સલમાન ખાન, સોનુ સુદ, અજય દેવગન સહિત અનેક કલાકારોએ રાજપાલ યાદવને મદદ કરવાની તૈયારી બતાવી છે. જોકે, નવ કરોડ હજુ થયા નથી. રાજપાલ યાદવે કાં તો રૂપિયા ચૂકવવા પડશે અને નહીંતર જેલની સજા પૂરી કરવી પડશે. ફિલ્મની દુનિયા ફિલ્મોને પણ ટક્કર મારે એવી વિચિત્ર છે. આપણું બોલિવૂડ આમ તો રગે રગથી સ્વાર્થી છે. આ દુનિયા એવી છે, જ્યાં કોઇ કોઇનું નથી. જ્યાં સુધી તમે લાઇમ લાઇટમાં હોવ ત્યાં સુધી બધા તમારી આસપાસ ફરતા રહે છે. જેવી તમારી ફિલ્મ ફ્લોપ જાય કે, તરત જ લોકો મોઢું ફેરવી લે છે. આ જ બોલિવૂડમાં ક્યારેક અચાનક જ સહાનુભૂતિનું મોજું પણ ઉછળવા લાગે છે. રાજપાલ યાદવના કિસ્સામાં એવું જ થયું છે. ચેક બાઉન્સના કેસમાં રાજપાલ યાદવને જેલની સજા થઇ છે. અદાલતે રાજપાલ યાદવને નાણાં ચૂકવવા સહિતની તમામ તકો આપી હતી. રાજપાલ યાદવ ગોળગોળ વાતો કરતા રહ્યા પણ નાણાં ન ચૂકવ્યા. આખરે અદાલતે રાજપાલને સજા ભોગવવા માટે હાજર થઇ જવાનો આદેશ કર્યો. રાજપાલ યાદવે સરન્ડર કર્યું. દિલ્હીની તિહાર જેલમાં તેમને રાખવામાં આવ્યા. રાજપાલ યાદવ અગાઉ આ જ કેસમાં બે વખત જેલમાં જઇ આવ્યા હતા. રૂપિયા ચૂકવવા માટે સમય માંગીને તેઓ જામીન પર છૂટ્યા હતા. એ વખતે કોઇ તેમની પડખે ચડ્યું નહોતું પણ આ વખતે બોલિવૂડ તેને મદદ કરવા તૈયાર થયું છે. હજુ સવાલ એ છે કે, રાજપાલ યાદવે જેટલી રકમ ચૂકવવાની છે એટલી રકમ એટલે કે નવ કરોડ રૂપિયા ભેગા થઇ જશે? આ દરમિયાનમાં ગુરૂવારે દિલ્હીની અદાલતે રાજપાલ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે.

કોણે કોણે મદદ કરવાની તૈયારી બતાવી?

રાજપાલ યાદવની મદદ કરવા માટે આગળ આવનારાઓમાં સોનુ સુદનું નામ મોખરે છે. એ પછી સલમાન ખાન, અજય દેવગન સહિત અગિયાર જેટલા કલાકારોએ આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી. બધાના મળીને કેટલા રૂપિયા થયા છે એનો ચોક્કસ ફિગર બહાર આવ્યો નથી. મ્યુઝિક કંપની ચલાવનારા ઇંદ્રજિત રાવે 1.11 કરોડ આપવાનું કહ્યું છે. રાજપાલ યાદવ સારા માણસ અને ઉમદા કલાકાર છે, એને મદદ કરવી જ જોઇએ એવું અનેક લોકો કહે છે. સામા પક્ષે એવું કહેનારા લોકો પણ છે કે, તમે રૂપિયા ઉછીના લીધા હોય તો ચૂકવવા તો પડેને? આમ તમે હાથ ઊંચા કરી દો એ ન ચાલે. રાજપાલ યાદવ એવો બચાવ કરે છે કે, ફિલ્મ અતા પતા લાપત્તા ફ્લોપ ગઇ એટલે નાણાં પાછા ન આપી શક્યો. અગાઉ અનેક નિર્માતાઓની ફિલ્મો ફ્લોપ ગઇ છે. ફિલ્મ નિર્માતાઓએ પોતાના ઘર-બાર વેચીને પણ નાણાં ચૂકવ્યા હોવાના અસંખ્ય કિસ્સાઓ બોલિવૂડમાં છે. લોકો રોડ પર આવી ગયાના દાખલાઓ છે. રાજપાલ યાદવ હાથ ઊંચા કરી દે એ થોડું ચાલે? 3

રાજપાલ યાદવ ખરેખર રૂપિયા ચૂકવી શકે એમ નથી?

રાજપાલ યાદવ બે દાયકા કરતા વધુ સમયથી બોલિવૂડમાં એક્ટિવ છે. તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અનેક ફિલ્મોમાં તેમણે યાદગાર ભૂમિકા ભજવી છે. અત્યારે તેમને ફિલ્મોમાં ભલે બહુ કામ મળતું ન હોય પણ જાહેરાતો અને સ્ટેજ શો તો તેઓ કરી જ રહ્યા છે. તેમની ટોટલ નેટવર્થ 50થી 85 કરોડ હોવાનું કહેવાઇ રહ્યું છે. આજની તારીખે તેઓ દર વર્ષ ત્રીસથી પચાસ લાખ જેટલી કમાણી કરે છે. તેઓ ધારતા હોત તો નાણાં ચૂકવી શક્યા હોત. તેમની સામે એવો આક્ષેપ થઇ રહ્યો છે કે, તેની દાનત જ રૂપિયા ચૂકવવાની નહોતી. હજુ પણ તેઓ પોતાની સજાનો ફાયદો જ ઉઠાવી રહ્યા છે. સજાના નામે તેમણે રૂપિયાની સાથે સહાનુભૂતિ પણ ઉઘરાવી છે. રાજપાલ યાદવ ઘણા સમયથી લાઇમલાઇટમાં નહોતા. જેલ પ્રકરણ તેમને ફરીથી ચર્ચામાં લાવ્યું છે. શું હવે ફરીથી રાજપાલ યાદવને ફિલ્મમાં કામ મળવા માંડશે? કોમેડી અને ચરિત્ર અભિનય રાજપાલ યાદવનો પ્લસ પોઇન્ટ છે. તેની સામે પણ એવી દલીલ થાય છે કે, હવે નવું આપવા જેવું કંઇ રાજપાલ યાદવ પાસે બચ્યું નથી. તેમની એક્ટિંગ સ્ટિરીયો ટાઇપ થઇ ગઇ છે.

શું છે ચેક બાઉન્સનો આખો કેસ?

રાજપાલ યાદવે અતા પતા લાપત્તા નામની ફિલ્મ બનાવી હતી. વર્ષ 2010માં મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આ ફિલ્મ માટે રાજપાલ યાદવને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. રૂપિયાના બદલામાં રાજપાલ યાદવે તેમને ચેક આપ્યા હતા. ફિલ્મ બની તો ખરી પણ સાવ પીટાઇ ગઇ. રાજપાલે જે નાણાં લીધા હતા એ વ્યાજ સહિત નવ કરોડ જેટલા થઇ ગયા. રૂપિયા પાછા ન આપ્યા એટલે કંપનીએ રાજપાલ યાદવ સામે કેસ કર્યો. 2018માં દિલ્હીની નીચલી અદાલતે રાજપાલને દોષી ઠેરવીને છ મહિના જેલની સજા ફરમાવી. રાજપાલ યાદવ હાઇકોર્ટમાં ગયા. હાઇકોર્ટે પણ અગાઉનો ચુકાદો બરકરાર રાખ્યો અને નાણાં ચૂકવી દેવા અથવા તો જેલ જવાનો આદેશ કર્યો. આખરે રાજપાલે જેલમાં જવું પડ્યું. રાજપાલ યાદવે આ કેસના મામલે કંઇ ઓછા ધમપછાડા કર્યા નથી. 28મી એપ્રિલ, 2018ના રોજ રાજપાલ યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, મને ફસાવી દેવાનું કાવતરું રચવામાં આવ્યું છે. નાણાં મને ઉછીના નહોતા આપ્યા પણ ફિલ્મ બનાવવા માટેનું એ રોકાણ હતું. એ સિવાય પણ જાતજાતની વાતો તેમણે કરી છે. કાયદાએ કાયદાનું કામ કર્યું અને આખરે રાજપાલ યાદવે કર્યા ભોગવવા પડ્યા. હજુ આ કેસમાં શું થાય છે એ જોવાનું રહે છે. આખા કિસ્સા વિશે એવું ચોક્કસ કહેવાયું કે, રાજપાલના નામે પણ બોલિવૂડના કલાકારો મદદ કરવા માટે તો આગળ આવ્યા! કેટલાંક લોકો એવું પણ કહે છે કે, આ રીતે ક્રાઉડ ફંડિંગ કરીને મદદ લેવી રાજપાલ યાદવ જેવા કલાકારને શોભે છે?

રાજપાલ યાદવ હેપી ગો લકી અને ખૂબ જ ઉદાર માણસ છે

રાજપાલ યાદવ સારા કલાકાર ઉપરાંત ઉમદા માણસ છે એનો કોઇ ઇન્કાર કરી શકે એમ નથી. રાજપાલ યાદવ વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, અનેક કલાકારો પોતાના સ્ટ્રગલના પિર્યડમાં રાજપાલ યાદવના ઘરે પડ્યા પાથર્યા રહેતા હતા. તેના ઘરમાં લંગર ચાલતું હોય એવું વાતાવરણ હતું. અનેક કલાકારો તેમને ત્યાં જમ્યા છે. રાજપાલ યાદવ પોતે પણ ખુશમિજાજ માણસ છે. એક મુલાકાતમાં તેમને સ્ટ્રગલ અને મુશ્કેલીનો સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, હાથપગ ચાલે છે ત્યાં સુધી કોઇ સમય ખરાબ હોતો નથી. લોકોએ અને દુનિયાએ પોતાને ઘણું આપ્યું છે એવું કહીને તેઓ કુદરતનો આભાર પણ માનતા રહ્યા છે. જેલમાં ગયા ત્યારે પણ પોતે મોજમાં હતા એવું તેમણે કહ્યું છે. જેલમાં તેમણે કેદીઓ માટે એક્ટિંગના વર્કશોપ યોજ્યા હતા. જિંદગીની ફિલોસોફી વિશે તેઓ હંમેશાં કહેતા રહ્યા છે કે, મોજથી જીવી જાણવું એ જ સાચી જિંદગી છે. બાકી અપ ડાઉન તો ચાલતા જ રહેવાના છે.

આ પણ વાંચો : SIRમાંથી નામ રદ્દ કરવા મુદ્દે હાઇકોર્ટમાં કોંગ્રેસના નેતાની અરજી, જુઓ Video

https://sandesh.com/videos/news/maru-saher-maru-gaam/ahmedabad/congress-leaders-petition-in-high-court-to-remove-name-from-sir-watch-video