ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે ગાદી આઇઝેનકોટને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે પણ તેઓ મેજિક ફિગર 61 સુધી પહોંચી શક્યા નથી. નેતન્યાહૂ અને આઇઝેનકોટ સાથે મળીને સરકાર બનાવે તો વડાપ્રધાન કોણ એ વિશે વાદવિવાદ છે

ઇઝરાયેલમાં ચૂંટણી યોજાઇ એને ત્રણ દિવસ પછી એક મહિનો થઇ જશે. હજુ સુધી ઇઝરાયેલમાં નવી સરકારનો મેળ પડ્યો નથી. પરિણામો જ એવા આવ્યા છે કે, સરકાર બનાવવા માટે જરૂરી મેજિક ફિગર સુધી કોઇ પહોંચી શકતું નથી. ઇઝરાયેલના ઇતિહાસમાં ક્યારેય કોઇ એક પાર્ટીની સરકાર બની નથી. ગઠબંધનવાળી સરકાર જ ઇઝરાયેલની નિયતિ બની ગઇ છે. આ વખતે ચૂંટણીના પરિણામો આવ્યા એ પછી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂના વિરોધી ગાદી આઇઝેનકોટને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે.

રાષ્ટ્રપતિ જેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપે એને ગઠબંધન રચવા અને બહુમતી સુધી પહોંચવા માટે 28 દિવસનો સમય મળે છે. આજે 28 દિવસ પૂરા થયા છે. જો 28 દિવસમાં બહુમતી સાબિત ન થાય તો રાષ્ટ્રપતિ બીજા 14 દિવસનું એક્સટેન્શન આપે છે. એ રીતે ઉમેદવારને કુલ 42 દિવસ મળે છે. આટલા સમયમાં પણ જો સરકાર ન બની તો રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટણી કરવાનું એલાન કરી શકે છે. ગાદી આઇઝેનકોટ બહુમતિ માટે મહેનત કરે છે પણ તેનો મેળ પડતો નથી. 

શું છે અત્યારની ખરી સ્થિતિ?

ઇઝરાયેલની ખરી સ્થિતિ સમજવા માટે ચૂંટણીના પરિણામો પર એક નજર નાખવી પડે એમ છે. નેસેટ તરીકે ઓળખાતી ઇઝરાયેલની સંસદની કુલ બેઠકો 120 છે. સરકાર બનાવવા માટે 61 બેઠકોની જરૂર પડે છે. આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી છે. નેતન્યાહૂના ગઠબંધને સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરી છે. જોકે, તેને સરકાર બનાવવા માટે આઠ બેઠકો ખૂટે છે. નેતન્યાહૂના હરીફ ગાદી આઇઝેનકોટના ગઠબંધનને 48 બેઠકો મળી છે. તેમને સરકાર બનાવવા માટે 13 બેઠકો ખૂટે છે. બીજી બે આરબ પાર્ટી ચૂંટણીના મેદાનમાં હતી. તેમાં જોઇન્ટ લિસ્ટ પાર્ટીને અગિયાર અને રાઆમ પાર્ટીને આઠ બેઠકો મળી છે. આ બંનેનો સરવાળો ઓગણીસનો થાય છે. સરકાર બનાવવાની ચાવી આ બંને આરબ પાર્ટીઓના હાથમાં છે. આરબ પાર્ટીઓને નેતન્યાહૂ સાથે જરાયે બનતું નથી એટલે તેમને સમર્થન આપવાનો કોઇ સવાલ જ નથી. ગાદી આઇઝેનકોટે એ બંને સાથે ગઠબંધન કરવાના પ્રયાસ કર્યો હતો. ગાદી આઇઝેનકોટના ગઠબંધનમાં જે સાથી પાર્ટીઓ છે એ એવું નથી ઇચ્છતી કે, આઇઝેનકોટ તેનો સાથ લઇને સરકાર બનાવે. એના કારણે કોકડું બરાબરનું ગૂંચવાયું છે. 

છેલ્લા ઉપાય તરીકે બેન્જામીન નેતન્યાહૂ અને ગાદી આઇઝેનકોટે સાથે મળીને સરકાર બનાવવાનો વિચાર કર્યો હતો. બંનેએ સરકારની રચના માટે વિચારણા કરી. બંને એક-બીજાને સાથ આપવા તૈયાર છે પણ વાત વડાપ્રધાનપદ પર અટકી ગઇ. ગાદી આઇઝેનકોટે એવું કહ્યું કે, ભેગા મળીને સરકાર બનાવીએ તો વડાપ્રધાન હું બનીશ. બેન્જામીન નેતન્યાહૂએ એ શરત કોઇ હિસાબે માનવા તૈયાર નથી. તેને તો પોતાને જ વડાપ્રધાન તરીકે ચાલુ રહેવું છે. હજુ બંને વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. શું થશે એ કોઇ કહી શકે એમ નથી. બેન્જામીન નેતન્યાહૂ એક બીજો દાવ પણ અજમાવી રહ્યા છે. ગાદી આઇઝેનકોટના ગઠબંધનમાં જે નાની પાર્ટીઓ છે એને સાથે લઇને તેઓ સરકાર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. 

ગાદી આઇઝેનકોટના ગઠબંધનમાં ચાર પાર્ટી છે. ગાદી આઇઝેનકોટની પોતાની યાશર પાર્ટીને 21 બેઠકો મળી છે. તેના ગઠબંધનમાં નફતાલી બેનેટ અને યાયર લિપિટની ટુગેધર અને બેયાયદ પાર્ટીને બાર બેઠકો મળી છે. યાયર ગોલાનની પાર્ટી ધ ડેમોક્રેટ્સને આઠ બેઠક મળી છે. એવિગડોલ લિબરમેનની ઇઝરાયેલ બેઇતેઇનું પાર્ટીને સાત બેઠક મળી છે. આમાંથી આઠ બેઠક જો નેતન્યાહૂને મળી જાય તો તેઓ સરકાર બનાવી શકે તેમ છે. 

બેન્જામીન નેતન્યાહૂએ ગાદી આઇઝેનકોટને વારાફરતી વડાપ્રધાન બનવાની ઓફર પણ આપી હતી. એમાંયે નેતન્યાહૂએ એવું કહ્યું હતું કે, પહેલા હું વડાપ્રધાન બનીશ. મારા પછી તમારો વારો આવશે. ગાદી આઇઝેનકોટ એ માટે તૈયાર થયા નથી. એમાં વળી ભૂતૂપૂર્વ વડાપ્રધાન નફતાલી બેનેટ આડા ફાટ્યા છે. તેમણે ગાદી આઇઝેનકોટને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, તેઓ કોઇપણ સંજોગોમાં નેતન્યાહૂ સાથે સરકાર બનાવવા માટે ગઠબંધન સ્વીકારશે નહીં. ગાદી આઇઝેનકોટના બીજા સાથીદારો પણ નેતન્યાહૂ સાથે બેસવાનો ઇન્કાર કરી રહ્યા છે. કોઇપણ ચાલશે પણ નેતન્યાહૂ તો ન જ જોઇએ એવું તેમનું કહેવું છે.

સરવાળે શું થશે એ કોઇ કહી શકે એમ નથી. 42 દિવસની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં જો કોઇ એક-બીજાને સાથ આપવા તૈયાર નહીં થાય તો રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટણીનો આદેશ આપી દેશે. ઇઝરાયેલમાં એવું ઘણી વખત થયું છે કે, કોઇ સરકાર રચી શક્યું ન હોય અને ફરીથી ચૂંટણીના આદેશ અપાયા હોય. એક વખત તો એક વર્ષમાં ત્રણ વખત ચૂંટણીઓ યોજાઇ હતી. ફરીથી ચૂંટણી યોજાય તો પણ એક વાત નક્કી છે કે, કોઇ એક પાર્ટીને સરકાર બનાવી શકે એટલી 61 બેઠકો મળવાની નથી. આખું પિક્ચર ક્યારે અને કેવી રીતે ક્લિયર થશે એના પર બધાની મીટ મંડાઇ છે. ઇઝરાયેલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ઇરાન અને અમેરિકાનું યુદ્ધ હજુ પૂરું નથી થયું. યુદ્ધના કારણે ઇઝરાયેલના લોકો પણ કંટાળ્યા છે. હજુ ઘણું બધું જો અને તો પર જ નિર્ભર છે. 


અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇઝરાયેલમાં કોની સરકાર બને એવું ઇચ્છી રહ્યા છે?
અમેરિકા અને ઇઝરાયેલના સંબંધો પહેલેથી ગાઢ રહ્યા છે. અમેરિકા તેમાં પણ પોતાનો સ્વાર્થ જ જોતું રહ્યું છે. ઇઝરાયેલમાં નવી સરકાર મુદ્દે અવઢવ સર્જાઇ છે ત્યારે એક ચર્ચા એની પણ થઇ રહી છે કે, આખરે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલમાં કોની સરકાર બને એવું ઇચ્છે છે? આમ તો ટ્રમ્પ પહેલેથી જ બેન્જામીન નેતન્યાહૂની ફેવરમાં બોલતા રહ્યા છે. જોકે, અંદરખાને ટ્રમ્પની ઇચ્છા કંઇક જુદી હોય શકે છે. બેન્જામીન નેતન્યાહૂ પ્રેસિડેન્ટ ટ્રમ્પની કોઇ વાત માનતા નથી અને પોતાનું ધાર્યું જ કરતા રહે છે. ટ્રમ્પે તેની સામે જાહેરમાં નારાજગી પણ વ્યક્ત કરી છે. ઇરાન યુદ્ધ માટે નેતન્યાહૂએ જ ટ્રમ્પને પટાવ્યા હતા. નેતન્યાહૂની વાતમાં આવીને ટ્રમ્પ પણ લડવા નીકળી પડ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાની હાલત ખરાબ થઇ ગઇ છે. ઇરાન યુદ્ધ સિવાય પણ ગાઝા પીસ પ્લાન અને લેબેનોન પર હુમલાઓ સહિત ટ્રમ્પની અનેક વાતો નેતન્યાહૂ માન્યા નથી. ટ્રમ્પ પણ એની રાહ જોઇ રહ્યા છે કે, ઇઝરાયેલમાં કોની સરકાર બને છે. અમેરિકા અને ઇઝરાયેલે હજુ સાથે મળીને ઘણા કામો પાર પાડવાના છે