બેન્જામીન નેતન્યાહૂ અને યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કી પ્રેસિડેન્ટ ટ્રમ્પને ગણકારતા નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન કે ઇરાનના સત્તાધીશો ટ્રમ્પની વાત માનતા નથી. ટ્રમ્પ મનફાવે એમ બોલીને પોતાની જ ઇમેજ ડાઉન કરી રહ્યા છે

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચારે બાજુથી બરાબરના ફસાયા છે. ટ્રમ્પની માનસિકતા એવી છે કે, હું કહું એમ બધાએ કરવાનું. સ્થિતિ એ સર્જાઇ છે કે, હવે કોઇ ડોનાલ્ડ ટ્રમ્પને ગણકારતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પની વાતો અને વ્યવહારમાં ફસ્ટ્રેશન જોવા મળી રહ્યું છે. એ ગમે એના વિશે ગમે તેમ બોલે છે. કોઇના પર પોતાનો કંટ્રોલ નથી એ વાત ટ્રમ્પથી સહન થતી નથી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વિશે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું બોલ્યા કે, તમે પાગલ થઇ ગયા છો. હું ન હોત તો તમે જેલમાં હોત. હું તમને બચાવી રહ્યો છું. બધા જ તમને નફરત કરે છે.

આવું બોલીને ટ્રમ્પે કહ્યું કે, હવે ઇઝરાયેલ લેબેનોન પર હુમલા નહીં કરે. ટ્રમ્પની આ વાત પછી થોડા જ સમયમાં ઇઝરાયેલે લેબેનોન પર હુમલા કર્યા. એટલું જ નહીં, ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું કે, અમારું વલણ બદલાશે નહીં. અમે પ્લાન મુજબ દક્ષિણ લેબેનોન પર હુમલાઓ ચાલુ રાખશું. તેનો સીધો મતલબ એ થયો કે, ટ્રમ્પની વાત અમે માનવાના નથી. ઇઝરાયેલ આડકતરી રીતે એવું કહ્યું કે, ટ્રમ્પ તો બોલ્યા રાખે, આપણે જે કરતા હોઇએ એ કરવાનું. ટ્રમ્પ હવે શું કરશે? ટ્રમ્પને ખબર છે કે, નેતન્યાહૂને એક હદથી વતાવવામાં માલ નથી. બીજો ડર એ પણ છે કે, ટ્રમ્પનું જો મગજ ફરશે તો એ કંઇ પણ કરશે. એ માણસનો કોઇ ભરોસો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પની વાત કોઇ માનતું નથી

માત્ર બેન્જામીન નેતન્યાહૂ જ નહીં, ટ્રમ્પની વાત કોઇ માનતું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીને રશિયા સાથે યુદ્ધ અટકાવવા માટે ટ્રમ્પે સમજાવવાથી માંડીને ધમકાવવા સુધીમાં કંઇ બાકી રાખ્યું નથી. એક વખત તો ઝેલેન્સ્કીને ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં બધાની સામે તતડાવી નાખ્યા હતા. ઝેલેન્સ્કીએ પણ પછી ટ્રમ્પને વતાવવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનને મળીને યુદ્ધ રોકવા સમજાવી ચૂક્યા છે. પુટિને કહ્યું, અમારી શરતો ઝેલેન્સ્કી સ્વીકારી લે તો અમે યુદ્ધ રોકી દઇએ. ઝેલેન્સ્કી એવું કરવાના નથી.

અમેરિકાના મિત્ર દેશો સાથે ટ્રમ્પે ટેરિફથી માંડીને જાતજાતની વાયડાઇ કરી છે. હવે એ બધા પણ ટ્રમ્પનો ઉલાળિયો કરી રહ્યા છે. એ દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે અને યુક્રેન રશિયા સામે લડી રહ્યું છે. ટ્રમ્પે ઇરાન સાથેનું યુદ્ધ પણ ખતમ કરવું છે. ઇરાન અમેરિકાની શરતો માનવા તૈયાર નથી. અમેરિકાની આર્થિક સ્થિતિ ખરાબ થતી જાય છે. ગલ્ફના દેશોનો અમેરિકા પરથી ભરોસો ઉઠી રહ્યો છે. સરવાળે અમેરિકાની ઇમેજ ડાઉન થઇ ગઇ છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ ટ્રમ્પની પોપ્યુલારિટી તળિયે જઇ રહી છે. ટ્રમ્પનું અત્યારે ક્યાંય ધ્યાન પડતું નથી. ટ્રમ્પની યોજનામાં હજુ ક્યુબાથી માંડીને ગ્રીનલેન્ડ પર કબજો કરવાના કામો છે. અત્યારે જે ચાલી રહ્યું છે એમાંથી નવરા પડે તો એ કંઇ કરેને? અમેરિકાના દુશ્મન દેશો મૂછમાં હસી રહ્યા છે, અમેરિકાના મિત્ર દેશો પણ અંદરખાને ખુશ છે. બધાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેનાર ટ્રમ્પ આ જ લાગના છે. ટ્રમ્પ કોઇ નિર્ણય પહેલા કોઇને વિશ્વાસમાં લેતા નથી એનું આ પરિણામ છે.

નેતન્યાહૂના ઇરાદા ખૂબ જ ભેદી છે

સૌથી મહત્ત્વની વાત એ છે કે, આખરે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ શું ઇચ્છે છે? ગાઝા અને લેબેનોન માટે તેની યોજના શું છે? ઇરાને યુદ્ધ રોકવા માટે જે શરતો મૂકી છે એમાં એક મહત્ત્વની શરત એ છે કે, ઇઝરાયેલ લેબેનોન પર હુમલા નહીં કરે. બેન્જામીન નતન્યાહૂ એવું ઇચ્છતા નથી કે, અમેરિકા અને ઇરાનનું યુદ્ધ ખતમ થાય. તેને ખબર છે કે, જ્યાં સુધી લેબેનોન પર હુમલા ચાલુ છે ત્યાં સુધી ઇરાન કોઇ વાત માનવાનું નથી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એટલે જ નેતન્યાહૂ પર ગુસ્સે ભરાયેલા છે. નેતન્યાહૂનું ચાલ્યું તો એ ગાઝામાં અમેરિકાની શાંતિ સમજૂતીનું કામ પણ આગળ વધવા દેવાના નથી. અમેરિકા પાસે એક જ રસ્તો છે કે, ઇઝરાયેલમાં સત્તા પરિવર્તન થાય. બેન્જામીન નેતન્યાહૂ સત્તા પર જ ન હોય અને બીજો કોઇ વ્યક્તિ આવે તો ટ્રમ્પ એની પાસે પોતાનું ધાર્યું કરાવી શકે. નેતન્યાહૂ યુદ્ધનું બહાનું આગળ ધરીને ઇઝરાયેલમાં ચૂંટણી કે બીજું કંઇ થવા દેવાના નથી. સરવાળે ડોનાલ્ડ ટ્રમ્પની બકરી ડબે જ રહેવાની છે.

અમેરિકા અને ઇઝરાયેલના સંબંધો પણ ભવિષ્યમાં કેવા રહેશે એની સામે સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ટ્રમ્પ ઇરાન, સાઉદી અરેબિયાથી માંડીને પાકિસ્તાન સુધીના દેશોને ઇઝરાયેલ સાથે સંબંધો સુધારીને અબ્રાહમ એકોર્ડમાં જોડવા ઇચ્છે છે, બીજી તરફ મુસ્લિમ દેશોમાં ઇઝરાયેલ સામે નારાજગી વધી રહી છે. ગલ્ફના દેશો ટ્રમ્પ પર પ્રેશર લાવી રહ્યા છે કે, નેતન્યાહૂને કહો કે એ મર્યાદામાં રહે. ટ્રમ્પ કહે છે પણ નેતન્યાહૂ માનવા તો જોઇએને?

ટ્રમ્પ જિદ્દી માણસ છે, નેતન્યાહૂ પણ ઓછા ઉતરે એમ નથી. ટ્રમ્પે કહ્યું કે, બધા ઇઝરાયેલને નફરત કરે છે. નેતન્યાહૂએ આખું ગાઝા ખતમ કરી નાખ્યું છે. હવે એ લેબેનોનને તબાહ કરી રહ્યા છે. લેબેનોનમાં ઇઝરાયેલે હોસ્પિટલથી માંડીને રહેણાંક વિસ્તારો પર હુમલા કર્યા છે. દક્ષિણ લેબેનોનના લોકો જીવ બચાવવા હિજરત કરી રહ્યા છે. નેતન્યાહૂએ યુદ્ધમાં નિયમો તો ક્યારનાયે નેવે મૂકી દીધા છે. ટ્રમ્પનું ફસ્ટ્રેશન વધતું જાય છે. ટ્રમ્પ કોને કેવી રીતે પોતાની વાત મનાવે છે એના પણ આખી દુનિયાની નજર છે. ટ્રમ્પ પોતાના કર્યા જ ભોગવી રહ્યા છે. યુદ્ધ સહિતની અવઢવમાંથી નીકળવાનો કોઇ માર્ગ ટ્રમ્પને મળતો નથી!


અમેરિકા અને ઇરાનનું યુદ્ધ ફરીથી ચાલુ થઇ ગયું છે : હવે શું થશે?
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ એવી વાતો કરી રહ્યા છે કે, ઇરાન સાથે નજીકના દિવસોમાં સમાધાન થઇ જશે. બીજી તરફ અમેરિકાએ હુમલાઓ ચાલુ રાખ્યા છે. ઇરાન પણ હુમલાઓ કરતું રહે છે. ઇરાનની સેનાએ દાવો કર્યો છે કે, તેણે કુવૈત અને બહેરીનમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓ પર હુમલા કર્યા છે. અમેરિકાએ કહ્યું કે, ઇરાને મિસાઇલોથી હુમલો કર્યો એ વાત સાચી છે પણ અમે તેની મિસાઇલો આકાશમાં જ ઉડાવી દીધી છે. અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં આવેલા ઇરાનના કેશ્મ ટાપુ પર કમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યો છે. અમેરિકાએ બોત્સવાનાના ઝંડાવાળા એક ઓઇલ ટેન્કર પર પણ હુમલો કર્યો છે. ઇરાને કહ્યું છે કે, અમેરિકાએ હુમલા કર્યા તો અમે પણ જવાબ આપશું. સરવાળે યુદ્ધ ફરીથી ચાલુ થઇ ગયું હોય એવી સ્થિતિ પેદા થઇ છે. વાત ઘડીકમાં પતે એવું કોઇને લાગતું નથી, ઉલટું ભયંકર યુદ્ધ ફરીથી ચાલુ થઇ જાય એવો ભય પેદા થયો છે. 


  • Follow us on: