મધ્ય પ્રદેશના ઇન્દોરની સોનમ પતિ રાજાની હત્યાનું કાવતરું ઘડીને જ તેને હનીમૂન માટે મેઘાલય લઇ ગઇ હતી
| સોનમે પિતાની પ્લાયવૂડની ફેકટરીમાં જ કામ કરતા પ્રેમી રાજ કુશવાહ સાથે મળી પતિ રાજા રઘુવંશીને ભાડૂતી હત્યારાઓના હાથે મરાવી નાખ્યો. સોનમ પતિ રાજાને એવી જગ્યાએ લઇ ગઇ જ્યાં સીસીટીવી નહોતા. હત્યા માટે જાતજાતની થિયરી ઉપજાવી કાઢી હતી. જો કે, આખરે પોલીસ હત્યારા સુધી પહોંચી ગઇ |
રિઆલિટી ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન. અંગ્રેજીમાં આવી ઉક્તિ છે. જેનો અર્થ એવો થાય છે કે, વાસ્તવિકતા કલ્પના કરતા પણ અનેકગણી વિચિત્ર હોય છે. ફિલ્મોમાં કે નવલકથાઓમાં પણ જેવું ન થતું હોય એવું ઘણીવાર વાસ્તવિક જિંદગીમાં બનતું હોય છે. મધ્ય પ્રદેશના ઇન્દોરની સોનમના લગ્ન રંગેચેગે રાજા રઘુવંશી સાથે થયા હતા. બંને મેરેજ બાદ હનીમૂન માટે મેઘાલયના ખાસી હિલ્સ ગયા હતા. અચાનક જ બંને મેઘાલયમાં ગૂમ થઇ ગયા. ઇન્દોર સહિત આખા દેશમાં હોબાળો મચી ગયો. આ કેસ ટોક ઓફ ધ નેશન બની જતા મેઘાલયની પોલીસ પણ ધંધે લાગી હતી. મેઘાલયના ખીણ વિસ્તારમાં ડ્રોનની મદદથી બંનેની શોધખોળ કરવામાં આવી. આ દરમિયાનમાં રાજાની લાશ એક ખીણમાંથી મળી આવી.
સોનમનો કોઇ પત્તો લાગતો નહોતો. સોનમનાં અપહરણથી માંડીને જાતજાતની વાતો આ કિસ્સામાં કરવામાં આવી. પોલીસને એક લોકલ ગાઇડ પાસેથી એવી વિગત જાણવા મળી કે, ત્રણ-ચાર યુવાનો રાજા અને સોનમની આજુબાજુમાં ફરતા હતા. પોલીસે એક પછી એક ત્રણેયને ઝડપી લીધા. એ લોકોએ કબૂલ્યું કે, તેણે જ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. રાજાની પત્ની સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહાએ રાજા રઘુવંશીની હત્યા માટે સોપારી આપી હતી. બીજી તરફ સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પકડાઇ ગઇ અને રાજા રઘુવંશીની હત્યાનો આખો કેસ ઉકેલાઇ ગયો. સોનમને રાજ કુશવાહા નામના યુવાન સાથે પ્રેમ હતો. પ્રેમીને પામવા માટે જ તેણે પતિ રાજા રઘુવંશીને મરાવી નાખ્યો. પોલીસ હવે આ કિસ્સાના બાકીના રહસ્યો પરથી પડદો ઊંચકવા મથી રહી છે. સોનમે પ્રેમી સાથે રહેવું હતું તો પછી મેરેજ શા માટે કર્યા? બીજા કોઇ કારણો તો રાજાની હત્યા માટે જવાબદાર નથીને? હજુ આ ઘટનાની ઘણી ફિલ્મી વાતો બહાર આવવાની છે!
રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું મેરેજ પહેલા જ ઘડાઇ ગયું હતું
સોનમ અને રાજા રઘુવંશીના લગ્ન તારીખ 11મી મેના રોજ થયા હતા. નવ દિવસ પછી તારીખ 20મી મેએ બંને હનીમૂન માટે મેઘાલય ગયા હતા. 22મી મેના રોજ બંને મોપેડ ભાડે લઇને માવલખિયાત નામના ગામે ગયા હતા. 24મી મેના રોજ મોપેડ બિનવારસી મળ્યું હતું. રાજાની લાશ બાદમાં ખીણમાંથી મળી હતી. રાજા રઘુવંશીની હત્યા વિક્કી ઠાકુર, આકાશ અને આનંદ નામના ભાડૂતી હત્યારાઓએ કરી હતી. આ ત્રણેય અત્યારે પોલીસના કબજામાં છે.
સોનમે લગ્ન બાદ એવો જ દેખાવ કર્યો હતો કે, તે રાજા સાથે મેરેજ કરીને ખૂબ ખુશ છે. અલબત્ત, તેણે પતિ રાજાની હત્યાનું કાવતરું લગ્ન પહેલા જ ઘડી નાખ્યું હતું. લગ્નના ફોટા અને વીડિયોમાં સોનમ મેરેજ એન્જોય કરતી હોય એવું જ જોવા મળતું હતું. કોઇને કલ્પના સુદ્ધાં ન આવે કે, સોનમ થોડા જ દિવસમાં પતિ રાજાને મરાવી નાખવાની છે. રાજાના માતા-પિતા પણ એવું માનતા હતા કે, સોનમ સારી છોકરી છે. દીકરા રાજાની લાશ મળી એ પછી પણ તેણે સોનમ હેમખેમ હોય તો સારું એવું કહ્યું હતું. રાજાના હત્યારાઓની શોધ માટે ઇન્દોરમાં બાકાયદા દેખાવો થયા હતા અને સીબીઆઇ તપાસની પણ માંગ ઉઠી હતી.
રાજાની હત્યા બાદ એવી થિયરી બેઠી કરવાના પ્રયાસ પણ થયો હતો કે, મેઘાલયમાં રાજાની હત્યા કરીને સોનમનું અપહરણ કરી તેને વેચી દેવાઇ છે. મેઘાલયમાં આવી ગેંગો કામ કરતી હોવાની વાતો પણ ફેલાવવામાં આવી હતી. મેઘાલયની શિલોંગ પોલીસ પર પણ માછલા ધોવાયા હતા કે, પોલીસ હત્યાનો ભેદ ઉકેલી શકતી નથી. હત્યારાઓએ રાજાને મારવા એવી જગ્યા પસંદ કરી હતી જ્યાં સીસીટીવી ન હોય. સોનમ પતિ રાજાને એવી જગ્યાએ લઇ ગઇ હતી જ્યાં બહુ ઓછા લોકો ફરવા જાય છે. બધું જ પાક્કેપાયે કરવામાં આવ્યું હતું. જો કે, આખરે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઇ હતી.
કોણ છે સોનમનો પ્રેમી રાજ કુશવાહા?
રાજા રઘુવંશીની હત્યાનો માસ્ટર માઇન્ડ સોનમનો પ્રેમી રાજ કુશવાહ જ છે. સોનમના પિતા ઇન્દોરમાં પ્લાયવૂડની નાની ફેકટરી ચલાવે છે. રાજ કુશવાહા ત્યાં જ નોકરી કરતો હતો. સોનમ નિયમિત રીતે પિતાની ફેકટરીએ જતી હતી. એ દરમિયાન જ સોનમને રાજ કુશવાહા સાથે પ્રેમ થયો હતો. રાજ કુશવાહા સોનમ કરતા પાંચ વર્ષ નાનો છે. સોનમના લગ્ન નક્કી થયા એ પછી રાજે રાજાને મરાવી નાખવાનું નક્કી કર્યું હતું અને ભાડાના માણસો રોક્યા હતા. રાજાની લાશ મળ્યા બાદ ગયા બુધવારે ઇન્દોરમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતા. સોનમ પતિ રાજાની હત્યા બાદ ઉત્તર પ્રદેશ કેવી રીતે પહોંચી અને તે કેવી રીતે પકડાઇ એ વિશે જાતજાતની ચર્ચાઓ થઇ રહી છે.
સોનમ અને પ્રેમી રાજનો ઇરાદો તો કંઇક જુદો જ હોવાનું માનવામાં આવે છે. સોનમને ખબર પડી ગઇ હતી કે, હવે બચી શકાય એમ નથી. સોનમના માતા-પિતા હજુ એવું કહી રહ્યા છે કે, સોનમ પતિની હત્યા કરી ન શકે. તેમણે તો શિલોંગ પોલીસે પણ વાર્તા ઘડી કાઢી હોવાના આક્ષેપો કર્યા છે. અલબત્ત, આખરે સાચી વાત એ જ છે કે, સોનમે પ્રેમી રાજ સાથે મળીને ભાડૂતી હત્યારાઓ પાસે પતિ રાજાને મરાવી નાખ્યો છે!
પ્રેમી માટે પતિની હત્યા : મુસ્કાન, પ્રગતિ, યશસ્વિની અને હવે સોનમ
ઉત્તર પ્રદેશના ઔરૈયાની પ્રગતિએ લગ્નના પંદરમા દિવસે જ પતિ દિલીપ યાદવને મરાવી નાખ્યો હતો. પ્રગતિને અનુરાગ નામના છોકરા સાથે પ્રેમ હતો. દિલીપને ખેતરમાં લઇ માર માર્યો હતો. દિલીપ બચી ગયો હતો પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બેંગલુરુની યશસ્વિનીએ માતા સાથે મળીને પતિ લોકનાથ સિંહની હત્યા કરી નાખી હતી. મુસ્કાન, પ્રગતિ અને યશસ્વિનીના કિસ્સાઓ બહાર આવ્યા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, હવે દીકરીઓને નહીં પણ જમાઇઓને બચાવવાનો સમય આવ્યો છે. કેટલાંક કેસ આખા દેશમાં ચર્ચાનું કારણ બને છે એટલે લોકોના ધ્યાનમાં આવે છે, બાકી પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોય એવા કિસ્સાઓ દર થોડા દિવસે દેશના કોઇને કોઇ ખૂણે બનતા રહે છે.
|










