન અમારા પર પણ હુમલા કરશે. ખાડીના દેશોને ઓલરેડી મોટું નુકશાન થઇ ગયું છે. હવે કોઇ નવો ફટકો એનાથી પણ સહન થાય એમ નથી. યુદ્ધ કેવા વળાંક લે છે તેના પર બહુ મોટો આધાર રહેવાનો છે. દુનિયા પરથી આફતોના વાદળો આસાનીથી હટે એવું લાગતું નથી.
ઇઝરાયેલ અમેરિકાની જાસૂસી કરી રહ્યું છે : બંનેના સંબંધો બગડે એવી શક્યતા
ઇરાન યુદ્ધના ઉતાર-ચડાવ વચ્ચે એ વાત બહાર આવી કે, ઇઝરાયેલ અમેરિકાની જાસૂસી કરી રહ્યું છે. અમેરિકા વતી યુદ્ધ ખતમ કરવા માટે ઇરાન સાથે વાટાઘાટો કરનાર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને બીજા કેટલાંક ટોપ લેવલના અધિકારીઓની જાસૂસી થતી હોવાની વાતો બહાર આવ્યા પછી પેન્ટાગોનની ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીએ અમેરિકામાં જાસૂસીના ખતરાને વધારીને ક્રિટિક્લ સ્ટેજમાં મૂકી દીધું છે. જાસૂસીના જોખમના કારણે અમેરિકાના અધિકારીઓએ પોતાના લેપટોપ અને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. અધિકારીઓ કમ્યુનિકેશન માટે બર્નર ફોન વાપરી રહ્યા છે. બર્નર ફોન સાદો મોબાઇલ છે. વાત કરીને અધિકારીઓ મોબાઇલ ફેંકી દે છે. આ ફોનને ટ્રેક કરવો મુશ્કેલ છે. ઇઝરાયેલને જાસૂસી કરીને એ જાણવું હોય છે કે, અમેરિકા ઇરાન સાથેનું યુદ્ધ પતાવવા માટે શું કરે છે? કંઇ એવું તો નથી થતુંને જેનાથી ઇઝરાયેલના હિતોને નુકશાન પહોંચે. ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે જાસૂસીના કિસ્સાઓ અગાઉ પણ બહાર આવ્યા છે. અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે આ ઇશ્યૂ વધુ સંવેદનશીલ બની ગયો છે. જાસૂસીના કારણે બંને દેશ વચ્ચેના સંબંધો બગડે એવી શક્યતાઓ પણ વર્તાઇ રહી છે. ઇઝરાયેલ પોતાના બચાવમાં એવું કહેતું રહે છે કે, અમે અમેરિકાની જાસૂસી કરતા નથી. જે આક્ષેપો થઇ રહ્યા છે એ ખોટા છે. અલબત્ત, ઇઝરાયેલની વાત માનવા કોઇ તૈયાર નથી.
|