ખાન સરે પોતાના સમર્થનમાં આવવા માટે વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા, સિક્યોરિટી ગાર્ડને ફાયરિંગ કરવા કહ્યું. ખાન હોય કે રોશન, તમારું કામ માત્ર ડિગ્રીલક્ષી ભણાવવાનું જ છે કે પછી સંસ્કાર પણ આપવાનું છે? સારું ભણાવવાની સાથે સાચી સમજ પણ આપો

બિહારની રાજધાની પટના શહેરના ખાન સર અને રોશન સર વચ્ચેનો વિવાદ આખા દેશમાં ગાજી રહ્યો છે. બંને સરની સારી એવી રેપ્યુટેશન છે. બંને સારું ભણાવવા માટે જાણીતા છે. સોશિયલ મીડિયાના કારણે ખાન સરનો ચહેરો માત્ર પટના પૂરતો જ મર્યાદિત નથી રહ્યો, આખા દેશમાં તેમના કરોડો ફોલોઅર્સ છે. ખાન સર અને રોશન સરની વચ્ચેની સ્પર્ધા હવે માત્ર સ્ટુડન્ટસ મેળવવા પૂરતી નથી રહી પણ બ્રાંડ અને વર્ચસ્વની લડાઇ બની ગઇ છે. આ વખતે બંને વચ્ચે ઘર્ષણ થયું એ પછી રોશન સરની ધરપકડ કરી લેવામાં આવી. એ પછી જે થયું એના કારણે ખાન સર સામે નવા સવાલો ખડા થયા છે.

ખાન સર અને રોશન સરના ક્લાસીસ પટનાના મુસલ્લહપુર વિસ્તારમાં એક જ પ્રિમાઇસીસમાં આવેલા છે. ખાન સરના ક્લાસની બહાર થયેલા ફાયરિંગે ભારે રહસ્યો પેદા કર્યા હતા. આખરે ફાયરિંગ કરનાર સિક્યોરિટી ગાર્ડે એવું કહ્યું કે, અમને ખાન સરે જ ફાયરિંગ કરવાનું કહ્યું હતું. ખાન સરે પોતાના ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને કહ્યું કે, મેં જે કહ્યું એમાં શું ખોટું છે? સિક્યોરિટી ગાર્ડનું બીજું કામ શું છે? ખાન સરે સ્ટુડન્ટસને પોતાના સમર્થનમાં દેખાવો કરવા પણ ઉશ્કેર્યા હતા. ક્લાસીસ વચ્ચેના વિવાદો જે હોય તે, સ્ટુડન્ટસને હાથો બનાવવાની વાત કેટલી વાજબી છે? સિક્યોરિટી ગાર્ડે હવામાં ફાયરિંગ કર્યું હતું. બે ઘડી વિચાર કરો કે, ગોળી કોઇ સ્ટુડન્ટને વાગી હોત તો શું થાત? ફાયરિંગની ઘટનાની સાચી વાત બહાર આવી પછી ખાન સર સામે ફરિયાદ નોંધાઇ. પોલીસ તેને શોધવા ગઇ તો તેઓ ન મળ્યા. ભારે ઉહાપોહ બાદ ખાન સરે શનિવારે બપોરે પોલીસ સમક્ષ સરન્ડર કર્યું.

શિક્ષણ અને સંસ્કારના સવાલો સૌથી મહત્ત્વના

બંને સર સારું ભણાવે છે એમાં ના નહીં પણ તમારી લડાઇમાં સ્ટુડન્સને શા માટે વચ્ચે લાવો છો? બંને ક્લાસના વિદ્યાર્થીઓ પણ સામસામે આવી ગયા. ટીચરનું કામ માત્ર ડિગ્રીલક્ષી ભણાવવાનું જ નથી, યંગ સ્ટુડન્ટસને સાચી સમજ અને સારા સંસ્કાર આપવાનું પણ છે. બંને સર એવું કરવામાં ચૂક્યા છે. આ વખતની આખી ઘટના કેવી રીતે બની? બિહારમાં 19883 કોન્સ્ટેબલોની ભરતી માટે પરીક્ષા યોજાઇ હતી. પરિણામ આવ્યું ત્યારે ખાન સરે એવો દાવો કર્યો કે, અમારા બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સામા પક્ષે રોશન સરે પોતાના દસ હજાર સ્ટુડન્ટ પાસ થયાનો દાવો કર્યો. બંનેએ દાવો કર્યો એટલા તો પાસ જ નથી થયા. બીજી તરફ પાસ થયેલાઓએ ખાન સરના સન્માનનો કાર્યક્રમ યોજ્યો. એના માટે તૈયાર કરવામાં આવેલા પોસ્ટરો રોશન સરના પોસ્ટરો પર લગાવી દેવાયા.

રોશન સરના સમર્થકોએ પોસ્ટર ફાડી નાખ્યા અને હોબાળો મચી ગયો. બંને પક્ષો સામસામે આવી ગયા અને વાત ફાયરિંગ સુધી પહોંચી ગઇ. અત્યારે બંને સર વચ્ચેનો મામલો પોલીસ સ્ટેશનમાં છે. શું સાચું અને કોણ સાચું એ નક્કી કરવાનું કામ અદાલત કરશે. આ ઘટનાએ ખાન સર અને રોશન સરના વિવાદ સહિત આખા દેશમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ સામે સવાલો ખડા કર્યા છે. સરકારે ટ્યુશન ક્લાસ માટે પણ કોઇ ઘર્ષણ ન થાય એવા નિયમો બનાવવા જોઇએ ત્યાં સુધીની ચર્ચાઓ થઇ.

કોણ છે ખાન સર અને રોશન સર

ખાન સરનું સાચું નામ ફૈઝલ ખાન છે. ભણવાનું પૂરું કરીને તેઓ પોતાના વતન યુપીના ગોરખપુર નજીકના દેવરિયાથી પટના આવ્યા હતા. પટનામાં છ વિદ્યાર્થીઓ સાથે એક નાના કોચિંગ ક્લાસમાં તેમણે ભણાવવાનું શરુ કર્યું હતું. કોરોના દરમિયાન ખાન સરે કોચિંગ માટે યુટ્યૂબ ચેનલ શરૂ કરી અને જોતજોતામાં તેના ફોલોઅર્સનો આંકડો કરોડોમાં પહોંચી ગયો. ખાન સરની લોકપ્રિયતાનું કારણ ઓછી ફી અને ભણાવવાની સરળ પદ્ધતિ છે. તેની પાસે ભણી ગયેલા કેટલાંય છોકરા છોકરીઓ આજે ઊંચી પોસ્ટ પર કાર્યરત છે. ખાન સરે વિદ્યાર્થીઓના ભલા માટે 107 કરોડની એક એડટેક કંપનીની ભાગીદારીની ઓફર પણ ઠુકરાવી દીધી હતી. ખાન સરે ગરીબ લોકોને સસ્તી અને સારી સારવાર મળે એ માટે ખાન સર હોસ્પિટલ પણ શરૂ કરી છે. તેમનું કહેવું એવું છે કે, પોતે ઓછી ફીમાં બધું કરતા હોવાથી વિરોધીઓથી તેઓ સહન થતા નથી. એ વાત જુદી છે કે, ખાન સરના નામે પણ અનેક વિવાદો ચડેલા છે.

ખાન સર સામે રોશન આનંદ સરે જ્ઞાનબિંદુ એકેડેમી શરૂ કરી છે. તેમણે પણ ચાર વિદ્યાર્થીઓ સાથે ભણાવવાનું શરુ કર્યું હતું. જોતજોતામાં ખાન અને રોશન સર બંનેની લોકપ્રિયતા વધતી ગઇ અને સાથોસાથ બંનેના સ્ટુડન્ટસમાં પણ સતત વધારો થઇ ગયો. એ બંને વચ્ચે પહેલેથી બ્રાંડ અને વર્ચસ્વની લડાઇ ચાલતી રહી છે. માત્ર આ બે સરની કે પટના શહેરમાં જ આવું નથી, રાજસ્થાનના કોટાથી માંડીને દેશના લગભગ તમામ શહેરોમાં કોચિંગ ક્લાસીસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. સરકારે આ માટે સક્રિય થવાની જરૂર છે. જો કંઇ ન થયું તો આવી ઘટનાઓ બીજા શહેરમાં પણ બનતી રહેશે. શિક્ષણ ક્ષેત્રમાં આવા વિવાદો અયોગ્ય અને અશોભનીય છે.


ટીચિંગમાં ચીટિંગ : ટ્યુશન આજના સમયનું સૌથી મોટું દૂષણ બની ગયું છે
ટ્યુશન હવે સૌથી મોટું ન્યૂસન્સ બની ગયું છે. પેરેન્ટસ માટે હવે પોતાના સંતાનોને ભણાવવા સારી સ્કૂલ શોધવાનું જ કામ નથી રહ્યું, સારા ટ્યુશન ક્લાસમાં એડમિશન મળી જાય એનું પણ મોટું ટેન્શન હોય છે. ટ્યુશન ક્લાસીસવાળાઓ પોતાનું આધિપત્ય જાળવી રાખવા માટે જાતજાતના નુસખાઓ અજમાવતા રહે છે. પોતાના ટ્યુશન ક્લાસનું રિઝલ્ટ સારું આવે એ માટે અગાઉ કેટલાંક ટ્યુશન ક્લાસના સંચાલકોએ પેપર ફોડવા સુધીના કારનામા કર્યા છે. પેરેન્ટ્સે પોતાના સંતાનોને ભણાવવા માટે સ્કૂલ કે કોલેજની સાથે ટ્યુશન ક્લાસની તગડી ફી ભરવી પડે છે.

બહુ ઓછી એવી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં ભણ્યા પછી ટ્યુશન રાખવું પડતું નથી. અનેક વખત એવા સવાલ ઉઠ્યા છે કે, જો ટ્યુશન ક્લાસમાં જ ભણવાનું હોય તો પછી સ્કૂલ કે કોલેજનું કામ શું છે? એક દલીલ તો એવી પણ થઇ છે કે, સરકારે શાળા અને કોલેજો બંધ કરી દેવા જોઇએ. છોકરાઓએ જ્યાં ભણવું હશે એ ટ્યુશન ક્લાસમાં ભણી લેશે. સરકારે ખાલી એક્ઝામ લેવાનું જ કામ પોતાના હાથમાં રાખવું જોઇએ. છોકરાઓને ડબલ ટેન્શન તો નહીં. છોકરાઓ કોલેજ અને ટ્યુશનમાંથી નવરા જ નથી પડતા. લોકો માટે એજ્યુકેશન એ સૌથી મોટી ચેલેન્જ બની ગયું છે. એજ્યુકેશન સેક્ટરમાં હજુ ઘણી ક્લિરીટીની આવશ્યકતા છે.


  • Follow us on: