અમેરિકાના અર્થશાસ્ત્રીઓ ડોનાલ્ડ ટ્રમ્પને સાવધાન કરે છે કે, ભારત ક્વાડ અને બ્રિક્સ બંનેમાં અમેરિકાને મુશ્કેલીમાં મૂકી શકવા સમર્થ છે બ્રિક્સમાં ચીન અને રશિયાની ચાલ સામે ભારત અમેરિકાના હિતોનું રક્ષણ કરતું આવ્યું છે. હવે ભારત અમેરિકાની પરવા નહીં કરે. બ્રિક્સ ધારે તો ડોલરનું વર્ચસ્વ ઘટાડી શકે એમ છે. ક્વાડના અમેરિકાના ત્રણેય સાથીઓ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા અમેરિકાથી નારાજ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને જ નુકશાન જાય એવું કરી રહ્યા છે


અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ-રીતિના કારણે આખી દુનિયામાં હલચલ મચી છે

કોઇ પણ વાત હોય ટ્રમ્પ તરત જ ધમકી આપે છે કે, હું તગડા ટેરિફ લાદી દઇશ. હવે ટેરિફનું શસ્ત્ર અમેરિકાને જ ભારે પડે એવી સ્થિતિ સર્જાઇ રહી છે. અમેરિકાના ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ અને ઇકોનોમિસ્ટ્સ કહે છે કે, ટેરિફના કારણે અમેરિકામાં મોંઘવારી વધશે અને અમેરિકન કંપનીઓને પણ ફટકો પડશે. આ ઉપરાંત સૌથી મોટું નુકશાન એ જવાનું છે કે, અમેરિકાના મિત્ર દેશો જ અમેરિકાથી દૂર થઇ જશે. અમેરિકાએ યુક્રેનના મામલે પોતાના મિત્ર દેશો જે નાટોમાં અમેરિકાની સાથે છે એમને નારાજ કર્યા છે. એ સિવાયના અમેરિકાના સાથીઓ છે એને ટેરિફ અથવા તો કોઇને કોઇ બહાને ટ્રમ્પે પરેશાન કર્યા છે.

ભારતના લોકો અમેરિકન પ્રોડક્ટ વાપરવાનું બંધ કરશે તો ?

બીજા દેશોનું તો જે હોય તે પણ ભારત સાથે અમેરિકાની વાયડાઇ સામે અમેરિકાના નિષ્ણાતો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સાવધાન કરી રહ્યા છે. અમેરિકાએ પચાસ ટકા ટેરિફ લાદ્યા એ પછી ભારતની નારાજગી સ્પષ્ટ રીતે વર્તાઇ આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાતો કરી રહ્યા છે એ અમેરિકાએ ગંભીરતાથી લેવાની જરૂર છે. વડાપ્રધાન મોદી ભારતના અનેક કાર્યક્રમોમાં એવું કહી ચૂક્યા છે કે, ભારત માટે ખેડૂતો, પશુપાલકો એને દેશવાસીઓનું હિત સર્વોપરી છે. દેશના હિતો સાથે ક્યારેય કોઇ બાંધછોડ નહીં થાય. આ ઉપરાંત મોદી સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ પર પણ ભાર દઇ રહ્યા છે. ભારતના લોકો અમેરિકન પ્રોડક્ટ વાપરવાનું બંધ કરશે તો શું થશે એની કલ્પના છે?

ભારત પાસે અનેક વિકલ્પો ખુલ્લા છે

ભારત ધારે તો અમેરિકાને અનેક મોરચે હંફાવી શકે એમ છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે, સૌથી મોટી વાત તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં ભારતના પ્રભુત્ત્વની છે. ભારતના કારણે જ અમેરિકા બ્રિક્સ અને ક્વાડમાં પોતાનું ધાર્યું કરતું આવ્યું છે. ભારત જ જો દૂર થઇ જશે તો ભારત બંને સંગઠનમાં અમેરિકાનું ધાર્યું થવા નહીં દે. ભારત એવો દેશ છે જે ક્વાડ અને બ્રિક્સ બંનેનું સભ્ય છે. બ્રિક્સ તો પહેલેથી અમેરિકા વિરૂદ્ધના સંગઠન તરીકે જાણીતું છે. ભારત ન હોત તો બ્રિક્સમાં ચીન અને રશિયાએ સાથે મળીને ક્યારનીયે બ્રિક્સ કરન્સી લાવી દીધી હોત. ભારતે બ્રિક્સમાં અમેરિકાના હિતોને નાનું સરખું પણ નુકશાન થવા દીધું નથી.

હવે ભારત અમેરિકાનો વિચાર નહીં કરે.

ઉલટું ભારત અમેરિકાને અઘરું પડે એવા નિર્ણયો કરી શકે છે. બ્રિક્સના દેશોને ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી આપી છે કે, બ્રિક્સ કરન્સી લાવ્યા તો કલ્પના પણ નહીં હોય એટલા ટેરિફ લાદીશ. બ્રિક્સના દેશો કરન્સી ભલે ન લાવે, એ સિવાય પણ અમેરિકાને ભારે પડી જાય એવા નિર્ણયો કરી શકે છે. ભારતની નારાજગી અમેરિકાને ક્વાડમાં પણ ભારે પડી શકે એમ છે. ક્વાડ અગાઉના સમયમાં એટલું એક્ટિવ નહોતું. ક્વાડ તો જાપાને સુનામી વખતે જાપાનના મિત્ર દેશોની મદદ મેળવવા અને એ મદદનો સાચો અને સારો ઉપયોગ કરવા માટે જાપાને બનાવ્યું હતું. સમય જતા ક્વાડ સુષુપ્ત થઇ ગયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જ પોતાની પહેલી ટર્મ દરમિયાન રશિયા અને ચીનના વર્ચસ્વવાળા બ્રિક્સનો સામનો કરવા માટે ક્વાડને ફરીથી જીવતું કર્યું હતું. ક્વાડને ધબકતું કરવામાં અમેરિકાને ભારતનો સૌથી મોટો સાથ મળ્યો છે.

ભારત આ વર્ષે ક્વાડનું હોસ્ટ છે

હવે અમેરિકાએ માત્ર ભારતને જ નહીં, ક્વાડના તેમના બીજા બે સાથી જાપાન અને ઓસ્ટ્રેલિયાને પણ નારાજ કર્યા છે. ભારત આ વર્ષે ક્વાડનું હોસ્ટ છે. ક્વાડનું શિખર સંમેલન આ વર્ષના અંતમાં ભારતમાં યોજાવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડની બેઠકમાં આવશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. શું ક્વાડની બેઠક પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફનો જે ઇશ્યૂ છે એ પૂરો થઇ જશે ખરો? ઘણું બધું જો અને તો પર નિર્ભર છે. રશિયા અને યુક્રેન વોરનું શું થાય છે એના પર પણ ભારત અને અમેરિકાના સંબંધોનો મોટો આધાર રહેવાનો છે. જો યુદ્ધ પતે તો બનવા જોગ છે કે, અમેરિકા રશિયા પર લાદેલા પ્રતિબંધો પાછા ખેંચી લે.

ભારતની કૂટનીતિ અમેરિકાને ભારે પડશે એવું ખુદ અમેરિકાના નિષ્ણાતો જ કહી રહ્યા છે

અમેરિકાને એ પછી ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે એની સામે કોઇ વાંધો હોય શકે નહીં. અલબત્ત, રશિયા યુક્રેનનું યુદ્ધ ક્યારે પતશે એ કોઇ કહી શકે એમ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા રશિયાના પ્રેસિડેન્ટ પુટિનને મળ્યા અને પછી યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી. પુટિનની વાત તો દૂરની છે, ટ્રમ્પની વાત ઝેલેન્સ્કી પણ માનતા નથી. બીજી તરફ રશિયા યુક્રેન પર વધુ આક્રમક રીતે હુમલાઓ કરવા લાગ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવા માટે જે પ્રયાસો કર્યા હતા તેના પણ પાણી ફરી રહ્યું છે. ટેરિફ લાદીને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકાની દોસ્તી દાવ પર લગાવી દીધી છે. ભારત રશિયાની નજીક તો હતું જ, હવે ચીન અને ભારત પણ નજીક આવી રહ્યા છે. ચીનમાં તો જે થાય તે, જાપાનની ધરતી પરથી જ મોદીએ એવી વાત કરી કે, ભારત અને ચીન સાથે મળીને વૈશ્વિક સ્તરે અનેક ઐતિહાસિક કામો કરી શકે છે. હકીકતે મોદીની આ વાત અમેરિકાને જ ઇશારો છે કે, તમે સીધા ન ચાલો તો અમારી પાસે પણ બીજા ઘણા રસ્તાઓ છે. ભારતની કૂટનીતિ અમેરિકાને ભારે પડશે એવું ખુદ અમેરિકાના નિષ્ણાતો જ કહી રહ્યા છે.

અમેરિકાની અદાલતે જ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યા : ટ્રમ્પ હવે શું કરશે?

ટેરિફનો શસ્ત્રની જેમ ઉપયોગ કરતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની અદાલતે જ ધક્કો પહોંચાડ્યો છે. ટેરિફ વિશેના કેસમાં ચુકાદો આપતા અમેરિકાની અપીલ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે, પ્રેસિડેન્ટને ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકાય એવા અનેક અધિકારો મળેલા છે પણ એ પોતાની મરજી મુજબ ટેરિફ કે ટેક્સ લગાવી શકે નહીં. ટેરિફ લગાવી ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો દૂરોપયોગ કર્યો છે. અમેરિકન કોંગ્રેસ જ ટેરિફની મંજૂરી આપી શકે. અદાલતે 14મી ઓક્ટોબર સુધી ટેરિફને અમલમાં રાખવાની છૂટ આપી છે એટલે ટેરિફ મામલે તાત્કાલિક કંઇ થવાનું નથી. અદાલતના આ ચુકાદા સામે ટ્રમ્પ સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. આ દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે, જો ટેરિફ હટશે તો અમેરિકા બરબાદ થઇ જશે. ટેરિફ મામલે વિવાદ લાંબો ચાલવાનો છે એ નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ તમામ નિર્ણયો પોતાની મરજી મુજબ લઇ રહ્યા છે. કાયદાઓ અને નિયમોની પરવા તેઓ કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના જ નેતાઓ કહી રહ્યા છે કે, કેટલીક બાબતોમાં ઉતાવળ સારી નથી. એ વાત જુદી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોઇને ગણકારતા નથી. ટેરિફ વિશેના અદાલતના આદેશ પછી પણ ટ્રમ્પ પોતાનું ધાર્યું જ કરવાના છે એવું ઘણાનું માનવું છે.


  • Follow us on: