ટ્રમ્પ એવા પ્રેસિડેન્ટ છે જે સામેથી નોબેલ પીસ પ્રાઇઝ માંગતા રહ્યા છે. મેં આટલા યુદ્ધો રોકાવ્યા છે અને તેટલું કર્યું છે એવા દાવાઓ કરીને તેઓ પોતે નોબેલ માટે લાયક હોવાનું કહેતા રહ્યા છે. શાંતિનું નોબેલ ન મળ્યું એટલે ટ્રમ્પે બળાપો ઠાલવ્યો છે

નોબેલ પીસ પ્રાઇઝ મેળવવાની અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની મનની મનમાં રહી ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા રહ્યા છે કે, મેં આઠ યુદ્ધો રોકાવ્યા છે, મને નોબેલ પીસ પ્રાઇઝ મળવું જ જોઇએ. ડોનાલ્ડ ટ્રમ્પ એક માત્ર એવા પ્રેસિડેન્ટ છે જેમણે સામે ચાલીને નોબેલ પીસ પ્રાઇઝની માંગણી કરી છે. અત્યાર સુધીમાં ટ્રમ્પ બારેક વખત કહી ચૂક્યા છે કે, મેં આટલા યુદ્ધો રોકાવ્યા છે. મને નોબેલ પ્રાઇઝ આપો. આ વખતે નોબલ પીસ પ્રાઇઝ જાહેર થવાનું હતું એના આગલા દિવસે જ તારીખ 8મી ઓક્ટોબરના રોજ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાંથી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મેં દુનિયાને વિનાશથી બચાવી છે. મેં આઠ જેટલા મોટા યુદ્ધો રોક્યા છે. ઇતિહાસમાં કોઇ રાષ્ટ્રપતિએ આટલા યુદ્ધો અટકાવ્યા નથી. હવે સમય આવી ગયો છે કે, મને આ સન્માન પ્રાપ્ત થાય. આખી દુનિયાની નજર એના પર હતી કે, આ વખતે શાંતિનું નોબેલ પ્રાઇઝ કોને મળે છે.

નોર્વેની નોબેલ કમિટિએ સાઉથ આફ્રિકામાં રહીને બેનમૂન કામ કરનાર ભારતીય મૂળના નવનેથેમ પિલ્લઇને નોબેલ પ્રાઇઝ આપવાની ઘોષણા કરી. જેવી નાવી પિલ્લઇના નામની જાહેરાત થઇ કે, ડોનાલ્ડ ટ્રમ્પે બખાળા કાઢવાનું શરૂ કરી દીધું. ટ્રમ્પે કહ્યું, મેં અસાધારણ કામ કર્યું છે તો પણ મને નોબેલ પ્રાઇઝ ન આપ્યું. ધમકી આપતા હોય એવા સૂરમાં તેમણે કહ્યું કે, હું નોબેલ કમિટિનો આ નિર્ણય યાદ રાખીશ. હદ તો એ વાતની થઇ કે, તેઓ જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું છે એવા નાવી પિલ્લઇનું પણ ખરાબ બોલ્યા. તેમણે કહ્યું કે, એવી વ્યક્તિને નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યું છે, જેનું મેં ક્યારેય નામ પણ નથી સાંભળ્યું. 

ટ્રમ્પે યુદ્ધ કરાવ્યા છે એનું શું?

ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ રોકાવ્યાના દાવાઓ વચ્ચે નિષ્ણાતો અને બુદ્ધિજીવીઓ કહે છે કે, તમારા દાવાઓમાં કેટલું તથ્ય છે એ સૌથી મોટો સવાલ છે. તમે તો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ રોકાવ્યાના વાહિયાત દાવાઓ પણ કર્યા છે. ભારતે અનેક વખત આવા દાવાઓનો છેદ ઉડાડ્યો છે કે, યુદ્ધ રોકવામાં ટ્રમ્પની કોઇ ભૂમિકા નહોતી. પાકિસ્તાન જ નાક રગડીને સામેથી આવ્યું હતું. બીજી વાત એ કે, ટ્રમ્પે જે યુદ્ધ કર્યા અને કરાવ્યા છે એનું શું? અમેરિકાએ ઇઝરાયેલ સાથે મળીને ઇરાન પર હુમલો કરી દીધો હતો. હજુ આ યુદ્ધ પત્યું નથી. ઇરાનમાં અમેરિકા કંઇ કરી ન શક્યું એના કારણે આખી દુનિયામાં અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પની ફજેતી થઇ છે. ગાઝા અને લેબેનોન પર ઇઝરાયેલના હુમલાઓ ટ્રમ્પ રોકાવી શક્યા નથી.

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ટ્રમ્પની કોઇ વાત માનતા નથી અને પોતાનું ધાર્યું જ કરતા રહે છે. સૌથી મોટી વાત રશિયા અને યુક્રેન યુદ્ધની છે. ટ્રમ્પ ચૂંટણી લડતા હતા ત્યારથી એવું કહેતા રહ્યા છે કે, હું રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકાવી દઇશ. હજુ સુધી તેઓ કંઇ કરી શક્યા નથી. ટ્રમ્પે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કીને જાહેરમાં ધમકાવ્યા હતા. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનને મળીને કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કર્યો હતો. અનેક ઘમપછાડા કરવા છતાં ટ્રમ્પ રશિયા અને યુક્રેન યુદ્ધ રોકાવી શક્યા નથી. આ ઉપરાંત ટ્રમ્પે કેનેડાથી માંડીને ગ્રીનલેન્ડને જાતજાતની ધમકીઓ આપી છે. વેનેઝુએલા પર હુમલો કરીને તેના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોનું અપહરણ કરાવી લીધું. ક્યુબાને અમેરિકાએ અંધારામાં ધકેલી દીધું છે. એક્સપર્ટસ તો ત્યાં સુધીની વાત કહે છે કે, દુનિયામાં અત્યારે જે અશાંતિ છે એનું સૌથી મોટું કારણ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના અયોગ્ય નિર્ણયો છે. ટ્રમ્પ ક્યા મોઢે નોબેલ પીસ પ્રાઇઝની વાત કરે છે?

નાવી પિલ્લઇને શા માટે નોબેલ મળ્યું?

દક્ષિણ આફ્રિકાના ડરબનમાં જન્મેલા ભારતીય મૂળના 85 વર્ષીય નવનેથેમ પિલ્લઇને શાંતિ, માનવ અધિકાર અને ઇન્ટરનેશનલ લો મુદ્દે બેનમૂન કામ કરવા બદલે શાંતિનું નોબેલ પ્રાઇઝ જાહેર કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર પંચના હાઇ કમિશનરથી માંડીને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના જજ તરીકે તેમણે ફરજ અદા કરી છે. રવાન્ડાના સંઘર્ષમાં થયેલા બળાત્કારોને તેમણે નરસંહાર ગણાવ્યા હતા. ગાઝામાં ઇઝરાયેલે નરસંહાર આચર્યો છે એવું પણ તેઓ કહી ચૂક્યા છે. રંગભેદ સામે તેમણે નેલ્સન મંડેલા સાથે પણ કામ કર્યું છે. તેમણે આપેલા ઐતિહાસિક ચુકાદા અને નોંધપાત્ર કામોનું લાબું લિસ્ટ છે. તેમની જિંદગી પણ પ્રેરણાદાયી રહી છે. ટ્રમ્પ જો એવું કહેતા હોય કે, મેં તેમનું નામ નથી સાંભળ્યું કે તેમના કામ વિશે કંઇ ખબર નથી તો એ ટ્રમ્પની અજ્ઞાનતા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની ફિતરત આખી દુનિયા જાણે છે. એ કંઇ પણ બોલે છે અને કંઇ પણ કરે છે. નોબેલ વિશે તેણે જે વાતો કરી એનાથી આમ તો કોઇને નવાઇ લાગી નથી. ગયા વર્ષે વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું ત્યારે પણ ટ્રમ્પે જાતજાતની વાતો કરી હતી. ટ્રમ્પ જે કરે છે એનાથી એની જ ઇજ્જત ઘટી રહી છે. અલબત્ત, ટ્રમ્પને એનાથી કંઇ ફેર પડતો નથી. એને પોતાનું મન થાય એમ જ કરવું છે.   


બરાક ઓબામા સહિત અમેરિકાના ચાર પ્રેસિડેન્ટને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું છે
અમેરિકાના કુલ ચાર ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સને નોબેલ પીસ પ્રાઇઝ મળી ચૂક્યું છે. સૌથી છેલ્લે 2009માં બરાક ઓબામાને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. ઓબામા પ્રેસિડેન્ટ બન્યા એના નવ મહિનામાં જ તેમને નોબેલ આપવાની ઘોષણા થઇ હતી. રાજદ્વારી સંબંધો, મુત્સદ્દીગીરી, વિશ્વના દેશો વચ્ચે સહકાર વધારવા અને પરમાણુ શસ્ત્રો વિનાની દુનિયા માટે તેમના વિઝનના કારણે તેમને નોબેલ આપવામાં આવ્યું હતું. સૌથી પહેલા 1906માં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટને રૂસો-જાપાન યુદ્ધનો અંત લાવવા માટે નોબેલ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 1919માં વુડ્રો વિલ્સનને આતંરરાષ્ટ્રીય સહયોગ માટે લીગ ઓફ નેશન્સની સ્થાપના બદલ નોબેલ મળ્યું હતું. વર્ષ 2002માં પ્રેસિડેન્ટ જીમી કાર્ટરને યુદ્ધો અને સંઘર્ષોનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે અને લોકશાહી તથા માનવ અધિકારોની રક્ષણ માટે નોબેલ અપાયું હતો. અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરને વર્ષ 2007માં પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મુદ્દે તેમણે કરેલી કામગીરી બદલ નોબેલ મળ્યો હતો. આમાંથી કોઇએ ક્યારેય સામેથી શાંતિના નોબેલ માટે માંગણી કરી નથી. માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ એવા વ્યક્તિ છે જે ચીપિયા પછાડીને કહેતા રહ્યા છે કે, મને શાંતિનું નોબલ પ્રાઇઝ મળવું જ જોઇએ.