ઇરાને સૌથી વધુ હુમલા ગલ્ફના દેશોમાં જ કર્યા છે. ખાડીના દેશોને એમ હતું કે, ઇરાન ફક્ત અમેરિકાના સૈન્ય થાણા પર જ હુમલા કરશે પણ ઇરાને બધાની હાલત બગાડી નાખી. એક હકીકત એ પણ છે કે, અમેરિકા અને ઇઝરાયેલ ખાડી દેશોનું રક્ષણ કરી શક્યા નથી.

અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન સાથે છેડેલા યુદ્ધને 28 દિવસ થયા છે

ઇરાને આ યુદ્ધ દરમિયાન સૌથી વધુ હુમલાઓ ખાડીના દેશો પર કર્યા છે. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમિરાત, કુવૈત, બહેરીન, કતાર, ઓમાન સહિતના દેશો પર ઇરાને સીધા હુમલા કર્યા છે. આ બધા જ દેશ ઓઇલ ઉત્પાદન કરે છે. સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અરામકો, કુવૈતની મિના અલ-અહમદી રિફાઇનરી સહિત અનેક દેશોના ઓઇલ ડેપો પર ઇરાને હુમલા કર્યા છે. આ બધા દેશોએ ઇરાનથી આવતી મિસાઇલો અને ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરવાના પ્રયાસો કર્યા છે. ઇરાનના હુમલા રોકવામાં એ દેશોને એક હદથી વધુ કામયાબી મળી નથી. દરેક દેશના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકશાન ગયું છે. આ વિશે નિષ્ણાતો એવું કહે છે કે, યુદ્ધ અટકી જાય તો પણ ઓઇલ સપ્લાય નોર્મલ થતાં છ મહિનાથી માંડીને એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ દરમિયાનમાં સૌથી મોટો સવાલ એ છે કે, ઇરાન સીધા હુમલા કરતું હોવા છતાં આ બધા દેશો કેમ ઇરાન પર હુમલો કરતા નથી? તેના અનેક કારણો છે. સૌથી મોટું કારણ તો એ છે કે, એ બધા દેશ એવું માને છે કે, ઇરાન સાથેનું યુદ્ધ અમારું નથી પણ અમેરિકા અને ઇઝરાયેલનું છે. એ બધા દેશોને એવો ભય પણ સતાવી રહ્યો છે કે, જો અમે સીધા આ યુદ્ધમાં કુદ્યા તો ઇરાન અમારી હાલત ખરાબ કરી નાખશે. એ બધા દેશો તો એવું માને છે કે, અમે કારણ વગરના આ યુદ્ધમાં ફસાઇ ગયા છીએ. અમેરિકા પરનો ભરોસો ખાડી દેશોને ભારે પડ્યો છે.

ગલ્ફના દેશોની જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ રસ્તે આવતી હતી

સાઉદી અરેબિયા, કતાર, બહેરીન, ઓમાન, કુવૈત, યુનાઇટેડ આરબ અમિરાત વિગેરે દેશોમાં અમેરિકાના સૈન્ય થાણા છે. કતારના અલ-ઉદૈદ એર બેઝ પર અમેરિકાનું સૌથી મોટું લશ્કરી મથક છે. બહેરીનમાં અમેરિકાની નેવલ ફોર્સિસ સેન્ટ્રલ કમાન્ડ અને યુએસ ફિફ્થ ફ્લીટનું મથક છે. યુએઇમાં અલ-દફા એર બેઝ પર અમેરિકન વાયુ સેનાની હાજરી છે. આ બધા દેશોને એમ હતું કે, અમેરિકન સેનાની મોજુદગી હશે તો અમને ઇરાન અને બીજા દુશ્મનોથી રક્ષણ મળશે. ઇરાનનું યુદ્ધ શરૂ થયું ત્યારે પણ એ દેશોને એમ જ હતું કે, ઇરાન જ્યાં જ્યાં અમેરિકન સેનાની હાજરી છે ત્યાં જ હુમલાઓ કરશે. ઇરાને અમેરિકન થાણાં પર તો હુમલાઓ કર્યા જ છે, સાથોસાથ ખાડીના દેશોના ઓઇલ મથકો, એરપોર્ટ સહિતના સ્થળોને પણ નિશાન બનાવ્યા છે. હવે એ દેશોને એવું લાગે છે કે, અમેરિકા ઇરાન સામે અમારું રક્ષણ કરવામાં ઊણું ઉતર્યું છે. સરવાળે એ બધા દેશોને અમેરિકા પરનો ભરોસો ભારે પડ્યો છે. ઇરાન એક વાત સારી રીતે સમજે છે કે, ખાડીના દેશોના પગ નીચે રેલો આવ્યો તો જ એ અમેરિકા પર યુદ્ધ રોકવાનું પ્રેશર લાવશે. ઇરાને સૌથી મોટી ચાલ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરીને ચાલી છે. આ દરિયાઇ માર્ગ બંધ થતા ખાડીના દેશોની ઓઇલ નિકાસ અટકી ગઇ છે. હોર્મુઝના રસ્તે માત્ર ઓઇલની જ નિકાસ નહોતી થતી, એ સિવાય પણ ગલ્ફના દેશોની જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ રસ્તે આવતી હતી. એ બધું જ બંધ થઇ ગયું છે.

અમેરિકાના કારણે જ એ બધા દેશો ભેખડે ભરાઇ ગયા છે

યુદ્ધ જો આગળ વધ્યું તો ખાડીના દેશોમાં પીવાના પાણીનું સંકટ પેદા થાય એમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને એવી ધમકી આપી હતી કે, જો હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી ન કરી તો અમે ઇરાનના પાવર પ્રોજેક્ટ્સને ઉડાવી દેશું. તેની સામે ઇરાને વળતી ધમકી આપી હતી કે, જો તમે એવું કર્યું તો અમે ખાડીના દેશોના વોટર ડિસિલેશન પ્લાન્ટ ઉડાવી દેશું. આ બધા દેશો દરિયાના પાણીને પીવાલાયક બનાવીને પોતાનું કામ ચલાવે છે. જો પાણી શુદ્ધિકરણ સેન્ટર્સ પર હુમલા થાય તો તેની હાલત ખરાબ થઇ જાય. ઇરાન પાસે હજુ તો એવું ઘણું બધું છે જે ખાડીના દેશોની હાલત ખરાબ કરી શકે છે. ખાડીના દેશોને એટલે જ યુદ્ધથી છૂટકારો જોઇએ છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી એક વાત એવી ચર્ચાઇ રહી છે કે, સાઉદી અરેબિયાએ અમેરિકાને ઇરાન સાથે યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યું હતું. ઇરાનમાં સત્તા પરિવર્તન થાય અને અમેરિકાનો ગમતો માણસ આવી જાય તો સાઉદી અરેબિયાનું જોખમ ટળે. આ યુદ્ધમાં અમેરિકાની સત્તા પરિવર્તનની ગણતરીઓ ઊંધી વળી ગઇ છે. સાઉદી અરેબિયા અને ઇરાનની દુશ્મનીનો લાંબો ઇતિહાસ છે. યમનના હૂતી લડાકુઓ દ્વારા ઇરાન સાઉદી અરેબિયા પર હુમલા કરાવતું રહ્યું છે. સાઉદી અરેબિયાના ભવિષ્યના સપનાઓ બહુ ઊંચા છે. સાઉદી અરેબિયાએ વિઝન-2030 રજૂ કરીને પોતાના દેશને માત્ર ઓઇલ પર આધારિત ન રાખતા ટેક્નોલોજી અને ટૂરિઝમને વેગ આપવાનું નક્કી કર્યું છે. ઇરાન સાઉદી અરેબિયાના વિઝન પર પાણી ફેરવી શકે એમ છે. સાઉદી અરેબિયા ઉપરાંત ખાડીના બીજા દેશો પાસે પણ અઢળક સંપત્તિ છે. એ બધા દેશોને શાંતિથી જીવવું છે. સાઉદી અને ખાડીના બીજા દેશોમાં રાજાશાહી છે. એ દેશના શાસકોને એ વાતનો પણ ડર છે કે, ક્યાંક લોકો લોકશાહીની માંગણી કરીને રાજાશાહીને પડકાર ન ફેંકે. અમેરિકા પણ આવું કરાવી શકે છે. ખાડીના દેશોને અનેક ભય સતાવી રહ્યા છે. એ કારણે જ એ સીધા યુદ્ધમાં ઉતરતા નથી. પોતાનું બધું ચાલતું રહે એ માટે જ આ દેશો અમેરિકાને થાબડભાણાં કરી રહ્યા છે. એ વાત જુદી છે કે, અત્યારે અમેરિકાના કારણે જ એ બધા દેશો ભેખડે ભરાઇ ગયા છે.

સાઉદી અરેબિયા સહિત ખાડીના દરેક દેશો પાસે ખમતીધર સેના છે પણ

ઓઇલ ઉત્પાદનના કારણે ખાડીના દેશો પાસે નાણાંની કોઇ કમી નથી. આ બધા દેશ અમેરિકાને રાજી રાખવા માટે અમેરિકા પાસેથી મોટા પાયે હથિયારો ખરીદે છે. સાઉદી અરેબિયા સહિતના ખાડી દેશો પાસે મોટી અને ખમતીધર સેના છે. રોયલ સાઉદી એરફોર્સ પાસે 300થી વધુ એફ-16 સ્ટ્રાઇક ઇગલ અને યુરોફાઇટર ટાયફૂન જેવા શક્તિશાળી ફાઇટર જેટનો કાફલો છે. એડવાન્સ્ડ મિસાઇલ્સ, ડ્રોન્સ ઉપરાંત પીસ શિલ્ડ એર ડિફેન્સ સિસ્ટમ છે. અમેરિકન બનાવટની અબરામ ટેન્કો અને બખ્તરબંધ ગાડીઓનો પણ મોટી સંખ્યામાં છે. દુનિયાના 145 દેશોમાં સાઉદીની સેના પચીસમા નંબરે છે. કુવૈત, કતાર, બહેરીન, યુનાઇટેડ આરબ અમિરાત સહિત ખાડીના બીજા દેશો પણ સેનાના મામલે ઓછા ઉતરે એમ નથી. જંગી સેના હોવા છતાં એ બધા દેશો ઇરાન સામે સીધા મેદાને પડતા નથી. એ દેશોને પોતાની સંપત્તિના આધારે શાંતિથી જીવવું છે. તેને ખબર છે કે, ઇરાન સામે લડવા ગયા તો સુખ શાંતિ હરામ થઇ જશે.


આ પણ વાંચો : Banaskantha News : ગુજરાતનું ‘બનાસ બાયો સીએનજી’ મોડલ બની રહ્યું છે કચરામાંથી કંચન અને ગ્રામીણ સમૃદ્ધિનો નવો રાષ્ટ્રીય માપદંડ