ટ્રમ્પની જેમ ઇરાન પણ યુદ્ધમાં પોતાનો હાથ ઉપર રહ્યો હોવાનો દાવો કરે છે. બાવીસ દિવસમાં બંનેને ખૂબ નુકશાન ગયું છે. હજુ સવાલ એ છે કે, ટ્રમ્પ શાંત બેસશે ખરા? ક્યુબાથી માંડીને ગ્રીનલેન્ડ પર કબજાની વાતો ટ્રમ્પે કરી છે. નવું કોઇ યુદ્ધ ન થાય તો સારી વાત છે.


ઇઝરાયેલ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નથી

હું ધારું એ કરી શકું છું એવું કહેનારા અને માનનારા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન વોર મુદ્દે સૂર ઢીલા પડી રહ્યા છે. ટ્રમ્પ પોતાની તંગડી ઊંચી રાખીને ઇરાન યુદ્ધ પૂરું કરવાના મૂડમાં હોય એવી વાતો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઇરાન યુદ્ધ ખતમ કરવાનો વિચાર કરી રહ્યા છે. અમે ઇરાન પર હુમલો કરતી વખતે જે ધ્યેયો નક્કી કર્યા હતા એ પૂરા થયા છે. ઇરાનની મિસાઇલ ક્ષમતા ઉપરાંત નેવી અને એરફોર્સની તાકાતને અમે ખતમ કરી નાખી છે. ઇરાન હવે પરમાણુ હથિયાર બનાવી શકે એ સ્થિતિમાં રહ્યું નથી. ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, કતાર, યુનાઇટેડ આરબ અમિરાત, બહેરીન અને કુવૈતની સુરક્ષા અમે સુનિશ્ચિત કરી છે. અમે યુદ્ધવિરામ કરવાના નથી પણ અમારું અભિયાન ધીમે ધીમે પૂરું કરીશું. મને લાગે છે કે, યુદ્ધ અમે જીતી લીધું છે. ટ્રમ્પના બયાનો રોજેરોજ બદલે છે. ટ્રમ્પને ફરી જતા વાર નથી લાગતી. યુદ્ધ પૂરું કરવાની વાતને પણ એ ફેરવી તોળે એવા છે. બીજી તરફ ઇરાનના સર્વોચ્ચ વડા મોજતબા ખામેનેઇએ પણ એવો દાવો કર્યો છે કે, યુદ્ધ અમે જીતી ચૂક્યા છીએ. જે થઇ રહ્યું છે એ જોતા એક શક્યતા એવી પણ વર્તાઇ રહી છે કે, ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધ પૂરું થયાની ઘોષણા કરી શકે છે. ઇઝરાયેલ આ મુદ્દે મગનું નામ મરી પાડતું નથી.

અમેરિકા અને ઇઝરાયેલના ઇરાદા પાર પડી ગયા છે?

ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે એવી વાતો કરે પણ સૌથી મોટો સવાલ એ છે કે, શું ખરેખર અમેરિકા અને ઇઝરાયેલના ઇરાદાઓ પાર પડી ગયા છે? એનો સ્પષ્ટ જવાબ ના છે. અમેરિકાની ઇચ્છા એવી હતી કે, ગમે તેમ કરીને ઇરાનમાં સત્તા પરિવર્તન કરાવવું અને ઇરાનની ગાદીએ પોતાનો ગમતો માણસ બેસાડવો. એક વખતે તો ટ્રમ્પે ત્યાં સુધીની વાત કરી હતી કે, ઇરાનમાં કોને સત્તા સોંપવી એની વ્યવસ્થા અમે પહેલેથી કરી રાખી છે. અમેરિકા અને ઇઝરાયેલની બધી ગણતરીઓ આ યુદ્ધમાં ખોટી અને ઊંધી પડી છે. ટ્રમ્પ અને નેતન્યાહૂ એવું માનતા હતા કે, આયાતોલ્લાહ ખામેનેઇને મારી નાખીશું એટલે ઇરાનના લોકો મેદાનમાં આવી જશે અને સરકારને ઉથલાવી નાખશે. ટ્રમ્પે ઇરાનના લોકોને હાકલ પણ કરી હતી કે, બહાર નીકળો અને સરકારને ઉથલાવી દો. તમારી સ્વતંત્રતા નજીક છે. અમે તમારી સાથે છીએ. કંઇ જ ન થયું. ઇરાન યુદ્ધના કારણે અમેરિકાને દરરોજ અબજો ડોલરનો ફટકો પડી રહ્યો છે. ઇરાને પડોશી દેશો પર જે રીતે હુમલા કર્યા છે એનાથી સમગ્ર વિશ્વમાં ઓઇલની કટોકટી પેદા થઇ ગઇ છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને હાલત કફોડી કરી નાખી છે. કતાર, સાઉદી અરેબિયા અને બીજા દેશોના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઇરાને હુમલા કરીને મોટું નુકશાન પહોંચાડ્યું છે. ઇરાન હજુ લાંબો સમય લડવાની વાતો કરે છે. યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકા પર ખાડીના દેશો સહિત આખી દુનિયાનું પ્રેશર છે. ઓઇલના ભાવ વધવાના કારણે આખી દુનિયામાં મોંઘવારી વધી રહી છે. દુનિયા તો એવું જ ઇચ્છી રહી છે કે, ટ્રમ્પને ભલે જે વાતો કરવી હોય એ કરે પણ યુદ્ધ પૂરું કરે તો સારી વાત છે. વેનેઝુએલામાં પોતાનું ધાર્યું કામ થઇ ગયું એ પછી ટ્રમ્પ એવા ભ્રમમાં આવી ગયા હતા કે, ઇરાનમાં પણ આપણે ફાવી જશું. ઇઝરાયેલની દાનત તો પહેલેથી ઇરાનને પાઠ ભણાવવાની હતી જ. બંનેએ સાથે મળીને યુદ્ધ શરૂ કરી દીધું. યુદ્ધને બાવીસ દિવસ થયા છે. ઇરાન ફના થવાની તૈયારી રાખીને બેઠું છે પણ અમેરિકાને હવે યુદ્ધ પરવડે એવું નથી.

યુદ્ધ પછી પણ ટ્રમ્પ સખણા રહેશે કે કેમ?

ડોનાલ્ડ ટ્રમ્પના શાસનને હજુ એક વર્ષ અને બે મહિના થયા છે. આ સમય દરમિયાન ટ્રમ્પે ઉધામા મચાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. હજુ ટ્રમ્પ પોણા ત્રણ વર્ષ કરતા વધુ સમય સત્તા પર રહેવાના છે. ઇરાન યુદ્ધ પછી પણ ટ્રમ્પ સખણા રહેશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઇરાનનું પતે એટલે ક્યુબાને કંટ્રોલ કરવું છે. ગ્રીનલેન્ડને પડાવી લેવાની વાતો પણ ટ્રમ્પ કરતા રહ્યા છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ટ્રમ્પ હજુ પતાવી શક્યા નથી. અમેરિકાના સાથી દેશોને હવે ટ્રમ્પ પર ભરોસો રહ્યો નથી. નિષ્ણાતો એવું કહે છે કે, બાકીનું તો જે થવાનું હશે એ થશે, અત્યારે ઇરાન યુદ્ધ પૂરું થાય તો ઘણું છે. ટ્રમ્પ યુદ્ધ પતાવવાની વાતો તો કરે છે પણ બંને પક્ષે હુમલાઓ તો હજુ ચાલે જ છે. અમેરિકાને એ અંદાજ નહોતો કે, ઇરાન આ રીતે એકસાથે અનેક દેશોને ટાર્ગેટ કરશે. ખાડીના દેશોને પણ હવે એવું લાગવા માંડ્યું છે કે, અમને અમેરિકા પરનો ભરોસો ભારે પડી ગયો છે. ઓઇલ અને ગેસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે નુકશાન પહોંચ્યું છે એને સરખું કરતા જ પાંચેક વર્ષ લાગવાના છે. ટ્રમ્પ પોતાનો કોલર ઊંચો રાખીને પણ ઇરાન યુદ્ધ ખતમ કરે એમાં જ અમેરિકા સહિત આખી દુનિયાનું ભલું છે.

નાટોથી માંડીને અમેરિકાની નજીકના દેશોએ પણ યુદ્ધમાં સાથ આપવાની ના પાડી દીધી

સંબંધ ક્યારેય એક પક્ષે ન ચાલે. તાળી બે હાથે જ વાગે. આ વાત અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સારી રીતે સમજાઇ ગઇ હશે. ઇરાન સાથેના યુદ્ધમાં નાટો સહિત અમેરિકાના એક સમયના તમામ સાથીઓએ સાથ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. ટ્રમ્પે નાટોને કાયરથી માંડીને કાગળના વાઘ સુધીના શબ્દો સંભળાવી દીધા. હંમેશાં અમેરિકાની નજીક રહેલા બ્રિટને પણ સેઇફ ડિસ્ટન્સ રાખ્યું. શ્રીલંકા જેવા નાનકડા દેશે પણ તટસ્થ હોવાનું કહીને પોતાના હવાઇ અડ્ડા વાપરવાની ના પાડી દીધી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી બધાને ટેરિફ કે બીજા કોઇ મામલે પરેશાન કરતા રહ્યા છે. બધા દેશ મોકાની રાહ જ જોતા હતા. અમારો પણ વારો આવશે. ટ્રમ્પે સંબંધો બગાડ્યા છે. ટ્રમ્પની માનસિકતા વિચિત્ર છે. એ કોઇ બોધપાઠ લેવાના નથી. ટ્રમ્પે એવું જ કહ્યું છે કે, જેણે અમેરિકાને સાથ નથી આપ્યો એને હું યાદ રાખીશ. અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે પણ ટ્રમ્પે અમેરિકાને છાજે એવું કોઇ કામ કર્યું નથી. ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટના ગાણાં ગાતા રહ્યા છે પણ દુનિયા માટે અમેરિકા લાસ્ટ થઇ ગયું છે. હજુ આગામી સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા કડવા અનુભવો થવાના છે. તમે કોઇને ડરાવી શકો પણ ધરાર પ્રેમ ન કરાવી શકો.


આ પણ વાંચો : Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે



  • Follow us on: