| ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મામલે ચીન સાથે પંગો લેતા તો લઇ લીધો છે પણ હવે અમેરિકાને જ ભારે પડી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, રશિયાને સમજાવવામાં ચીન અમને મદદ કરે. જિનપિંગ ટ્રમ્પને કેવો અને કેટલો ભાવ આપે છે એના પર ઘણો મોટો આધાર રહેવાનો છે. બંનેની મુલાકાતની ભારત પર કેવી અસર થશે એ પણ જોવાનું રહેશે |
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આસિયાન સંમેલનમાં હાજરી આપવા માટે મલેશિયા પહોંચ્યા હતા. આસિયાન બેઠકમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પે રાબેતા મુજબ યુદ્ધ રોકવાની અને શાંતિ સ્થાપવાની વાતો કરી. ટ્રમ્પને શાંતિના મસિહા બનવું છે અને નોબેલ પીસ પ્રાઇઝ જોઇએ છે. ટ્રમ્પે કહ્યું કે, હવે મારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો મામલો હાથમાં લેવાનો છે. મલેશિયાથી ટ્રમ્પ સાઉથ કોરિયા અને જાપાન જવાના છે. સાઉથ કોરિયાની મુલાકાત દરમિયાન તારીખ 30મીએ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને રૂબરૂ મળવાના છે. ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત પૂરા છ વર્ષે થવાની છે. ટ્રમ્પની અગાઉની ટર્મ દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી. ટ્રમ્પ બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા એ પછી બંનેની આ પહેલી મુલાકાત છે. ટ્રમ્પ અને જિનપિંગ અમેરિકા કે ચીનની નહીં પણ બીજા જ દેશની ધરતી પર જ મળવાના છે.
અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ વોર
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી ચીન સામે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. ચીનના પ્રેસિડેન્ટે શી જિનપિંગે પણ ટ્રમ્પની સામે બરાબરની બાંયો ચડાવી લીધી છે. ટેરિફ વોર તો એની જગ્યાએ ચાલતી જ હતી, એવામાં ચીને પોતાને ત્યાંથી દુર્લભ ખનીજ સંપત્તિની અમેરિકાને થતી નિકાસ રોકી દીધી. એના કારણે અમેરિકાના ઉદ્યોગોને મોટી અસર પહોંચી. રેર અર્થ મિનરલ્સ બીજા દેશો પાસેથી મેળવવા માટે અમેરિકા પ્રયાસો કરી રહ્યું છે પણ એનાથી અમેરિકાની જરૂરિયાતો પૂરી થવાની નથી. એ હિસાબે અમેરિકાને ચીન વગર ચાલવાનું નથી. જિનપિંગ પણ આ વાત સારી રીતે જાણે જ છે અને એટલે જ તેઓ અમેરિકાનું નાક દબાવે છે.
સાઉથ કોરિયામાં ટ્રમ્પ અને જિનપિંગ મળે ત્યારે ટેરિફનો મામલો કેટલો સૂલઝે છે એ જોવાનું રહે છે. ટ્રમ્પની વાત જો જિનપિંગને પસંદ ન પડી તો મામલો સૂલઝવાના બદલે ઉલઝી પણ શકે છે. જિનપિંગ સાથેની મુલાકાત પહેલા ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે, રશિયાને સમજાવવામાં ચીન અમારી મદદ કરે. ટ્રમ્પને રશિયા અને યુક્રેનનું યુદ્ધ ખતમ કરાવવું છે પણ એમાં એનું ધ્યાન પડતું નથી. પુટિન ટ્રમ્પને ગણકારતા નથી. ટ્રમ્પ રશિયાને વધુ ટેરિફ લગાવવાની ધમકીઓ આપે છે. પુટિને કહ્યું કે, લગાવવા હોય એટલા ટેરિફ લગાવો, અમને કોઇ પરવા નથી. આ દરમિયાનમાં પુટિને હમણાં એવી વાત કરી કે, ટ્રમ્પ ધમકીની ભાષા વાપરે છે એ બરાબર નથી. કોઇપણ વાતચીત શાંતિથી થવી જોઇએ. તમારી ધમકીની કોઇ અસર થતી નથી ત્યારે હવે તો ધમકીઓ આપવાનું બંધ કરો.
ટ્રમ્પ રશિયાના ઓઇલનો મુદ્દો છેડશે કે કેમ?
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર એવું કહીને આકરા ટેરિફ લાદ્યા છે કે, ભારત રશિયા પાસેથી ઓઇલની ખરીદી કરે છે. ભારત ઓઇલ ખરીદે છે એના કારણે જ રશિયા ટકી રહ્યું છે. ભારત રશિયા પાસેથી ઓઇલ ન ખરીદે એ માટે ટ્રમ્પે થાય એટલું પ્રેશર ઊભું કર્યું છે. મજાની વાત એ છે કે, રશિયા પાસેથી ભારત ઓઇલ ખરીદે છે એના કરતા ચીન વધુ ઓઇલ ખરીદે છે. રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ચીન જ ખરીદે છે. ભારતનો નંબર બીજો છે. જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પ જિનપિંગને પણ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ના પાડશે? ના પાડે તો પણ જિનપિંગ માનશે ખરા? જિનપિંગ અગાઉ કહી ચૂક્યા છે કે, અમારે શું કરવું એ અમે જ નક્કી કરવાના છીએ, અમેરિકાએ અમને કંઇ કહેવાની જરૂર નથી. એક વાત એવી પણ છે કે, ટ્રમ્પ જિનપિંગ પાસે નમતું જોખી લેશે. એમની પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી.
ભારત, રશિયા અને ચીન સાથે મળીને શું કરશે?
અમેરિકાની આડોડાઇ પછી ભારત, રશિયા અને ચીન વધુ નજીક આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની મુલાકાત દરમિયાન મોદીએ વ્લાદીમિર પુટિન અને શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય મંત્રણાઓ કરી હતી. ત્રણેય દેશોએ એક-બીજા સાથે વેપાર સહિતના સંબંધો વધારવાનું નક્કી કર્યું હતું. ચીનની મુલાકાત દરમિયાન મોદી, પુટિન અને જિનપિંગનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને ટ્રમ્પે એવું લખ્યું હતું કે, મને લાગે છે કે, અમે ભારતને ચીન અને રશિયા પાસે ગુમાવી દીધું છે. ટ્રમ્પને હજુ એ વાતની ચિંતા છે કે, આ ત્રણેય સાથે મળીને એવો ખેલ કરશે કે અમેરિકા માટે મુશ્કેલી સર્જાય.
રશિયા અને ચીન તો અમેરિકાથી દૂર જ હતા, ભારત તેમાં ભળતા આ ત્રિપુટીની તાકાત અનેકગણી વધી ગઇ છે. અમેરિકાના જ રાજકારણીઓ અને અર્થશાસ્ત્રીઓ ડોનાલ્ડ ટ્રમ્પને કહી રહ્યા છે કે, અમેરિકાનું ભલું ઇચ્છતા હોવ તો ભારત સાથેના સંબંધો સુધારો. ભારત અને અમેરિકા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઓલમોસ્ટ ડન હતી પણ અમેરિકાએ અમુક બાંધછોડ ન કરી એટલે વાત અટકી ગઇ. આપણા દેશને કોઇ ઉતાવળ નથી. દુનિયાના તમામ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશન કહી રહ્યા છે કે, અમેરિકાના ટેરિફ થતાં ભારતનો આર્થિક વિકાસ અટકવાનો નથી. આ બધું ચાલી રહ્યું છે ત્યારે જ ટ્રમ્પ અને જિનપિંગ વન-ટુ-વન મળવાના છે. આ બેઠકમાં થનારી વાતો અને લેવાનારા નિર્ણયો અમેરિકા સહિત આખી દુનિયાને અસર કરવાના છે. બેમાંથી એક જો આડા ફાટ્યા તો વાત વણસી શકે એમ પણ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે પણ કૂણા પડે એવી પૂરી શક્યતા છે
ચીનની જેમ જ અમેરિકા અને ભારત વચ્ચે અત્યારે ટેરિફ મામલે તનાતની છે. ફેર એટલો છે કે, ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ અમેરિકાને મોઢામોઢ સંભળાવી દે છે અને આપણે કૂટનીતિ વાપરીને અમેરિકાને જે મેસેજ આપવા હોય એ આપીએ છીએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી ચૂક્યા છે કે, દેશ અને દેશવાસીઓના હિતો સાથે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લાદ્યા છે. આપણા દેશે જે કર્યું એનાથી ડોનાલ્ડ ટ્રમ્પને પણ એ વાત સમજાઇ ગઇ છે કે, ભારત ડરવાનું કે નમવાનું નથી. મલેશિયામાં આસિયાન સંમેલનમાં વડાપ્રધાન મોદીને આમંત્રણ હતું પણ મોદીએ ત્યાં જવાનું ટાળ્યું હતું. પીએમ મોદી ગયા હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઇ હોત. અગાઉ પણ મોદીએ અમેરિકા જવાનું માંડી વાળ્યું હતું. આ બધા અમેરિકાને ઇશારા જ છે કે, તમે સીધા ન ચાલો તો અમને પણ બધું આવડે છે. જિનપિંગ સાથે મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે પણ કૂણા પડે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે. તારીખ 5મી ડિસેમ્બરના રોજ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન ભારતની મુલાકાતે આવવાના છે. ભારત રશિયા અને ચીનની વધુ નજીક જઇ રહ્યું છે એ ટ્રમ્પને દેખાઇ રહ્યું છે. ભારત અમેરિકાથી વધુ દૂર થઇ ન જાય એ માટે ટ્રમ્પે ભારત સાથેના સંબંધો સુધારવા પડે એમ છે. |