કૂમળી વયના બાળકો સોશિયલ મીડિયાના રવાડે ચડીને જિંદગી બરબાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના રસ્તે બાળકો પોર્નોગ્રાફી સુધી પણ પહોંચી જાય છે. નવી જનરેશન હાથમાંથી સરકી જાય એ પહેલા તેને કાયદાથી કંટ્રોલ કરવી પડે એમ છે. બાળક તો નાદાન હોય છે, એને સારા-નરસાનું બહુ ભાન હોતું નથી, મોટાઓએ કેટલીક હકીકતો સમજવી પડશે
|
બાળકો સમજણા ન થયા હોય ત્યારથી હાથમાં મોબાઇલ લઇને બેસી જાય છે. મોબાઇલ ન આપો ત્યાં સુધી બાળકો જમતા નથી. મોબાઇલ જાણે રમકડું હોય એમ બાળકોને મોબાઇલ રમવા જોઇએ છે. ફેમિલીના લોકો સાથે બેસીને વાતો કરતા હોય ત્યારે બાળક હાથમાં મોબાઇલ લઇને એક ખૂણામાં બેસી જાય છે. બાળક થોડુંક મોટું થાય એટલે એ સોશિયલ મીડિયા વાપરવા લાગે છે. કેટલાંક બાળકો તો ઇન્ફ્લુઅન્સર સુદ્ધાં બની ગયા છે. હજારો, લાખો લોકો અમુક બાળકોને ફોલો કરે છે. ઇન્ફ્લુઅન્સર બાળકોને જોઇને બીજા બાળકોને પણ ફોલોઅર્સ અને લાઇક્સ વધારવાના ધખારા જાગે છે. સોશિયલ મીડિયા પર બાળકો આંધળુકિયા કરે છે. આપણા દેશ અને દુનિયામાં જે રીતે બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે એ જોઇને હવે બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ લાદવાનો વિચાર થઇ રહ્યો છે. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે, મોબાઇલ એક સમયે બાળકો માટે ઘાતક પુરવાર થવાના છે. સ્ટીવની વાત અત્યારે સાચી પડતી દેખાય છે.
ઓસ્ટ્રેલિયા જેવો કાયદો ભારતમાં લાગુ થશે?
મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે શુક્રવારે દેશની સરકારને એવું સૂચન કર્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ બાળકોને સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ લાદ્યો છે, આપણા દેશમાં પણ એવું કરવામાં આવે એ જરૂરી છે. હાઇકોર્ટે સરકારને વિનંતી કરી કે, આ મામલે ઝડપથી અને ગંભીરતાથી વિચારવામાં આવે. એસ વિજયકુમાર નામના વ્યક્તિએ કરેલી અપીલની સુનાવણીમાં હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર પર સખત નિયમો લાગુ પાડવામાં આવે. સોશિયલ મીડિયા કંપનીઓ પેરેન્ટસને પેરેન્ટલ વિન્ડો સર્વિસ એટલે કે પેરેન્ટલ કંટ્રોલ આપે એવી ફરજ પાડવામાં આવે. પેરેન્ટલ વિન્ડોની મદદથી પેરેન્ટસ એ જોઇ શકશે કે, મારું સંતાન સોશિયલ મીડિયા પર કેવી એક્ટિવિટી કરે છે. બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ બેસ્ટ રસ્તો છે. આજે નહીં તો કાલે, એ પગલું ભરવું જ પડશે. જેટલું વહેલું થશે એટલું સારું થશે.
ઓસ્ટ્રેલિયામાં આ મહિને જ તારીખ 9મી ડિસેમ્બર, 2025થી સોળ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ લાદી દેવાયો છે. ઓસ્ટ્રેલિયામાં તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પગલે દુનિયાના બીજા દેશો પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનું વિચારી રહ્યા છે. આ મામલે એક દલીલ એવી થાય છે કે, દુનિયાના દરેક દેશમાં અમુક ઉંમરે જ અમુક છૂટ મળે એવા કાયદા છે. ડ્રાઇવિંગ લાયસન્સ 18 વર્ષના ન થાય ત્યાં સુધી નથી મળતું. મેરેજની પણ ચોક્કસ ઉંમર નક્કી થયેલી છે. એક મોબાઇલ અને સોશિયલ મીડિયા જ એવી ચીજ છે જ્યાં ઉંમરની કોઇ મર્યાદા નથી. બાળકને કઇ ઉંમરે મોબાઇલ અને સોશિયલ મીડિયા વાપરવા દેવા જોઇએ એની ચર્ચાઓ આખી દુનિયામાં થઇ રહી છે.
માત્ર સોશિયલ મીડિયા જ નહીં, મોબાઇલ જ બાળકો માટે જોખમી છે. ટેન્શનની વાત એ છે કે, મોબાઇલ વગર બાળકો રહી શકતા નથી. એને કાં તો ગેમ જોઇએ છે અને કાં તો કાર્ટૂન જોઇએ છે. ધીમે ધીમે બાળકો પોર્ન સુધી પહોંચી જાય છે. પોર્નોગ્રાફીના કારણે બાળકો નાની ઉંમરે જાતીય સંબંધો સુધી પહોંચી જવા લાગ્યા છે. તેના કારણે અનેક માનસિક સમસ્યાઓ પેદા થાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાંક સમયથી આખી દુનિયામાં એવું જોવા મળી રહ્યું છે કે, બાળકો દિવસેને દિવસે વધુને વધુ હિંસક બની રહ્યા છે. શાળાના બાળકો ચાકુથી હુમલો કરવાથી માંડીને હત્યા સુધી પહોંચવા લાગ્યા છે. બાળકોની માસૂમિયત ખોવાઇ જવાનું એક મોટું કારણ મોબાઇલ છે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર
મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે બાળકો શારીરિક અને માનસિક રીતે નબળા પડી રહ્યા છે. મોબાઇલ લઇને ઘરમાં બેસી રહેતા બાળકો રમવા માટે ઘરની બહાર નીકળતા નથી. અગાઉના સમયમાં મિત્રો સાથે બહાર રમતા બાળકોને ઘરમાં બોલાવવા માટે માતા-પિતાએ ખીજાવવું પડતું હતું. હવે તેને મોબાઇલ હાથમાંથી મૂકવા માટે ધમકાવવા પડે છે. મોબાઇલની ના પાડતા પણ મા-બાપ ડરી રહ્યા છે. ક્યાંક વળી ન કરવાનું કરે તો? મા-બાપે મોબાઇલ વાપરવાની ના પાડતા સંતાનોએ આપઘાત કરી લીધાના બનાવો પણ આપણે ત્યાં બનવા લાગ્યા છે. સતત મોબાઇલ જોઇને બાળકો ચીડિયા થઇ રહ્યા છે. નાની ઉંમરમાં જ બાળકો ડિપ્રેશન અને એંગ્ઝાઇટીનો ભોગ બનવા લાગ્યા છે. સ્થિતિ હજુ વણસે એ પહેલા સરકારે જાગવાની જરૂર છે.
પેરેન્ટ્સે પણ પોતાની આદતો સુધારવાની જરૂર છે
સરકારે તો જ્યારે કાયદો બનાવવો હશે ત્યારે બનાવશે, પેરેન્ટસ જો ધારે તો બાળકોને મોબાઇલ અને સોશિયલ મીડિયાથી દૂર રાખવા ઘણું કરી શકે એમ છે. અત્યારે થાય છે એવું કે, મા-બાપ જ હાથમાં મોબાઇલ લઇને બેઠા રહે છે. બાળકો તો જે જોવાના છે એ જ શીખવાના છે. ઘરમાં મા-બાપે જ મોબાઇલનો ઉપયોગ બને એટલો ટાળવો જોઇએ. છોકરું કજીયા કરે એટલે તેને શાંત રાખવા માટે મા-બાપ તેના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. બાળકો મોબાઇલથી દૂર રહે એ માટે પેરેન્ટસે તેની સાથે રમવાની અને બીજી એક્ટિવિટી કરવાની જરૂર છે. સરકાર અને સ્વજનો બંને સાથે મળીને કંઇક કરશે તો ફેર પડવાનો છે!
મોટાઓએ પણ સોશિયલ મીડિયાથી સેફ ડિસ્ટન્સ રાખવાની પૂરી જરૂર છે
આખી દુનિયામાં બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની વાતો થઇ રહી છે. તેની સાથે એ ચર્ચાઓ પણ થાય છે કે, મોટા લોકોએ પણ સોશિયલ મીડિયાના મર્યાદિત ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં લેવો જેવો. યંગસ્ટર્સ વર્ચ્યુઅલ વર્લ્ડમાં ખોવાયેલા રહે છે અને વાસ્તવિક સંબંધો પ્રત્યે બેદરકાર રહે છે. અત્યારની જનરેશનની મેરેજ લાઇફના અનેક ઇશ્યૂઝ છે તેમાં એક અને મોટો ઇશ્યૂ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાના કારણે લોકોની માનસિકતા પણ બદલી રહી છે. બધા લોકો દેખાદેખીની હોડમાં ઉતરવા લાગ્યા છે. બધા જાણે છે કે, સોશિયલ મીડિયામાં માત્ર સારું સારું જ બતાવવામાં આવે છે. રિયાલિટી માણસ પોતે જ જાણતો હોય છે. માણસ ધીમે ધીમે એકલો પડી રહ્યો છે. સોશિયલ મીડિયાના કારણે હ્યુમન બિહેવિયર જ ચેન્જ થઇ ગયું છે. સોશિયલ મીડિયાના કેટલાંક ફાયદાઓ ચોક્કસ છે પણ તેનો વધુ પડતો ઉપયોગ જોખમી સાબિત થઇ શકે છે. લોકોએ હવે સોશિયલ મીડિયા વાપરવાનો સમય નક્કી કરીને સ્વંય શિસ્તનું પાલન કરવું પડશે. દરેક માણસે એ વાત યાદ રાખવાની જરૂર છે કે, સોશિયલ મીડિયા આપણા માટે છે, આપણે સોશિયલ મીડિયા માટે નથી. સોશિયલ મીડિયાને આપણા પણ કેટલું હાવી થવા દેવું તે આપણે નક્કી કરવાનું હોય છે. |