પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન તહેરિક-એ-તાલિબાન ખૈબર પખ્તુનખ્વાંમાં હુમલાઓ કરતું રહે છે. આ પ્રદેશના અનેક સ્થળો આતંકવાદીઓના કબજામાં છે. પાકિસ્તાનની સેના પણ કેટલાંક વિસ્તારોમાં પગ મૂકી શકતી નથી. સ્થિતિ વધુ વણસે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે
પાકિસ્તાનના બલૂચિસ્તાન, પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર, ખૈબર પખ્તુનખ્વાં સહિત અનેક વિસ્તારોમાં અત્યારે ભયંકર ઉહાપોહ છે. પાકિસ્તાન વિશે એવી આગાહીઓ થઇ રહી છે કે, ગમે ત્યારે પાકિસ્તાનના ચારથી પાંચ ટૂકડા થઇ જવાના છે. પહેલા ક્યો વિસ્તાર અલગ પડશે એની ચર્ચાઓ થઇ રહી છે. આ દરમિયાનમાં પાકિસ્તાનની સરકારે ખૈબર પખ્તુનખ્વાંમાં ઇમરજન્સી ડિકલેર કરીને આ પ્રદેશની સરકારને ભંગ કરી નાખી છે. ખૈબર પખ્તુનખ્વામાં ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીની સરકાર હતી. પાકિસ્તાને ત્યાંની સરકાર તો ખતમ કરી નાખી છે, સાથોસાથ ઇમરાનની પાર્ટીના નેતાઓને પણ જેલમાં પૂરી દીધા છે. ઇમરાનના સમર્થકો રોડ પર ઉતરી આવ્યા છે.
લોકોને કાબુમાં કરવા પાકિસ્તાનની સેનાએ ગોળીબાર કર્યો છે. ખૈબર પખ્તુનખ્વાંમાં અત્યારે અંજપો છે. ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહેરિક-એ-તાલિબાને માથું ઊંચક્યું છે. આ આતંકી સંગઠને એવું એલાન કર્યું છે કે, અમે ધીમે ધીમે આખા પાકિસ્તાન પર કબજો જમાવીને દેશમાં શરિયા કાનૂન લાગુ કરવાના છીએ. પાકિસ્તાનની સરકાર આતંકવાદી ઘટનાઓને ડામવામાં નિષ્ફળ રહી છે. તેણે દોષનો ટોપલો સ્થાનિક સરકાર પર નાખ્યો છે. સ્થાનિક સરકાર ત્યાંની સ્થિતિ સંભાળી શકતી નથી એવું કહીને બરખાસ્ત કરી દેવાઇ છે. આ વિશે જાણકારો એવું કહે છે કે, હવે તો સ્થિતિ વધુ વણસવાની છે. આતંકવાદીઓ તો હતા જ, લોકો પણ હવે પાકિસ્તાનની સરકાર સામે મેદાને પડ્યા છે.
ખૈબર પખ્તનુખ્વાંમાં સ્ફોટક સ્થિતિ
પાકિસ્તાન મુખ્યત્ત્વે ચાર પ્રાંત અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચાયેલું છે. તેમાં પંજાબ, બલૂચિસ્તાન, સિંધ, ખૈબર પખ્તુનખ્વાં અને કેન્દ્રશાસિત પ્રદેશ ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરીનો સમાવેશ થાય છે. ખૈબર પખ્તુનખ્વાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલો એક મહત્ત્વનો પ્રાંત છે. કુદરતે અહીં પ્રાકૃતિક સૌંદર્ય વેરવામાં કંઇ બાકી નથી રાખ્યું. સ્વાત વેલી, ચિત્રાલ, કાગાન જેવા સુંદર સ્થળો અહીં આવેલા છે. બરફાચ્છાદિત પર્વતો, નદીઓ અને લીલોતરી આ સ્થળને સ્વર્ગ જેવું બનાવે છે. આ પ્રાંતને પાકિસ્તાનના સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પેશાવર આ પ્રાંતનું સૌથી મોટું શહેર અને વહીવટી મથક છે. અગાઉ આ વિસ્તારને નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ તરીકે ઓળખવામાં આવતો હતો.
આ પ્રોવિન્સમાં ખૈબર, કુર્રમ, બાજોર સહિતના વિસ્તારોમાં આદિવાસીઓ અને કબીલાનો વસવાટ હતો. પાકિસ્તાનની સરકારે 2018માં ફાટા એટલે કે ફેડરલી એડમિનિસ્ટર્ડ ટ્રાયબલ એરિયાઝને ખૈબર પખ્તુનખ્વાંમાં ભેળવી દીધા હતા. ફાટાના વિલીનીકરણ બાદ ખૈબર પખ્તુનખ્વાંનો કુલ વિસ્તાર 1,01,741 ચોરસ કિલોમિટરનો થયો હતો. વિસ્તારની દ્રષ્ટિએ તે પાકિસ્તાનનો ચોથા નંબરનો સૌથી મોટો પ્રાંત છે. ચાર કરોડ નવ લાખ જેટલા લોકો આ વિસ્તારમાં વસી રહ્યા છે. વસતિની દ્રષ્ટિએ એ પાકિસ્તાનનો ત્રીજો સૌથી મોટો પ્રાંત છે. અહીંની બહુમતિ વસતિ પખ્તુન પઠાણોની છે. પશ્તો ભાષા બોલતા આ સમુદાયના લોકો મહેમાનગતિ અને બહાદૂરી માટે આખી દુનિયામાં જાણીતા છે.
અફઘાનિસ્તાન સાથે બોર્ડર જોડાયેલી છે
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કુલ 2640 કિલોમિટરની બોર્ડર છે. ડુરંડ લાઇન તરીકે ઓળખાતી આ બોર્ડરનો સૌથી મોટો હિસ્સો એટલે કે 1343 કિલોમિટરની બોર્ડર ખૈબર પખ્તુનખ્વાં સાથે જોડાયેલી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યારે સંઘર્ષની સ્થિતિ છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી એ પછી બંને વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આવા સંજોગોમાં ખૈબર પખ્તુનખ્વાંમાં ટેન્શન પેદા થયું છે. પાકિસ્તાનમાં સૌથી વધુ આતંકી હુમલાઓ કરતા તહેરિક-એ-તાલિબાનનું ખૈબર પખ્તુનખ્વામાં જબરૂ વર્ચસ્વ છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં સરકારી ઇમારતો, સુરક્ષા એજન્સીઓ, પોલીસ ઉપરાંત અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો પર હુમલા કર્યા છે. આ વિસ્તારના અનેક સ્થળો પર આતંકવાદીઓનો કબજો છે. પાકિસ્તાનની સેના પણ આ સ્થળોએ પગ મૂકી શકતી નથી.
ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલાઓ રોજની ઘટના છે. આ વર્ષ 2026ની જ વાત કરીએ તો દરરોજ એકથી વધુ હુમલા આતંકવાદીઓએ કર્યા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા સત્તાવારી રીતે જાહેર કરાયેલા આંકડા મુજબ આ વર્ષે ખૈબર પખ્તુનખ્વામાં 2456 જેટલા આતંકી હુમલાઓ થયા છે. આતંકી હુમલાઓમાં આ વર્ષે જ એક હજારથી વધુ લોકોના મોત થયા છે. 1500થી વધુ લોકોને ઇજા થઇ છે. પાકિસ્તાન સેનાના જવાનો, રેન્જર્સ અને પોલીસ મળીને 472 સુરક્ષા કર્મીઓના મોત થયા છે.
પાકિસ્તાનનો આક્ષેપ છે કે, આતંકવાદીઓને અફઘાનિસ્તાનના તાલિબાનો મદદ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપીને આતંકવાદીઓ અફઘાનિસ્તાનની હદમાં ચાલ્યા જાય છે. અફઘાનિસ્તાનના તાલિબાનો આ વાતને નકારતા રહ્યા છે. તેઓ કહે છે કે, પાકિસ્તાન પોતાને ત્યાં આતંકવાદને કંટ્રોલ કરી શકતું નથી એટલે અમારા પર વાહિયાત આક્ષેપો કરે છે. આતંકવાદીઓના ખાત્માના નામે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરી એ પછી અફઘાન તાલિબાનોએ પણ લડી લેવાનું નક્કી કર્યું છે. ડુરંડ લાઇન પર બંને વચ્ચે અથડામણો થઇ રહી છે. અફધાન તાલિબાનોએ ધમકી આપી છે કે, જો આવું જ ચાલ્યું તો અમે ગમે ત્યારે પેશાવર પણ કબજો કરી લેશું.
ખૈબર પખ્તુનખ્વાંના લોકો સાથે પાકિસ્તાનની સરકારનું વલણ પહેલેથી ઓરમાયું રહ્યું છે. આમ તો આખા પાકિસ્તાનના લોકો અત્યારે ગરીબી, મોંઘવારી અને બેકારીના કારણે ત્રસ્ત છે. એમાંયે પીઓકે, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાંના લોકો તો સરકાર સામે લડી લેવા મેદાને પડ્યા છે. ખૈબર પખ્તુનખ્વાંમાં સ્થિતિ હજુ વધારે ખરાબ થવાની છે એ વાત નક્કી છે. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે, આ પ્રદેશ વહેલો કે મોડો પાકિસ્તાને ગુમાવવો પડશે.
પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીર દેશનો નકશો બદલવાનો પ્લાન બનાવે છે પાકિસ્તાનની સેનાના વડા અસીમ મુનીરથી પોતાનો દેશ સંભાળી શકાતો નથી. અસીમ મુનીર પોતે જ અગાઉ કહી ચૂક્યા છે કે, પાકિસ્તાનને સૌથી વધુ ખતરો ભારત કે બીજા કોઇથી નહીં પણ પોતાના દેશના જ આતંકવાદીઓથી છે. અસીમ મુનીરે હવે પાકિસ્તાનના પ્રદેશોના વિભાજનની પ્રક્રિયા હાથ ધરી છે. પાકિસ્તાનના ચાર રાજ્યો પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાંને તોડીને બારથી પંદર નવા રાજ્યો બનાવીને કુલ 160 ભાગોમાં વહેંચવું છે. અસીમ મુનીરની આ યોજનાનો પાકિસ્તાનના નેતાઓ જ ભારે વિરોધ કરી રહ્યા છે. અસીમ મુનીર પર એવા આક્ષેપો થઇ રહ્યા છે કે, તે અત્યારે જે કંઇ કરે છે એ અમેરિકા અને બીજા દેશોના ઇશારે કરી રહ્યા છે. અસીમ મુનીર જો એમ માનતા હોય કે, પાકિસ્તાનને નાના નાના ભાગોમાં વહેંચવાથી દેશ સુરક્ષિત થઇ જશે તો એ વાતમાં કોઇ માલ નથી. |