અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોને ડ્રગ માફિયા જાહેર કરીને તેના માથા સાટે પચાસ હજાર મિલિયનનું તગડું ઇનામ જાહેર કર્યું છે. નિકોલસ માદુરો કહે છે કે, અમેરિકા ડ્રગ્સના નામે વેનેઝુએલાના ઓઇલ રિઝર્વ પર કબજો કરવા ઇચ્છે છે. ટ્રમ્પે ધમકી આપી છે કે, નિકોલસ માદુરો જો પોતાનો જીવ બચાવવા ઇચ્છતા હોય તો વેનેઝુએલા છોડી દે!

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ પોતાના જંગી યુદ્ધ જહાજો વેનેઝુએલા ફરતે ગોઠવી દીધા છે. અમેરિકાના ફાઇટર જેટ વેનેઝુએલાની આસપાસ ચક્કર કાપતા રહે છે. જે રીતે સ્થિતિ વણસી રહી છે એ જોતા કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, યુદ્ધનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. તેની સામે એ સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે કે, શું અમેરિકા ખરેખર વેનેઝુએલા સાથે યુદ્ધ છેડવાનું જોખમ લેશે? અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મેં સાત આઠ યુદ્ધો રોકાવ્યા છે એવા સાચા ખોટા દાવાઓ કરીને પોતાની જાતને શાંતિના મસિહા સાબિત કરવાના પ્રયાસ કરે છે.

અમેરિકા ભલે સુપર પાવર દેશ રહ્યો પણ અત્યારે તેની સ્થિતિ કંઇ બહુ વખાણવા જેવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે અમેરિકાના અર્થતંત્રને મોટી અસર પહોંચી છે. એ સિવાય પણ અનેક પડકારોનો સામનો અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાની દાનત વેનેઝુએલાને ડરાવી ધમકાવીને પોતાનું ધાર્યું કરાવવાની છે. વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોએ કહ્યું કે, અમે યુદ્ધ નથી ઇચ્છતા પણ જો અમેરિકા યુદ્ધ છેડશે તો અમે પણ લડી લેશું. અમેરિકાની સામે વેનેઝુએલા લાંબુ ટકી શકે એમ નથી. અલબત્ત, યુદ્ધ શરૂ થાય પછી કોણ કેટલું કરી શકે છે એ નક્કી હોતું નથી. રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ છેડ્યું ત્યારે પુટિનને એમ હતું કે, અઠવાડિયામાં તો અમે કિવ કબજે કરી લેશું. પોણા ચાર વર્ષે પણ રશિયાનો મેળ પડ્યો નથી. ટ્રમ્પ વેપારી માણસ છે. ટ્રમ્પને ખબર છે કે, યુદ્ધ છેડવાના પરિણામો કેવા આવી શકે એમ છે.

અમેરિકા કેમ વેનેઝુએલા પર આક્રમક થયું છે?

અમેરિકા વાત તો એવી કરે છે કે, વેનેઝુએલા ડ્રગ સિન્ડિકેટ ચલાવે છે. વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો પોતે જ મોટો ડ્રગ માફિયા છે. માદુરો ડ્રગ કાર્ટેલ ચલાવે છે. અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડે છે. ટ્રમ્પે અમેરિકાના ડ્રગ દૂષણ માટે વેનેઝુએલાને જ જવાબદાર ઠેરવ્યું છે. વેનેઝુએલા દરિયાઇ રસ્તે બોટ મારફતે અમેરિકામાં ડ્રગ્સ ઘૂસાડે છે. વેનેઝુએલાથી ડ્રગ્સ લઇને નીકળેલી બે બોટ એક જ અઠવાડિયામાં અમેરિકાએ દરિયામાં ઉડાવી દીધી હતી. વેનેઝુએલા માનવ અધિકારોનો ભંગ કરે છે. માદુરોએ ચૂંટણીમાં ગેરરીતિઓ કરીને સત્તા પર કબજો જમાવ્યો છે. આ અને આવા બીજા ઘણા આક્ષેપો અમેરિકા કરતું રહ્યું છે.

અમેરિકા સામે એવો આક્ષેપ થાય છે કે, ડ્રગ્સ તો ખાલી બહાનું છે. અમેરિકાની દાનત વેનેઝુએલાના ઓઇલ રિઝર્વ પર કબજો કરવાની છે. વેનેઝુએલામાં ઓઇલના ભંડારો છે. 1990ના દશકમાં વેનેઝુએલા દરરોજ 30 લાખ બેરલ ઓઇલનું ઉત્ત્પાદન કરતું હતું. સરકારની નીતિઓ અને અમેરિકાના પ્રતિબંધોના કારણે અત્યારે વેનેઝુએલાનું રોજનું ઓઇલ ઉત્ત્પાદન અત્યારે નવ લાખ બેરલ જેટલું થઇ ગયું છે. વેનેઝુએલા પાસે દુનિયામાં સૌથી વધુ ઓઇલ રિઝર્વ છે. વેનેઝુએલા 303 બિલિયન બેરેલ જેટલું ઓઇલ છે. આ ઓઇલ રિઝર્વ વિશે એવું કહેવાય છે કે, આ ઓઇલ રિઝર્વ 885 વર્ષ સુધી દેશની જરૂરિયાત પૂરી કરી શકે એમ છે. વેનેઝુએલા અમેરિકાનું કહ્યું કરતું નથી એટલે તેને પેટમાં દુખે છે. અમેરિકાએ વેનેઝુએલા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિબંધોને કારણે વેનેઝુએલાની આર્થિક સ્થિતિ પતલી થઇ ગઇ છે. અમેરિકાની દાનત નિકોલસ માદુરોની સરકારને હટાવીને પોતાની માનીતી સરકારને ગોઠવવા ઇચ્છે છે. એ વાત જુદી છે કે, વેનેઝુએલા ઝૂકે એમ નથી. નિકોલસ માદુરોએ કહ્યું કે, જરૂર પડશે તો અમે અમેરિકા સાથે એક હજાર વર્ષ લડીશું. અમેરિકાના દુશ્મનો દેશો વેનેઝુએલાની પડખે ચડી ગયા છે. રશિયા સહિતના દેશો નિકોલસ માદુરોને પાનો ચડાવતા રહે છે કે, તમે કંઇ ચિંતા કરતા નહીં, અમે બેઠા છીએ.

ટ્રમ્પે માદુરોને કહ્યું, દેશ છોડીને ચાલ્યા જાવ, નહીંતર...

અમેરિકાના પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો સાથે ફોન પર વાત કરીને તેને અલ્ટિમેટમ આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે નિકોલસ માદુરોને કહ્યું છે કે, તમે, તમારી પત્ની સિલિયા ફ્લોરેસ અને દીકરો જો પોતાનો જીવ સલામત રાખવા ઇચ્છતા હોવ તો વેનેઝુએલા છોડીને ચાલ્યા જાવ. ટ્રમ્પે તેને સેઇફ પેસેજની પણ ઓફર કરી છે. નિકોલસ માદુરોએ દેશ છોડવા માટે સમય માંગ્યો અને બીજી કેટલીક શરતો પણ મૂકી. ડોનાલ્ડ ટ્રમ્પે કોઇ વાત માનવાનો ઇન્કાર કરી દીધો અને જે કરવું હોય એ તત્કાળ કરવાનું કહ્યું. ટ્રમ્પે કહ્યું કે, અમે હુમલાની તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે. નિકોલસ માદુરોએ કહ્યું કે, તો અમે પણ લડવા માટે તૈયાર છીએ.

અમેરિકાએ વેનેઝુએલાની એર સ્પેસનો ઉપયોગ બંધ કરી દીધો છે. દુનિયાના દેશોને પણ ટ્રમ્પે કહ્યું કે, વેનેઝુએલાની એર સ્પેસ વાપરવાનું બંધ કરો અને સાથોસાથ તેની સાથેના સંબંધો પણ સાવ ઘટાડી નાખો. જોકે, અમેરિકાના દુશ્મન દેશો વેનેઝુએલા સાથે સંબંધ ઘટાડવાને બદલે વધારી રહ્યા છે.

અમેરિકા અને વેનેઝુએલાની દુશ્મની દાયકાઓ જૂની છે. એક સમય હતો જ્યારે વેનેઝુએલામાં સમૃદ્ધિ આળોટતી હતી. વેનેઝુએલામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝે કેટલાંક એવા નિર્ણયો કર્યા જેના કારણે આ દેશની સ્થિતિ ખરાબ થઇ ગઇ. ઓઇલના ભંડારો હોવા છતાં આ દેશની અડધી વસતિ ગરીબી રેખાની નીચે આવી ગઇ. દેશના લોકોની વ્યક્તિગત આવકમાં છેલ્લા 45 વર્ષમાં નયા ભારનો વધારો થયો નથી અને મોંઘવારી અનેકગણી વધી ગઇ છે. સ્થિતિ ખરાબ છે ત્યારે જો અમેરિકાએ યુદ્ધ છેડ્યું તો વેનેઝુએલાની હાલત બદથી બદતર થઇ જવાની છે. 


સુંદરીઓના દેશ તરીકે જાણીતા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના અનેક વિવાદો
વેનેઝુએલા સુંદરીઓના દેશ તરીકે આખી દુનિયામાં જાણીતો છે. મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ સહિત દુનિયાની એકેય એવી સૌંદર્ય સ્પર્ધા નથી જે વેનેઝુએલાની સુંદરીઓએ ન જીતી હોય. વેનેઝુએલા તેની સુંદરીઓ જેટલો જ સુંદર દેશ પણ છે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ દેશને કોઇની નજર લાગી ગઇ છે. અત્યારે જે સ્થિતિ છે એના માટે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પણ જવાબદાર ગણવામાં આવે છે. 23મી નવેમ્બર, 1962માં વેનેઝુએલાના કારાકાસમાં જન્મેલા નિકોલસ માદુરો બસ ડ્રાઇવર હતા. ટ્રેડ યુનિયનના રસ્તે તેઓ રાજકારણમાં આવ્યા. તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો શાવેઝની નજીક હતા. હ્યુગો શાવેઝના અવસાન પછી માર્ચ, 2013માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા. એ સમયથી આજ સુધી તેઓ રાષ્ટ્રપતિ છે. અમેરિકા કહે છે કે, નિકોલસ માદુરો ડ્રગ કાર્ટેલ ચલાવે છે, નાર્કો ટેરરિઝમ ફેલાવે છે અને બીજા ન કરવાના અનેક ધંધા કરી રહ્યા છે. નિકોલસ માદુરાના નામે ચડેલા વિવાદો આખું પુસ્તક લખાય એટલા છે.  


  • Follow us on: