ડેટા સેન્ટરમાં જે કામ થાય છે એ હવે અંતરિક્ષમાં થશે. સ્પેસ સાયન્ટિસ્ટોએ ચિંતા વ્યક્ત કરી છે કે, સ્પેસમાં સેટેલાઇટનો ખડકલો થઇ જશે. સ્પેસને વધુ છંછેડવામાં બહુ માલ નથી. અમેરિકા ચીનને ટક્કર આપવા માટે બધું કરી રહ્યું છે

દુનિયાના દેશોએ ધરતી પર તો કંઇ બાકી રાખ્યું નથી, હવે અંતરિક્ષમાં પણ પેશકદમીની હોડ જામી છે. અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન કમિશને ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સને દસ લાખ સેટેલાઇટ છોડવા અને સ્પેસમાં ડેટા સેન્ટર બનાવવા માટે લીલીઝંડી આપતા દુનિયામાં ખળભળાટ મચ્યો છે. સ્પેસ એક્સપર્ટ્સ કહે છે કે, આ તમે શું કરવા જઇ રહ્યા છો? જો આ જ રીતે સેટેલાઇટો છોડાતા રહેશે તો સ્પેસમાં ગમે ત્યારે ગમે તે થઇ જશે. એક સમય એવો આવશે કે, ધરતી પર ઇન્ટરનેટથી ચાલતું બધું જ ઠપ થઇ જશે.

હજુ તો રશિયા અને અમેરિકા સ્પેસમાં સેટેલાઇટ ન્યૂક્લિયર વેપન્સ ગોઠવવાની યોજનાઓ પર કામ કરી રહ્યા છે. સ્પેસમાં નવા નવા જોખમી અખતરાઓ થઇ રહ્યા છે. આંધળી દોડ અકસ્માતો સર્જશે. અમેરિકા આંખો મીંચીને બધું કરી રહ્યું છે. અમેરિકાને એ વાતનો ભય છે કે, અમે જો સ્પેસ સાયન્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કામોની ગતિ ઘટાડી તો ચીન આગળ નીકળી જશે. ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે ઇલોન મસ્કની કંપનીને સ્પેસમાં મન થાય એ કરવાની છૂટ આપી દેવાઇ છે. 

શું છે સ્પેસએક્સનો સ્ટારમાઇન્ડ પ્રોજેક્ટ

ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીએ સ્પેસમાં દસ લાખ સેટેલાઇટ છોડીને સ્ટારમાઇન્ડ નામનું વિશ્વનું સૌથી મોટું અને સૌથી પહેલું આર્બિટલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરવાની અત્યંત મહત્ત્વકાંક્ષી યોજના બનાવી છે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો હેતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સતત વધી રહેલો કમ્પ્યુટિંગ પાવર અને વીજળીની જરૂરિયાતોને પૃથ્વીની બહાર અવકાશમાં પૂરો કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં પાંચસોથી બે હજાર કિલોમિટર ઊંચાઇએ દસ લાખ ઓર્બિટલ કમ્પ્યુટ મોડ્યુલ્સ સેટેલાઇટ્સ તૈનાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે જાતજાતના દાવાઓ કરવામાં આવ્યા છે. પૃથ્વી પર એઆઇ ડેટા સેન્ટર્સ ચલાવવા માટે અબજો યુનિટ વીજળી, વિશાળ જમીન અને સર્વરને ઠંડા રાખવા માટે લાખો લિટર પાણીની જરૂર પડે છે.

તેના કારણે પૃથ્વી પાવર ગ્રીડ અને પર્યાવરણ પર ભારે દબાણ પેદા થાય છે. સ્પેસમાં સૂર્યપ્રકાશ સતત અને વધુ તીવ્ર માત્રમાં ઉપલબ્ધ હોવાથી આ સેટેલાઇટ્સ સીધા સૌર ઉર્જાથી ચાલશે. તેનાથી વીજળી પાછળ થતો ખર્ચ બચશે અને કાર્બન ઉત્સર્જન પણ નહીં થાય. દરેક સેટેલાઇટને એક-બીજા સાથે કનેક્ટ કરાશે. દરેક સેટેલાઇટ એક નાના ડેટા સેન્ટર તરીકે કામ કરશે. સ્ટારએક્સે આ પ્રોજેક્ટ માટે એનવીડિયા સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે. એનવીડિયા સ્પેશિયલ પ્રકારના વેરા રૂબિન પ્રોસેસર્સ પૂરા પાડશે. 

સ્પેસએક્સની ગણતરી વર્ષ 2027ના ત્રીજા કે ચોથા ક્વાટરમાં પહેલો સ્ટારમાઇન્ડ સેટેલાઇટ છોડવાની છે. 2028 અને 2029માં ફટાફટ સેટેલાઇટો છોડશે. નવેમ્બર, 2033 સુધીમાં ઓછામાં ઓછું એક સ્પેસ સેટેલાઇટ સ્ટેશન કાર્યરત કરી દેશે. 2040 સુધીમાં તમામ દસ લાખ સેટેલાઇટ કામ કરતા થઇ જશે. આ તો ઓનપેપર પ્લાન છે. સ્પેસએક્સ કંપની તો સમય પહેલા જ કામ પૂરું કરવા ઇચ્છે છે. સ્પેસ સાયન્સમાં રોજે રોજ નવા પરિવર્તનો આવતા રહે છે. નવું કંઇ આવે એ પહેલા સ્પેસએક્સે કામ પૂરું કરવું છે. જે રીતની સ્પેસએક્સની યોજના છે એ નો ડાઉટ ગજબની છે, પણ એ ખરેખર કામ કરતી થશે ત્યારે જ તેની સાર્થકતા અને સફળતા ખબર પડશે.

સ્પેસ સાયન્ટિસ્ટ રેડ સિગ્નલ ધરે છે

સ્પેસએક્સના સ્ટારમાઇન્ટ પ્રોજેક્ટ સામે ખગોળશાસ્ત્રીઓ અનેક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીનું કહેવું છે કે, આ પ્રોજેક્ટથી સ્પેસના જોખમો અનેકગણા વધી જશે. સ્પેસમાં દસ લાખ સેટેલાઇટ છોડવામાં આવશે તો અવકાશમાં અત્યારે જેટલો ટ્રાફિક છે એમાં પચાસ ગણો વધારો થઇ જશે. સેટેલાઇટની ટક્કરનું જોખમ વધી જશે. હજારો સેટેલાઇટ્સ રાત્રિના સમયે અવકાશમાં પ્રકાશનું પ્રદૂષણ ફેલાવશે. તેના કારણે ટેલિસ્કોપથી થતાં સંશોધનમાં અવરોધ પેદા થશે. પૃથ્વી પર ધસી આવતા એસ્ટરોઇડ્સ એટલે કે લઘુ ગ્રહો પર નજર રાખવા માટે ખગોળશાસ્ત્રીઓ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાના સમયમાં આકાશનું નિરીક્ષણ કરતા હોય છે. એ જ સમયે સેટેલાઇટો સૌથી વધુ ચમકતા હોય છે. સેટેલાઇટોની સંખ્યા વધી ગઇ તો પૃથ્વી સાથે ટકરાઇ શકે એવા લઘુ ગ્રહોને સમયસર શોધવાનું કામ અઘરું બનશે. પૃથ્વીનું પ્રદૂષણ કદાચ સ્પેસએક્સના પ્રોજેક્ટથી ઘટશે પણ સ્પેસમાં પ્રદૂષણ વધી જશે એનું શું?

પૃથ્વી, પર્યાવરણ, સાયન્સ અને ટેક્નોલોજી વચ્ચે યોગ્ય સંતુલન જળવાય રહેવું જોઇએ. એમાં જરાયે આડુંઅવળું થયું તો હાલત ખરાબ થઇ જશે. એ સિવાય જો સેટેલાઇટ એક-બીજા સાથે ટકરાયા તો ઘણું બધું ન થવાનું થઇ જશે. અત્યારે સ્પેસમાં મોટા પાયે નિષ્ક્રિય સેટેલાઇટનો કચરો ઘૂમી રહ્યો છે. અત્યારે જે સક્રિય સેટેલાઇટ્સ છે એ પણ ભવિષ્યમાં આઉટડેટેડ થઇ જવાના છે. કચરો વધતો જવાનો છે. તેના વિશે પણ અત્યારથી વિચારવાની આવશ્યકતા છે. સ્પેસ સાયન્ટિસ્ટોની ચિંતા વિશે એવું કહેવાઇ રહ્યું છે કે, એ લોકો ભલે બખાળા કાઢે પણ કંઇ થવાનું નથી. સ્પેસએક્સના પ્રોજેક્ટને લીલીઝંડી મળી ગઇ છે. અમેરિકા માટે આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વનો છે એટલે એમાં બ્રેક લાગવાની શક્યતાઓ બહુ ઓછી છે. 


સ્પેસમાં સેટેલાઇટો વચ્ચે ધડાધડી થવાનો ખતરો : શું હવે નવી ટ્રીટીની જરૂર છે?
સ્પેસમાં અત્યારે ઓલરેડી સેટેલાઇટોનો ખડકલો છે. આ મહિને બહાર પડેલા આંકડાઓ એવું કહે છે કે, સ્પેસમાં અત્યારે 17,400 જેટલા સક્રિય સેટેલાઇટ તરી રહ્યા છે. નિષ્ક્રિય એટલે કે નક્કામા થઇ ગયેલા સેટેલાઇટ મળીને આંકડો 20,300 સુધી પહોંચી ગયો છે. હજુ સમયાંતરે દુનિયાના દેશો સેટેલાઇટો છોડી રહ્યા છે. સ્પેસમાં તરતા ટોટલ સેટેલાઇટમાં સૌથી વધુ 75 ટકા સેટેલાઇટ માત્ર અમેરિકાના છે. અમેરિકાના કુલ 13,175 જેટલા સેટેલાઇટ સ્પેસમાં છે. અમેરિકાની ખાનગી કંપનીઓનું મેગા કોન્સ્ટેલેશન તેના માટે જવાબદાર છે.

ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપનીના જ 11,200 સેટેલાઇટ સ્પેસમાં કામ કરી રહ્યા છે. ચીન, રશિયા, બ્રિટન, ભારત, ઇટાલી અને બ્રિટનના સેટેલાઇટોની પણ ભરમાર છે. જે રીતે સ્પેસમાં ગીર્દી વધી રહી છે એ જોઇને સ્પેસ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે, હવે થોડા નિયંત્રણની જરૂર છે. કેટલાંક નિષ્ણાતોએ તો એવું પણ કહ્યું છે કે, એક નવી આંતરરાષ્ટ્રીય ટ્રીટી બનાવીને કેટલા સેટેલાઇટ રાખવા તેની મર્યાદા નક્કી કરવાની જરૂર છે. દુનિયાના સમૃદ્ધ દેશો વચ્ચે એવી સ્પર્ધા જામી છે કે, કોઇ નવી ટ્રીટી માનવા તૈયાર થાય એવું કોઇને લાગતું નથી. સરવાળે સ્પેસની સ્થિતિ બગડતી રહેવાની છે.