| ઇરાને કહ્યું કે, યુદ્ધ તમે શરૂ કર્યું છે, ખતમ અમે કરીશું. અમેરિકા અને ઇઝરાયેલનો ઇરાદો ઇરાનમાં સત્તા પલટાનો છે. ઇરાન કેવી અને કેટલી ઝીંક ઝીલે છે એના પર મોટો આધાર રહેવાનો છે. અમેરિકા અને ઇઝરાયેલ આ વખતે ફાઇટ ટુ ફિનિશના મૂડમાં હોય એવું લાગે છે
|
આખરે જેની શક્યતાઓ વર્તાતી હતી એ થઇને જ રહ્યું. અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઇરાન પર મોટા પાયે હુમલો કર્યો. છેલ્લા થોડા દિવસોથી જે ગતિવિધિઓ ચાલી રહી હતી એ જોઇને એવું કહેવાતું જ હતું કે, અમેરિકા ગમે ત્યારે ઇરાન સાથે યુદ્ધ છેડી દેશે. અમેરિકાએ કહ્યું, આ અમારી અને ઇઝરાયેલની જોઇન્ટ સૈન્ય કાર્યવાહી છે. ઇરાન પર હુમલા અમેરિકાના યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન પરથી કરવામાં આવ્યા. ઇરાને વળતા પ્રહારનું એલાન કરવાની સાથે એવું કહ્યું કે, યુદ્ધ શરૂ તમે કર્યું છે પણ પૂરું અમે કરીશું.
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા. કદાચ તેમની મુલાકાત શાંતિથી પતી જાય એ માટે જ ઇરાન પર મોડો હુમલો કરવામાં આવ્યો. બાકી તો ઘણા સમયથી એવી વાતો થઇ જ રહી હતી કે, અમેરિકા અને ઇઝરાયેલ ગમે ત્યારે ઇરાન પર હુમલો કરી દેશે. અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ સમજૂતી માટે બેઠકો ચાલતી હતી. જીનેવામાં મળેલી બંને દેશોના પ્રતિનિધિઓની બેઠક વિશે પહેલા એવું કહેવાયું કે, સકારાત્મક વાતો થઇ છે. બાદમાં એવું કહેવાયું કે, મંત્રણાઓ નિષ્ફળ ગઇ છે. અમેરિકાએ આમ તો ઘણા સમયથી યુદ્ધની તમામ તૈયારીઓ કરી જ રાખી હતી. અમેરિકાના જંગી યુદ્ધ જહાજો ઇરાનની નજીક ક્યારનાયે ગોઠવાઇ ગયા હતા. આ યુદ્ધમાં હવે ઇરાન કેવી અને કેટલી ઝીંક ઝીલે છે તેના પર ઘણો મોટો આધાર રહેવાનો છે.
ઇરાનના પરમાણુ મથકો મુખ્ય ટાર્ગેટ છે
ઇઝરાયેલ અને અમેરિકા બંને પહેલેથી કહેતા આવ્યા છે કે, ઇરાનને કોઇ પણ સંજોગોમાં પરમાણુ શક્તિ બનવા નહીં દઇએ. બંને દેશોનો મુખ્ય ટાર્ગેટ ઇરાનના પરમાણુ મથકો જ છે. ઇઝરાયેલ અને અમેરિકાએ યુદ્ધની શરૂઆત સાથે જ ઇરાનના સંરક્ષણ મંત્રાલય, ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખૌમેની અને જાસૂસી સંસ્થાની ઓફિસો, એટોમિક એનર્જી સંસ્થાન સહિતના સ્થળોએ હુમલા કર્યા હતા. અમેરિકા અને ઇઝરાયેલ બંનેને ઇરાન આંખમાં કણાંની માફક ખૂંચતું રહ્યું છે. અમેરિકાએ અનેક વખત ઇરાનને કહ્યું હતું કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો અમારી સાથે સીધી રીતે પરમાણુ સમજૂતી કરી લો. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધમાં ઇરાને માત્ર હમાસને જ નહીં, લેબેનોનના હિઝબુલ્લાહ, યમનના હૂતીઓ અને સીરિયાના લડાકુઓને તમામ પ્રકારની મદદ કરી હતી.
ઇરાને અગાઉ તો ત્યાં સુધીની ધમકીઓ આપી હતી કે, અમે ઇઝરાયેલનું નામોનિશાન નકશામાંથી મિટાવી દેશું. જોકે, ઇરાન એ વાત સારી રીતે સમજે છે કે, ઇઝરાયેલ સામે લડવું ખાવાના ખેલ નથી. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ દરમિયાન પણ ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાન પર સીધા હુમલાઓ કર્યા હતા. ઇરાને પણ ઇઝરાયેલ પર વળતા હુમલાઓ કર્યા હતા. ઇરાન એ વખતે પણ બહુ આક્રમક બન્યું નહોતું. હવે ઇરાનનો સીધો જંગ છે. ઇરાન માટે હવે જ ખરાખરીનો ખેલ છે.
ઇરાનને અડીને આવેલા છ દેશોમાં અમેરિકાની સેનાના થાણા છે. ઇરાન માટે સીધુ અમેરિકા કે ઇઝરાયેલ સુધી પહોંચવું અઘરું છે. ઇરાન પડોશી દેશોમાં આવેલા અમેરિકન સેનાના અડ્ડાઓ પર એટેક કરી શકે એમ છે. એ વાતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પહેલેથી જ તમામ તૈયારીઓ કરી રાખી છે. યુદ્ધ લંબાયું તો એક શક્યતા એ પણ છે કે, યુદ્ધની આગ પડોશી દેશો સુધી પણ પહોંચે. ઇરાને ગયા વર્ષે પોતાના પડોશી દેશો ઇરાક, કુવૈત, તુર્કિયે, યુનાઇટેડ આરબ અમિરાત, બહેરીન અને કતારને એવી ધમકી આપી હતી કે, અમેરિકાને યુદ્ધ માટે તમારી જમીન વાપરવા દીધી છે તો અમે તમારી સામે પણ લડી લેશું. યુદ્ધ નિષ્ણાતો એવું માને છે કે, ઇઝરાયેલ અને અમેરિકા સાથે મળીને જ ઇરાનમાં પોતાનું ધાર્યું કરી લેશે.
ઇરાનનો પણ મિસાઇલ મારો કરીને વળતો પ્રહાર
અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ ઇરાને પણ ઇઝરાયેલ પર મિસાઇલોથી મોટા પાયે હુમલો શરૂ કરી દીધો હતો. ઇઝરાયેલ પાસે ખમતીધર એર ડિફેન્સ સિસ્ટમ છે. ઇઝરાયેલનો આયર્ન ડોમ આખી દુનિયામાં જાણીતો છે. ઇઝરાયેલ અને અમેરિકા બંનેએ ઇરાનની મિસાઇલોને હવામાં જ તોડી પાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઇઝરાયેલ માટે પણ આ યુદ્ધ ઓછું જોખમી નથી. શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં અગાઉ ઇરાનની ઘણી મિસાઇલો ઇઝરાયેલની ધરતી સુધી પહોંચી ગઇ હતી. આ વખતે યુદ્ધ શરૂ થયું એ સાથે જ યુદ્ધે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે.
અમેરિકાનો ઇરાદો ઇરાનમાં સત્તા પલટો કરવાનો છે
ઇરાન સાથે યુદ્ધ છેડવા પાછળ અમેરિકાનો મુખ્ય ઇરાદો ઇરાનમાં સત્તાપલટો કરીને અમેરિકાનું કહ્યું માને એવી વ્યક્તિને બેસાડવાનો છે. અગાઉ એવી પણ વાતો ચાલી હતી કે, અમેરિકામાં પનાહ લઇને બેઠેલા ઇરાનના ભૂતપૂર્વ રાજા રઝા પહેલવી પાછા ફરવાના છે. અમેરિકાએ ઇરાન માટે શું પ્લાન વિચારી રાખ્યો છે એના વિશે અનેક તર્કવિતર્કો થયા છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઇરાનની સેનાના ઘણા કમાન્ડરો અને મુખ્ય માથાઓ માર્યા ગયા હોવાનું કહેવાઇ રહ્યું છે. આયાતોલા ખોમૈની અમેરિકાનો મુખ્ય ટાર્ગેટ છે. ખોમૈની બંકરમાં છુપાયા છે. અમેરિકાનો ઇરાદો તેને શોધીને ખતમ કરવાનો છે. આ યુદ્ધથી આખી દુનિયામાં ખળભળાટ મચવો સ્વાભાવિક છે. હજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ પત્યું નથી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ યુદ્ધ છેડાયું છે. આવા સંજોગોમાં ઇરાન અને અમેરિકા ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું છે. ઓઇલના ભાવોથી માંડીને દુનિયાની અર્થવ્યવસ્થા પર આ યુદ્ધની મોટી અસરો થવાની છે.
| ઇરાનના લોકોને ટ્રમ્પે કહ્યું, સરકારને ઉથલાવી દો, અમે તમારી સાથે છીએ
મુસ્લિમોનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે જ ઇરાન પર હુમલો કરીને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના લોકોને કહ્યું કે, તમે સરકાર પર કબજો કરી લો, હવે સરકાર તમારી હશે. ઇરાનના લોકો લાંબા સમયથી સરકાર સામે મેદાને પડ્યા છે. જાન્યુઆરી મહિનામાં જે રીતે લોકો પ્રદર્શનો કરી રહ્યા હતા એ જોઇને એવું લાગતું હતું કે, લોકો જ બળવો કરીને સરકારને ઉથલાવી દેશે. એ સમયે પણ અમેરિકાએ ઇરાનના લોકોને હિંમતપૂર્વક લડી લેવાનું આહ્વાન કર્યું હતું. અમે મદદ પહોંચાડીએ જ છીએ ત્યાં સુધીની વાત અમેરિકાએ કરી હતી. ઇરાનની સરકારને પણ ધમકી આપી હતી કે, જો દેખાવ કરનારાઓ પણ બળપ્રયોગ કર્યો છે તો તમારી ખેર નથી. અમેરિકાની ધમકીની ઐસીતૈસી કરીને ઇરાનની સરકારે આંદોલનને કચડી નાખ્યું હતું. અમેરિકાને ખબર છે કે, ઇરાનના લોકોનો સોફ્ટ કોર્નર હોય એ જરૂરી છે એટલે જ ટ્રમ્પ અત્યારથી જ ઇરાનના લોકોને સાથે લેવાનો પ્રયાસ કરે છે અને એવું સાબિત કરવા મથી રહ્યા છે કે, અમે જે કંઇ કરીએ છીએ એ ઇરાન અને ઇરાનના લોકોના ભલા માટે કરીએ છીએ. |










