| ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો સ્વાર્થ સાધવા માટે એનર્જી સીઝફાયર કરાવ્યું છે. એક તરફ અમેરિકાએ રશિયા પાસેથી ઓઇલ ખરીદનારાઓ સામે પગલાં ભરવા પોતાને ત્યાં કાયદો બનાવ્યો છે, બીજી તરફ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો કરાર કર્યો છે |
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાર્થી નિર્ણયો સવાલો પર સવાલો સર્જી રહ્યા છે. ટ્રમ્પે પોતાની રીતે જ જાહેર કરી દીધું કે, રશિયા અને યુક્રેન એનર્જી સીઝફાયર માટે રાજી થઇ ગયા છે. બંને દેશ બાકી જ્યાં હુમલાઓ કરવા હોય ત્યાં ભલે કરે પણ એક-બીજાના એનર્જી સ્થાનો પર હુમલા કરશે નહીં. ટ્રમ્પે આવું કરાવ્યું એનું કારણે અમેરિકાએ રશિયા સાથે કરેલી ઓઇલ સમજૂતી છે. અમેરિકા હવે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું છે. એક તરફ અમેરિકા પોતાને ત્યાં એવો કાયદો બનાવે છે કે, જે કોઇ દેશ રશિયા પાસેથી ઓઇલ ખરીદશે તેની સામે અમેરિકા પ્રતિબંધાત્મક પગલાંઓ ભરશે. બીજી તરફ અમેરિકા પાતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવા તૈયાર થઇ ગયું છે.
દુનિયાના નેતાઓ તેને ટ્રમ્પના ડબલ સ્ટાન્ડર્ડ કહે છે. આમ તો ટ્રમ્પ વિશે એવું કહેવાવા લાગ્યું છે કે, ડબલ સ્ટાન્ડર્ડની વાત તો જવા દો, ટ્રમ્પને કોઇ સ્ટાન્ડર્ડ જ નથી. એ કયા વિચારે બધા નિર્ણયો કરે છે એ કોઇને સમજાતું નથી. અમેરિકાના આર્થિક નિષ્ણાતો કહી રહ્યા છે કે, ટ્રમ્પ જે કરી રહ્યા છે એ અમેરિકાને શોભતું નથી. અમેરિકા સુપર પાવર કન્ટ્રી છે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે. તાકાતવરનો પોતાનો ગ્રેસ હોવો જોઇએ. તેણે બધાનું ભલું ઇચ્છવું જોઇએ. ટ્રમ્પ બીજાનું તો કંઇ નથી વિચારતા, અમેરિકા પણ મુશ્કેલીમાં મૂકાય એવી સ્થિતિ પેદા કરી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી વધતી જાય છે. શું થશે એની ચિંતા અમેરિકનોને સતાવી રહી છે. ટ્રમ્પને એનાથી કોઇ ફેર પડતો નથી. એને તો પોતાનું ધાર્યું જ કરવું છે.
એનર્જી સીઝફાયર વિશે શંકા—કુશંકા
ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચે એનર્જી સીઝફાયરની વાત કરી પણ એ બંનેનું શું? યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ પહેલા તો એવું કહ્યું કે, સીઝફાયરની વાત તેમના માટે એક સમાચાર છે. હું અમેરિકા પાસેથી આ અંગે વિગતો મળે તેની રાહ જોવ છું. બાદમાં તેમણે કહ્યું કે, જો તણાવ ઓછો થતો હોય તો મને કોઇ વાંધો નથી. રશિયા પણ સખણું રહે એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી. બીજી તરફ રશિયાના પ્રેસિડેન્ટ પુટિને સીઝફાયર મામલે ખાસ કોઇ વાત કરવાનું ટાળ્યું છે. એનર્જી સીઝફાયર લાંબુ ટકવાનું નથી એવું ઘણા લોકો માની રહ્યા છે. એનું કારણ એ છે કે, યુક્રેન અને રશિયા બંને હુમલાઓ તો ચાલુ જ રાખવાના છે. પુટિન કે ઝેલેન્સ્કી બેમાંથી કોઇ અંદરખાને કોઇપણ પ્રકારના સીઝફાયર માટે રાજી નથી. બંનેને કાં તો યુદ્ધ પૂરેપૂરું પતાવવું છે અને કાં તો છેક સુધી લડી લેવું છે. યુદ્ધ પતાવવામાં ટ્રમ્પનો મેળ પડતો નથી એટલે એ આવા બધા કરતૂતો કરતા રહે છે. અમેરિકા રશિયા પાસેથી કેટલું ઓઇલ ખરીદશે એ વિશે હજુ કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
અમેરિકાએ પોતાના જ કાયદાનો ઉલાળ્યો કર્યો
અમેરિકાએ તારીખ 2 ઓક્ટોબર, 2026ના રોજ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્કશનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ 2026 નામનો કાયદો પસાર કર્યો છે. આ કાયદા પછી સૌથી વધુ ટેન્શન ચીન અને આપણા દેશને થયું હતું. એવી વાતો ખૂબ ચાલી હતી કે, હવે અમેરિકા ગમે ત્યારે ચીન અને ભારત પર સો ટકા ટેરિફ લાદશે. એવું તો કંઇ ન થયું, ઉલટું અમેરિકાએ પોતે જ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું નક્કી કર્યું છે. એ હિસાબે અમેરિકાએ પોતે જ પોતાના દેશના કાયદોનો ઉલાળ્યો કર્યો છે. અલબત્ત, અમેરિકા માટે આ કોઇ નવાઇની વાત નથી. અમેરિકા પોતાના ફાયદા માટે જાતજાતના કાયદા બનાવે છે અને પોતાના સ્વાર્થ માટે એ કાયદાનો ભંગ કરવામાં પણ તેને કોઇ શરમ નડતી નથી.
અમેરિકા આખરે શું કરવા ધારે છે?
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દુશ્મનોને થાબડભાણાં કરી રહ્યા છે અને દોસ્તોને છેહ દઇ રહ્યા છે. રશિયા અને અમેરિકા પરંપરાગત દુશ્મનો છે. ટ્રમ્પ અત્યારે પુટિન કહે એ બધું જ કરવા તૈયાર રહે છે. યુક્રેન સાથેનું યુદ્ધ ખતમ કરવા માટે ટ્રમ્પે પુટિનની તમામ શરતો માનવા ઝેલેન્સ્કી પર દબાણ કર્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું કે, બાકીની શરતો માનવા તૈયાર છું પણ યુક્રેનની જમીન નહીં આપું. ટ્રમ્પ અમેરિકાના સાથી દેશોને પણ ધમકીઓ આપીને પોતાનું ધાર્યું કરાવવા મથતા રહ્યા છે. ટ્રમ્પના કારણે જ બ્રિટન, યુરોપિયન યુનિયન સહિતના દેશો હવે અમેરિકાથી સેઇફ ડિસ્ટન્સ રાખી રહ્યા છે.
બધાને સમજાઇ ગયું છે કે, આ માણસને બહુ વતાવવા જેવો નથી. ટ્રમ્પની મુદત પૂરી થવા આડે હજુ બે વર્ષ અને ત્રણ મહિના જેટલો સમય બાકી છે. આ સમય સુધી ટ્રમ્પને સહન કરવા સિવાય દુનિયા પાસે બીજો કોઇ વિકલ્પ નથી. જે સમય બાકી છે એમાં પણ ટ્રમ્પ શું કરશે એ કહેવું મુશ્કેલ છે. અમેરિકા પોતે જ અત્યારે ઇરાન યુદ્ધમાં ફસાયેલું છે. આવતા મહિને તારીખ 3 નવેમ્બરના રોજ અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી છે. ટ્રમ્પની તેમાં હાર થાય એવી શક્યતાઓ વર્તાઇ રહી છે. કેટલાંક લોકો એવું પણ કહે છે કે, ટ્રમ્પ હાર્યા તો વધુ ભૂરાયા થશે. આ માણસના સ્ટાન્ડર્ડ ગમે ત્યારે બદલી અને બગડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ખાડીના દેશોને એના નસીબ પર નોધારા છોડી દીધા છે અમેરિકા પર આંઘળો વિશ્વાસ કરીને ગલ્ફના દેશો પસ્તાઇ રહ્યા છે. સાઉદી અરેબિયા પર અત્યારે હૂતીઓ હૂમલાઓ કરી રહ્યા છે. ટ્રમ્પે તેની સામે ધમકીઓ આપવા સિવાય કંઇ કર્યું નથી. ટ્રમ્પના કહેવાથી ગલ્ફના દેશો ઇરાન સામે લડવા મેદાને પડ્યા હતા. ઇરાને બધાની હાલત ખરાબ કરી નાખી છે. ટ્રમ્પે બધાને નોધારા મૂકી દીધા છે એટલે હવે એ બધા દેશો ઇરાન સાથે સીધી મંત્રણાઓ કરવા તૈયાર થઇ ગયા છે. દુનિયાના નિષ્ણાતો કહી રહ્યા છે કે, કોઇ પણ દેશ જ્યારે સંપૂર્ણપણે કોઇના ભરોસે બેસી રહે છે ત્યારે હાલ ખરાબ જ થાય છે. ખાડીના દેશોએ હવે પોતાની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવું પડશે. ટ્રમ્પે સુરક્ષા કવચ હટાવી દીધું છે. હવે એ બધા દેશોએ પોતાની જવાબદારી પોતે જ સ્વીકારવી પડશે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને તુર્કિયે સાથે મળીને સૈન્ય ગઠબંધન બનાવ્યું છે. બીજા દેશોએ પણ એ દિશામાં જ કામ કરવું પડશે. ઇરાન શક્તિશાળી સાબિત થયું છે. વાત હૂતીઓના હુમલાની હોય કે બીજી કોઇ હોય, ઇરાન પાછલા બારણે પોતાનું ધાર્યું જ કરી રહ્યું છે. અમેરિકાએ ખાડીના દેશોને સંઘર્ષમાં ધકેલી દઇને હાથ ઊંચા કરી દીધા છે. |