| અકસ્માતના એક કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફૂટપાથ પર ચાલવું લોકોનો મૂળભૂત અધિકાર છે. ફૂટપાથ વધુ સુરક્ષિત બને એ જરૂરી છે. મોટી ઉંમરના લોકો, દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ માટે તો એકલા બહાર નીકળવું દુષ્કર બની ગયું છે |
ફૂટપાથ પર સલામત રીતે ચાલવું એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. શહેરો અને રસ્તાઓના પ્લાનિંગમાં કાર અને અન્ય વાહનોની સરખામણીમાં રાહદારીઓની સુરક્ષા અને હિતોને વધુ પ્રાધાન્ય મળવું જોઇએ. પૈડાંની શોધ થઇ એ પહેલાથી માણસ ચાલતો રહ્યો છે. માણસના જીવવાના અધિકારમાં ચાલવાના અધિકારનો પણ સમાવેશ થઇ જાય છે. ફૂટપાથ વિશે અદાલતે ચુકાદો આપ્યો હોય એવી આ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેક વખતે કોર્ટે ફૂટપાથને સારી, ખુલ્લી અને ચાલવા લાયક બનાવવાની વાત કરી છે. આપણા દેશના કેટલાંક શહેરોમાં ખૂબ સારી ફૂટપાથો છે પણ તેનું પ્રમાણ બહુ ઓછું છે. એવા અનેક શહેરો છે જ્યાં ફૂટપાથ શોધવા નીકળવું પડે એમ છે.
જે નવા અર્બન પ્લાનિંગ થાય છે એમાં ફૂટપાથ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે. ફૂટપાથો બને પણ છે. એ પછી ફૂટપાથનું જે રીતનું ધ્યાન રાખવું જોઇએ એ રખાતું નથી. આપણા દેશમાં ફૂટપાથ પર ચાલવા વિશે અનેક સરવે અને સંશોધનો થયા છે. મોટા ભાગના સરવેમાં એવું બહાર આવ્યું છે કે, ફૂટપાથ પર ચાલવું અત્યંત જોખમી અને પડકારજનક છે. દિલ્હીની આઇઆઇટી દ્વારા સ્ટેટ ઓફ રોડ સેફ્ટીના અહેવાલમાં એવું જણાવાયું હતું કે, ભારતમાં માર્ગ અકસ્માતમાં થયેલા કુલ મોતમાં વીસ ટકા મૃત્યુ પગપાળા ચાલીને જતા લોકોના થયા છે. 2019થી 2023 દરમિયાન દોઢ લાખથી વધુ રાહદારીઓએ જીવ ગુમાવ્યા હતા. દેશના ટ્રાન્સપોર્ટ મંત્રાલયની વિગતો મુજબ વર્ષ 2022માં ચાલીને જતા 32,825 લોકોના મોત થયા હતા. 2023માં આ આંકડો 35,221નો થયો હતો. આ તો ફક્ત મૃત્યુના જ આંકડા છે, ઇજા પામેલાઓની સંખ્યા તો ક્યાંય મોટી છે. સુપ્રીમ કોર્ટે વધુ એક વખત ફૂટપાથ વિશે તાકીદ કરી છે. હવે ફૂટપાથની કન્ડિશનમાં કોઇ ફેર પડશે?
ક્યા કેસમાં સુપ્રીમ કોર્ટે ફૂટપાથની વાત કરી?
કર્ણાટકના એક શહેરમાં ઇલિયાસ શેખ રિયાઝ સવારે નવ વાગ્યે પોતાના પાંચ વર્ષના દીકરાને ચાલીને સ્કૂલે મૂકવા જતા હતા. જે રસ્તે તેઓ જતા હતા ત્યાં ફૂટપાથ કે ઝેબ્રા ક્રોસિંગ જેવું કંઇ હતું જ નહીં. પુરપાટ ઝડપે આવેલા એક ટેન્કરે બાળકને અડફેટે લીધું હતું. ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. પિતાએ મોટર અકસ્માત વળતર ટ્રિબ્યુનલમાં 25 લાખના વળતરની માંગણી કરી હતી. ટ્રિબ્યુનલે 7,82,000નું વળતર મંજૂર કર્યું હતું. એ પછી મામલો હાઇકોર્ટમાં ગયો તો વળતર ઘટાડીને 4,70,000 કરી દેવાયું હતું. આખો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને અદાલતે ફૂટપાથ અને રોડ સેફ્ટી વિશે મહત્ત્વપૂર્ણ વાત કરી હતી.
ફૂટપાથના સૌથી મોટા ઇશ્યૂઝ શું છે?
ફૂટપાથ વિશે અદાલતે કહ્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનો, શહેરી વિકાસ સત્તા મંડળો, નગરપાલિકાઓ સહિત જેની જવાબદારી છે એ તમામ કચેરીઓ ફૂટપાથ પરના અતિક્રમણો દૂર કરે. દેશના અનેક શહેરોમાં પથારાવાળાઓએ ફૂટપાથો પર કબજો જમાવી રાખ્યો છે. થોડુંક ચાલો ત્યાં ફૂટપાથ પર કોઇને કોઇ કેબીન આવી જાય. આ ઉપરાંત બીજી સમસ્યા ફૂટપાથ પર પાર્ક કરી દેવાયેલા વાહનોની છે. લોકો ટુ-વ્હીલરથી માંડીને કાર સુધીના વાહનો ફૂટપાથ પર ચડાવી દે છે. સામાન્ય લોકો માટે ફૂટપાથ પર ચાલવું સાત કોઠા વિંધવા જેવું અઘરું કામ થઇ જાય છે. વૃદ્ધ લોકો માટે તો ચાલીને એકલા બહાર નીકળવું જ દુષ્કર બની ગયું છે. આપણે ત્યાં લોકો નજીક જવું હોય તો પણ કાર કે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે, એનું એક કારણ એ પણ છે કે, એમને રોડ પર ચાલીને જવામાં ખતરો લાગે છે. એવા પણ અનેક કિસ્સાઓ છે જેમાં લોકો મોર્નિંગ વોક માટે વાહનમાં નીકળે છે અને જ્યાં ચાલવા જેવું હોય ત્યાં જઇને જ ચાલે છે.
બીજી વાત ફૂટપાથની કન્ડિશનની છે. નવા નિયમો મુજબ દરેક રોડ પર હવે ફૂટપાથ માટેની જગ્યા છોડવામાં આવે છે. સરસ ફૂટપાથ બનાવાય છે. જોકે, ફૂટપાથની કન્ડિશન થોડા જ સમયમાં ભંગાર થઇ જાય છે. ફૂટપાથની ટાઇલ્સો તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડી જાય છે. અદાલતે સરકારને ચાલીને જતા લોકો માટે વધુ સખત કાયદો રેગ્યુલેટરી બોડી તૈયાર કરવાની પણ ભલામણ પણ કરી છે. અલબત્ત, આપણા દેશમાં કાયદાઓ તો છે જ, સવાલ એના પાલનનો છે. જે ધ્યાન રખાવવું જોઇએ એ રખાતું નથી. હવે મોટા શહેરોમાં સરસ મજાની ફૂટપાથો તૈયાર થાય છે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપથી આઇકોનિક રોડ બનાવવાની સાથે ડેકોરેટિવ ફૂટપાથનું પણ પ્લાનિંગ થાય છે. તેનું પ્રમાણ બહુ ઓછું છે.
એક ટિપ્પણીમાં એવું પણ કહેવાયું હતું કે, દરેક શહેરમાં એરપોર્ટ તરફ રસ્તા કેટલા સુંદર હોય છે? જો અરપોર્ટના રસ્તા આટલા સારા થઇ શકતા હોય તો બીજા શા માટે ન થાય? સૌથી મોટી વાત લોકોની સલામતીની છે. સાજાનરવા અને યુવાન લોકો પણ ચાલીને રસ્તે જતા ડરે છે. વૃદ્ધો, દિવ્યાંગો અને પજ્ઞાચક્ષુઓ આજની તારીખે કોઇની મદદ વગર બહાર નીકળવાનું ટાળે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશમાં ફૂટપાથ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે એ બહુ જરૂરી છે.
જાપાન અને સિંગાપોરની ફૂટપાથ સમગ્ર વિશ્વમાં ધ બેસ્ટ ગણાય છે સિંગાપોર અને જાપાન એવા દેશ છે જ્યાંની ફૂટપાથના ઉદાહરણો આખી દુનિયામાં આપવામાં આવે છે. આ બંને દેશ માને છે કે, વોકેબિલિટી એટલે કે પગપાળા ચાલવાની સુવિધા દરેક વ્યક્તિને ફાવે અને ચાલવાની મજા આવે એવી હોવી જોઇએ. આ બંને દેશમાં માત્ર ચાલનારા લોકોનું જ ધ્યાન રાખવામાં નથી આવતું, પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ એવી સુવિધાઓ રાખવામાં આવી છે કે તેમને ચાલવાનો કોઇ પ્રોબ્લેમ ન થાય કે કોઇની મદદ લેવી ન પડે. આ ઉપરાંત દિવ્યાંગ લોકો પણ પોતાની સાયકલ દ્વારા આરામથી જઇ શકે એની કાળજી રાખવામાં આવે છે. જાપાનમાં અંધ લોકો માટે ટેન્જી બ્લોક્સ તરીકે ઓળખાતી પીળા રંગની ખાંચવાળી ટાઇલ્સ લગાવવામાં આવી હોય છે. તેની મદદથી ફૂટપાથ પર ચાલવાથી માંડીને રોડ ક્રોસ કરવાનું પણ તેમના માટે સરળ બને છે. સિંગાપોરમાં તો ચાલીને જતા લોકોને તડકા અને વરસાદથી બચાવવા માટે અનેક સ્થળોએ ફૂટપાથ પર છાપરાના શેડ બનાવવામાં આવ્યા છે. રોડ અને ફૂટપાથ વચ્ચે મજબૂત બેરિકેટ બનાવવામાં આવે છે જેથી અકસ્માતે પણ કોઇ વાહન ફૂટપાથ પર ધસી ન આવે. આ દેશોમાં ફૂટપાથની ડિઝાઇનના ચોક્કસ નિયમો બનાવાયા છે. સરવાળે એ વાતનું ધ્યાન રખાય છે કે, લોકો કોઇ જાતના ટેન્શન વગર ચાલીને જઇ શકે અને લોકોને ચાલવાની મજા આવે. |