અમેરિકા તાઇવાનની પડખે ઊભું છે એટલે ચીન કંઇ કરતા પહેલા સો વાર વિચાર કરે છે. જાપાન પણ તાઇવાન મુદ્દે ચીન સામે મેદાને પડ્યું છે. ચીન યુદ્ધ કરવાનું જોખમ લેશે ખરું? અમેરિકાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો તાઇવાન પર હુમલો કર્યો તો અમે તમારી સામે લડવા મેદાનમાં આવી જશું. ચીન તો પણ જોખમી હરકતો કરતું રહે છે.

ચીને વધુ એક વખત તાઇવાન ફરતે ઘેરો ઘાલતા ભારે તણાવ પેદા થયો છે

આમ તો ચીન દર થોડા દિવસે પોતાના ફાઇટર જેટનો કાફલો તાઇવાન નજીક મોકલતો રહ્યો છે. આ વખતે હવાઇ ઉપરાંત દરિયાઇ કાર્યવાહી પણ હાથ ધરી હતી. ચાલાક ચીને સત્તાવાર રીતે એવું કહ્યું કે, અમે જે કરીએ છીએ એ અમારી મિલિટરી ડ્રીલ છે. સૈન્ય અભ્યાસના નામે ચીને બાકાયદા તાઇવાન ફરતે ધડાધડ રોકેટો છોડ્યા હતા. જસ્ટિસ મિશન 2025ના નામના આ અભ્યાસમાં ચીને જાણે ખરેખર યુદ્ધ હોય એ રીતે જ ફાઇટર જેટનો કાફલા અને યુદ્ધ જહાજને તહેનાત કરી દીધા હતા અને રોકેટમારો કર્યો હતો. ચીન ક્યાંક મિલિટરી ડ્રીલના નામે ખરેખર હુમલો ન કરે એ ભયે તાઇવાને પણ તમામ તૈયારીઓ કરી લીધી હતી. ચીનની મોકડ્રીલ સામે તાઇવાને પણ એક વીડિયો રીલિઝ કર્યો અને કહ્યું કે, યુદ્ધની સ્થિતિમાં ચીન સામે લડી લેવાની અમારી તમામ તૈયારીઓ છે. તાઇવાન સાવ ટચૂકડું છે પણ એ ચીનથી જરાયે ફાટી પડે એવું નથી. તાઇવાને ચીનને કહ્યું છે કે, અમે ખતમ થઇ જશું પણ તમને તાબે નહીં થઇએ. તાઇવાન અમેરિકા અને જાપાનના જોરે કૂદી રહ્યું છે. અમેરિકાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, તાઇવાન પર હુમલો કર્યો તો અમે તેને અમારી સાથેનું યુદ્ધ ગણીને તમારી સામે લડવા મેદાનમાં આવી જશું. અમેરિકાનો ભય છે એટલે જ ચીન ચૂપ બેઠું છે, બાકી તો તેણે ક્યારનોયે હુમલો કરીને તાઇવાન પચાવી પાડ્યું હોત.

તાઇવાનને ચીનની ધમકી, અમારી સાથે જોડાઇ જાવ

ઇતિહાસની દુહાઇ દઇને ચીન એવું કહે છે કે, તાઇવાન અમારું છે. ચીન એ નથી જોતું કે, છેલ્લી સવા સદી કરતા વધુ સમયથી તાઇવાન જુદું જ છે. તાઇવાનની તવારીખ પર એક નજર નાખવા જેવી છે. વર્ષ 1950થી એટલે કે પંચોતેર વર્ષથી તાઇવાનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેનો દરજ્જો મળેલો છે. એના પહેલા પચાસ વર્ષ સુધી તાઇવાન જાપાન હસ્તક હતું. આજથી લગભગ પોણા ચારસો વર્ષ પહેલા ચીનમાં ચિંગ વંશના રાજાઓનું સામ્રાજ્ય હતું. રાજા ચિંગ બહુ જ શક્તિશાળી હતો. ચિંગે ચીન ઉપરાંત આજુબાજુના વિસ્તારો પણ જીતી લીધા હતા. તાઇવાન પણ તેણે હસ્તગત કર્યું હતું. તાઇવાન ચીનથી થોડે દૂર આવેલો ટાપુ છે. ચિંગ માટે ત્યાં નિયંત્રણ રાખવું અઘરું હતું. વર્ષ 1895માં રાજા ચિંગે તાઇવાન જાપાનને સોંપી દીધું હતું. જાપાન હસ્તક હતું એ દરમિયાન તાઇવાન ઘણું આધુનિક અને સમૃદ્ધ બન્યું. આજની તારીખે તાઇવાનમાં જાપાનની સંસ્કૃતિની ઝલક વર્તાઇ છે. એ પછી ચીન અને જાપાનમાં ઘણા પરિવર્તનો થયા.

ચીનની વાત કરીએ તો, વર્ષ 1991માં ચીનમાં ચિન્હાઇ ક્રાંતિ થઇ

આ ક્રાંતિના કારણે ચીનમાં ચિંગ શાસનનું પતન થયું. ચીનની ક્રાંતિ બાદ કોમિંગતાંગનું શાસન આવ્યું. 1949માં ચીનમાં ફરીથી ગૃહયુદ્ધ છેડાયું. માઓ-ત્સે-તુંગની આગેવાનીમાં સામ્યવાદી વિચારસરણી ધરાવતા લોકોએ કોમિંગતાંગ શાસનને હટાવીને દેશ પર સત્તા જમાવી. આ બધું થયું ત્યારે પણ તાઇવાન જાપાન હસ્તક જ હતું. એ પછી જાપાનમાં પણ પરિવર્તનો આવ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોંબ ફેંક્યા. આ ઘટના બાદ જાપાને શરણાગતિ સ્વીકારી અને વિશ્વયુદ્ધ પૂરું થયું. વિશ્વયુદ્ધના કારણે જાપાન તબાહ થઇ ગયું હતું. જાપાનની તાકાત એટલી રહી નહોતી કે, એ તાઇવાનને સાચવી શકે. જાપાને તાઇવાનને કોમિંગતાંગને સોંપી દીધું. એ સમયથી તાઇવાન અલગ રાષ્ટ્ર બનેલું છે. એક તબક્કે તો ચીને પણ તાઇવાન સાથે સમજૂતી કરીને સારા સંબંધો રાખવાનું નક્કી કર્યું હતું. શી જિનપિંગ પ્રેસિડેન્ટ બન્યા એ પછી તેમણે તાઇવાનને કહ્યું કે, તમે હોંગકોંગ અને મકાઉની જેમ અમારી સાથે જોડાઇ જાવ. તાઇવાને ઇન્કાર કરી દીધો. ચીને કહ્યું કે, અમે સૈન્ય શક્તિ વાપરીને એટલે કે યુદ્ધ છેડીને તાઇવાનનો કબજો લેશું. તાઇવાન ચીનને ટક્કર આપવા માટે અમેરિકાની નજીક ગયું. અમેરિકાએ તાઇવાનને તેના રક્ષણની ખાતરી આપી છે. જાપાનનો પણ તાઇવાનને પૂરો સાથ છે.

તાઇવાન 13826 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલો ટાપુ છે

તાઇવાનની વસતિ 2.36 કરોડ જેટલી છે. તાઇવાન ચીનના પૂર્વ ક્ષેત્રથી માત્ર 160 કિલોમિટર દૂર જ આવેલું છે. લાઇ ચિંગ-તે તાઇવાનના પ્રેસિડેન્ટ છે. તેઓ કહે છે કે, ચીને કોઇ ભ્રમમાં રહેવાની જરૂર નથી. અમારું રક્ષણ કરવા માટે અમે સક્ષમ છીએ. ગમે તે થશે તો પણ અમે ચીનની વાત માનવાના નથી. તાઇવાનના લોકો પણ ચીનને નફરત કરે છે. તાઇવાનની સરકારે પોતાના દેશના લોકોને યુદ્ધ થાય ત્યારે શું કરવું તેની તાલીમ આપી રાખી છે. ચીને લોંગ ટર્મ પ્લાન કરી રાખ્યો છે. તેમાં સૌથી મોખરે તાઇવાન પર કબજો કરવાનું છે. મિલિટરી ડ્રીલ કરીને તાઇવાનને ડરાવતું ધમકાવતું રહે છે. અમેરિકા યુદ્ધ જહાજો દરિયામાં ખડકીને તાઇવાનનું ધ્યાન રાખે છે. દુનિયાને ડર છે કે, ચીન ગમે ત્યારે તાઇવાન પર હુમલો કરશે. અત્યારે દુનિયાની સ્થિતિ કોઇ નવું યુદ્ધ ખમી શકે એવી નથી.

હોંગકોંગ, મકાઉ, તિબેટ પર કબજો, તમામ 14 પડોશી સાથે ચીનનો પંગો

રશિયા અને કેનેડા પછી ચીન દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે. 97 લાખ 6 હજાર 961 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલા ચીનને આટલાથી સંતોષ થતો નથી. ચીન વિસ્તારવાદી વિકૃતિથી પીડાઇ રહ્યું છે. ચીન 14 દેશ સાથે સરહદથી જોડાયેલું છે. ચીનને આપણા દેશ ભારત સહિત પોતાના તમામે તમામ 14 પડોશી દેશો સાથે જમીનના વિવાદો છે. ચીને તારીખ 23મી મે, 1950ના રોજ લશ્કર મોકલીને તિબેટ પર કબજો કરી લીધો હતો. હોંગકોંગ અગાઉ ચીનનો હિસ્સો હતું. 1842માં બ્રિટને યુદ્ધ છેડી હોંગકોંગને જીતી લીધું હતું. એ પછી લીઝ સમજૂતી ભાગરૂપે બ્રિટને 1997માં હોંગકોંગ ચીનને સોંપી દીધું હતું. હોંગકોંગને પચાસ વર્ષ સુધી સ્વાયત્ત રાખવાની બાહેંધરી ચીને આપી હતી. એ વાત જુદી છે કે, ચીન એનું સંપૂર્ણપણે પાલન કરતું નથી. મકાઉ પર સાડા ચારસો વર્ષ સુધી પોર્ટુગીઝોનો કબજો હતો. 1999માં પોર્ટુગીઝોએ મકાઉનો કબજો ચીનને સોંપી દીધો. પોર્ટુગીઝોએ પણ હોંગકોંગની જેમ મકાઉમાં વન કન્ટ્રી ટુ સિસ્ટમ અપનાવીને મકાઉને પચાસ વર્ષ સ્વાયત્ત રાખવાનું કહ્યું હતું. માત્ર જમીન જ નહીં, દરિયાઇ વિસ્તારમાં પણ ચીન પેશકદમી કરતું રહે છે. દરિયાઇ ઘૂસણખોરીના મામલે ઇન્ડોનેશિયા, વિયેતનામ, ફિલિપાઇન્સ વિગેરે દેશો સાથે ચીન દાદાગીરી કરી રહ્યું છે. ચીનથી બધા પડોશીઓ કંટાળેલા છે. ઇન્ટરનેશલ લેવલે ચીનની પ્રકૃતિ વિશે ફરિયાદો ઉઠી હોવા છતાં ચીન સુધરવાનું નામ લેતું નથી.


આ પણ વાંચો : Surendranagarના લીંબડી અને સાયલામાં 60 લાખથી વધુની વીજચોરી તંત્રએ ઝડપી પાડી, જુઓ Video