ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે, અલગ પેલેસ્ટાઇન ક્યારેય બનવા નહીં દઉં. અમેરિકા માટે સવાલ પેદા થયો છે કે, હવે કરવું શું? આ દરમિયાનમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હમાસને હથિયાર છોડવા માટે અપીલ કરી છે. બીજી તરફ ગાઝા ખાલી કરાવવા માટે ઇઝરાયેલ વધુને વધુ હુમલાઓ કરી રહ્યું છે

દુનિયાના એક પછી એક દેશ પેલેસ્ટાઇનને માન્યતા આપી રહ્યા છે. ઇઝરાયેલ અને અમેરિકા સામે સમગ્ર વિશ્વમાં સવાલો ઉઠી રહ્યા છે. બ્રિટન, કેનેડા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ સહિતના દેશોએ પેલેસ્ટાઇનનું સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાના ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સના હેડક્વાટરમાં ફ્રાંસ અને સાઉદી અરેબિયાએ શિખર સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રૌંએ કહ્યું કે, શાંતિનો સમય પાકી ગયો છે. ગાઝા યુદ્ધનું હવે કંઇ ઔચિત્ય રહ્યું નથી. ઇઝરાયેલ પેલેસ્ટાઇનના વિવાદનો ઉકેલ માટે બે રાષ્ટ્રના માર્ગ જ સાચો છે. ઇમેનુઅલ મેક્રૌંએ કહ્યું કે, બેલ્જિયમ, લેક્સમબર્ગ, માલ્ટા, અંડોરા, સેન્ટ મરિનો સહિતના દેશો પણ પેલેસ્ટાઇનને સમર્થન આપવા માટે તૈયાર છે.

એક તરફ પેલેસ્ટાઇનના સમર્થકો વધી રહ્યા છે ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે, કોઇ પેલેસ્ટાઇન દેશ નહીં બને. પેલેસ્ટાઇનની રચના આતંકવાદને મોટા ઇનામ જેવું હશે. અમારી જમીન વચ્ચે આતંકવાદી દેશના નિર્માણની જે વાતો ચાલી રહી છે એનો જવાબ હું અમેરિકાથી પાછા ઇઝરાયેલ પહોંચીને આપીશ. નેતન્યાહૂ કોઇ હિસાબે પેલેસ્ટાઇન મુદ્દે આગળ વધવા ઇચ્છતા નથી. અમેરિકાના મિત્ર દેશો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રેશર લાવી રહ્યા છે કે, હવે ઇઝરાયેલનો મામલો પતાવો અને પેલેસ્ટાઇનની રચનાનું સમર્થન કરો. ડોનાલ્ડ ટ્રમ્પ મગનું નામ મરી પાડતા નથી.

પેલેસ્ટાઇનને 150 જેટલા દેશોનું સમર્થન મળ્યું છે

અલગ પેલસ્ટાઇનનો મામલો દાયકાઓથી ગૂંચવાયેલો છે. પીએલઓ એટલે કે, પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશને તારીખ 15મી નવેમ્બર,1988માં અલ્જેરિયામાં સ્વતંત્ર પેલેસ્ટાઇનનું એલાન કર્યું હતું. એ પછી પેલેસ્ટાઇનને માન્યતા આપવાનું શરૂ થયું હતું. 1994માં પેલેસ્ટાઇન ઓથોરિટીની રચના કરવામાં આવી હતી. એ પછી અનેક દેશોએ અલગ પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું છે. એક માહિતી મુજબ અત્યારે યુનાઇટેડ નેશન્સના 193 સભ્યોમાંથી 150 જેટલા દેશોએ પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું છે. આપણા દેશે વર્ષ 1988માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. ભારત માન્યતા આપવામાં મોખરાનો દેશ બન્યો હતો. 1996માં ભારતે ગાઝામાં કાર્યાલય પણ શરૂ કર્યું હતું.

2003માં ભારતે પોતાનું કાર્યાલય ગાઝામાંથી રામલ્લામાં શિફ્ટ કર્યું હતું. ચીન અને રશિયાએ પણ 1988માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. જેમણે માન્યતા આપી નહોતી એ પણ હવે પેલેસ્ટાઇનના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. જેમણે માન્યતા નથી આપી એમાં ઇઝરાયેલ પોત ઉપરાંત અમેરિકા, જર્મની, ઇટાલી વગેરેનો સમાવેશ થાય છે. યુનાઇટેડ નેશન્સે ભલે પેલેસ્ટાઇનને પૂર્ણ માન્યતા આપી નથી પણ યુએને વર્ષ 2012માં પેલેસ્ટાઇનને નોન મેમ્બર ઓબ્ઝર્વર સ્ટેટનો દરજ્જો આપ્યો હતો. અમેરિકા ઇઝરાયેલની પડખે છે એટલે એ પહેલેથી પેલેસ્ટાઇનની તરફેણમાં નથી. એપ્રિલ, 2024માં તો અમેરિકાએ વીટો વાપરીને પેલેસ્ટાઇનને માન્યતા ન આપવાનો નિર્ણય કર્યો હતો.

પેલેસ્ટાઇનના નિર્માણમાં ઓસ્લો કરાર એક અત્યંત મહત્ત્વનું પગલું હતું. 1948માં ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે યુદ્ધ થયું હતું. 1948માં ઇઝરાયેલની સ્થાપના અને 1967માં ગાઝા અને વેસ્ટ બેંક પર ઇઝરાયેલના કબજા બાદ સંઘર્ષ ચાલુ રહ્યો હતો. આ દરમિયાનમાં ઓસ્લો કરારથી શાંતિની શક્યતાઓ પેદા થઇ હતી. ઓસ્લો કરાર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી હતી. અમેરિકા પણ આ સમજૂતીનું સાક્ષી બન્યું હતું. તારીખ 13મી સપ્ટેમ્બર, 1993ના રોજ ઓસ્લો કરાર પર સહી સિક્કા થયા હતા. એ સમયે ચિતઝહાક રબિન ઇઝરાયેલના વડાપ્રધાન હતા અને યાસિર અરાફત પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશનના વડા હતા. ઓસ્લો કરારથી દુનિયાને એવું લાગ્યું હતું કે, હવે ઇઝરાયેલ સંઘર્ષનો કાયમી અંત આવી જશે પણ એ વાત છેતરામણી સાબિત થઇ હતી.

અમેરિકાને ગાઝાનો કબજો જોઇએ છે

હમાસે તારીખ 7મી ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયેલ પર એકસામટા હજારો રોકેટો છોડીને યુદ્ધ છેડી દીધું હતું. હમાસના હુમલામાં ઊંઘતા ઝડપાયેલા ઇઝરાયેલે સંપૂર્ણ તાકાતથી હમાસ પર વળતો પ્રહાર કર્યો હતો. એ સમયે જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું હતું કે, હવે અમે ગાઝા પર સંપૂર્ણ કબજો કરીને જ વાત પૂરી કરીશું. યુદ્ધ શરૂ થયું ત્યારે જો બાઇડેન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. બાઇડેને ઇઝરાયેલ જઇને નેતન્યાહૂને સમજાવ્યા હતા કે, ગાઝા પર કબજાનો વિચાર માંડી વાળો. નેતન્યાહૂ એ વાત માન્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી સ્થિતિ સાવ પલટાઇ જ ગઇ. બેન્જામીન નેતન્યાહૂએ એવું કહ્યું કે, અમે ગાઝા પર સંપૂર્ણ કબજો કરીને ગાઝા અમેરિકાને સોંપી દેશું. એ સમયથી ડોનાલ્ડ ટ્રમ્પને ગાઝાના સપના આવવા લાગ્યા છે. ગાઝા મળે પછી શું કરવું એના પ્લાનિંગ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી લીધા છે.

ગાઝા ખાલી કરવા માટે ઇઝરાયેલે ત્યાંના લોકોને અનેક વખત અલ્ટિમેટમ આપ્યું છે. લોકો ત્યાંથી ચાલ્યા જાય એ માટે ઇઝરાયેલે ગાઝામાં રાહત સામગ્રી પણ પહોંચવા દીધી નથી. ગાઝામાં ખાવા માટે અનાજ, પીવા માટે પાણી અને સારવાર માટે દવા નથી. અનેક મુશ્કેલીઓ છતાં ગાઝાના લોકો ત્યાંથી ન ખસતા ઇઝરાયેલ બળનો પ્રયોગ શરૂ કર્યો છે. ઇઝરાયેલ આંખો મીંચીને ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે. અનેક લોકો ગાઝામાંથી હિજરત કરી ગયા છે. હજુ મોટી સંખ્યામાં લોકો ત્યાં છે. તેઓ કહે છે કે, મરી જઇએ તો ભલે પણ ગાઝા છોડવાના નથી. નવ યુદ્ધ ખતમ કરાવ્યાના દાવાઓ કરીને શાંતિનું નોબલ પ્રાઇઝ માંગતા ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝાના મામલે કંઇ બોલતા નથી. હવે જ્યારે દુનિયાના દેશો પેલેસ્ટાઇનને સમર્થન આપી રહ્યા છે ત્યારે ટ્રમ્પ શું કરે છે એ જોવાનું રહે છે. આ દરમિયાનમાં પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે હમાસને એવી અપીલ કરી છે કે, હથિયાર હેઠા મૂકો અને યુદ્ધવિરામનો સ્વીકાર કરો. આખો મામલો અલગ જ મોડ પર આવીને ઊભો છે, હવે ઇઝરાયેલ અને અમેરિકા ક્યો રસ્તો અપનાવે છે એ જોવાનું રહે છે. 


ઇટાલીમાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે પેલેસ્ટાઇન સમર્થકોના દેખાવો
ઇટાલીએ પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું નથી. પેલેસ્ટાઇનના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એવું કહ્યું હતું કે, હું પેલેસ્ટાઇનના નિર્માણની તરફેણમાં છું પણ જ્યાં સુધી પેલેસ્ટાઇનનું નિર્માણ ન થઇ જાય ત્યાં સુધી તેને માન્યતા આપવામાં માનતી નથી. જેનું અસ્તિત્ત્વ જ નથી એને માન્યતા આપવાની વાત વિચિત્ર છે. દુનિયાના બીજા દેશો પેલેસ્ટાઇનને માન્યતા આપવા લાગ્યા છે ત્યારે જ્યોર્જિયા મેલોનીએ આવી વાત કરતા ઇટાલીના પેલેસ્ટાઇન સમર્થકો ઉશ્કેરાયા છે અને વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ઉતરી આવ્યા છે. ઇટાલીના રોમ અને મિલાન શહેરમાં હિંસક તોફાનો થયા છે. કાળા કપડાં પહેરીને દેખાવો કરતા લોકો મિલાન શહેરના ટ્રેન સ્ટેશનમાં ઘૂસી જતા ટ્રેન વ્યવહાર રોકી દેવાયો છે. લોકોએ પોલીસ પર પણ હુમલાઓ કર્યા છે. પેલેસ્ટાઇનના મુદ્દે ઇટાલીની સ્થિતિ સ્ફોટક થઇ રહી છે ત્યારે વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સામે પણ નવો પડકાર પેદા થયો છે.


  • Follow us on: