બ્રિટનની અદાલતે મહરાહને ત્રણ વર્ષની સજા ફટકારી છે. બે વર્ષ રિહેબ સેન્ટરમાં પસાર કરવા પડશે. મહરાહ વિશે એટલી જ વિગતો બહાર આવી છે કે, એ યુએઇના રોયલ ફેમિલિની સભ્ય છે. તેના પતિનું નામ અને રાજવી પરિવાર સાથેના સંબંધની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે

રાજવી પરિવારની જાહોજલાલીના વાતો સાંભળીને લોકોને એવું થતું હોય છે કે, એ લોકોને તો જલસા જ છે. કમાવવાની કે ખર્ચ કરવાની કોઇ ચિંતા જ નથી. પાણી માંગો તો દૂધ હાજર થઇ જાય અને દૂધ માંગો તો ખીર પીરસાય. ખરી વાત એ છે કે, સમૃદ્ધિ ક્યારેય સુખ કે શાંતિ આપતી નથી. યુનાઇટેડ આરબ અમિરાતના રાજવી પરિવારની વહુના કિસ્સામાં આ વાત વધુ એક વખત સાબિત થઇ છે. લંડનમાં રહેતી યુએઇના રોયલ નાહ્યાન ફેમિલિની વહુ મહરાહ અલ નાહ્યાનને બ્રિટનની અદાલતે ત્રણ વર્ષની સજા ફટકારી છે. આ ત્રણ વર્ષમાંથી બે વર્ષ તેણે ડ્રગ રિહેબ સેન્ટરમાં વિતાવવા પડશે. જેલની સજા ઉપરાંત મહરાહને સાત લાખ રૂપિયા જેટલી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિશ્વમાં સૌથી ધનિક રાજવી પરિવારોમાં જેની ગણના થાય છે એ ઘરની વહુ સાથે આખરે એવું તે શું થયું કે એ ચરસી બની ગઇ તેની ચર્ચા ચારેકોર છે.

બ્રિટનમાં તો મહેરાહનો કેસ ચર્ચાનો વિષય છે જ, સાથોસાથ યુએઇ સહિત ખાડીના તમામ દેશોમાં મહરાહની ચર્ચા છે. યુએઇનું રોયલ ફેમિલી અંગત સંબંધો કે વિવાદ વિશે કોઇ જાહેર નિવેદન કરતું નથી. મહરાહના કેસમાં પણ એવું જ થયું છે. મહરાહ વિશે એટલું જ જાહેર કરાયું છે કે, એ નાહ્યાન પરિવારની વહુ છે. તેના પતિ કે રોયલ ફેમિલી સાથે તેનો ખરેખર સંબંધ શું છે તેના વિશે તમામ વાતો ગુપ્ત રાખવામાં આવી છે. મહરાહના ડિવોર્સ થઇ ગયા છે કે કેમ? રોયલ ફેમિલી સાથે તેના સંબંધો હવે છે કે કેમ? તેનાથી માંડીને તે કોની દીકરી છે એ સહિતની તમામ વિગતો ખાનગી જ રહી છે.

માત્ર એટલી વાત બહાર આવી છે કે, યુએઇના રોયલ પરિવાર દ્વારા તેને પોતાના અને સંતાનના નિર્વાહ માટે તગડી રકમ મળે છે. મહરાહ રોયલ ફેમિલી છોડીને પોતાની રીતે રહેતી હતી. આ દરમિયાનમાં જ તે ડ્રગ્સના રવાડે ચડી ગઇ હતી. બ્રિટનમાં નશેડીઓની મોટી જમાત છે. અસંખ્ય લોકો ડ્રગ્સ લઇને રસ્તા પર પડ્યા હોય છે. આવી ઘટનાઓમાં કોઇને ખાસ કંઇ નવાઇ લાગતી નથી. અલબત્ત, મહરાહનો કિસ્સો થોડોક જુદો છે.

મહરાહ સામે શેનો ગુનો નોંધાયો હતો?

વાત છે તારીખ 13મી જૂન, 2026ના રોજની. પશ્ચિમ લંડનના એક રોડ પર મહરાહ બેહોશીની હાલતમાં પડી હતી. તેની નજીકમાં એક પુરૂષ પણ બેહોશીની હાલતમાં મળી આવ્યો હતો. મહરાહને એ ભાન નહોતું કે, તેનું બાળક પણ તેની સાથે છે. મહરાહનું ત્રણ વર્ષનું બાળક નજીકમાં રમતું હતું. રમતા રમતા એ બાળક ટ્રાફિક સુધી પહોંચી ગયું હતું. બાળકે ચંપલ પણ પહેર્યા નહોતા. બાળકની સ્થિતિ જોઇને એક જાગૃત નાગરિકને ચિંતા થઇ હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બાળકનો કબજો લીધો હતો. પોલીસને સમજાઇ ગયું હતું કે, આ બાળક બેહોશ પડેલી મહિલાનું છે. મહરાહને ભાનમાં લાવવાની પોલીસે કોશિષ કરી હતી.

મહરાહ એટલા નશામાં હતી કે, એ અડધો કલાક સુધી જવાબ આપી શકી નહોતી. થોડીક ભાનમાં આવી એ પછી મહરાહે પોલીસને સહકાર આપવાના બદલે બેફામ વર્તન કર્યું હતું. મહરાહે કહ્યું કે, આ બધું શું છે? આ કોઇ કસાઇખાનું નથી. તમને બધાને આટલી બધી ચિંતા શેની છે? પોલીસે તેની ધરપકડ કરી હતી. મહરાહે વધુ પ્રમાણમાં કોકેઇન લીધું હોવાનું બહાર આવ્યું હતું. મોટી વાત એ નહોતી કે, મહરાહે નશો કર્યો હતો, ગંભીર બેદરકારી એ હતી કે, તેણે બાળકની પરવા કરી નહોતી. મહરાહ સામે ચાઇલ્ડ નેગ્લેક્ટ એટલે કે બાળક પ્રત્યે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો હતો. લંડનની સાઉથવર્ક ક્રાઉન કોર્ટમાં તેની સામે કેસ ચાલ્યો હતો. મહારાહને બચાવવા માટે લંડનના સૌથી મોંઘા ગણાતા વકીલને રોકવામાં આવ્યા હતા. જોકે, અદાલતે મહરાહના ગુનાને ગંભીર ગણાવીને તેને સજા ફટકારી હતી. 

મહારાહે બાદમાં આ ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. આ બધામાં સૌથી મોટી વાત બાળકના ભવિષ્યની પણ છે. મહરાહની ધરપકડ પછી બાળકનું શું થયું એ વિશે પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. બ્રિટનના કાયદા અને બાળ સુરક્ષાના કડક નિયમો અનુસાર જ્યારે માતા-પિતા બાળકના ઉછેરમાં બેદરકાર સાબિત થાય છે ત્યારે બાળકને બાળ કલ્યાણ માટે કામ કરતી સંસ્થાને સોંપી દેવામાં આવે છે. પરિવારનું કોઇ સભ્ય જો બાળકની જવાબદારી ઉઠાવવા માટે તૈયાર હોય તો બાળકને તેને પણ સોંપવામા આવે છે. મહરાહના સંતાન વિશે એવું કહેવાઇ રહ્યું છે કે, એ બાળ સુરક્ષા એજન્સી પાસે અથવા તો શાહી પરિવારના અન્ય સભ્ય પાસે સુરક્ષિત છે. બાળકનું ભવિષ્ય ન બગડે એની પણ કાળજી લેવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. 

મહરાહની લાઇફમાં એવું તે શું થયું હતું કે, તે એકલી રહેતી હતી. ડ્રગની આદત તેને કેવી રીતે પડી? એ વિશે જાતજાતની વાતો થઇ રહી છે. સાચું કારણ જે હોય તે પણ અત્યારે તો એ પોતાની જિંદગી ફરીથી સારી કરવાના પ્રયાસો કરી રહી હોવાની વાત બહાર આવી છે. યુએઇના રાજવી પરિવારના અનેક વિવાદો સમયે સમયે ચર્ચાતા રહ્યા છે. સાચી વાતો ક્યારેય બહાર આવતી નથી. મહરાહના કિસ્સામાં પણ એવું જ થયું છે. જ્યાં સુધી સંપત્તિ, સમૃદ્ધિ અને જાહોજલાલીની વાતો થાય છે ત્યાં સુધી છેલ્લે એટલું જ કહેવામાં આવે છે કે, ડુંગર દૂરથી રણિયામણા.


યુએઇના વડાપ્રધાનની દીકરી મહેરાના તલાકનો કિસ્સો પણ ખૂબ ગાજ્યો હતો
યુનાઇટેડ આરબ અમિરાતના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની દીકરી મહેરાએ જુલાઇ, 2024માં ઇન્સ્ટાગ્રામ પર પતિ શેખ મના સાથે ડિવોર્સની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો હતો. મહેરાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, પ્રિય પતિ, તમે અન્ય મહિલાઓ સાથે વ્યસ્ત છો. હું તમને તલાક આપું છું. તમારું ધ્યાન રાખજો. તમારી ભૂતપૂર્વ પત્ની. ઇસ્લામિક કાનૂનમાં ત્રિપલ તલાક આપવાનો અધિકાર માત્ર પુરૂષોને જ હોય છે. મહેરાના નિકાહ મે, 2023માં થયા હતા. મે, 2024માં મહેરાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મના માત્ર બે મહિનામાં જ તેણે ડિવોર્સની જાહેરાત કરી દીધી હતી. પતિને તલાક આપ્યા બાદ મહેરાએ ડિવોર્સ નામનું જ પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું. મેહરાના કિસ્સામાં પણ રોયલ ફેમિલીએ મૌન સેવવાનું પસંદ કર્યું હતું.