અમેરિકાના 13 જવાનોના મોત થયા. ઇરાને પોતાના 1508 સૈનિકો ગુમાવ્યા. 27 લાખ લોકો બેઘર થયા. યુદ્ધના પહેલા જ દિવસે ઇરાનની 170 બાળાઓના મોત એ સૌથી દુ:ખદ ઘટના હતી. આ યુદ્ધની ખરાબ અસરો આખી દુનિયાએ ભોગવવી પડી છે

યુદ્ધ વિશે પહેલેથી એવું કહેવાઇ રહ્યું છે કે, યુદ્ધમાં એક પક્ષ હારે છે અને બીજો જીતે છે પણ ફના તો બંને દેશ થાય છે. હવે તો એવો સમય આવ્યો છે કે, કોઇ દેશ સ્પષ્ટ રીતે યુદ્ધ જીતતું કે હારતું નથી. કોઇ હાર સ્વીકારતું નથી કે ઘૂંટણિયા ટેકવતું નથી. છેલ્લે તો સમાધાન જ કરવું પડે છે. સમાધાનની શરતોના આધારે એ વાત નક્કી થતી હોય છે કે, કોનો હાથ ઉપર રહ્યો. ઇરાન યુદ્ધ વિશે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી એવી વાતો કરી રહ્યા છે કે, અમે યુદ્ધ જીતી લીધું છે. ઇરાનની મિસાઇલ ક્ષમતાને અમે ખતમ કરી નાખી છે.

વાસ્તવિકતા શું છે એ આખી દુનિયા જાણે છે. અમેરિકાની હાલત કફોડી થઇ ગઇ છે. એ વાતથી જરાયે ઇન્કાર થઇ શકે એમ નથી કે, સૌથી વધુ નુકશાન ઇરાનને થયું છે. ઇરાન ઇઝરાયેલ પર સીધા હુમલા કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે પણ ઇરાનની મિસાઇલો અમેરિકા સુધી પહોંચી શકે એમ નથી. ઇરાન અને અમેરિકા વચ્ચેનું અંતર 11,600 કિલોમિટર જેટલું છે. આટલે દૂર હુમલો કરવા માટે ઇરાનને અતિ આધુનિક આંતરખંડિય બેલેસ્ટિક મિસાઇલ અને લાંબા અંતરના અત્યાધુનિક બોમ્બર જેટની જરૂર પડે છે. માનો કે એ હોય તો પણ અમેરિકાની મિસાઇલ અને ફાઇટરોને તોડી પાડવાની ક્ષમતા એટલી છે કે, કોઇ તેના સુધી પહોંચી ન શકે. ઇરાને એટલે જ ખાડીના દેશોમાં જ્યાં અમેરિકાના સૈન્ય અડ્ડા છે તેના પર હુમલા કરીને સંતોષ માનવો પડ્યો હતો. 

કોના કેટલા જવાનો માર્યા ગયા? કેટલું નુકશાન ગયું?

યુદ્ધમાં માર્યા ગયેલા જવાનો, સામાન્ય નાગરિકાના મોત અને કોને કેટલું નુકશાન ગયું એનો સાચો આંકડો મળવો મુશ્કેલ હોય છે. કોઇ સાચી વાત કરતું નથી. ઇન્ટરનેશનલ આર્ગેનાઇઝેશનો પોતાની રીતે અંદાજ બાંધતા હોય છે. અમેરિકાની હ્યુમન રાઇટ્સ એજન્સીની વિગતો એવું કહે છે કે, આ યુદ્ધમાં અમેરિકાએ પોતાના તેર જવાનો ગુમાવ્યા છે. અમેરિકાનું રિફ્યુલિંગ એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટનામાં અમેરિકાના છ જવાનો માર્યા ગયા હતા. કુવૈત અને સાઉદી અરેબિયાના અમેરિકન સૈન્ય મથકો પર ઇરાને કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં અમેરિકાના સાત જવાનોના મોત થયા હતા. 

અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઇરાનની સેનાના 1800 જેટલા જવાનો માર્યા ગયા હતા. ઇરાનની સત્તાવાર એજન્સીએ આ આંકડો આપ્યો છે. સૈનિકોના મોત વિશે એવું પણ કહેવાઇ રહ્યું છે કે, સાચો આંકડો જુદો અને વધુ છે. આ યુદ્ધમાં ઇરાનના 48 જેટલા ટોચના કમાન્ડર્સ અને ઉચ્ચ અધિકારીઓએ જીવ ગુમાવ્યા છે. ઇરાનને સૌથી મોટું નુકશાન પોતાના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખામેનેઇના મોતનું છે. યુદ્ધના પહેલા જ દિવસે ખામેનેઇ માર્યા ગયા હતા. ઇરાનના નાગરિકોના મોતનો આંકડો 1500થી વધુ છે. ઇરાનમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા 22 હજાર જેટલી છે. આ યુદ્ધના કારણે 40 લાખ જેટલા લોકો બેઘર થયા છે. 

ઇરાનની સૌથી દુ:ખદ ઘટના 170 બાળકીઓના મોતની છે. યુદ્ધના પહેલા જ દિવસે ઇરાનના મિનાબ શહેરમાં આવેલી શજરેહ તૈયબેહ પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ પર હુમલો થયો હતો. આ હુમલામાં શાળામાં ભણતી 170 બાળાઓના મોત થયા હતા. અમેરિકાનો ટાર્ગેટ સ્કૂલથી બસો મિટર દૂર આવેલ ઇરાનની સેનાનો નેવલ બેઝ હતો. ટાર્ગેટમાં ભૂલ થઇ અને મિસાઇલ શાળા પર પડી હતી. ઇરાનના ઓઇલ અને મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ આ યુદ્ધમાં મોટું નુકશાન ગયું છે. 

અમેરિકાને ખરેખર કેટલું આર્થિક નુકશાન ગયું તેના વિશે જાતજાતની વાતો થઇ છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનના સત્તાવાર આંકડા એવું કહે છે કે, અમેરિકાને કુલ 29 અબજ ડોલર એટલે કે અંદાજે 2.4 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જોકે, કોસ્ટ ટ્રેકર એવું કહે છે કે, અમેરિકાને બધું મળીને 113.3 અબજ ડોલર એટલે કે અંદાજે 9.4 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. અમેરિકાની જીડીપીમાં 0.5 ટકા ઘટાડો થયો છે. આ તો ટૂંકાગાળાના નુકશાનની વાત છે. લાંબા ગાળે અમેરિકાનું નુકશાન ઘણું મોટું સાબિત થવાનું છે. 

ઇરાનને થયેલા આર્થિક નુકશાનનો સાચો આંકડો બહાર આવ્યો નથી. ઇન્ટરનેશનલ થિંક ટેન્કની વિગતો મુજબ આ યુદ્ધમાં ઇરાનને 550 અબજ ડોલર એટલે કે અંદાજે 45 લાખ કરોડ રૂપિયાનું નુકશાન ગયું છે. ઇરાનની 80 ટકાથી વધુ ઓઇલ રિફાઇનરીઓ, તેલના કૂવાઓ અને એક્સપોર્ટ ટર્મિનલો નાશ પામ્યા છે. તેના કારણે ઇરાનની ઓઇલ નિકાસને મોટો ફટકો પડવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું નુકશાન રિપેર કરવામાં વર્ષો નીકળી જવાના છે. 

ઇરાને પોતાની તાકાત પુરવાર કરી છે

અમેરિકા અને ઇઝરાયેલ ભલે ગમે એ વાતો કરે પણ ઇરાને આ યુદ્ધનો જબરદસ્ત સામનો કરીને પોતાની તાકાત પુરવાર કરી છે. ઇરાને વળતા પ્રહારો કરીને અમેરિકા અને ઇઝરાયેલની બધી જ ગણતરીઓ ઊંધી પાડી છે. અમેરિકાને પણ એ વાતનું ભાન થઇ ગયું હતું કે, ઇરાન સામે હવે વધુ લડવામાં માલ નથી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂનો ઇરાદો ઇરાનને ખતમ કરી નાખવાનો હતો. તેમની પણ મનની મનમાં રહી ગઇ છે. ઉલટું હવે તો અમેરિકા સાથેની દોસ્તી પણ ખતરામાં મૂકાઇ છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને જે દાવ અજમાવ્યો હતો એ બધાને ભારે પડી ગયો છે. દુનિયાના દેશોના અર્થતંત્રો હચમચી ગયા છે. ઇરાન, અમેરિકા અને ઇઝરાયેલ જ નહીં, દુનિયાના તમામ દેશોને આ યુદ્ધની કળ વળતા લાંબો સમય લાગવાનો છે.  


ઇરાન યુદ્ધે ખાડીના દેશોની હાલત પણ અત્યંત ખરાબ કરી નાખી છે
ઇરાને આ યુદ્ધ દરમિયાન કુલ બાર દેશો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓ કર્યા છે. કુવૈત, બહેરીન, યુનાઇટેડ આરબ અમિરાત, કતાર, ઇરાક, સાઉદી અરેબિયા, ઓમાન, જોર્ડન અને ઇઝરાયેલનો તેમાં સમાવેશ થાય છે. ખાડીના દેશોમાં અમેરિકાની સેનાના થાણાઓ છે. તેને તો ઇરાને નિશાન બનાવ્યા જ છે, આ ઉપરાંત અનેક દેશોના એરપોર્ટ અને બીજા સ્થળોને પણ નુકશાન પહોંચાડ્યું છે. પ્રારંભના દિવસોમાં ખાડીના દેશોમાં લોકોની અવરજવર પણ બંધ થઇ ગઇ હતી. લાખો લોકો દુબઇ અને બીજા શહેરોમાં ફસાઇ ગયા હતા. ઇઝરાયેલ પર પણ ઇરાને સીધા હુમલાઓ કર્યા છે. ખાડીના દેશોને એમ હતું કે, અમારે ત્યાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓ છે એટલે અમને વાંધો નહીં આવે પણ તેમની ગણતરીઓ ખોટી પડી છે. અમેરિકાનો ભરોસો આ બધા દેશોને ભારે પડ્યો છે. ખાડીના દેશોના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બહુ મોટું નુકશાન ગયું છે. આ બધા દેશો પણ હવે ઇરાનને વતાવતા પહેલા સો વખત વિચાર કરશે. 


  • Follow us on: