ભારત અને ઓમાન વચ્ચે ગેસ પાઇપલાઇનની વાતો ત્રણ દાયકાથી ચાલી રહી છે. કોઇને કોઇ કારણોસર કામ અટકતું રહ્યું છે. અમેરિકા અને ઇરાનના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા બંને દેશને એ વાત સમજાઇ છે કે, આ યોજના બંને દેશ માટે કેટલી મહત્ત્વની છે
અમેરિકા અને ઇરાન યુદ્ધના કારણે આપણા દેશની જે યોજના દાયકાઓથી અટવાયેલી છે એના પર ફરીથી વિચારણા શરૂ થઇ છે. યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે. સમગ્ર વિશ્વના દેશો પર મોટું ઉર્જા સંકટ પેદા થયું છે. આપણો દેશ પણ તેમાંથી બાકાત નથી. ગેસની અછતના કારણે દેશના ઉદ્યોગોથી માંડીને ઘરેલુ ગેસ સુધીની સમસ્યાઓ પેદા થઇ છે. ભારત અને ઓમાન વચ્ચે ત્રણ દાયકાથી દરિયામાં ગેસ પાઇપલાઇન બિછાવવાની વાતો ચાલી રહી છે. જો આ પાઇપલાઇન થઇ ગઇ હોત તો આજે જે મુશ્કેલી પડી રહી છે એનાથી છૂટકારો મળ્યો હોત. ખેર, જે થવાનું હતું એ થઇ ગયું, હજુ પણ ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને આ ગેસ પાઇપલાઇન થઇ જાય એ જરૂરી છે. ગેસ પાઇપલાઇનનું કામ ચાલુ થઇ જાય તો પણ કંઇ રાતોરાત પતી જવાનું નથી. વર્ષો લાગવાના છે. દુનિયાના મસમોટા પ્રોજેક્ટોમાં આ ગેસ પાઇપલાઇનનો સમાવેશ થાય છે. ભારત અને ઓમાન બંનેએ ગેસ પાઇપલાઇનનું કામ આગળ ધપાવવાની મહેચ્છા વ્યક્ત કરી છે.
શું છે આ દરિયાઇ ગેસ પાઇપલાઇનનો ઇતિહાસ
ભારત ઓમાન ગેસ પાઇપલાઇનનો ઇતિહાસ બહુ જૂનો છે. વર્ષ 1985માં ભારત અને ઓમાન વચ્ચે ઉર્જા સહયોગ માટે મહત્ત્વના કરારો થયા હતા. એ પછી આ ગેસ પાઇપલાઇનનો વિચાર વહેતો થયો હતો. આપણા દેશના તત્ત્કાલીન વડાપ્રધાન પી વી નરસિંહરાવની હાજરીમાં ઓમાનની રાજધાની મસ્કતમાં તારીખ 13મી જૂન, 1993ના રોજ ગેસ પાઇપલાઇન માટેની સમજૂતીમાં હસ્તાક્ષર થયા હતા. આખો પ્લાન તૈયાર હતો પણ ટેક્નોલોજીના અભાવ અને બીજા કારણોસર આ યોજના ટલ્લે ચડી ગઇ. યોજનાનો ખર્ચ તગડો હતો. દરિયાઇ રસ્તે જહાજો દ્વારા ગેસની આયાત આસાનીથી થતી હતી એટલે કોઇ ચિંતા ન હતી. હવે સ્થિતિ બદલાઇ છે એટલે તેના પર નવેસરથી વિચારણા હાથ ધરવામાં આવી છે. ગેસ પાઇપલાઇન બિછાવવા માટે અદ્યતન ડીપ-સી એન્જિનયરિંગ ટેક્નોલોજી, ભૂકંપની સચોટ માહિતી માટે જરૂરી સીસ્મિક મેપિંગ અને રોબોટિક રિપેરિંગ સિસ્ટમની જરૂર પડે છે. યોજનાનો વિચાર થયો ત્યારે આ બધું નહોતું. હવે એ તમામ ટેક્નોલોજી ઉપલબ્ધ છે જે આવા કામો આસાનીથી પાર પાડી શકે.
40 હજાર કરોડની છે આખી યોજના
ભારત ઓમાન ગેસ પાઇપલાઇન ઓમાનના રાસ અલ જિફાનથી શરૂ થઇને આપણા ગુજરાતના પોરબંદર સુધી પહોંચવાની છે. આ યોજનાને નવું નામ એમઇઆઇડીપી એટલે કે મિડલ ઇસ્ટ ઇન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન આપવામાં આવ્યું છે. બંને દેશ વચ્ચે દરિયામાં ત્રણથી સાડા ત્રણ હજાર મિટર એટલે કે સાડા ત્રણ કિલોમિટરની ઊંડાઇએ બે હજાર કિલોમિટર લાંબી દરિયાઇ પાઇપલાઇન બિછાવવામાં આવશે. આખી યોજનાનો ખર્ચ 40 હજાર કરોડ રૂપિયા થવાનો છે. સવાલ એ થાય કે, આટલા રૂપિયા આવશે ક્યાંથી? ખર્ચશે કોણ? તેના માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. ગ્લોબલ પોર્ટનર્સ માટે એક જોઇન્ટ કન્સોર્ટિયમ તૈયાર કરાયું છે. આ કન્સોર્ટિયમ ઇન્ટરનેશનલ બેંકો અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ પાસેથી ઇક્વિટી અને લોન સ્વરૂપે મોટું ફંડ મેળવશે. આપણા દેશના પેટ્રોલિયમ મંત્રાલયે પ્રારંભના કામો કરવા માટે ગેલ એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, આઇઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ઇઆઇએલ એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડને સાથે જોડવાની કામગીરી શરૂ કરી છે. ગેસ પાઇપલાનનું કામ શરૂ થાય એ પછી તેને પૂરું થવામાં પણ ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષ થવાના છે.
પાઇપલાઇનથી રોજ કેટલો ગેસ મળશે?
ગેસ પાઇપલાઇન શરૂ થઇ જાય એ પછી ભારતને દરરોજ 31 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર નેચરલ ગેસનો અવિરત પુરવઠો મળશે. આ ગેસલાઇન માટે પાકિસ્તાન વાયડાઇ કરે એવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની દરિયાઇ સરહદને બાયપાસ કરીને જ આખી યોજના હાથ ધરાશે. આ પાઇપલાઇન માત્ર ઓમાન સુધી જ મર્યાદિત રહેવાની નથી. ભવિષ્યમાં તેને લંબાવીને યુનાઇટેડ આરબ અમિરાત, સાઉદી અરેબિયા, ઇરાન, તુર્કમેનિસ્તાન અને કતાર જેવા દેશો સાથે પણ જોડવામાં આવશે. પોરબંદર સુધીની પાઇપલાઇન ચાલુ થઇ જાય પછી તેને મુંબઇ સુધી લંબાવી પણ શકાય છે.
આ પાઇપલાઇનથી બીજો મોટો ફાયદો એ થવાનો છે કે, ગેસને એના મૂળ ગેસ સ્વરૂપમાં જ મેળવી શકાશે. અત્યારે દરિયાઇ રસ્તે જહાજોમાં જે ગેસ આવે છે એ લિકવિડ સ્વરૂપમાં હોય છે. કુદરતી ગેસને સામાન્ય તાપમાનમાં જહાજમાં લાવવો અશક્ય છે કારણ કે તે ખૂબ જગ્યા રોકે છે. વાયુ સ્વરૂપના ગેસને માઇનસ 162 ડિગ્રી સેલ્સયસમાં થીજાવીને લિક્વિડ ગેસ બનાવવામાં આવે છે. પ્રવાહી બન્યા પછી ગેસનું કદ 600 ગણું ઘટી જાય છે. આ એલએનજી એટલે કે લિક્વિફાઇડ નેચરલ ગેસને ખાસ ડિઝાઇનથી તૈયાર કરેલા ક્રાયોજેનિક જહાજ મારફતે લાવવામાં આવે છે. ભારત લાવી તેને ફરીથી ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પાઇપલાઇનથી ગેસ લાવવામાં આ પ્રોસેસમાંથી મુક્તિ મળશે અને ખર્ચ પણ ઘટશે. સરવાળે ગેસ સસ્તો મળશે. ગેસ પાઇપલાઇન જ્યારે સાકાર થાય ત્યારે પણ આ યોજના દેશના વિકાસ માટે બહુ મહત્ત્તવની સાબિત થવાની છે એ નક્કી છે.
ઇરાન યુદ્ધના કારણે ઓમાન પરેશાન છે, અમેરિકાએ પણ ઓમાનને ધમકી આપી
અમેરિકા અને ઇરાન યુદ્ધનો ભોગ ઓમાન પણ બન્યું છે. ઓમાન પર ઇરાને 19 ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. ઇરાનના હુમલામાં ઓમાનમાં દસ લોકોના મોત થયા છે અને વીસ જેટલા લોકો ઘાયલ થયા છે. ઓમાનના સલાલાહ બંદર પર આવેલ ઓઇલ સ્ટોરેજ અને ઇંઘણની ટાંકીઓ ઇરાને ઉડાવી દીધી છે. ઓમાનને મોટું આર્થિક અને માળખાકીય નુકશાન ગયું છે. ઓમાનમાં અમેરિકી સેનાના અડ્ડાઓ છે. ઓમાન અમેરિકાનું કહ્યું કરતું હોવાના કારણે જ ઇરાને તેના પર હુમલા કર્યા છે. હજુયે ઇરાનથી ઓમાન પર ખતરો મંડાયેલો છે. ઇરાક યુદ્ધમાં સૌથી વધુ ચર્ચા હોર્મુઝ સ્ટ્રેટની થઇ છે. હોર્મુઝ ઇરાન અને ઓમાન વચ્ચે આવેલી દરિયાઇ ખાડી છે. યુદ્ધ દરમિયાન એવી વાતો બહાર આવી હતી કે, ઇરાન અને ઓમાન સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ વસૂલી શકે છે. આ વિશે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઓમાનને જ એવી ધમકી આપી હતી કે, જો હોર્મુઝમાં કંઇ કર્યું તો ઓમાનને બોંબથી ઉડાવી દઇશ. ઇરાને ઓમાન પર હુમલાઓ કર્યા હોવા છતાં ઓમાન એક હદથી વધારે ઇરાનનું ખરાબ બોલતું નથી. ઇરાન ઓમાનથી સાવ નજીક છે. ઓમાનના સત્તાધીશો સમજે છે કે, ઇરાનને વતાવવામાં બહુ માલ નથી.