નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન છેલ્લા થોડા સમયથી રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનની નજીક સરકી ગયા છે. એ જિનપિંગથી સહન થતું નથી? કે પછી જે થઇ રહ્યું છે એ જિનપિંગ, પુટિન અને કિમ જોંગ ઉનની મીલીભગત છે? 

જે લોકો ક્યાંય જતા ન હોય એ ક્યાંક જાય એટલે એની ચર્ચા થવી સ્વાભાવિક છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષના લાંબા ગાળા બાદ નોર્થ કોરિયાની બે દિવસની મુલાકાતે જઇ આવ્યા. જિનપિંગે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે મંત્રણાઓ કરી. અમેરિકાના સખત પ્રતિબંધોના કારણે બહુ ઓછા દેશના વડા નોર્થ કોરિયાની મુલાકાતે જાય છે. આખરે એવું તે શું કારણ છે કે, જિનપિંગ નોર્થ કોરિયા ગયા, એની ચર્ચા ચારેકોર છે. આ વર્ષે 2026માં શી જિનપિંગ કોઇ દેશની મુલાકાતે ગયા નહોતા. છેલ્લે તેઓ ઓક્ટોબર, 2025માં સાઉથ કોરિયામાં યોજાયેલી એપેક એટલે કે એશિયા પેસેફિક ઇકોનોમિક કોઓપરેશન સમિટમાં ભાગ લેવા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા એ પછી શી જિનપિંગ અમેરિકાની મુલાકાતે ગયા નથી. ઉલટું, ડોનાલ્ડ ટ્રમ્પ ગયા મહિને બે દિવસની મુલાકાતે ચીન ગયા હતા.

મુલાકાતનું નામ જુદું અને કામ સાવ અલગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની નોર્થ કોરિયા મુલાકાત માટે કારણે બંને દેશ વચ્ચેના સત્તાવાર સંબંધોની 65 વર્ષની ઉજવણીનું અપાયું છે. તારીખ 11મી જુલાઇ, 1961ના રોજ ચીનના બેઇજિંગમાં ચીનના તત્કાલીન વડાપ્રધાન ઝૂ એનલાઇ અને નોર્થ કોરિયાના કિમ ઇલ સુંગે ચાઇના-નોર્થ કોરિયા ટ્રીટી ઓફ ફ્રેન્ડશીપ, કો-ઓપરેશન એન્ડ મિચ્યુઅલ આસિસ્ટન્સ નામની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. એ સમયથી ચીન નોર્થ કોરિયાને સાચવી રહ્યું છે. નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવાનું શરૂ કર્યું એ પછી અમેરિકા તેના પર લાલચોળ થયું હતું.

દુનિયાના દેશોને કહ્યું હતું કે, કોઇએ નોર્થ કોરિયા સાથે સંબંધ રાખવાના નથી. ચીને અમેરિકાની ઐસીતૈસી કરીને નોર્થ કોરિયા સાથે સંબંધ રાખ્યા છે. નોર્થ કોરિયા ચીનના જોરે જ કૂદી રહ્યું છે. નોર્થ કોરિયા પાસે પરમાણુ હથિયારો બનાવી શકે એટલા નથી નાણાં કે નથી ટેક્નોલોજી. ચીન જ તેને બધું પૂરું પાડે છે. ચીનની મદદ વગર નોર્થ કોરિયા માથું ઊંચું કરી શકે એમ જ નથી.

નોર્થ કોરિયા પણ ચીનનો પડ્યો બોલ ઝીલતું રહ્યું છે. જોકે, છેલ્લા થોડા સમયથી નોર્થ કોરિયા રશિયા તરફ સરકી ગયું છે. રશિયા અને યુક્રેન યુદ્ધ પછી નોર્થ કોરિયાના કિમ જોંગ ઉને રશિયાને સૈનિકો મોકલવાથી માંડીને તમામ મદદ કરી છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન પણ કિમ જોંગ ઉન પર ઓળઘોળ છે. નોર્થ કોરિયા ચીન માટે બફર ઝોન છે. ચીન ક્યારેય એવું ન ઇચ્છે કે, નોર્થ કોરિયા તેનાથી દૂર થઇને બીજા કોઇની નજીક જાય. શી જિનપિંગ એટલે જ નોર્થ કોરિયા ગયા છે જેનાથી તેને પોતાની નજીક રાખી શકાય. નોર્થ કોરિયાને હાથો બનાવીને અમેરિકાને કંટ્રોલમાં રાખી શકાય.

જિનપિંગની નોર્થ કોરિયા મુલાકાત માટે બીજી વાત વળી સાવ જુદી જ થઇ રહી છે. જિનપિંગનો ઇરાદો નોર્થ કોરિયા રશિયાને મદદ કરે એવો જ હોવાની વાતો પણ થઇ રહી છે. રશિયા અને યુક્રેન યુદ્ધમાં પાછલા બારણે ચીન પણ રશિયાને થાય એટલી મદદ કરતું રહ્યું છે. ચીન જો રશિયાને સીધી કોઇ મદદ કરે તો એ અમેરિકાની આંખે ચડી જાય એટલે એ વાયા નોર્થ કોરિયા રશિયાને તમામ મદદ કરે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને એવી ચોખ્ખી ધમકી આપી છે કે, જો રશિયાને હથિયારો આપ્યા છે તો તમારી સારાવટ નહીં રહે. ચીન ખંધું છે. પોતાને જે કરવું હોય એ કરવા માટે ચીન ક્યારેય સીધા રસ્તા અપનાવતું નથી.

જે રીતે રશિયા અને ચીનનો સાથ મળ્યો છે એનાથી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ચકલી ફૂલેકે ચડી છે. રશિયા યુક્રેન યુદ્ધનો ઘણો લાભ તેને થયો છે. રશિયા નોર્થ કોરિયાની જરૂરિયાતો પૂરી કરી રહ્યું છે. કિમ જોંગ ઉન અમેરિકાને લલકારતો રહે છે. પહેલા ચીન અને હવે રશિયાના કારણે જ અમેરિકા નોર્થ કોરિયાની દાદાગીરી ચલાવી લે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત પ્રેસિડેન્ટ બન્યા એ સમય દરમિયાન તેઓ ત્રણ વખત કિમ જોંગ ઉનને મળ્યા હતા. એક વખત તો ટ્રમ્પ સામે ચાલીને નોર્થ કોરિયાની મુલાકાતે ગયા હતા. ટ્રમ્પ પહેલા એવા અમેરિકન પ્રેસિડેન્ટ છે જેમણે નોર્થ કોરિયાની ધરતી પર પગ મૂક્યો હોય.

ટ્રમ્પે કિમ જોંગ ઉનની મુલાકાત વખતે ડાહી ડાહી વાતો કરી હતી પણ નોર્થ કોરિયા પણ લાદેલા પ્રતિબંધો હળવા કર્યા નહોતા. આ દરમિયાન એવી વાતો પણ ચાલી હતી કે, અમેરિકા પોતાના કમાન્ડો દ્વારા કિમ જોંગ ઉનની હત્યા કરાવવા ઇચ્છે છે. કિમ જોંગ ઉને અમેરિકાને ધમકી આપી હતી કે, મારી સેનાને મેં આદેશ આપી રાખ્યો છે કે, મારી હત્યા થઇ કે મારા પર હુમલો થયો તો જરાયે વિચાર કર્યા વગર અમેરિકા પર પરમાણુ હુમલો કરી દેજો. જિનપિંગની મુલાકાત બાદ કિમ જોંગ ઉન કોલર ઊંચો કરીને ફરવાના છે એ વાત નક્કી છે.


નોર્થ કોરિયાના 2100થી વધુ સૈનિકો રશિયા વતી લડવામાં માર્યા ગયા છે
રશિયા વતી યુક્રેન સામે લડવા માટે નોર્થ કોરિયાએ પોતાના પંદર હજાર જેટલા સૈનિકોને રશિયા મોકલ્યા હતા. આજની તારીખે નોર્થ કોરિયન આર્મી રશિયા માટે લડી રહી છે. યુક્રેન સામે લડવામાં નોર્થ કોરિયાના 2100થી વધુ જવાનો માર્યા ગયા છે. સાચો આંકડો રશિયા કે નોર્થ કોરિયા બેમાંથી કોઇ આપતા નથી. નોર્થ કોરિયાએ જવાનો મોકલ્યા એટલે જ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન કિમ જોંગ ઉન પર ખુશ છે. પુટિને આ વર્ષની વિક્ટરી ડે પરેડમાં પણ નોર્થ કોરિયાની ટુકડીને સામેલ કરી હતી. નોર્થ કોરિયન આર્મી યુક્રેન સામે ટકી નથી શકતી તેના ઘણા કારણો છે. સૌથી મોટી વાત તો એ કે, નોર્થ કોરિયાના સૈનિકોને અત્યાધુનિક ઇલેકટ્રોનિક વોર લડવાની આવડત નથી. એ નોર્થ કોરિયાની દેશી પદ્ધતિથી જ તાલીમ પામેલા છે. બીજી વાત એ કે, નોર્થ કોરિયાના જવાનોને રશિયન ભાષા આવડતી ન હોવાથી કમ્યુનિકેશનમાં પણ પ્રોબ્લેમ થાય છે. રશિયન સેના સામે એક આક્ષેપ એવો પણ થઇ રહ્યો છે કે, એ લોકો જ્યાં સૌથી વધુ જોખમ હોય ત્યાં નોર્થ કોરિયાના સૈનિકોને મોકલે છે. કેટલીક જગ્યાએ રશિયન સેના નોર્થ કોરિયાના જવાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે. એમને આગળ રાખે છે અને પોતે પાછળ હોય છે. નોર્થ કોરિયાના જવાનો તાનાશાહ કિમ જોંગ ઉન કે બીજા કોઇને ફરિયાદ કરી શકે નહીં. નોર્થ કોરિયાના જવાનોને ગમે કે ન ગમે એની પાસે લડવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી.


  • Follow us on: