| યુક્રેનના હુમલા પછી રશિયાના પ્રેસિડેન્ટ પુટિન પણ ચૂપ બેસવાના નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન યુદ્ધમાંથી માંડ માંડ નવરા પડ્યા છે. શું હવે તેઓ રશિયા યુક્રેન યુદ્ધ પતાવવાનું કામ ફરીથી હાથમાં લેશે? એ લે તો પણ કોઇ માનશે? |
અમેરિકા અને ઇરાનનું યુદ્ધ માંડ માંડ પત્યું છે ત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ વકરી રહ્યું છે. અમેરિકા અને ઇરાને ભલે સમજૂતી પર હસ્તાક્ષર કરી લીધા હોય પણ હજુ તેમાંયે ઘણા લોચા છે. ઇઝરાયેલે હજુ લેબેનોન સાથેનું યુદ્ધ સમાપ્ત જાહેર કર્યું નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન મોસ્કોથી સાતસો કિલોમિટર દૂર આવેલ કઝાન શહેરમાં આસિયાનના નેતાઓ સાથે ક્ષેત્રિય સંમેલનમાં હતા ત્યારે જ યુક્રેને એક સામટા એક હજાર જેટલા ડ્રોન અને મિસાઇલ્સથી હુમલો કરી દીધો હતો. રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું એ પછી રશિયા પર થયેલા યુક્રેનના સૌથી મોટા હુમલાઓ પૈકીનો આ હુમલો હતો.
રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ અત્યંત પાવરફૂલ છે. અલબત્ત, એક સાથે હજાર જેટલા ડ્રોનનો હુમલો રોકવામાં એ પણ નિષ્ફળ રહી હતી. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોના કાપોત્ન્યા વિસ્તારમાં આવેલી ઓઇલ રિફાઇનરીને ટાર્ગેટ કરી હતી. આ ઓઇલ રિફાઇનરી મોસ્કોની 40 ટકા ઇંધણની જરૂરિયાતો પૂરી પાડે છે. હુમલાની સાથે ઓઇલની ટાંકીઓ ધડાકાભેર ફાટી હતી અને ચારેતરફ આગ ફેલાઇ ગઇ હતી. એ સિવાય પણ એરપોર્ટ અને બીજા સ્થળોને યુક્રેને નિશાન બનાવ્યા હતા. રશિયાએ કહ્યું કે, અમે યુક્રેનના પાંચસો પંચાવન જેટલા ડ્રોનને હવામાં જ ઉડાવી દીધા હતા. રશિયાએ એ નથી કહ્યું કે, યુક્રેનના કેટલા ડ્રોન રશિયાની જમીન સુધી પહોંચી ગયા હતા અને તેનાથી કેટલું નુકશાન ગયું છે. યુક્રેનના ભયંકર હુમલા બાદ એવી વાતો થઇ રહી છે કે, હવે આ યુદ્ધ ખતરનાક વળાંક લેવાનું છે. પુટિન પણ આટલા મોટા હુમલા બાદ ચૂપ બેસી રહેવાના નથી. એ પણ ગમે ત્યારે વળતો પ્રહાર કરવાના છે.
યુક્રેનને હથિયારો કોણ આપે છે?
રશિયા અને યુક્રેન યુદ્ધને ચાર વર્ષ અને ચાર મહિના થયા છે. તારીખ 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો હતો. એ સમયથી બંને દેશ પોતાની પૂરી તાકાતથી લડી રહ્યા છે. યુક્રેનની સરખામણીમાં રશિયાની તાકાત અનેકગણી છે. કોઇને કલ્પના ન હતી કે, યુક્રેન આટલી ઝીંક ઝીલી શકશે. રશિયાના હુમલાઓમાં યુક્રેન ખંડેર થઇ ગયું છે. યુક્રેનના પ્રેસિડેન્ટ વાલોદીમિર ઝેલેન્સ્કી નમતું જોખવાનું નામ નથી લેતા. યુક્રેનના મોટા હુમલા સાથે એ સવાલ ફરીથી પેદા થયો છે કે, આખરે યુક્રેનને હથિયારો આપે છે કોણ? રશિયા સામે લડવા માટે યુક્રેનને મદદ કરનાર દેશોનું લાંબુ લિસ્ટ છે. અમેરિકાએ એક તબક્કે યુક્રેનને મદદ કરવાનું ઘટાડી નાખ્યું હતું. જોકે, હવે અમેરિકાએ ફરીથી હથિયારો સહિતની મદદ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા, યુરોપિયન યુનિયન સહિત બધા મળીને ચાલીસ દેશો યુક્રેનને મદદ કરી રહ્યા છે. યુક્રેન એ બધાના જોરે જ કૂદી રહ્યું છે.
ડ્રોન તો યુક્રેન પોતે જ બનાવે છે
યુક્રેને જે ડ્રોનથી રશિયા પર હુમલો કર્યો એમાંના મોટા ભાગના ડ્રોન યુક્રેને પોતે જ બનાવ્યા હતા. રશિયાની નજરથી બચીને છાનાખૂણે યુક્રેન ડ્રોનનું નિર્માણ કરી રહ્યું છે. યુક્રેનની સ્થાનિક કંપનીઓ ફાયર પોઇન્ટ અને વોરબર્ડસ રાત દિવસ ડ્રોન બનાવવાના કામમાં લાગેલી છે. આ વર્ષ દરમિયાન 2026માં યુક્રેને પોતાને ત્યાં 70 લાખ નાના મોટા ડ્રોન બનાવવાનું નક્કી કર્યું છે. ડ્રોનનો જથ્થો તૈયાર થઇ જાય એ સાથે જ યુક્રેન રશિયા પર હુમલો કરી દે છે. યુક્રેને પોતાના સાથી દેશોમાં પણ ડ્રોન ફેકટરીઓ શરૂ કરી છે. જર્મની, કેનેડા, બ્રિટન સહિત કેટલાંક દેશોમાં યુક્રેનના ડ્રોન બની રહ્યા છે. આ ડ્રોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એઆઇના કારણે જ યુક્રેનના ડ્રોન રશિયાની જીપીએસ સિસ્ટમ અને જામરને ચકમો આપીને મોસ્કો સુધી પહોંચી જાય છે. આ વખતના હુમલાથી યુક્રેને સાબિત કર્યું છે કે, તે હજુ રશિયા સામેના યુદ્ધથી થાક્યું નથી અને લાંબો સમય લડવા તૈયાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પ હવે કંઇ કરશે?
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઇરાન યુદ્ધમાંથી થોડાક નવરા પડ્યા છે. શું હવે તેઓ ફરીથી રશિયા અને યુક્રેન યુદ્ધ પતાવવાનું કામ હાથમાં લેશે? ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી લડતા હતા ત્યારે તેમણે એવી વાતો કરી હતી કે, હું પ્રેસિડેન્ટ બન્યો તો શપથ લઇશ એ પહેલા રશિયા અને યુક્રેનનું યુદ્ધ પતાવી દઇશ. ટ્રમ્પે ઘણી મહેનત કરી પણ યુદ્ધ ખતમ કરવામાં તેનો મેળ પડ્યો નથી. રશિયાને તો શું ટ્રમ્પ યુક્રેનને પણ મનાવી શક્યા નથી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને ઘમકાવવા સુધીના પ્રયાસો કરી જોયા છે. અમેરિકા રશિયા સાથે જે ડીલ કરવા તૈયાર થયું છે એ ઝેલેન્સ્કીને મંજૂર નથી. પુટિનને યુક્રેનના એ વિસ્તારો જોઇએ છે જેના પર રશિયાએ આ વખતના યુદ્ધ દરમિયાન કબજો કર્યો છે. ઝેલેન્સ્કી પોતાની જમીન આપવા તૈયાર નથી. આવા સંજોગોમાં સમાધાન કેવી રીતે થશે એ જ વાત કોઇને સમજાતી નથી.
રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે અમેરિકાના સાથી દેશોએ યુક્રેનને તમામ પ્રકારની મદદ કરવાનું શરૂ કર્યું હતું. એ વખતે જો બાઇડેન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા એ પછી તેઓ સાથી દેશોને ગણકાર્યા વગર જ નિર્ણયો કરવા લાગ્યા હતા. સાથી દેશો પણ ટ્રમ્પને અવગણીને યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખ્યું છે. હવે વધુ એક વખત આ યુદ્ધ ખતરનાક વળાંક લઇ રહ્યું છે. જ્યાં સુધી આ યુદ્ધ નહીં પતે ત્યાં સુધી દુનિયામાં સંપૂર્ણ શાંતિ થવાની નથી.
| જી7 બેઠકમાં યુક્રેનને લાંબા રેન્જની મિસાઇલો આપવાનું નક્કી કરાયું છે ફ્રાંસના એવિયાન લે બેન્સમાં હમણા યોજાયેલી જી-7ની બેઠકમાં યુક્રેનના પ્રેસિડેન્ટ વાલોદીમિર ઝેલેન્સ્કીએ પણ હાજરી આપી હતી. ઝેલેન્સ્કી ટ્રમ્પનું કહ્યું માનતા નથી એટલે ટ્રમ્પે આ બેઠક દરમિયાન ઝેલેન્સ્કીને બહુ ભાવ આપ્યો નહોતો. જોકે, બાકીના નેતાઓએ ઝેલેન્સ્કીને તમામ સાથ આપવાનો નિર્ણય કર્યો હતો. જી-7 બેઠકમાં તમામ નેતાઓએ એક સંયુક્ત પ્રસ્તાવ રજૂ કરીને રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને મજબૂત ટેકો જાહેર કર્યો હતો અને યુક્રેનને હથિયારો આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. રશિયાના એર હુમલાઓથી બચાવવા માટે યુક્રેનને શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ આપવાનો આ વખતની બેઠકમાં નિર્ણય લેવાયો છે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને વધુ સખત બનાવવાની વાત પણ કરવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2023માં જાપાનમાં અને 2024માં ઇટાલીમાં યોજાયેલી જી-7ની બેઠકમાં પણ ઝેલેન્સ્કીએ હાજરી આપી હતી. જર્મની અને કેનેડામાં મળેલી જી-7ની બેઠકમાં તેઓ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આ વખતની જી-7 બેઠકમાં તેમને જે સપોર્ટ મળ્યો છે એ પછી ઝેલેન્સ્કી જોરમાં છે. આગામી સમયમાં તેઓ વધુ આક્રમક બને એવી શક્યતાઓ વર્તાઇ રહી છે. |










