અમેરિકાએ 16 દેશોના અર્થતંત્ર વિશે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, 16માંથી 14 દેશ માંગ કરતા વધુ ઉત્પાદનો કરે છે. આ માલસામાન સસ્તા ભાવે અમેરિકામાં ઠલવાય છે. નિષ્ણાતોનું માનવું છે કે, ઉત્પાદન તો ખાલી બહાનું છે

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત નવું બહાનું કાઢીને ભારત, ચીન સહિત દુનિયાના 14 દેશો પર 25થી 440 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે દેશને ટ્રમ્પે ભરડામાં લીધા છે તેમાં ભારત અને ચીન ઉપરાંત યુરોપિયન યુનિયન, સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, કંબોડિયા, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા, વિયેતનામ, તાઇવાન, બાંગ્લાદેશ અને જાપાનનો સમાવેશ થાય છે. સૌથી વધુ 40 ટકા ટેરિફ ચીન પર છે. વિયેતનામ પર 35 ટકા ટેરિફની ઘોષણા કરવામાં આવી છે. ભારત સહિત બાકીના દેશો પર વીસથી પચીસ ટકાની વાત કરવામાં આવી છે. સવાલ એ છે કે, ટ્રમ્પને ફરીથી નવા ટેરિફ લાદવાનું શૂરાતન કેમ ચડ્યું? તેની પાછળ અમેરિકામાં હાથ ધરાયેલી એક તપાસનો અહેવાલ છે. અમેરિકાએ 16 દેશના ઉત્પાદનો પર તપાસ હાથ ધરી હતી.

આ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, 14 દેશો પોતાને ત્યાં સ્થાનિક ઉદ્યોગોને સબસિડી અને આર્થિક પ્રોત્સાહનો આપે છે. તેના કારણે એ દેશોમાં સ્થાનિક અને વૈશ્વિક માંગ કરતા વધુ ઉત્પાદન થાય છે. આ સામાન સસ્તા ભાવે અમેરિકાના બજારમાં ઠાલવવામાં આવે છે. એનાથી અમેરિકાના ઉદ્યોગોને નુકશાન જાય છે. ટેરિફ લાદ્યા બાદ જે તે દેશો માટે અમેરિકાની નિકાસ મોંઘી બનશે. અમેરિકાના લોકો આ મોંઘી ચીજવસ્તુઓ ખરીદવાના બદલે અમેરિકામાં બનતી વસ્તુઓ ખરીદશે અને સરવાળે અમેરિકાના ઉદ્યોગોને ફાયદો થશે. અમેરિકાના નવા ટેરિફ વિશે કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ટેરિફ તો માત્ર ટ્રમ્પનું બહાનું છે. ટ્રમ્પની દાનત બધાનું નાક દબાવવાની છે. દુનિયાના દેશો કંઇ હમણાંથી વધુ ઉત્પાદન નથી કરતા, એ તો પહેલેથી ચાલતું રહ્યું છે.

દરેક દેશ પોતાના ઉદ્યોગો માટે આર્થિક પ્રોત્સાહનો આપે જ છે. અમેરિકા તો તેમાં મોખરે છે. નવા ટેરિફની જાહેરાત કરીને અંતે તો ટ્રમ્પે પોતાના દેશના ઉદ્યોગોને ફાયદો થાય એવું જ કર્યું છે. જો તમે પોતે એવું કરતા હોવ તો બીજા દેશો શા માટે ન કરે? ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી ટેરિફ ટેરિફ રમતા આવ્યા છે. મન થાય ત્યારે ટેરિફ લાદી દે છે અને પાછા પણ ખેંચી લે છે. જે દેશો પર નવા ટેરિફનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેમાં અડધાથી વધુ અમેરિકાના મિત્ર દેશો છે. દોસ્ત દેશોને વધુ એક વખત એવું લાગ્યું છે કે, ટ્રમ્પ જરાયે ભરોસાપાત્ર નથી. ટ્રમ્પે જે નવા ટેરિફની જાહેરાત કરી છે એ હજુ માત્ર પ્રસ્તાવ છે. જાન્યુઆરી, 2027માં આ ટેરિફ વિશે જાહેર સુનાવણી થશે. એ પછી ફેબ્રુઆરી, 2027માં નવા ટેરિફના અમલની શક્યતાઓ છે. 

ભારત પર નવા ટેરિફનું સાચું કારણ શું છે?

ભારત પર પચીસ ટકાની ટેરિફનો પ્રસ્તાવ છે. અમેરિકાએ ઉત્પાદનો વિશે જે આક્ષેપો કર્યા છે એ આપણા દેશે નકારી કાઢ્યા છે. આપણા વાણિજ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં કોઇ પણ ક્ષેત્રમાં માળખાકીય રીતે વધારે ઉત્પાદન થતું નથી. ભારત પરના ટેરિફ પ્રસ્તાવને નિષ્ણાતો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે દબાણ લાવવાની રણનીતિ માની રહ્યા છે. અમેરિકાએ ભારત સાથે મુક્ત વેપાર સંધિ કરવી છે. એક તબક્કે બંને દેશ વેપાર સંધિ માટે તૈયાર થઇ ગયા હતા. અમેરિકાએ કેટલીક કૃષિ અને ડેરી પ્રોડક્ટ વિશે કેટલીક શરતો મૂકતા આપણા દેશે ના પાડી દીધી હતી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, દેશના ખેડૂતો અને પશુપાલકોના હિતો જોખમાય એવું કંઇ કરવામાં આવશે નહીં. અમેરિકા બાંધછોડ કરીને પણ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તૈયાર છે પણ આપણો દેશ ભાવ આપતો નથી. ટ્રમ્પથી એ સહન થતું નથી. જો ભારત અને અમેરિકા વચ્ચે મુક્ત વેપાર સંધિ થઇ જાય તો જે પ્રસ્તાવિત ટેરિફ છે એ 25 ટકાથી ઘટીને 17 ટકા થઇ જશે. અમેરિકાને દુનિયાના દેશો સાથે વેપાર કરવો છે પણ તેમાં તેને પોતાની જ શરતો રાખવી છે. દુનિયાના દેશો એવું કહે છે કે, એવું ના ચાલે. બંને તરફે વીન વીન સિચ્યુએશન હોય તો જ વાત આગળ વધી શકે. આપણા દેશે પણ કહ્યું જ છે કે, અમે વેપાર સંધિ માટે તૈયાર છીએ. હવે આગળ શું થાય છે એ જોવાનું રહેશે. 

ચીન સાથે પણ ટ્રમ્પની વાયડાઇ

ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વધુ 40 ટકા ટેરિફ ચીન પર લાદવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ હજુ થોડા દિવસો પહેલા જ ચીનની મુલાકાતે ગયા હતા. ચીનમાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. જિનપિંગ સાથે ટ્રમ્પે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. બંને વચ્ચે વેપારની વાતો પણ થઇ હતી. એ સમયે એવું લાગતું હતું કે, હવે બંને વચ્ચે વેપાર ફરીથી વધશે. ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરીને ચીનને છંછેડ્યું છે. ચીન પણ ઓછું ઉતરે એવું નથી. ચીન અમેરિકાને જેના વગર ચાલે જ નહીં એવી ચીજ વસ્તુઓ અને ખનીજો પર વધુ ટેરિફ લાદી શકે છે. ચીન સામે અગાઉ પણ ટ્રમ્પે ટેરિફના નામે પંગો લીધો છે. રેર અર્થ એલિમેન્ટ્સ પર ચીને એવી ચાલ ચાલી હતી કે, અમેરિકાની હાલત ખરાબ થઇ હતી. હવે નવા ટેરિફ પ્રસ્તાવ વિશે અર્થશાસ્ત્રીઓ એવું કહી રહ્યા છે કે, ટેરિફના નામે ટ્રમ્પ આગ સાથે ખેલી રહ્યા છે. ટ્રમ્પ જે કરી રહ્યા છે એ તેમને કે અમેરિકાને જરાયે શોભતું નથી. 

નવા ટેરિફ પ્રસ્તાવની અમેરિકા પર જ ખરાબ અસરો થવાની પૂરી શક્યતાઓ

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફનો પ્રસ્તાવ તો રજૂ કર્યો છે પણ તેનાથી અમેરિકાને જ ઘણી વિપરીત અસરો થવાની છે. ટ્રમ્પની નીતિ-રીતિના કારણે અમેરિકાના અર્થતંત્રની હાલત ઓલરેડી ખરાબ થઇ ગઇ છે. એમાં જો નવા ટેરિફ લદાયા તો સ્થિતિ વધુ વણસી જવાની છે. ટેરિફ એ આયાતકારો દ્વારા સરકારને ચૂકવવામાં આવતો કર છે. ટેરિફના કારણે વધેલા ખર્ચનો 90 ટકા બોજ છેલ્લે તો કંપનીઓ અને સામાન્ય ગ્રાહકો પર જ આવે છે. નવા ટેરિફથી કપડાં, પગરખાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઘર વપરાશની ચીજોના ભાવમાં વધારો થશે અને અંતે અમેરિકન ગ્રાહકોનો મરો થશે. નવા ટેરિફથી અમેરિકાને ફાયદો થવા કરતા નુકશાન વધુ જશે એવો અંદાજ છે. કેટલાંક લોકો એવું પણ માને છે કે, ટ્રમ્પ છેલ્લી ઘડીએ ટેરિફ પ્રસ્તાવ માંડી પણ વાળી શકે છે.