આપણે બેબી ફિલ્મ સહિત ઘણીયે ફિલ્મોમાં એવું જોયું છે કે, ભારતના જાંબાઝ જવાનો બીજા કોઇ દેશમાં અલગ આઇડેન્ટિટી સાથે જાય છે અને ભારતના દુશ્મનનો ખાત્મો બોલાવે છે અથવા તો તેને પકડીને ભારત લઇ આવે છે. ફિલ્મોમાં આવા મિશનો સફળ થઇ જાય છે. વાસ્તવિકતામાં બધા મિશનો સફળ થતા નથી, કેટલાંક નિષ્ફળ પણ જાય છે. આવા જ કોઇ મિશન સાથે નિખિલ ગુપ્તા ભારતના મોસ્ટ વોન્ટડે ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હત્યા માટે અમેરિકા ગયો હતો. જે ગણતરીઓ બાંધી હતી એ ઊંધી વળી ગઇ અને નિખિલ ગુપ્તા પકડાઇ ગયો. ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રના ગુનામાં હમણાં અમેરિકાના અદાલતે નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને સાત મહિનાની જેલની સજા ફટકારી છે. અમેરિકાએ ભારત સામે એવો આક્ષેપ કર્યો હતો કે, પન્નુની હત્યાનું ષડયંત્ર ભારતના ઇશારે ઘડવામાં આવ્યું હતું. આપણી સરકારે કહ્યું હતું કે, પન્નુની હત્યાના કાવતરામાં ભારતનો કોઇ રોલ નથી. નિખિલ ગુપ્તાએ અદાલત સમક્ષ એવી કબૂલાત કરી હતી કે, મેં એકલાએ જ પન્નુને મારવાનું કાવતરું ઘડ્યું હતું. ભારત સરકાર કે બીજા કોઇની દોરવણીથી મેં આવું કર્યું નથી. તેણે ગુનો સ્વીકારી લીધો હતો. પંચાવન વર્ષના નિખિલ ગુપ્તાએ હવે 19 વર્ષ અમેરિકાની જેલમાં વિતાવવા પડશે. સજા પૂરી થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવી શકે છે એવું ચુકાદામાં જણાવવામાં આવ્યું છે.
મિશન કેમ નિષ્ફળ ગયું?
ભારતનો નિખિલ ગુપ્તા શીખ આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યા કરાવવાના ઇરાદા સાથે અમેરિકા ગયો હતો. અમેરિકામાં તેણે પન્નુની હત્યા કરવા માટે એક સોપારી કિલરનો સંપર્ક કર્યો હતો. પન્નુની હત્યાનો સોદો એક લાખ ડોલરમાં નક્કી થયો હતો. પંદર હજાર ડોલર એડવાન્સમાં અપાયા હતા. નિખિલ ગુપ્તા જેને કોન્ટ્રાક્ટ કિલર સમજતો હતો એ અમેરિકાની સુરક્ષા એજન્સી ડીઇએ એટલે કે ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનો અંડર કવર એજન્ટ હતો. તેણે નિખિલ ગુપ્તા સાથે થયેલી ડીલ, વાતચીત અને વોટ્સએપ મેસેજના સ્ક્રીન શોટ્સ અમેરિકાની સુરક્ષા એજન્સીને આપી દીધા હતા. એ પછી નિખિલની ધરપકડના ચક્રો ગતિમાન થયા હતા.
પ્રાગથી નિખિલ ગુપ્તાની ધરપકડ
નિખિલ ગુપ્તા કોઇ કામ માટે ભારતથી ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ ગયો હતો. ચેક રિપબ્લિક પોલીસે અમેરિકાના કહેવાથી તારીખ 30મી જૂન, 2023ના રોજ પ્રાગથી નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી. અમેરિકાએ નિખિલ ગુપ્તાની પ્રત્યાર્પણની માંગણી કરી હતી. એક વર્ષ કાર્યવાહી ચાલી. આખરે તારીખ 14મી જૂન, 2024ના રોજ ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપી દીધો હત અમેરિકામાં નિખિલ ગુપ્તા સામે કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમેરિકાના વકીલોએ કોર્ટમાં શું કહ્યું હતું?
અમેરિકાના વકીલોએ કોર્ટમાં એવું કહ્યું હતું કે, ભારત સરકારના કેબિનેટ સચિવાલયના અધિકારી વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા માટેનું કામ સોંપ્યું હતું. વિકાસ યાદવ અમાનતના કોડ નામથી નિખિલ ગુપ્તા સાથે કમ્યુનિકેશન કરતો હતો. પન્નુની વિગતોથી માંડીને નાણાંની વ્યવસ્થા પણ વિકાસ યાદવે જ કરી હતી. ભારત સરકારે ચોખ્ખી ના પાડી હતી. વિકાસ યાદવ હવે સરકારી નોકરીમાં નથી એમ પણ કહ્યું હતું. નિખિલે પણ એવી જ વાત કરી હતી. નિખિલે કહ્યું કે, જે કંઇ થયું છે એ મેં જ કર્યું છે. નિખિલની કબૂલાત બાદ તેને સજા ફરમાવાઇ હતી.
કોણ છે નિખિલ ગુપ્તા અને આતંકી પન્નુ?
નિખિલ ગુપ્તા ઇન્ડિયન સિટિઝન છે અને દિલ્હીમાં બિઝનેસ કરે છે. તેના વિશે ઘણી બધી વિગતો આજની તારીખે બહાર આવી નથી. નિખિલ ડ્રગની દાણચોરી અને મની લોન્ડરિંગ નેટવર્કમાં હોવાનું પણ કહેવાતું રહ્યું છે. તેના પરિવારમાં પત્ની, બાળકો અને માતા છે. તેનો પરિવાર ક્યાં છે, શું કરે છે એ વિશે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. નિખિલ ગુપ્તાનું કામકાજ રહસ્યમય રહ્યું છે. નિખિલ જેને મરાવી નાખવાનો હતો એ કુખ્યાત આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ અમેરિકા અને કેનેડામાં રહીને ખાલિસ્તાન આતંકવાદને ભડકાવવાના પ્રયાસો કરતો રહે છે. પંજાબને ભારતથી જુદું પાડીને અલગ ખાલિસ્તાન દેશ રચવા માટે તેણે અનેક કાવતરાઓ ઘડ્યા છે. ભારત સરકારે તારીખ 1 જુલાઇ, 2020ની રોજ પન્નુને આતંકવાદી ઘોષિત કર્યો હતો. આપણી સરકારે અમેરિકાને ડોઝિયર સોંપીને અનેક વખત કહ્યું છે કે, પન્નુ ભારતનો ભાગેડું અપરાધી છે. તેની સામે કાયદેસરકની કાર્યવાહી કરો. અમેરિકા કંઇ કરતું નથી. પન્નુએ કેનેડા સહિત અનેક દેશોમાં ખાલિસ્તાન માટે રેફરન્ડમ કર્યા છે. ભારતના નેતાઓને વીડિયો ક્લિપ રિલિઝ કરીને જાતજાતની ધમકીઓ આપી છે. પોતાના મોતથી ફફડતો ગુરપતવંતસિંહ પન્નુ બહાર નીકળતા પણ ગભરાય છે. છાનાખૂણે એ ભારત વિરૂદ્ધ કાવતરા ઘડતો રહે છે. ખાલિસ્તાનીઓનું નેટવર્ક ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન સહિત અનેક દેશોમાં ફેલાયેલું છે. ગુરુપતવંતસિંહ પન્નુના ઇશારે જ બધું ચાલતું હોવાનું માનવામાં આવે છે. પન્નુ પાકિસ્તાનના પણ સંપર્કમાં રહે છે. તેણે પંજાબને ખાલિસ્તાન બનાવવા માટે ખુલ્લેઆમ પાકિસ્તાનની મદદ પણ માંગી હતી. નિખિલ ગુપ્તાનો મેળ ન પડ્યો, બાકી પન્નુનો ઘડોલાડવો થઇ ગયો હોત.
કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યામાં પણ ભારત સામે આંગળી ચિંધાઇ હતી
કેનેડાના સરી ગામે ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ હરદીપસિંહ નિજ્જરની હત્યા થઇ હતી. તારીખ 18મી જૂન, 1923ના રોજ હરદીપસિંહ નિજ્જર ગુરૂદ્વારાની બહાર પોતાની કારમાં બેઠો હતો ત્યારે બાઇક પર આવેલા બે નકાબધારી હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી. કેનેડા પોલીસે તેની હત્યા અને કાવતરાના ગુનામાં ચાર ભારતીય મૂળના યુવાનોની ધરપકડ કરી છે. નિજ્જરની હત્યા થઇ ત્યારે કેનેડાના વડાપ્રધાનપદે જસ્ટિન ટ્રુડો હતા. ટ્રુડોએ સંસદમાં એવું કહ્યું હતું કે, નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની ભૂમિકા હતી. તેમના આ નિવેદન પછી ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા હતા. આપણી સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, નિજ્જરની હત્યા સાથે ભારતને કંઇ લાગતું વળગતું નથી. બાદમાં કેનેડાની સુરક્ષા એજન્સીઓએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ભારત વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. માફિયા લીડર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારના આદેશથી નિજ્જરની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, તેણે નિજ્જરની હત્યા શા માટે કરાવી હતી એ વિશે ભેદભરમ છે. નિજ્જરની હત્યા થઇ એ સમયે જ ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું પણ કાવતરું ઘડાઇ રહ્યું હતું.