ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ રશિયાને જી7માં ફરીથી જોડવાની વાત કરી હતી. પુટિને કહ્યું હતું કે, જી7માં જોડાવાનો કોઇ મતલબ નથી. જે સંગઠનમાં ચીન અને ભારત જેવા શક્તિશાળી દેશો ન હોય એને શક્તિશાળી દેશોનું સંગઠન કેવી રીતે કહી શકાય? 

ફ્રાંસના ખૂબસુરત શહેર એવિયન-લે-બેન્સમાં જી7ની બેઠક ચાલી રહી છે. અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના શક્તિશાળી દેશોના વડાઓ ફ્રાંસમાં ભેગા થયા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જી-સેવનની બેઠકમાં હાજરી આપવા માટે ફ્રાંસ ગયા છે. જી7ની વાત નીકળે ત્યારે જે સાત દેશો આ સંગઠનના સભ્યો છે એ કોલર ઊંચા કરીને મોટી મોટી વાતો કરે છે. દુનિયાની કુલ સંપત્તિનો પચાસ ટકા જેટસો હિસ્સો આ સાત દેશ પાસે છે. વૈશ્વિક જીડીપીનો 30થી 40 ટકા જેટલો હિસ્સો આ દેશો ધરાવે છે. દુનિયાની કુલ વસતિના માત્ર દસ ટકા લોકો જ આ સાત દેશોમાં રહે છે. એના કારણે એવું કહેવાતું રહ્યું છે કે, ઓછી વસતિ છતાં તેની આખી દુનિયા પર જોરદાર પકડ છે. જી-સેવનમાં સામેલ સાતમાંથી ત્રણ દેશ અમેરિકા,

બ્રિટન અને ફ્રાંસ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના કાયમી સભ્ય છે. એટલું જ નહીં, આ ત્રણેય દેશ પરમાણુ શક્તિ છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અને વર્લ્ડ બેંક જેવી ઇન્ટરનેશનલ નાણાકીય સંસ્થાઓ પર આ સંગઠનનું પ્રભુત્ત્વ છે. દુનિયામાં ક્લાયમેન્ટ ચેન્જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેપારના નિર્ણયો આ સંગઠનની બેઠકમાં લેવાય છે અને દુનિયા એ એજન્ડા પર કામ કરે છે. જી7 વિશે એવા દાવાઓ કરવામાં આવે છે કે, આ સંગઠન સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા કામો કરે છે. અલબત્ત, તેના ટીકાકારો જુદી જ વાત કરે છે. તેમનું કહેવું છે કે, જી7ના દેશો માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે. દુનિયાના ભલા માટે નહીં પણ પોતાના ઇરાદાઓ પાર પાડવા માટે જ જી7માં બધું ચાલે છે. આ સંગઠન પર અમેરિકાનું વર્ચસ્વ છે. અમેરિકા જ જાણે લીડ કરતું હોય એવું અનેક વખત લાગતું રહ્યું છે. એક રીતે જોવા જઇએ તો આ એક મોરચાબંધી છે. જી7ની ટીકા કરનારાઓમાં રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન પણ હંમેશાં મોખરે હોય છે. 

રશિયાને જી7માંથી હાંકી કઢાયું હતું

જી7ની સ્થાપના વર્ષ 1975માં ફ્રાંસના તત્ત્કાલીન પ્રેસિડેન્ટ વેલેરી ગિસ્કાર્ડ ડીઇસ્ટેંગ અને જર્મનીના ચાન્સેલર હેલ્મટ શ્મિટના પ્રયાસોથી થઇ હતી. આ સંગઠન બન્યું ત્યારે છ દેશ ફ્રાંસ, બ્રિટન, જર્મની, અમેરિકા, ઇટાલી અને જાપાન તેના સભ્યો હતા. એ સમયે આ સંગઠનનું નામ જી-6 હતું. 1976માં કેનેડા આ જૂથમાં જોડાયું અને જી6માંથી જી7 થયું. વર્ષ 1998માં રશિયા પણ આ સંગઠનમાં જોડાયું હતું. સંગઠન એ પછી જી8 થયું હતું. જોકે રશિયાનો આ સંગઠન સાથે વધુ રહ્યો નહોતો. ફેબ્રુઆરી, 2014માં રશિયાએ યુક્રેનના ક્રિમીયા પર કબજો જમાવ્યો હતો.

એ પછી રશિયાએ ક્રિમીયામાં વિવાદીત જનમત સંગ્રહ કરાવ્યો હતો. પરિણામ રશિયાની ફેવરમાં આવ્યા છે એવું જાહેર કરીને તારીખ 18મી માર્ચ, 2014ના રોજ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને ક્રિમીયાને રશિયાનો સત્તાવાર ભાગ જાહેર કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં નેધરલેન્ડના ધ હેગમાં જી7 દેશોની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આખરે તારીખ 24મી માર્ચ, 2014ના રોજ રશિયાને આ સંગઠનમાંથી કાઢી મૂકવામાં આવ્યું હતું. આ સંગઠન ફરીથી જી8માંથી જી7 થઇ ગયું હતું. શરૂઆતમાં રશિયાનું સસ્પેન્શન અસ્થાયી હતું. તણાવ વધ્યા બાદ તારીખ 13મી જાન્યુઆરી, 2017ના રોજ રશિયાએ જ કહ્યું હતું કે, અમને કામચલાઉ રીતે જી7માંથી દૂર કરવામાં આવ્યા હતા પણ હવે અમે કાયમી ધોરણે જી7થી છેડો ફાડીએ છીએ. 

પુટિનનું જી7 સામે આક્રમક વલણ

રશિયાને જી7માંથી દૂર કરવામાં આવ્યું એ પછી પ્રેસિડેન્ટ પુટિન ક્યારેક તેની ટીકા કરે છે તો ક્યારેક તેની ફીરકી પણ લે છે. પુટિને ત્યાં સુધીની વાત કરી છે કે, જી7 એક નક્કામું અને બિનઅસરકારક સંગઠન છે. હજુ થોડા સમય અગાઉ જ પુટિને એવી વાત કરી હતી કે, જી7 હવે દુનિયાનું શક્તિશાળી સંગઠન રહ્યું નથી. બ્રિક્સ તેના કરતા આગળ નીકળી ગયું છે. જી7ના નેતાઓ ખોટી ખોટી વાતો કરી રહ્યા છે. જી7 દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોનું સંગઠન હોવાની વાત વિશે પણ પુટિને એવું પણ કહ્યું છે કે, આ વાત જ સાવ વાહિયાત છે. જે સંગઠનમાં ચીન અને ભારત જેવા તાકાતવર દેશો ન હોય એ સૌથી વધુ શક્તિશાળી કેવી રીતે કહેવાય? અમેરિકા પછી ચીન દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારત પાંચમા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે. ભારતનું અર્થતંત્ર સતત વિકાસ પામી રહ્યું છે. જી7 દેશો ભારતને વર્ષોથી આમંત્રણ આપે છે પણ તેને સત્તાવાર રીતે કેમ સામેલ કરતા નથી? બીજા કેટલાંક દેશો પણ આ સંગઠનમાં જોડાવવા ઇચ્છે છે તેને પણ પ્રવેશ અપાતો નથી. આ વાત સાબિત કરે છે કે, મુખ્ય સભ્ય દેશોને પોતાનું પ્રભુત્ત્વ જાળવી રાખવું છે. 

જી7માંથી રશિયાને હાંકી કાઢવામાં આવ્યું એ પછી તને ફરીથી જી7માં લેવાના પ્રયાસો પણ થયા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પહેલી ટર્મ દરમિયાન 2018 અને 2019માં કેનેડા અને ફ્રાંસમાં યોજાયેલી જી7ની બેઠકમાં એવી વાત કરી હતી કે, રશિયાને જી7માં પાછું લાવીને ફરીથી જી8 કરવું જોઇએ. કેનેડા, બ્રિટન અને જર્મનીએ તેનો વિરોધ કર્યો હતો. એ સમયે પુટિને કહ્યું હતું કે, અમારે જ જોડાવવું નથી. બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને જી7માં જોડવાની વાત કરીને એવું કહ્યું હતું કે, જો રશિયા જી7નું સભ્ય હોત તો યુક્રેન યુદ્ધ આસાનીથી ખતમ થઇ શક્યું હોત. ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા માટે સોફ્ટ કોર્નર છે એ પણ જી7ના દેશોમાંથી ઘણાને પસંદ નથી. એ વાત જુદી છે કે, રશિયાના પ્રેસિડેન્ટ પુટિનને કોણ શું કરે છે અને શું કહે છે એનાથી કોઇ ફેર પડતો નથી. 


પુટિન યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં જવાનું પણ ટાળે છે
રશિયા યુનાઇટેડ નેશન્સનું સ્થાપક સભ્ય છે. એટલું જ નહીં, રશિયા યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલનું કાયમી સભ્ય છે અને વીટો પાવર પણ ધરાવે છે. આમછતાં રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં સંબોધન કરવા જતા નથી. અગિયાર વર્ષથી પુટિન યુનોની જનરલ એસેમ્બલીમાં ગયા નથી. છેલ્લે તેમણે 2015માં યુનોમાં સંબોધન કર્યું હતું. જોકે, તેઓ એ પછી વર્ચ્યુઅલી જોડાયા છે. રશિયા વતી પ્રેસિડેન્ટને બદલે વિદેશ મંત્રી હાજરી આપે છે. રશિયા અનેક કારણોસર સમગ્ર વિશ્વમાં વિવાદનું કેન્દ્ર રહ્યું છે. સવા ચાર વર્ષથી રશિયા યુક્રેન સામે લડી રહ્યું છે. રશિયા પર અમેરિકાએ અસંખ્ય આકરા પ્રતિબંધો લાદ્યા છે. પુટિન કહે છે, અમને જે યોગ્ય લાગે એ જ અમે કરવાના છીએ. અમને કોઇ પ્રતિબંધથી કંઇ ફેર પડતો નથી. 


  • Follow us on: