જેફ્રી એપ્સટિનનો ભાઇ માર્ક એપ્સટિન પહેલેથી એવું કહેતો આવ્યો છે કે, મારા ભાઇ જેફ્રીને મારી નાખવામાં આવ્યો છે. તેની હત્યાને આપઘાતમાં ખપાવી દેવામાં આવી છે. જો જેફ્રીની હત્યા થઇ હોય તો કોણ તેને મરાવી નાખ્યો?

દુનિયાના સૌથી મોટા સેક્સ રેકેટિયર જેફ્રી એપ્સટિન મરી ગયો એને સાત વર્ષ થઇ ગયા છે, છતાં એના નામનું ભૂત દર થોડા સમયે કોઇને કોઇ કારણોસર ધૂણવા લાગે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને પહેલી હરોળના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને માલેતુજારોને સગીર છોકરીઓ પૂરી પાડનાર જેફ્રી એપ્સટિનની ફાઇલ જાહેર થઇ એ સાથે એના મોત વિશે પણ જાતજાતની વાતો થતી રહી છે.

સરકારી ચોપડે જેફ્રી એપ્સટિનનું મોત ગળે ફાંસો ખાઇને આપઘાત કરવાથી થયાનું લખાયેલું છે. એપ્સટિનને ઓળખનારા લોકો કહેતા રહ્યા છે કે, જેફ્રી જેવો શાતિર માણસ આપઘાત કરે એ વાત જ ગળે ઉતરે એવી નથી. જેફ્રીનો ભાઇ માર્ક એપ્સટિન પહેલેથી એવું કહેતો રહ્યો છે કે, જેફ્રીની હત્યા કરવામાં આવી છે. આ દરમિયાનમાં હમણા વધુ એક ફોરેન્સિક એક્સપર્ટે એવો દાવો કર્યો છે કે, જેફ્રી એપ્સટિને આપઘાત નહોતો કર્યો પણ તેની હત્યા કરવામાં આવી હતી. અમેરિકાના ફોરેન્સિક મેડિસિન એક્સપર્ટ પ્રોફેસર માઇકલ ફ્રીમેને કહ્યું કે, જેફ્રી એપ્સટિનને ગળું દબાવી મારી નાખવામાં આવ્યો હતો પછી તેને લટકાવીને હત્યાની ઘટના આપઘાતમાં ખપાવી દેવામાં આવી હતી. 

જેફ્રી એપ્સટિનના મોતના ભેદભરમ

સગીર છોકરીઓને જાતજાતની લાલચો આપીને સેક્સ ટ્રાફિકિંગમાં ઢસડનાર જેફ્રી એપ્સટિન સામે છોકરીઓએ ફરિયાદ નોંધાવી એ પછી તારીખ 6 જુલાઇ, 2019ના રોજ ન્યૂજર્સીના ટેટરબોરો એરપોર્ટ પરથી જેફ્રી એપ્સટિનની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના માત્ર 35 દિવસ બાદ જ જેફ્રી એપ્સટિનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. તારીખ 10મી ઓગસ્ટ, 2019ના રોજ વહેલી સવારે સાડા છ વાગે ન્યૂયોર્કના મેનહટન સ્થિત મેટ્રોપોલિટન કરેકશનલ સેન્ટરની કોટડીમાં જેફ્રી એપ્સટિન લટકતી હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે તેના શ્વાસ ચાલતા હતા. જેલના ઓફિસરોએ તેને નીચે ઉતારી સીપીઆર આપ્યો હતો અને બાદમાં તેને ન્યૂયોર્કની ડાઉનટાઉન હોસ્પિટલમાં લઇ જવાયો હતો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. એ પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું મોત ગળે ફાંસો ખાઇને થયાનું કહેવાયું હતું. 

જેફ્રી એપ્સટિન જે કોટડીમાં હતા ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા. તેના પર ચોવીસ કલાક નજર રહેતી હતી. સૌથી મોટું રહસ્ય એ વાતનું છે કે, જ્યારે તેનું મોત થયું ત્યારે સીસીટીવી કેમેરા બંધ હતા. એપ્સટિન પર સુસાઇડ વોચ પણ હતી. મોત પહેલા એ વોચ પણ હટાવી દેવામાં આવી હતી. સીસીટીવી કેમેરા વિશે એવું કહેવામાં આવ્યું કે, ટેક્નિકલ ખામીના કારણે કેમેરા બંધ થઇ ગયા હતા. બીજી મહત્ત્વની એક વાત એ પણ છે કે, જેફ્રી સામે હજુ કેસ ચાલતો હતો. તેને સજા પડી નહોતી. આવા સંજોગોમાં જેફ્રી મરી જવાની ઉતાવળ કરે એવો માણસ હતો જ નહીં.

શું છે હત્યાનો નવો વિવાદ?

ફોરેન્સિક નિષ્ણાત માઇકલ ફ્રીમેન, સ્વીડનની યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડર્સ એરિક્સન અને ન્યૂરો સાયન્ટિસ્ટ ઇટીએલ ડ્રોરે લંડનમાં જેફ્રી એપ્સટિનના મોત અંગે એક રિસર્ચ રજૂ કર્યું છે. જેફ્રી એપ્સટિનની સંપૂર્ણ ઓટોપ્સી ફાઇલ અને ફોટોગ્રાફ્સનું થ્રીડી વિશ્લેષણ કરીને તેમણે એવો દાવો કર્યો હતો કે, જેફ્રી એપ્સટિનની હત્યા કરવામાં આવી હતી. તેના ગળા પર જે નિશાનો હતા એ ફાંસીના નહીં પણ કપડાની દોરી વડે ગળું દબાવીને હત્યા કરવાના હતા. ડાબા ખભા પર લોહી, ચહેરા પર ઇજા અને ગળા પર નખના ઉઝરડા એ વાત સાબિત કરે છે કે, તેને મારતી વખતે ઝપાઝપી પણ થઇ હતી. પોસ્ટમોર્ટમ વખતે જેફ્રી એપ્સટિનના પરિવાર વતી હાજર રહેનાર ડો. માઇકલ બેડને પણ અગાઉ કહ્યું હતું કે, ગળાના હાડકામાં થયેલા ત્રણ ફેક્ચર આત્મહત્યા કરતા ગળું દબાવીને કરાતી હત્યામાં વધુ જોવા મળે છે. એ સિવાય પણ હત્યાના ઘણા પુરાવાઓ છે. જેફ્રી એપ્સટિનનું મોત મોટું ષડયંત્ર હતું. 

હત્યા કરી તો કોણે અને શા માટે કરી?

માનો કે જેફ્રી એપ્સટિનની હત્યા થઇ છે તો તેની હત્યા કોણ અને શા માટે કરી? તેના વિશે એવી વાતો થઇ રહી છે કે, જેફ્રી એપ્સટિનને મારી નાખવામાં અનેક લોકોને રસ હતો. જો જેફ્રી એપ્સટિન અદાલતમાં સાચું બોલી જાય તો ઘણા મોટા માથાઓની પોલ ખુલી જાય એમ હતી. એ બધા પણ જેલમાં જાય એવું હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ, બિલ ગેટ્સથી માંડીને અનેક રાજકારણીઓ અને સો કોલ્ડ સેલિબ્રિટીઓના નામ એપ્સટિન ફાઇલમાં ખૂલ્યા છે. અત્યાર સુધીમાં એપ્સટિન ફાઇલમાં જેટલું બહાર આવ્યું છે એના કરતા જેફ્રી એપ્સટિન ઘણું બધું જાણતો હતો.

કોઇએ વ્યવસ્થિત ષડયંત્ર રચીને જ જેફ્રી એપ્સટિનને પતાવી દીધો છે. જેફ્રીના મોત વિશે અનેક લોકોનું એવું માનવું છે કે, તેના મોતનું સાચું કારણ ક્યારેય બહાર આવશે નહીં. તેની સામે એવી દલીલ પણ કરવામાં આવે છે કે, ભવિષ્યમાં એફબીઆઇ કે બીજી કોઇ એજન્સી મોતનું સાચું કારણ શોધી જ કાઢશે. અત્યારે તો જેફ્રી એપ્સટિનનું નામ પડે એટલે કેટલાંયે મોટા માથાઓ ધ્રુજવા લાગે છે. 66 વર્ષની વયે જેફ્રી એપ્સટિન ભેદી સંજોગોમાં મરી ગયો પણ જો એ જીવતો હોત તો ઘણાનું જીવવું હરામ થઇ જાત એ હકીકત છે.


સ્વિટ્ઝર્લેન્ડની મોડેલ બીટ્રિસ ક્યુલ પર ડોનાલ્ડ ટ્રમ્પે દુષ્કર્મ કર્યું હતું
ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફ્રી એપ્સટિન વચ્ચે દોસ્તી હતી. જેફ્રીની મદદથી તો ટ્રમ્પે મોજમજા કરી જ હતી, એ સિવાય પણ અનેક છોકરીઓનું ટ્રમ્પે યૌન શોષણ કર્યું હતું. 28 જેટલી યુવતીઓએ ટ્રમ્પ સામે બળાત્કાર, જાતીય સતામણી અને અયોગ્ય વર્તનની ફરિયાદો નોંધાવી છે. તેમાં થોડા સમય પહેલા એકનો વધારો થયો છે. ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડ અને મોડેલ બીટ્રિસ ક્યુલ પર ડોનાલ્ડ ટ્રમ્પે બળાત્કાર ગુજાર્યો હતો.

ગયા મહિને ઓક્ટોબર, 2026માં યુએસ હાઉસની જ્યુડિશિયરી કમિટિના ડેમોક્રેટ્સ સભ્યે એક અહેવાલ રીલિઝ કર્યો હતો. તેમાં બીટ્રિસે કરેલા નિવેદનોની વિગતો અપાઇ છે. નવેમ્બર, 1993માં અમેરિકાના ન્યૂયોર્કની હોટલ પ્લાઝામાં એક પેજન્ટ ઇવેન્ટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે બીટ્રિસ ક્યુલ પર બળાત્કાર ગુજાર્યો હતો. અમેરિકાના વિઝા અપાવવાની અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાની લાલચ આપી ટ્રમ્પે બીટ્રિસને ફસાવી હતી. વધુ વાતો કરવા માટે ટ્રમ્પે તેને પોતાના સ્યૂટમાં બોલાવી હતી અને જબરદસ્તી કરીને બળાત્કાર કર્યો હતો. એ વખતે જેફ્રી એપ્સટિન પણ એ જ હોટલમાં મોજુદ હતો. ટ્રમ્પના દરેક કારસ્તાનમાં જેફ્રી એપ્સટિનની ભૂમિકા રહી છે. એ વિશે કેટલાંકનું કહેવું એવું પણ છે કે, હજુ કેટલુંયે એવું છે જે બહાર જ નથી આવ્યું.