ગરીબ, મજબૂર, વ્યસની અને એકલી સગીર છોકરીઓને ગ્રૂમિંગ ગેંગ ટાર્ગેટ કરે છે. તેની સાથે આત્મીયતા કેળવીને પોતાની જાળમાં ફસાવી લે છે. એક કિસ્સામાં 13 વર્ષની સગીરા સાથે ત્રણ વર્ષમાં 600થી 700 વખત બળાત્કાર થયો 

એ છોકરીની ઉંમર માત્ર 13 વર્ષની હતી. ત્રણ જ વર્ષમાં એ છોકરી પર છસોથી સાતસો પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો. બીજા એક કિસ્સામાં એક સગીર છોકરીને ડ્રગ્સ આપીને પુરૂષોને હવાલે કરી દેવામાં આવતી હતી. કેટલાંક કિસ્સાઓમાં તો છોકરીઓ સાથે જે થયું હતું એ અહીં લખી ન શકાય એટલું કમકમાટીભર્યું હતું. ગ્રૂમિંગ ગેંગની પાશવી હરકતોનું બયાન છોકરીઓએ રડતી આંખે કર્યું છે. આ છોકરીઓ વિશેની વાત બીજા કોઇએ નહીં પણ બ્રિટનના સંસદ સભ્ય રુપર્ટ લોવે સંસદમાં કરી છે. પીડિત છોકરીઓએ પોલીસ સમક્ષ વર્ણવેલી આપવીતી જ્યારે રુપર્ટ લોવે વાંચી ત્યારે સંસદમાં ઉપસ્થિતિ તમામ લોકો આઘાતમાં સરી ગયા હતા. બ્રિટનની સરકારને તેમણે વિનંતી કરી કે, હજુયે સજાગ થઇ જાવ.

આખા બ્રિટનમાં ગ્રૂમિંગ ગેંગ સક્રિય છે. આ ગેંગ ભલી ભોળી છોકરીને ષડયંત્ર રચીને પોતાની જાળમાં ફસાવે છે અને પછી એના શરીરના સોદા કરતા રહે છે. છોકરીઓને સેક્સ સ્લેવ તરીકે રાખે છે. ગ્રૂમિંગ ગેંગના મોટા ભાગના ગુનેગારો પાકિસ્તાનના છે એવું પણ બહાર આવ્યું છે. ગ્રૂમિંગ ગેંગના કાળા કરતૂતો બહાર આવ્યા બાદ બ્રિટનના લોકો પાકિસ્તાનીનું નામ પડે એટલે ફફડવા લાગે છે. લોકો પણ સરકાર પાસે એવી માંગણી કરતા રહે છે કે, બહેન દીકરીઓની ચિંતા ન થાય એ માટે ગુનેગારો સામે સખત થાવ તો સારી વાત છે. ક્રિમિનલો દેશને રેઢુ પડ ન સમજવા લાગે એ જોવાની જવાબદારી સરકારની છે. સાંસદ રુપર્ટ લોવના બયાન બાદ ગ્રૂમિંગ ગેંગ વધુ એક વખત બ્રિટન સહિત આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

તપાસ માટે સરકારે ફાળવ્યું મોટું બજેટ

બ્રિટનમાં ગ્રૂમિંગ ગેંગના હિચકારા કૃત્યો બહાર આવતા બ્રિટનની સરકારે ગયા મહિને આખી ઘટનાની ઇન્ક્વાયરી માટે તગડું બજેટ ફાળવ્યું છે. બ્રિટિશ હોમ ઓફિસે 20 મિલિયન પાઉન્ડના ખર્ચે તપાસનો દોર કાનૂની સંસ્થા ટીએલટીને સોંપ્યો છે. બ્રિટનની આ લો ફર્મે એક એક બનાવની તપાસ કરીને તેનો સંપૂર્ણ રિપોર્ટ સરકારને આપશે. આ ઉપરાંત સરકારે ગ્રૂમિંગ ગેંગની તપાસ માટે ઓપેરશન બીકનપોર્ટ પણ શરૂ કર્યું છે. નેશનલ ક્રાઇમ એજન્સીની આગેવાનીમાં પોલીસ ગ્રૂમિંગ ગેંગના તમામ કેસોની ફરીથી તપાસ કરશે. જે કેસો બંધ કરી દેવામાં આવ્યા છે એની ફાઇલો પણ ફરીથી ઉઘાડવામાં આવશે. આ ઓપરેશન માટે સરકારે પોલીસ ફંડિગમાં દસ ગણો વધારો કરીને 3 કરોડ 80 લાખ પાઉન્ડ કરી દીધું છે. સરકાર મોટા મોટા દાવાઓ તો કરે છે પણ ખરેખર ગ્રૂમિંગ ગેંગને રોકવા માટે જે થવું જોઇએ એ થશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. એનું કારણ એ છે કે, ગ્રૂમિંગ ગેંગના મૂળિયા બહુ ઊંડા છે. સરકારે અત્યાર સુધી કેમ કંઇ ન કર્યું એવા સવાલો પણ ઉઠાવવામાં આવે છે.

શું છે ગ્રૂમિંગ ગેંગ અને તેની મોડેસ ઓપરેન્ડી

ગ્રૂમિંગનો સીધોસાદો અર્થ માણસના વ્યક્તિત્ત્વ ખીલવવાનો છે. ગ્રૂમિંગ ગેંગ છોકરીઓને મદદ કરીને તેને આગળ લાવવા અને સુખી કરવાની વાતો કરીને પોતાની જાળમાં ફસાવે છે. બ્રિટનમાં એવી છોકરીઓની મોટી સંખ્યા છે જે માતા – પિતાના ડિવોર્સના કારણે એકલી પડી ગઇ હોય અને પ્રેમ ઝંખતી હોય. આ ઉપરાંત ડ્રગ્સના રવાડે ચડી ગયેલી સગીર છોકરીઓની પણ બ્રિટનમાં મોટી સંખ્યા છે. અનાથાશ્રમ કે ચિલ્ડ્રન હોમમાં રહેતી છોકરીઓ પણ સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. ગ્રૂમિંગ ગેંગના સભ્યો કોઇ પણ જાતની ઉતાવળ વગર તેને પોતાના ભરોસામાં લે છે. તેમને બર્ગર ખવડાવે છે. ગિફ્ટ આપે છે. સિગરેટો પીવડાવે છે અને મીઠી મીઠી વાતો કરે છે. આ ગેંગ 11થી 15 વર્ષની શ્વેત છોકરીઓને એવો વિશ્વાસ અપાવે છે કે, એ જ તેમના ખરા હિતેચ્છુ છે. એક વખત છોકરી વિશ્વાસમાં આવી જાય પછી તેની સાથે પ્રેમનું નાટક અને લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધે છે. એ પછી છોકરીઓનું બ્લેકમેલિંગ શરૂ થાય છે. તેની પાસે વેશ્યાગીરી કરાવવામાં આવે છે. ગ્રાહકો શોધીને તેને ગેસ્ટ હાઉસમાં મોકલવામાં આવે છે અને ત્યાં તેના પર દુષ્કર્મ કરવામાં આવે છે.

ગ્રૂમિંગ ગેંગ આમ તો 40 વર્ષથી સક્રિય છે. વર્ષ 1980થી 90 દરમિયાનમાં બ્રિટનના રોચડેલ, રોધરહામ, ઓક્સફર્ડ અને ડર્બી જેવા શહેરમાં ગ્રૂમિંગ ગેંગની કાળા કામો શરુ થયા હતા. 1997થી 2013ના સમય દરમિયાન આ ગેંગે રોધરહામમાં જ સેંકડો સગીર છોકરીઓને નિશાન બનાવી હતી. આ દરમિયાનમાં બ્રિટિશ પોલીસે પણ આ ગેંગના કરતૂતો સામે આંખ આડા કાન કર્યા હતા. 2011માં ધ ટાઇમ્સ અખબારે ગ્રૂમિંગ ગેંગના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. મીડિયાના ઉહાપોહ બાદ સરકારે સગીર બાળાઓના જાતીય શોષણની તપાસ કરવા માટે ઓપરેશન સ્ટોવવૂડ હાથ ધર્યું હતું. તેની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, માત્ર રોધરહામ શહેરમાં જ 1400 સગીર છોકરીઓને ફસાવવામાં આવી હતી.

ગ્રૂમિંગ ગેંગના બસોથી વધુ ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનેગારોમાં મોટા ભાગના પાકિસ્તાની મુસ્લિમો હતા. મોહમ્મદ અમર અને મોહમ્મદ સિયાબ નામના શખ્સોને અદાલતે 106 વર્ષની સજા ફટકારી હતી. હજુ કેટલાંયે કેસો ચાલી રહ્યા છે. એ પછી પણ ગ્રૂમિંગ ગેંગ ચાલુ રહી છે. હવે ગ્રૂમિંગ ગેંગ સામે માત્ર કોઇ એક શહેરમાં જ નહીં પણ આખા બ્રિટનમાં ફરીથી મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી છે. ગ્રૂમિંગ ગેંગનો ભોગ બનનાર છોકરીઓ ત્યાં સુધીની વાત કરી છે કે, અમને કૂતરા રાખવાના પાંજરામાં પૂરી દેવામાં આવતી હતી. ગેંગ કહે એમ કરવા તૈયાર ન થઇએ ત્યાં સુધી અમારા પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. જોવાનું એ રહે છે કે, બ્રિટનમાં હવે ગ્રૂમિંગ ગેંગનો આતંક ખતમ થાય છે કે કેમ?


ગ્રૂમિંગ ગેંગનું પાકિસ્તાન કનેકશન શું છે? કોણ આવું બધું કરી રહ્યું છે?
પાકિસ્તાનથી બ્રિટન શિફ્ટ થયેલા કેટલાંક બદમાશોએ ઇઝી મની મેળવવા માટે છોકરીઓને ફસાવીને તેને વેશ્યાવૃતિમાં ધકેલવાનું શરૂ કર્યું હતું. એ લોકો મોટા ભાગે ટ્રક અને ટેક્સી ડ્રાઇવર ઉપરાંત મોડી રાત સુધી હોટલોમાં કામ કરનારા છોકરા હતા. મોડી રાતે એકલી ફરતી સગીર છોકરીઓને તે ખાવાનું આપતા અને તેની બીજી જરૂરિયાતો પૂરી કરતા. અર્શદ હુસેન, બન્નારાસ હુસેન અને બશારત હુસેન નામના ત્રણ ભાઇઓએ આખું નેટવર્ક ઊભું કર્યું હતું. આ ગેંગ શ્વેત લોકોને નફરત કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. પાકિસ્તાનની સરકાર ગ્રૂમિંગ ગેંગ સામે હાથ ઊંચા કરતી રહી છે. તે કહે છે કે, એ બધા પાકિસ્તાની મૂળના હશે પણ હવે એ બધા પાકિસ્તાનના નાગરિક નથી. બ્રિટિશ સિટિઝન છે. એના કરતૂતોના કારણે પાકિસ્તાન કે પાકિસ્તાનીઓને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. 


  • Follow us on: