ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ બે વખત હુમલા થઇ ચૂક્યા છે. અમેરિકાને સુરક્ષિત રાખવાની વાતો કરનારા ટ્રમ્પની પોતાની સિક્યોરિટી જ કેટલી બોદી છે એ વધુ એક વખત બહાર આવ્યું છે. આખરે હુમલાખોર હથિયારો સાથે આ સ્થળે પહોંચી કેમ શક્યો?

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જ્યાં હાજરી હતી એ સ્થળે થયેલા ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેમની સુરક્ષા વિશે એવા દાવાઓ થતા રહે છે કે, તેની આસપાસ પરિંદા ભી પર નહીં માર શકતા. અમેરિકાના બેસ્ટ કમાન્ડોઝ પ્રેસિડેન્ટની સુરક્ષામાં લાગેલા હોય છે. આવા સંજોગોમાં બનેલી ફાયરિંગની ઘટનાએ અનેક સવાલો સર્જ્યા છે. અમેરિકન પ્રેસિડેન્ટના સત્તાવાર નિવાસસ્થાન અને ઓફિસ વ્હાઇટ હાઉસને કવર કરનારા મીડિયા કર્મીઓ માટે તારીખ 25મી એપ્રિલના રોજ હોટલ હિલ્ટન ખાતે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે ડિનરમાં હાજર હતા.

વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સ સહિતના ટોપ લેવલના નેતાઓ પણ આ ડિનરમાં જોડાયા હતા. ડિનર ચાલુ હતું એ દરમિયાન જ અંદાજે રાતે સાડા આઠ વાગે સુરક્ષા ચેકપોસ્ટ નજીક હુમલાખોરે ધડાધડ ગોળીઓ છોડી હતી. આ ઘટનાની સાથે જ ટ્રમ્પના સુરક્ષા કર્મીઓ તરત હરકતમાં આવી ગયા હતા. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયરિંગ ડિનર ચાલતું હતું એ હોલની બહાર બની હતી. ડોનાલ્ડ ટ્રમ્પ સુધી હુમલાખોરનું પહોચવું લગભગ અશક્ય હતું. આમછતાં સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે, શું હુમલાખોરનો ટાર્ગેટ ડોનાલ્ડ ટ્રમ્પ હતા? તપાસમાં જે સત્ય હશે એ બહાર આવી જશે. જે સ્થળે ઘટના બની એ હોટેલ હિલ્ટન વ્હાઇટ હાઉસથી માત્ર 2.7 કિલોમિટર જ દૂર છે. આ વિસ્તાર પણ અત્યંત સુરક્ષિત ગણાય છે. ગન અને બીજા હથિયારો સાથે હુમલાખોર અહીં સુધી પહોંચી ગયો અને કોઇને ગંધ સુદ્ધા ન આવી એ રહસ્યમય ઘટના છે.

હુમલાખોરના ઇરાદા વિશે ભેદભરમ

વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ્સ ડિનર વખતે ફાયરિંગ 31 વર્ષના કોલ થોમસ એલને કર્યું હતું. કોલ થોમસ એલન કેલિફોર્નિયાના ટોરેન્સનો નિવાસી છે. હુમલો કર્યો ત્યારે તેની પાસે એક શોટગન, એક હેન્ડગન અને કેટલીક છરીઓ હતી. આ વાત સાબિત કરે છે કે, કોલ હુમલાની પૂરી તૈયારી કરીને આવ્યો હતો. કોલે સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સિક્રેટ સર્વિસ એજન્ટને વાગી હતી. એણે બૂલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું એટલે એનો બચાવ થયો હતો. સામાન્ય સંજોગોમાં આવી ઘટના બને ત્યારે ટ્રમ્પનો સિક્યોરિટી સ્ટાફ હુમલાખોરને ગોળી મારી ખતમ કરી નાખતો હોય છે.

આ કિસ્સામાં કોલને જીવતો પકડવામાં આવ્યો છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, કોલને મારી કેમ નાખવામાં ન આવ્યો? પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કોલે એવું કહ્યું કે, તે ટ્રમ્પના સિક્યોરિટી ઓફિસરને મારવા માંગતો હતો. એમાં પણ એ સવાલ તો છે જ કે, એવું કરીને તે શું સાબિત કરવા માંગતો હતો? એક વાત એવી બહાર આવી છે કે, કોલ થોમસ એલન જ્યાં ડિનર હતું એ હોટલમાં જ રોકાયો હતો. ટ્રમ્પ જ્યાં આવવાના હતા એ હોટલના રૂમોમાં કોણ કોણ છે અને શા માટે આવ્યા છે તેની વિગત તપાસવામાં આવી નહોતી? કોલ પાસે હથિયારો ક્યાંથી આવ્યા? ટ્રમ્પની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ત્રીજી ઘટના

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ બે વખત હુમલા થઇ ચૂક્યા છે. તારીખ 13મી જુલાઇ, 2024ના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા એ જ સમયે 20 વર્ષના થોમસ મેથ્યુ ક્રુકસે દૂરથી ફાયરિંગ કર્યું હતું. ગોળી ટ્રમ્પના જમણા કાનને અડીને પસાર થઇ ગઇ હતી. નસીબના બળિયા ડોનાલ્ડ ટ્રમ્પ બાલ બાલ બચી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. ટ્રમ્પ પર હુમલાની બીજી ઘટના તારીખ 15મી સપ્ટેમ્બર, 2024ના રોજ બની હતી. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની જ ગોલ્ફ ક્લબમાં ગોલ્ફ રમી રહ્યા હતા ત્યારે રાયન વેસ્લી રાઉથ નામનો શખ્સ ઝાડીઓમાં છુપાઇને હુમલાના મોકાની રાહ જોતો હતા. કમાન્ડોએ ફાયરિંગ કરતા એ શખ્સ ભાગી ગયો હતો. બાદમાં તેને ઝડપી લેવાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને સુરક્ષિત રાખવાની વાતો કરતા રહે છે. પોતાના પર જ હુમલાની ઘટનાઓ તેમના દાવાઓને જ પોકળ સાબિત કરે છે.

આ જ હોટલ પર પ્રેસિડેન્ટ રેગનને નિશાન બનાવાયા હતા

વોશિંગ્ટનની હોટલ હિલ્ટન 45 વર્ષ અગાઉ જ પ્રેસિડેન્ટ પર ફાયરિંગની ઘટનાની સાક્ષી બની હતી. એ દિવસ હતો તારીખ 30મી માર્ચ, 1981નો. હોટલ હિલ્ટનમાં યોજાયેલા મજૂર સંઘના સંમેલનમાં સંબોધન કરીને તત્કાલીન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગન હોટલની બહાર નીકળીને પોતાની કાર તરફ જઇ રહ્યા હતા ત્યારે બપોરના અંદાજે 2.27 વાગે 25 વર્ષના જ્હોન હિકલે જુનિયર નામના યુવાને 17 સેકન્ડમાં છ ગોળીઓ છોડી હતી. આ હુમલામાં રોનાલ્ડ રેગનને સીધી કોઇ ગોળી વાગી ન હતી પણ એક ગોળી તેની લિમોઝીન કારને અથડાઇને રેગનના ફેફસામાં ઘૂસી ગઇ હતી.

આ ગોળી હ્રદયથી માત્ર એક ઇંચ દૂર રહી ગઇ હતી. હુમલાખોરનો ઇરાદો પણ ગજબનો હતો. એ હોલિવૂડની અભિનેત્રી જોડી ફોસ્ટરને એકતરફી પ્રેમ કરતો હતો. રોનાલ્ડ રેગનને મારીને તે જોડી ફોસ્ટરનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માંગતો હતો. અમેરિકામાં આવા ગાંડા લોકોની કમી નથી. આવા લોકો કંઇ પણ કરી શકે છે. રેગન પર ગોળી છોડનારાને માનસિક રીતે અસ્થિર ગણીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. આ વખતે ફાયરિંગ કરનાર કોલના કિસ્સામાં શું બહાર આવે છે એ જોવું રસપ્રદ રહેવાનું છે.


ચાર પ્રેસિડેન્ટની હત્યા છતાં અમેરિકાનું ખતરનાક ગન કલ્ચર ખતમ થતું નથી
અમેરિકામાં ચાર પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન, જેમ્સ એ. ગારફિલ્ડ, વિલિયમ મેકેન્લી અને જહોન એફ. કેનેડીની હત્યા કરવામાં આવી હતી. 13 પ્રેસિડેન્ટ પર પણ હુમલા કે હુમલાના પ્રયાસો થયા છે. સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ફાયરિંગની ઘટનાઓ દર થોડા સમયે બનતી રહે છે. અમેરિકામાં હથિયારો શાક-ભાજીની જેમ વેચાય છે. જ્યારે ફાયરિંગની ઘટનાઓ બને ત્યારે ગન કલ્ચર સામે ઉહાપોહ થાય છે. અમેરિકાની વેપન લોબી એટલી પાવરફૂલ છે કે, કોઇ તેનું કંઇ બગાડી શકતું નથી. 1791થી અમેરિકામાં હથિયારો રાખવાની કાયદેસર છૂટ અપાયેલી છે. અત્યારે અમેરિકાના લોકો પાસે 39.3 કરોડ હથિયારો હોવાનું માનવામાં આવે છે. અમેરિકાના 42 ટકા પરિવારોના ઘરમાં હથિયાર છે. 32 ટકા પુખ્ત વ્યક્તિઓ અંગત હથિયાર ધરાવે છે. સરેરાશ જોઇએ તો દર 100 વ્યક્તિએ 120 હથિયારો છે. ટ્રમ્પ પરના હુમલા બાદ ફરીથી ગન કલ્ચરની ચર્ચા છે. જ્યાં સુધી હથિયારો ઇઝી અવેલેબલ છે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેવાની છે એવું અમેરિકાના નિષ્ણાતો અને બુદ્ધિજીવીઓનું કહેવું છે. 


  • Follow us on: