પરમાણુ બોંબ વિશેના રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે, ભારત ધીમી પરંતુ મક્કમ ગતિએ પરમાણુ બોંબ બનાવી રહ્યું છે



આપણા દેશ પાસે 180 પરમાણુ હથિયાર છે. 2023માં ભારત પાસે 164 અને 2024માં 172 પરમાણુ હથિયારો હતા. જે લેટેસ્ટ આંકડો છે એ એવું બતાવે છે કે, ભારત દર વર્ષે થોડાક પરમાણુ હથિયારો ઉમેરતું રહે છે. પાકિસ્તાન પાસે 170 પરમાણુ બોંબ છે. ભારત પાસે તેનાથી દસ બોંબ વધુ છે

યુદ્ધથી ક્યારેય કોઇનું ભલું થતું નથી એવું ભલે કહેવાતું હોય પણ આખી દુનિયાના તમામ દેશો યુદ્ધની પૂરેપૂરી તૈયારીઓ કરીને બેઠા હોય છે. સમગ્ર વિશ્વ અત્યારે બે બે મોટા યુદ્ધથી પરેશાન છે. રશિયા અને યુક્રેન સાડા ત્રણ વર્ષ જેટલા સમયથી લડી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ તારીખ 7મી ઓક્ટોબર, 2023થી ચાલી રહ્યું છે. ઇઝરાયલેનું યુદ્ધ ગાઝાથી આગળ વધીને લેબેનોનના હિઝબુલ્લાહ, યમનના હૂતીઓ અને સીરિયાના લડાકુઓ સુધી પહોંચી ગયું છે. બાકી હતું તે, ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે પણ સીધું યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અમેરિકાએ પણ આ યુદ્ધમાં ઝંપલાવીને ઇરાન પર હુમલા કર્યા.

ઇરાન પર ઇઝરાયેલ અને અમેરિકાના હુમલાનું સૌથી મોટું કારણ એ છે કે, ઇરાન પરમાણુ હથિયારો બનાવી રહ્યું છે. ઇઝરાયેલને એ વાતનો ભય છે કે, જો ઇરાને પરમાણુ બોંબ બનાવી લીધા તો ઇરાન તેનો ઉપયોગ ઇઝરાયેલ પર જ કરશે. અમેરિકા અને ઇઝરાયેલ હજુયે ધમકી આપતા રહે છે કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો પરમાણુ હથિયારો બનાવવાનો વિચાર માંડી વાળો. ઇરાન જીદ લઇને બેઠું છે કે, ગમે તે થાય, અમે પરમાણુ હથિયાર બનાવીને જ રહીશું. દુનિયાના બીજા દેશો જો પરમાણુ હથિયાર બનાવી શકતા હોય તો અમે શા માટે ન બનાવીએ? આ દરમિયાનમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં એવી વિગતો બહાર આવી છે કે, અત્યારે જેની પાસે પરમાણુ હથિયારો છે એ દેશો પણ પરમાણુ હથિયારોનો સ્ટોક વધારી રહ્યા છે. આપણો ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી.

આપણા દેશ પાસે અત્યારે 180 પરમાણુ હથિયાર છે

સ્વીડનની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સીપરી એટલે કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના લેટેસ્ટ અહેવાલમાં એવું જણાવાયું છે કે, ભારત પાસે અત્યારે 180 પરમાણુ હથિયારો છે. આ આંકડો એ વાત સાબિત કરે છે કે, ભારતે છેલ્લા બે વર્ષમાં 16 નવા પરમાણુ બોંબ બનાવ્યા છે. ભારત પાસે 2023માં 164 પરમાણુ હથિયાર હતા. 2024માં આ આંકડો વધીને 172 થયો હતો. હવે એ ફીગર 180 સુધી પહોંચ્યો છે. ગયા એક વર્ષમાં ભારતે આઠ નવા પરમાણુ હથિયાર બનાવ્યા છે. આપણા દેશમાં પરમાણુ હથિયારો બનાવવાનું કામ સતત ચાલી રહ્યું છે.

આપણા પરમાણુ હથિયારોની સરખામણી સીધી પાકિસ્તાન સાથે થાય છે. પાકિસ્તાન પાસે અત્યારે 170 પરમાણુ હથિયારો છે. છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો આંકડો 170 જ છે. હજુ બે વર્ષ પહેલા ભારત કરતા પાકિસ્તાન પાસે વધુ પરમાણુ હથિયારો હતો. અત્યારે સ્થિતિ એ છે કે, પાકિસ્તાન કરતા ભારત પાસે દસ પરમાણુ હથિયારો વધારે છે. પાકિસ્તાન છાશવારે એવી વાતો કરતું રહે છે કે, ભારત સાવધાન રહે, અમારી પાસે પરમાણુ હથિયાર છે. હવે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં એવું કહેવા લાગ્યા છે કે, પાકિસ્તાનની પરમાણુ હથિયારની ધમકીથી અમને જરાયે ફેર પડતો નથી. પાકિસ્તાન આવી વાતો કરવાનું બંધ કરે.

ક્યા દેશ પાસે કેટલા પરમાણુ હથિયારો છે?

દુનિયામાં અત્યારે નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે. બધાના પરમાણુ હથિયારોના સરવાળો કરીએ તો 12241 જેટલો થાય છે. દુનિયામાં સૌથી વધારે 5459 હથિયારો રશિયા પાસે છે. પરમાણુ તાકાતના મામલે રશિયા ટોપ ઉપર હોવા છતાં સારી વાત એ છે કે, તેણે યુક્રેન સામે પરમાણુ હથિયાર વાપરવાનું જોખમ નથી લીધું. રશિયાના પ્રેસિડેન્ટ પુટિને પરમાણુ હથિયારો વાપરવાની ધમકીઓ ચોક્કસ આપી છે પણ એવું કર્યું નથી. રશિયા પછી બીજા નંબરે સૌથી વધુ 5177 પરમાણુ હથિયારો અમેરિકા પાસે છે. રશિયા અને અમેરિકા બંનેના હથિયારોનો આંકડો જ 10636 જેટલો થાય છે. એ બંને પછી ત્રીજા નંબરે ચીન આવે છે.

ચીન પાસે 600 પરમાણુ હથિયારો છે. ચીન પાસે ભલે 600 પરમાણુ હથિયાર જ રહ્યા પણ અત્યારે સૌથી વધુ ઝડપે જો કોઇ પરમાણુ હથિયાર બનાવતું હોય તો એ ચીન છે. ચીનની સ્પીડ જોઇને એવું અનુમાન સેવવામાં આવે છે કે, ચીન જો આ જ ઝડપે પરમાણુ હથિયાર બનાવશે તો 2035 સુધીમાં ચીન પાસે 1500થી વધારે પરમાણુ હથિયાર હશે. ફ્રાંસ પાસે 290 અને બ્રિટન પાસે 225 પરમાણુ હથિયારો છે. એ પછી 180 હથિયારો સાથે ભારતનો નંબર આવે છે. પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયાર છે. ઇઝરાયેલ પાસે 90 પરમાણુ હથિયાર છે. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પાસે પણ પચાસ જેટલા પરમાણુ હથિયાર હોવાનું માનવામાં આવે છે.

પરમાણુ હથિયારને શાંતિનું શસ્ત્ર કહેવાય છે!

એ વાત તો આખી દુનિયા જાણે છે કે, પરમાણુ હથિયાર એ સૌથી વધુ જીવ લેવાની ક્ષમતા ધરાવે છે. એક સાથે લાખો લોકોના જીવ લઇ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે, સૌથી વધુ જીવલેણ હોવા છતાં પરમાણુ હથિયારને શાંતિનું શસ્ત્ર ગણવામાં આવે છે. એનું કારણ એ છે કે, જે દેશ પાસે પરમાણુ હથિયાર હોય એની સાથે યુદ્ધ કરવાનું દુશ્મન દેશ ટાળે છે. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર ઓગસ્ટ, 1945માં ફેંકેલા પરમાણુ બોંબ પછી કોઇ દેશે પરમાણુ હથિયારનો ઉપયોગ કર્યો નથી એ સારી વાત છે. દુનિયા એવી જ આશા રાખે છે કે, ભવિષ્યમાં પણ કોઇને આ હથિયારનો ઉપયોગ કરવાની કબુદ્ધિ ન સૂઝે!


આપણા દેશે યુદ્ધ વખતે એકથી વધુ દુશ્મનો સામે લડવું પડે એવી સ્થિતિ
આપણા મુખ્ય દુશ્મનો બે છે. પાકિસ્તાન અને ચીન. આમ તો ઘણા સમયથી નિષ્ણાતો એવું કહેતા જ હતા કે, ભારતે હવે જો યુદ્ધ કરવાનું થશે તો કોઇ એક સાથે નહીં પણ બે સાથે લડવાનું રહેશે. ચીન અને પાકિસ્તાન એક થઇ ગયા છે. યુદ્ધ પાકિસ્તાન સાથે થાય તો ચીન તેની પડખે ચડી જવાનું છે. યુદ્ધ ચીન સાથે થાય તો પાકિસ્તાન ચીનને મદદ કરવાનું છે. આ વાતનો પુરાવો આપણા દેશને ઓપરેશન સિંદૂર વખતે મળી પણ ગયો. આપણા દેશે પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરવા માટે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન સાથે સીધો સંઘર્ષ થયો હતો. આ મુદ્દે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફટનન્ટ જનરલ રાહુલસિંહે કહ્યું કે, આપણો દેશ ઓપરેશન સિંદૂર વખતે એક નહીં પણ ત્રણ દુશ્મનો સામે લડી રહ્યો હતો. યુદ્ધમાં શું થયું એ વિશે પાકિસ્તાન તમામ લાઇવ અપડેટ્સ ચીનને આપતું હતું. તુર્કિયેએ પણ પાકિસ્તાનને તમામ મદદ કરી હતી. પાકિસ્તાને જે ડ્રોન ભારત તરફ છોડ્યા હતા એ મેઇડ ઇન તુર્કિયે જ હતા. ડ્રોન છોડવા માટે એક્સપર્ટસ પણ તુર્કિયેએ જ મોકલ્યા હતા. આપણો દેશ ચીન અને પાકિસ્તાનની મીલીભગત સારી રીતે જાણે છે અને પહેલેથી જ એવી તૈયારીઓ કરી રહ્યો છે કે, એક સામટા બંને સાથે લડવું પડે તો પણ જરાયે મુશ્કેલી ન પડે.


  • Follow us on: