માત્ર 42 વર્ષની કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનું મોત હાર્ટએટેકથી થયું છે કે બીજા કોઇ કારણોસર એ મુદ્દે ચર્ચાઓ ચાલી છે અમદાવાદની ગુજરાતી છોકરી શેફાલી જરીવાલાના મોતે તેના ચાહકોને આંચકો આપ્યો છે. શેફાલી બિગ બોસની આઠમી એવી સ્પર્ધક છે જેનું નાની ઉંમરમાં મોત થયું છે. ભલે બધાના મોત અકુદરતી ન હોય પણ નાની ઉંમરે મોત સવાલો તો સર્જે જ છે. ફિટનેસ ફંડા અને ફૂડ કંટ્રોલ પણ મોત માટે કારણભૂત બની રહ્યા છે.

માત્ર 42 વર્ષની વયે કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાના મોતે અનેક સવાલો સર્જ્યા
જિંદગી અને મોત ઉપરવાળાના હાથમાં છે એ વાત બધા જાણે છે, એમ છતાં જ્યારે નાની વયે કોઇ ચાલ્યું જાય ત્યારે લોકોના મોઢે એવું જ સાંભળવા મળે છે કે, આ કંઇ મરવાની ઉંમર નહોતી. માત્ર 42 વર્ષની વયે કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાના મોતે અનેક સવાલો સર્જ્યા છે. શેફાલીએ બિગ બોસમાં ભાગ લીધો હતો. ભલે શેફાલીએ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં કોઇ નોંધપાત્ર કામ કર્યું ન હોય પણ તે કાંટા લગા પોપ સોંગના કારણે પોપ્યુલર તો હતી જ.

શેફાલીના મોતનું કારણ સડન હાર્ટએટેક આપવામાં આવ્યું છે
જો કે, બાદમાં એ વિશે પણ ભેદભરમ સર્જાયા છે. તેના મોત પાછળ બીજું કોઇ કારણ જવાબદાર છે કે કેમ એની તપાસ હાથ ધરવામાં આવી છે. શેફાલીના પતિ પરાગ ત્યાગી સહિત કેટલાંક લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. મોતનું સાચું કારણ તો બહાર આવી જ જવાનું છે. સવાલ એ છે કે, આખરે નાની વયે મોત કેમ થઇ રહ્યા છે? મનોરંજન જગતના લોકો પોતાની બ્યૂટી મેઇન્ટેઇન કરવા માટે જાત પર જુલ્મ ગુજારતા રહે છે. વધારે પડતી જિમ એક્સરસાઇઝના કારણે પણ ઘણા યુવાનોના મોત થયાના કિસ્સાઓ બહાર આવ્યા છે.

ડાયટ કંટ્રોલના નામે શરીરને જ જરૂર હોય એવા તત્ત્વો મળતા નથી
એની સાથે જ શેફાલીના મોતથી એક નવી ચર્ચા પણ ચાલી છે. શું બિગ બોસ અપશુકનિયાળ છે? અત્યાર સુધીમાં શેફાલી સહિત આઠ બિગ બોસ કન્ટેન્સ્ટન્ટના મોત થયા છે. બધાના મોત અકુદરતી કારણોથી નથી થયા પણ આવી ચર્ચાઓ ખૂબ જાગી છે. કહેવાવાળા એવી વાત પણ કરે છે કે, કોઇના મોત માટે કોઇ શોને દોષ દેવો વાજબી નથી. બિગ બોસ 2006થી ચાલે છે. એ દરમિયાન કોઇનું મોત થાય એમાં એનો શું વાંક? જે હોય તે, પણ ચર્ચા તો થઇ જ રહી છે.

સિદ્ધાર્થ શુક્લાથી માંડીને પ્રત્યુષા બેનરજીના મોત
બિગ બોસ-13માં ભાગ લેનાર હેન્ડસમ સ્પર્ધક સિદ્ધાર્થ શુક્લાના માત્ર 40 વર્ષની વયે થયેલા મોતે આખા દેશને આઘાતનો આંચકો આપ્યો હતો. બિગબોસના બીજા સ્પર્ધકોની વાત કરીએ તો બિગ બોસ-7ની સ્પર્ધક પ્રત્યુષા બેનરજીએ માત્ર 24 વર્ષની વયે આપઘાત કરી લીધો હતો. બિગ બોસ-10માં જોવા મળેલા સ્વામી ઓમનું કોરોનાના કારણે મોત થયું હતું. બિગ બોસ-14ની સ્પર્ધક સોનાલી ફોગાટનું મૃત્યુ 2023માં હાર્ટએટેકથી થયું હતું. સોનાલી પણ શેફાલી જરીવાલા જેવડી જ 42 વર્ષની હતી. બિગ બોસ મલયાલમમાં જોવા મળેલા સોમાદાસનું મૃત્યુ કોરોનાના કારણે થયું હતું. બિગ બોસ કન્નડમાં જોવા મળેલી જયશ્રી રમૈયાએ આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો. બિગ બોસ-2માં ભાગ લેનારી જેડ ગુડીનું 2009માં મૃત્યુ થયું હતું. જેડ ગુડીનું મોત સર્વાઇકલ કેન્સરના કારણે થયું હતું. જેડ ગુડીએ બિગ બ્રધર ટેલિવિઝન શોમાં શિલ્પા શેટ્ટી સાથે ભાગ લીધો હતો. જેડ ગુડીએ શિલ્પાની વંશીય ટિપ્પણી કરી હતી એના કારણે તે વિવાદમાં આવી હતી. જેડ ગુડીનું મોત થયું ત્યારે તે માત્ર 27 વર્ષની હતી.

સિદ્ધાર્થ શુકલને પણ હાર્ટએટેક આવ્યો હતો
સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ-13ના વિજેતા હતા. બિગ બોસ, બાલિકા વધૂના કારણે ઘર ઘરમાં જાણીતા થયેલા સિદ્ધાર્થ શુક્લાને હોર્ટએટેક આવ્યો હતો. મુંબઇની કૂપર હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મોત થયું હતું. સિદ્ધાર્થના મોત બાદ શહેનાઝ ગિલનું પ્રેમ પ્રકરણ પણ ખૂબ ચર્ચાયું હતું. સિદ્ધાર્થને કોઇ રોગ નહોતો. એ સમયે પણ વધુ પડતી કસરત અને શરીર પર અત્યાચારની વાત ખૂબ ચગી હતી. હાર્ટએટેક દિવસે જ સિદ્ધાર્થ જોગિંગ માટે ગયો હતો. સિદ્ધાર્થ શુક્લા ફિટનેસ ક્રેઝી હતો. એકદમ ફીટ સિદ્ધાર્થના મોતે ભારે ચર્ચાઓ જગાવી હતી.

પ્રત્યુષા બેનરજીએ ગળે ફાંસો ખાધો હતો
ટેલિવિઝન એકટ્રેસ આનંદી ફેમ પ્રત્યુષા બેનરજી પોતાના ફ્લેટમા જ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવી હતી. પ્રત્યુષા બેનરજી મેરેજની તૈયારીઓ કરી રહી હતી. પોતાના પ્રેમી રાહુલ રાજ સિંહ સાથે મેરેજ કરવા માટે ડિઝાઇનર રોહિત વર્મા પાસે ડ્રેસ પણ તૈયાર કરાવ્યો હતો. આપઘાત પહેલા તેને રાહુલ સાથે ઝઘડો થયો હતો. બ્રાઇડલ વેર પહેરાવીને જ પ્રત્યુષાની અંતિમવિધિ કરવામાં આવી હતી. પ્રત્યુષાના મોત બાદ તેના માતા-પિતાએ હત્યાના પણ આક્ષેપો કર્યા હતા. પ્રત્યુષાના મોતનું પ્રકરણ પણ ખૂબ ગાજ્યું હતું. મનોરંજનની દુનિયાના પ્રેશર અને કલાકારોની મહત્ત્વાકાંક્ષા સુધીની ચર્ચાઓ એ સમયે થઇ હતી. જ્યારે કોઇ યંગ કલાકારનું મોત થાય છે ત્યારે અનેક એંગલ વિશે વાતો થાય છે. ખાસ તો હેલ્થને લઇને સૌથી વધુ ચર્ચાઓ થતી હોય છે.

નાની ઉંમરે હાર્ટએટેક કેમ આવવા લાગ્યા છે?
શેફાલી જરીવાલાના મોતનું કારણે હાર્ટએટેક હોય તો પણ એ સવાલ તો છે જ કે નાની ઉંમરે હાર્ટએટેક કેમ આવવા લાગ્યા છે? કોરોના બાદ આવી ઘટનાઓમાં ઉછાળો જોવા મળ્યો છે. સંપૂર્ણ સ્વસ્થ જણાતા યુવાનો અચાનક જ મૃત્યુ પામે છે. લગ્નમાં કે કોઇ પ્રસંગે નાચતા નાચતા અચાનક જ મૃત્યુના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. આધુનિક સમયમાં લોકોની લાઇફ સ્ટાઇલ બદલી છે. લોકો લાઇફ સ્ટાઇલ ડિસિઝના ભોગ બની રહ્યા છે. શેફાલી જરીવાલાની જેમ અચાનક મોતની ઘટનાઓ સામે આવે ત્યારે આઘાતની સાથે આશ્ચર્ય પણ થાય છે. મૃત્યુ માટે કોઇ શો કે યોગાનુયોગ થતી ઘટનાને દોષ આપવો વાજબી નથી. શેફાલીના મોત પાછળ કોઇ ભેદભરમ હશે તો એ બહાર આવવાના જ છે.

શેફાલી જરીવાલાને કાંટા લગા સોંગે રાતોરાત લોકપ્રિય કરી દીધી હતી
શેફાલી જરીવાલાનો જન્મ અમદાવાદમાં તારીખ 15મી ડિસેમ્બર, 1982ના રોજ થયો હતો. કાંટા લગા સોંગ માટે તેને ઓફર મળી ત્યારે એ કોલેજમાં ભણતી હતી. તેના પિતા સતીષ જરીવાલાની ઇચ્છા નહોતી કે દીકરી એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં કામ કરે. શેફાલીએ માતા સુનિતા જરીવાલાની મદદ લઇ પિતાને મનાવ્યા હતા. કાંટા લગા સોંગમાં તેના ટેટૂઝ અને સ્ટાઇલે શેફાલીને રાતોરાત ફેમસ કરી દીધી હતી. કાંટા લગા સોંગ માટે તેને માત્ર સાત હજાર રૂપિયા જ મળ્યા હતા, જો કે એ ગીતે તેના માટે ટીવી અને ફિલ્મના દરવાજા ખોલી દીધા હતા. શેફાલીએ બે મેરેજ કર્યા હતા. તેના પહેલા લગ્ન 2004માં સંગીતકાર હરમિતસિંહ સાથે થયા હતા. બંને વચ્ચે બહુ બન્યું નહોતું. 2009માં બંનેએ ડિવોર્સ લીધા હતા. શેફાલીએ હરમિતસિંહ સામે શારીરિક અને માનસિક શોષણની ફરિયાદ પણ નોંધાવી હતી. શેફાલીએ તારીખ 12મી ઓગસ્ટ, 2014ના રોજ અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા મેરેજ કર્યા હતા. શેફાલી અને પરાગ નચ બલિયે અને બીજા રિયાલિટી શોમાં સાથે પણ જોવા મળ્યા હતા. બંને વચ્ચે સારું બનતું હતું એવી વાતો પણ થઇ હતી. શેફાલી કોઇ ચોક્કસ મુકામ સુધી પહોંચી શકી નહોતી અને સફળતા માટે સતત ઝઝૂમતી રહી હતી.