તોફાનીઓએ બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ કાર્યવાહક સરકારના વડા મોહમ્મહ યુનુસના પૈતૃક ઘરને સળગાવી દીધું. શેખ હસીનાની અવામી લીગના કાર્યકરો તોફાને ચડ્યા છે. ગારમેન્ટ કામદારોની હડતાલે બળતામાં ઘી હોમ્યું છે. સ્થિતિ વણસી રહી છે
આપણા પડોશી દેશ બાંગ્લાદેશમાં વધુ એક વખત હિંસક તોફાનો ફાટી નીકળ્યા છે. પોતાના દેશમાંથી ભાગીને ભારતમાં શરણ લેનાર ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ વતન પાછા ફરવાની વાત કરી એ પછી બાંગ્લાદેશમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો છે. બાંગ્લાદેશમાં ગારમેન્ટ કામદારો પહેલેથી જ દેખાવો કરી રહ્યા છે. લોકોનો રોષ બહાર આવી રહ્યો છે. તારિક રહેમાન વડાપ્રધાન બન્યા એ પછી એવું માનવામાં આવતું હતું કે, હવે બાંગ્લાદેશની ગાડી પાટે ચડી જશે. આ આશા ભ્રામક સાબિત થઇ છે. તોફાનીઓએ બાંગ્લાદેશની ભૂતપૂર્વ કાર્યવાહક સરકારના વડા મોહમ્મદ યુનુસના ચટગાંવના પંટલાઇશ વિસ્તારમાં આવેલા પેતૃક ઘરને આગ ચાંપી દીધી છે. શાંતિનું નોબલ પ્રાઇઝ મેળવનારા મોહમ્મદ યુનુસે સ્થાપેલી ગ્રામીણ બેંકની દેશભરમાં આવેલી 37 જેટલી શાખાઓમાં તોફાનીઓએ તોડફોડ કરી છે. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે દેશમાં લોકડાઉનની ઘોષણા કરી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત દેશના 28 જિલ્લામાં તોડફોડ, બોમ્બમારા અને આગજનીની ઘટનાઓ બની છે. સંસદ સભ્ય એસ.એમ. જિલાનીના ઘર, પોલીસ ચોકી અને અન્ય સરકારી ઇમારતોને આગને હવાલે કરી દેવાઇ છે. બસોને સળગાવી દેવાની ઘટનામાં એક બસમાં સૂતેલો હેલ્પર જીવતો ભૂંજાઇ જતા તેનું મોત થયું છે. સ્થિતિ સતત વણસી રહી છે.
શું શેખ હસીના ફરી પોતાના દેશ જઇ શકશે?
વીસ વર્ષથી વધુ સમય બાંગ્લાદેશના વડાંપ્રધાન તરીકે ફરજ બજાવનારા શેખ હસીના સારી એવી બહુમતીથી ચૂંટાયા હતા. જાન્યુઆરી, 2024ની ચૂંટણી બાદ તેઓ પાંચમી વખત વડાંપ્રધાન બન્યાં હતાં. જુલાઇ, ઓગસ્ટ 2024 દરમિયાન સરકારી નોકરીઓમાં અનામત મુદ્દે તેમની સરકાર સામે હિંસક આંદોલન ફાટી નીકળ્યું હતું. 46 દિવસમાં 1400થી વધુ લોકોના મોત થયા હતા. આખું બાંગ્લાદેશ ભડકે બળવા માંડ્યું હતું. શેખ હસીનાની સરકારે શૂટ એટ સાઇટના હુકમો આપ્યા હતા, તો પણ તોફાનીઓ કાબુમાં આવ્યા નહોતા. સ્થિતિ એ સર્જાઇ કે, જો શેખ હસીના હાથમાં આવે તો તેમને પણ તોફાનીઓ મારી નાખે. પોતાના દેશમાં રહેવું જોખમી લાગ્યું એટલે તારીખ પાંચમી ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીના પોતાની બહેન રેહાના શેખ સાથે સૈન્ય હેલિકોપ્ટરમાં બેસીને ભારત ભાગી આવ્યા. એ સમયથી તેઓ ભારતમાં છે. અનેક વખત તેઓ બાંગ્લાદેશ પરત ફરવાની વાત કરી ચૂક્યા છે.
શેખ હસીના ભારત આવી ગયા એ પછી બાંગ્લાદેશની સરકારે તેમનો પાસપોર્ટ રદ કરી નાખ્યો હતો. ગઇ તારીખ નવમી નવેમ્બરના રોજ શેખ હસીનાએ પોતાના લંડન સ્થિત વકીલો મારફતે આપણા દેશમાં નવી દિલ્હી ખાતે આવેલી બાંગ્લાદેશની હાઇ કમિશન કચેરીમાં નવા પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર માટે માંગણી કરી છે. શેખ હસીનાએ કહ્યું કે, પાસપોર્ટ મળી ગયા પછી ડિસેમ્બર, 2026માં તેઓ પાછા બાંગ્લાદેશ પરત ફરીને આત્મ સમર્પણ કરવા ઇચ્છે છે. બાંગ્લાદેશની સરકારે કહ્યું કે, શેખ હસીનાને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. તે બાંગ્લાદેશનાં વોન્ટેડ ગુનેગાર છે. તેમને પાસપોર્ટ ફરીથી આપી શકાય એમ નથી. તેમને જો બાંગ્લાદેશ પાછા આવવું હોય તો ભારતના પ્રત્યાર્પણ દ્વારા જ પાછા આવી શકશે. પાછા ફરે તો પણ તેમની ધરપકડ કરવામાં આવશે અને જે કેસો પેન્ડિંગ છે તેના પર કામ હાથ ધરવામાં આવશે.
શેખ હસીનાને જાણનાર લોકો કહે છે કે, શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરવાનું જોખમ લે એવું લાગતું નથી. એ તો પડ ગાજતું રાખવા માંગે છે. તેનો ઇરાદો બાંગ્લાદેશમાં અશાંતિ રહે એવો જ છે. બાંગ્લાદેશમાં એક મોટો વર્ગ છે જે આજની તારીખે શેખ હસીનાને માને છે. શેખ હસીના સામે મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. તોફાનો કરાવાયા હતા અને તેની સરકારને ખદેડી દેવામાં આવી હતી. એક વાત તો આખી દુનિયા જાણે છે કે, શેખ હસીના હતાં ત્યાં સુધી બાંગ્લાદેશમાં શાંતિ હતી. તેમણે પોતાનો દેશ છોડ્યા એને બે વર્ષ કરતા વધુ સમય થયો છે. એ વખતથી બાંગ્લાદેશ અંધાધૂંધીમાં અટવાયેલું છે. હજુયે શાંતિ સ્થપાય એવા અણસારો વર્તાતા નથી.
શેખ હસીનાની સરકાર ગઇ એ પછી મોહમ્મદ યુનુસે કામચલાઉ સરકાર સંભાળી હતી. તેઓ શાંતિ તો નહોતા સ્થાપી શક્યા, ઉલટું બાંગ્લાદેશની હાલત તેમણે વધુ ખરાબ કરી નાખી. આ વર્ષે ફેબ્રઆરી, 2026માં બાંગ્લાદેશમાં ચૂંટણી થઇ હતી અને તારિક રહેમાન વડાપ્રધાન બન્યા હતા. એ પછી પણ બાંગ્લાદેશની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. બાંગ્લાદેશની સરકાર પોતાના એક સમયના દુશ્મન પાકિસ્તાનની નજીક સરકી ગઇ છે. ચીન પણ બાંગ્લાદેશમાં પોતાની રમતો રમી રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશના સંબંધો તંગ થઇ ગયા છે. બાંગ્લાદેશમાં મોટા પાયે હિંદુઓની હત્યા થઇ છે અને હજુયે અત્યાચારો થઇ રહ્યા છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો બાંગ્લાદેશમાં એક્ટિવ થઇ ગયા છે. કામદારો મેદાને પડ્યા છે. એક સાથે અનેક પરિબળો ભાગ ભજવી રહ્યા છે. જે રીતે તોફાનો વકરી રહ્યા છે એ જોઇને સુરક્ષાનું કામ અર્ધ લશ્કરી દળોને સોંપવામાં આવ્યું છે. આગામી દિવસો બાંગ્લાદેશ માટે મહત્ત્વના સાબિત થવાના છે. જો સરકાર તોફાનોને કંટ્રોલ કરી નહીં શકે તો તારિક રહેમાનની સરકાર સામે પણ સંકટ પેદા થવાનું છે. અત્યારે તો બાંગ્લાદેશમાં ગમે ત્યારે ગમે તે થાય એવી સ્થિતિ પેદા થઇ છે.
શેખ હસીના બાંગ્લાદેશ ગયાં તો તેમની હાલત પણ ઇમરાન ખાન જેવી થવાની છે
શેખ હસીના પાછા બાંગ્લાદેશ જવાની વાતો કરે છે ત્યારે નિષ્ણાતોનું માનવું એવું છે કે, જો શેખ હસીના બાંગ્લાદેશ ગયા તો તેની હાલત પણ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેવી જ થવાની છે. ઇમરાન ખાન તારીખ 5મી ઓગસ્ટ, 2023થી જેલમાં બંધ છે. 74 વર્ષના ઇમરાન ખાન સામે એટલા કેસ નોંધાયેલા છે કે, એ જીવતેજીવ જેલમાંથી છૂટી શકે એમ નથી. ઇમરાન ખાને ખુદે હમણાં એવું કહ્યું કે, હવે હું જીવતો જેલની બહાર આવું એવું લાગતું નથી. ઇમરાનની તબિયત નાજુક રહે છે. તેને સરખી સારવાર મળતી નથી. શેખ હસીના 79 વર્ષના છે. બાંગ્લાદેશની અદાલતે તેમને મોતની સજા ફરમાવી છે. જો તેઓ ગયા તો એરપોર્ટ પર જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે અને સીધા જેલમાં ધકેલી દેવાશે. એ પછી તેઓ ક્યારેય બહાર નીકળી શકશે નહીં. બાંગ્લાદેશ ભારત પાસે એવી માંગણી કરી રહ્યું છે કે, શેખ હસીનાને અમને સોંપી દો. જોકે, અંદરખાને બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન એવું જ ઇચ્છતા હશે કે તેઓ પાછા ન આવે. તેને ખબર છે કે, શેખ હસીના પાછા આવ્યા તો બાંગ્લાદેશમાં અંધાધૂંધી ફેલાઇ શકે છે.