ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખૌમેની પોતાના દેશમાં જે કંઇ થઇ રહ્યું છે એના માટે અમેરિકાને જવાબદાર ઠેરવે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રાઇટ ટાઇમની રાહ જુવે છે. મેળ પડ્યો એટલે અમેરિકા ઇરાનમાં પણ ખેલ પાડી દેવાનું છે. ઇસ્લામિક ક્રાંતિ બાદ ઇરાન વધુ એક વખત કરવટ લેવા તૈયાર બેઠું છે
|
ઇરાનમાં સ્થિતિ સતત વણસી રહી છે. ઇરાનના તમામ શહેરોમાં લોકો સરકાર સામે મેદાને પડ્યા છે. લોકોની ધીરજ ખૂટી ગઇ છે. પહેલા લોકો શાંત પ્રદર્શન કરી રહ્યા હતા. હવે લોકો તોફાને ચડ્યા છે. તોડફોડ કરે છે અને આગ ચાંપે છે. ઇરાનની સરકાર આમ તો પ્રદર્શનોને સખત હાથે દાબી દે તેમ છે. આ વખતે ઇરાનની સરકારને અમેરિકાનો ડર સતાવી રહ્યો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઇરાનની સરકાર જો લોકો પર જુલમ ગુજારતી રહેશે તો અમારે આવવું પડશે. અમેરિકાની ચેતવણી છતાં લોકો પર ઇરાનની પોલીસે ફાયરિંગ કર્યાના અહેવાલો વહેતા થયા છે.
પોતાના દેશમાં જે થઇ રહ્યું છે એ વિશે ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખૌમેનીએ અમેરિકા સામે એવો આક્ષેપ કર્યો છે કે, જે કંઇ થઇ રહ્યું છે એ અમેરિકાના ઇશારે જ થઇ રહ્યું છે. અમારા દેશના કેટલાંક લોકો પણ ટ્રમ્પને રાજી કરવા માટે તોફાનીઓનો સાથ આપે છે. સાચી વાત એ છે કે, ઇરાનના લોકો હવે થાક્યા છે. ઇરાનનું ચલણ ખાડે નહીં પણ તળિયે ગયું છે. મોંઘવારી સતત વધી રહી છે. લોકો પાસે કામ નથી. ઇરાનના સખત કાયદાથી પણ લોકો કંટાળ્યા છે. હિજાબ આંદોલનથી શરૂ થયેલા દેખાવો સત્તા પરિવર્તનની માંગ સુધી પહોચ્યા છે. લોકોને સૌથી વધુ જો કોઇ વાતનો ડર હોય તો એ પોતાના અસ્તિત્ત્વની અનિશ્ચિતતાનો છે. અમેરિકા અને ઇઝરાયેલ ગમે ત્યારે હુમલો કરી શકે એમ છે. જો યુદ્ધ થયું તો આખું ઇરાન ગાઝાની જેમ ખેદાન મેદાન થઇ જવાનું છે.
અમેરિકા શું કરે છે તેના પર મોટો આધાર
ઇરાન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દાઢમાં છે. ઇરાન અમેરિકા સાથે નવી પરમાણુ સંધિ કરવા તૈયાર થતું નથી. ઇઝરાયેલને હજુ પણ ઇરાન ધમકી આપતું રહે છે. ઇરાન અંદરખાને પરમાણુ પ્રયોગો કરી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલ ઇચ્છતા નથી કે, ઇરાન કોઇપણ સંજોગોમાં પરમાણુ શક્તિ બને. અમેરિકા એવું ઇચ્છે છે કે, ઇરાનની સરકાર પોતાના ભારથી જ તૂટી જાય. જો આવું થાય તો અમેરિકાએ હુમલો કરવો ન પડે અને પોતાનું ધાર્યું શાંતિથી થઇ જાય. યુદ્ધ અમેરિકા માટે છેલ્લો વિકલ્પ હશે. અત્યારે તો અમેરિકા માત્ર બળતામાં ઘી હોમવાનું જ કામ કરે છે. અમેરિકામાં નિર્વાસન ભોગવતા ઇરાનના રાજા રઝા પહલવી લોકોને મેદાને પડવા અપીલ કરી રહ્યા છે. ઇરાનની સ્થિતિ જોઇને રઝા પહલવીને ફરીથી રાજગાદીના સપના આવવા લાગ્યા છે.
કોણ છે રાજવી વંશના રઝા પહલવી?
રઝા પહલવી ઇરાનના ભૂતપૂર્વ રાજાના સૌથી મોટા દીકરા છે. રઝા પહલવીના પિતા મોહમ્મદ રઝા શાહ પહલવીએ ત્રણ નિકાહ પઢ્યા હતા. પહેલી બે પત્નીથી દીકરાનો જન્મ થયો નહોતો. ત્રીજી પત્ની ફરાહ દીબાએ તારીખ 31મી ઓક્ટોબર, 1960ના રોજ રઝા પહલવીને જન્મ આપ્યો હતો. એ સમયથી તેઓ ઇરાનના ક્રાઉન પ્રિન્સ હતા. 1967માં તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને સત્તાવાર રીતે ભવિષ્યના રાજા ઘોષિત કર્યા હતા. જોકે, તેમના નસીબમાં રાજા બનવાનું તો નહોતું જ લખ્યું, દેશ પણ છોડવો પડે એવું તેમનું ભાવિ હતું.
1979માં ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થઇ. આ ક્રાંતિએ રાજાશાહીનો અંત આણ્યો અને ઇરાનમાં ઇસ્લામિક શાસન લાગુ થયું. તખ્તાપલટા બાદ બીજા જ વર્ષે રાજા મોહમ્મદ રઝા પહલવીનું અવસાન થયું. ઇરાનનો રાજવી પરિવાર અમેરિકાના ઇશારે નાચતો હતો. સત્તા ગઇ એ પછી રાજવી પરિવારે અમેરિકામાં જ શરણ લેવું પડ્યું. અત્યારે રઝા પહલવી ઇરાનના નિર્વાસિત અને માત્ર નામના રાજા છે. તેઓ પોતાની જન્મભૂમિમાં પગ પણ મૂકી શકતા નથી. ઇરાનના લોકો ફરીથી રાજાશાહીની માંગણી કરી રહ્યા છે. અલબત્ત, અત્યારે જે ચાલી રહ્યું છે એનો અંત જો સત્તાપલટો હોય તો પણ ઇરાનમાં ફરીથી રાજાશાહી આવી શકે કે કેમ એ વિશે ભેદભરમ છે. અમેરિકા ખુદ જ રાજાશાહી કરતા લોકશાહીનું સમર્થક છે. અમેરિકા પોતાનું ધાર્યું જ કરવાનું છે. ઇરાન માટે આગામી સમય બહુ કટોકટીભર્યો સાબિત થવાનો છે.
આયાતોલા ખૌમેની ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે?
ઇરાનમાં લોકોના ઉશ્કેરાટ પછી એવી વાતો પણ ચાલી રહી છે કે, સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલા ખૌમેની ઇરાન છોડીને ભાગી જવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ રશિયા ભાગી જાય એવી શક્યતાઓ વર્તાઇ રહી છે. વાતો તો ત્યાં સુધીની આવી છે કે, તેમણે મોટા પ્રમાણમાં સોનું રશિયા ટ્રાન્સફર કરી દીધું છે. આયાતોલા ખૌમેની 86 વર્ષના છે. ઇરાનની ક્રાંતિ માટે તેઓ જ કારણભૂત છે. તેમણે પોતાની જતી જિંદગીમાં જ પતન જોવાનું લખ્યું હોય એવું લાગી રહ્યું છે. તેમના અંત વિશે તર્કવિતર્કો થઇ રહ્યા છે. ઇરાનના લાકો હવે આદરેલું અધૂરું છોડે એવું લાગતું નથી.
ઇરાનની જૂની પેઢીએ મુક્ત વાતાવરણ જોયું છે. ઇસ્લામિક શાસનના 47 વર્ષમાં ઇરાનની હાલત સતત બગડતી રહી છે. લોકોને સમજાઇ ગયું છે કે, હવે આવી રીતે જ રહેવામાં કોઇ માલ નથી. ઇરાનના ઝેન-જી મુક્તિ અને આઝાદી ઇચ્છે છે. ઇરાન પાસે એટલું ઓઇલ છે કે, દેશ આરામથી ચાલી શકે. વર્તમાન શાસકો પોતાની જીદ છોડતા નથી અને ઇરાનને અધોગતિમાં ધકેલી રહ્યા છે. ઇરાનની મથરાવટી મેલી થઇ ગઇ છે. લોકો જ હવે મેલી થઇ ગયેલી ઇમેજને ફરીથી સાફસૂથરી કરવાના પ્રયાસોમાં લાગેલા છે. પરિવર્તનનો પવન કેવો રંગ લાવે છે એ જોવાનું રહે છે.
ઇરાનને સાથ આપવા માટે હવે દુનિયાનો કોઇ દેશ તૈયાર નથી
એક સમય હતો જ્યારે ઘણા મુસ્લિમ દેશો ઇરાનની પડખે ઊભા હતા. હવે બધા દેશો ઇરાનથી દૂર રહેવા લાગ્યા છે. ઇરાને તુર્કિયે અને પાકિસ્તાન સહિત દુનિયાના મુસ્લિમ દેશોને નાટો જેવું ઇસ્લામિક સૈન્ય સંગઠન બનાવવાનું આહ્વાન કર્યું હતું. ઘણા દેશોએ હા એ હા કરી પણ કોઇએ વાત આગળ વધવા દીધી નહીં. બીજા મુસ્લિમ દેશો પણ સમજે છે કે, ઇરાનને સાથ આપ્યો એનો સીધો મતલબ અમેરિકા સામે પડવા જેવો થશે. બીજી વાત એ છે કે, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોને ઇરાન સાથે બનતું નથી. તેઓ ઇચ્છે છે કે, ઇરાનનું પતન થતું હોય તો ભલે થાય. ટાઢે પાણીએ ખસ જાય. ઇરાન ઘણા દેશો માટે ન્યૂસન્સ બની ગયું છે. પાકિસ્તાન ઇરાનની નજીક હતું, હવે એ પણ ઇરાન સાથે સેફ ડિસ્ટન્સ રાખવા માંડ્યું છે. એક રીતે જોવા જઇએ તો ઇરાન એકલું પડી ગયું છે. અત્યારની સ્થિતિ જોતા એવું લાગે છે કે, ઇરાનની ઇસ્લામિક સત્તાનું કાઉન્ડ ડાઉન ચાલી રહ્યું છે.
|