ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે, અમે હિઝબુલ્લાહ પર હુમલાઓ ચાલુ રાખીશું. ટ્રમ્પે ઇરાનને ધમકી આપી કે, હિઝબુલ્લાહને સમજાવો કે સખણાં રહે. ઇરાનને ટ્રમ્પ પર ભરોસો નથી. મામલો ફરીથી ગૂંચવાઇ રહ્યો છે

શાંતિ મંત્રણાઓની એક રીત હોય છે. બાંયો ચડાવતાં ચડાવતાં શાંતિની વાતો ન થાય અને થાય તો પણ એ ટકે નહીં. અમેરિકા અને ઇરાને યુદ્ધ ખતમ કરવાની સમજૂતી પર સહી સિક્કા તો કરી લીધા છે પણ હજુ વાત થાળે પડતી નથી લાગતી. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ ડીલને ફાઇનલ ટચ આપવા ભેગા થયા હતા પણ ગાડી આડે પાટે ચડી ગઇ. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે, અમે લેબેનાનમાં હુઝબુલ્લાહ પર હુમલા ચાલુ રાખવાના છીએ. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઇને નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે, હું ટ્રમ્પ ઇચ્છે એ બધા જ કામો કરતો નથી. અમેરિકા અને ઇરાનની સમજૂતીની એક મુખ્ય શરત એ હતી કે, ઇઝરાયેલ લેબેનોન પર હુમલા નહીં કરે.

નેતન્યાહૂએ હાથ ઊંચા કરી દીધા. તેમણે કહ્યું કે, અમે અમેરિકાની સમજૂતીનો હિસ્સો નથી. ટ્રમ્પે નેતન્યાહૂને પાગલ અને અડીયલ કહ્યા છે. નેતન્યાહૂ માનતા નથી એટલે ટ્રમ્પે સૂર બદલ્યા છે. હવે તેઓ ઇરાનને ધમકી આપી રહ્યા છે કે, તમે હિઝબુલ્લાહને સમજાવો કે શાંતિ રાખે. એ વાત તો આખી દુનિયા જાણે છે કે, હિઝબુલ્લાહ જે કંઇ કરે છે એ ઇરાનના ઇશારે જ કરે છે. વાત વણસતી જાય છે. ઇઝરાયેલ ધીમે ધીમે લેબેનોનમાં ઘૂસી રહ્યું છે. ઇઝરાયેલે ડિફેન્સ ફોર્સના પાંચ ડિવિઝન લેબેનોનમાં તહેનાત કર્યા છે. ઇઝરાયેલની સેના લિતાની નદી ઓળંગીને નાબાતીયેહ શહેર નજીક પહોંચી ગઇ છે. ઇઝરાયેલનો ઇરાદો ચોક્કસ વિસ્તારો કબજે કરીને બફર ઝોન બનાવવાનો છે. ઇઝરાયેલ જેમ જેમ આગળ વધે છે એમ એમ લેબેનોનના લાખો લોકો જીવ બચાવવા હિજરત કરી રહ્યા છે.

હોર્મુઝની સ્થિતિ વિશે અવઢવ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અત્યારે અનિશ્ચિતતા અને અશાંતિની સ્થિતિ છે. યુદ્ધ સમાપ્તિની ઘોષણા થઇ એ સાથે અમેરિકા અને ઇરાન બંનેએ હોર્મુઝને ખોલી દેવાની જાહેરાત કરી દીધી હતી. હોર્મુઝ ખૂલી ગયું હતું અને જહાજોની અવરજવર ચાલુ થઇ ગઇ હતી. ઇઝરાયેલે લેબેનોન પર હુમલાઓ કરતા ઇરાનની સેનાના શક્તિશાળી ખાતમ અલ-અંબિયા હેડક્વાર્ટર દ્વારા તાત્કાલિક અસરથી હોર્મુઝ બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. દુનિયાના દેશોમાં ઉર્જા કટોકટીની સ્થિતિ હજુ એવીને એવી છે. વોર ડીલ ટકી રહી તો પણ ઇરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ઉઘરાવવાની વાતો કરી રહ્યું છે. દુનિયા હવે કંટાળી ગઇ છે. ઇરાને ટોલ ઉઘરાવવો હોય તો ભલે ઉઘરાવે પણ જહાજોને આવવા દો એવી માંગણીઓ થવા લાગી છે. શું થશે એ વિશે કોઇ કંઇ કહેવાની સ્થિતિમાં નથી.

સૌથી મોટો ડર કઇ વાતનો છે?

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ જરાયે જતું કરવાના મૂડમાં નથી. તેઓ લેબેનોન પર સતત હુમલાઓ કરીને ઇરાનને ઉશ્કેરી રહ્યા છે. ડર એ વાતનો છે કે, ક્યાંક ઇરાન ફરીથી ઇઝરાયેલ પર હુમલો ન કરે. જો એવું થયું તો ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે. આવા સંજોગોમાં અમેરિકા શું કરશે એ પણ સવાલ છે. વોર ડીલનો ઉલાળિયો થઇ જશે? અમેરિકાને યુદ્ધ ચાલુ રાખવું નથી. હજુ ડીલની ઘણી શરતો અદ્ધરતાલ છે. ઇરાનના યુરેનિયમ અને ઇરાનની જપ્ત થયેલી સંપત્તિના મામલા વિશે ઘણી અવઢવ છે. અમેરિકા ઇરાનને યુરેનિયમ સોંપી દેવાનું કહે છે.

તેની સામે ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયાને કહ્યું કે, ઇરાન પરમાણુ હથિયાર બનાવવા નથી ઇચ્છતું. ઇરાને ખાતરી આપી છે કે, પોતે ક્યારેય ન્યૂક્લિયર વેપન બનાવશે નહીં કે કોઇની પાસેથી પરમાણુ હથિયાર લેશે નહીં. સાથોસાથ તેમણે એમ પણ કહ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પરમાણુ ઉર્જાના ઉપયોગ માટે યુરેનિયમ સંવર્ધન કરવાનો તેને અધિકાર છે અને અમે આ અધિકાર કોઇપણ સંજોગોમાં જતો કરવાના નથી. યુરેનિયમ અંગે વધુ વાટાઘાટો કરવા માટે બંને પક્ષે 60 દિવસની મુદ્દત પાડી છે. 

ઇરાનની સંપત્તિ અને પ્રતિબંધોનો ઇશ્યૂ

ઇરાનની 100થી 120 બિલિયનની સંપત્તિ દુનિયાના જુદા જુદા દેશોમાં સિઝ થયેલી છે. રૂપિયામાં ગણીએ તો આ આંકડો 10 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે. આ સંપત્તિ ઇરાને જે તે દેશને વેચેલા ઓઇલ અને ગેસની છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે ઇરાન પાસેથી ઓઇલ અને ગેસ લેનારા દેશો ઇરાનને પેમેન્ટ કરી શકતા નથી. એ રકમ બેંકોમાં જમા થતી રહે છે. ઇરાનની સૌથી વધુ સંપત્તિ ચીનમાં જમા થઇ છે. આ આંકડો પચાસ બિલિયન જેટલો હોવાનું માનવામાં આવે છે. ભારતમાં ઇરાનની સાત બિલિયન જેટલી રકમ જમા છે. અમેરિકાએ યુદ્ધ સમજૂતીના ભાગરૂપે આ સંપત્તિ મુક્ત કરવાની વાત કરી હતી પણ હજુ તેણે લીલી ઝંડી આપી નથી. 

અમેરિકાએ ઇરાન પર અસંખ્ય પ્રતિબંધો લાદ્યા છે. ઇરાનની શરત એ પ્રતિબંધો ઉઠાવી લેવાની છે. અમેરિકા એના માટે પણ તૈયાર છે પણ પહેલા અમેરિકાને ઇરાન પાસે અનેક પ્રોમિસિઝ જોઇએ છે કે, ઇરાન ભવિષ્યમાં કોઇ અટકચાળા નહીં કરે. સ્વિટ્ઝર્લેન્ડમાં મંત્રણાઓ માટે ગયેલા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સના સૂર શાંતિપૂર્ણ હતા. ઇરાનને વાતો નહીં નક્કર પરિણામ જોઇએ છે. ઇરાનના પ્રતિનિધિઓએ ફોટોસેશનમાં ફોટા પડાવવાની પણ ના પાડી દીધી અને ઇરાન રવાના થઇ ગયા. આ બધા વચ્ચે એક વાત નક્કી છે કે, જ્યાં સુધી ઇઝરાયેલ લેબેનોન પર હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી શાંતિ સમજૂતી સામે સવાલો ઉઠતા રહેવાના છે. જે થાય તે પણ યુદ્ધ ફરીથી ચાલુ ન થાય તો સારું.


લેબેનોનના હિઝબુલ્લાહ પણ ઇઝરાયેલ સામે છેક સુધી લડવાની વાતો કરે છે
ઇઝરાયેલ લેબેનોનમાં હુમલાઓ કરી રહ્યું છે તો સામા પક્ષે હિઝબુલ્લાહ પણ છેક સુધી લડી લેવાના મૂડમાં છે. હિઝબુલ્લાહે પણ એવું કહ્યું નથી કે, અમે હુમલા નહીં કરીએ. તેણે પણ સમાધાન માનવાનો ઇન્કાર કરી દીધો છે. ઇઝરાયેલ ગાઝામાં હમાસ સાથે જે કર્યું એવું જ લેબેનોનના હિઝબુલ્લાહ સાથે કરવા માંગે છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહના સ્થળોને શોધી શોધીને ટાર્ગેટ કરી રહ્યું છે. આ દરમિયાનમાં લેબેનોનના માજદલ ગામમાં ઇઝરાયેલની સેનાને એક ભોંયરું મળી આવ્યું છે. 200 મિટર લાંબા આ ભોંયરામાં એન્ટી ટેન્ક મિસાઇલ્સ, હથિયારો અને પચાસ ડ્રોન મળી આવ્યા છે. આ ડ્રોન મેડ ઇન ઇરાન છે. ઇઝરાયેલ કહે છે કે, લેબેનોનમાં આવા તો ઘણા ભોંયરા છે જ્યાં હિઝબુલ્લાહે શસ્ત્રો સંતાડ્યા છે. જ્યાં સુધી હિઝબુલ્લાહના અસ્તિત્ત્વને સંપૂર્ણ ખતમ કરી નહીં નાખીએ ત્યાં સુધી અમે શાંતિથી બેસવાના નથી. હિઝબુલ્લાહ કહે છે કે, અમારી શક્તિને ઓછી ન આંકો. બંને પક્ષો એક-બીજાને લલકારી રહ્યા છે ત્યારે ઘર્ષણ વધવાનું જ છે.  
 


  • Follow us on: