ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમેરિકાના પ્રેસિડેન્ટશીપના શપથ ગ્રહણ કરીને દેશનો હવાલો સંભાળશે. ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ અને અમેરિકાને ફરીથી મહાન બનાવવાની વાતો કરીને ચૂંટણી જીતી છે. અમેરિકા સામે અનેક પડકારો મોં ફાડીને ઊભા છે
રશિયા, ચીન સહિત આખી દુનિયા એ જ રાહ જોઇ રહી છે કે, ટ્રમ્પ કેવા નિર્ણયો લે છે. ચૂંટાયા એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ધમકીની ભાષા બોલી રહ્યા છે. ટ્રમ્પનો એગ્રેસિવ એટિટ્યૂડ કોને ભારે પડશે? ભારત સાથેના સંબંધો કેવા રહેશે?
ફાઇનલી સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરીને સત્તાવાર રીતે અમેરિકાનો ચાર્જ સંભાળશે. ટ્રમ્પના આગમન સાથે દુનિયામાં અત્યારે એ ચર્ચા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનું બીજી વખતનું શાસન કેવું રહેશે? એ સાથે એની પણ વાતો થઇ રહી છે કે, જો બાઇડેનનો કાર્યકાળ કેવો રહ્યો? છેલ્લા ચાર વર્ષમાં અમેરિકા કેટલું બદલાયું? અમેરિકાના કારણે દુનિયામાં કેટલા બદલાવ આવ્યો? અમેરિકા સુપર પાવર કન્ટ્રી છે. પોતાની તાકાતના બળે અમેરિકા આખી દુનિયાને ડિકટેટ કરવાના પ્રયાસો કરે છે. અમેરિકાના નિર્ણયો દરેક દેશને નાની મોટી અસર કરે છે.
અમેરિકાને નારાજ કરવાનું કોઇને પરવડે તેમ નથી. રશિયા, નોર્થ કોરિયા, ઇરાન સહિત કેટલાંક દેશો અમેરિકા સામે બાંયો ચડાવતા રહે છે પણ અંદરખાને તો એ પણ એવું ઇચ્છે છે કે, બને ત્યાં સુધી અમેરિકા સાથે પંગો નથી લેવો. અમેરિકા અને ચીનના સંબંધોમાં પણ ચડાવ ઉતાર આવતા રહે છે. ચીન દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. અમેરિકા ચીનને ઇગ્નોર કરી શકે એમ નથી એટલે અમેરિકા પણ ચીન સાથે લવ એન્ડ હેટના ધોરણે બેલેન્સ રાખવાનો પ્રયાસ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન બધાએ જોયું છે. બાઇડેનના ચાર વર્ષ પહેલાના ટ્રમ્પના ચાર વર્ષ દરમિયાન તેમની જે નીતિઓ રહી હતી એવી જ પોલિસીઓ ટ્રમ્પની બીજી ટર્મમાં રહે એવું જરૂરી નથી. છેલ્લા ચાર વર્ષમાં દુનિયા ઘણી બદલી ગઇ છે. રશિયા અને યૂક્રેન તથા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના કારણે સંબંધોના સમીકરણોમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે. નવા તાળાઓમાં નવી ચાવીઓ લગાડવી પડે એમ છે. નવી ચાવીઓથી જો તાળા ન ખૂલ્યા તો અમેરિકા તાળું જ તોડી નાખે એવો દેશ છે.
અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે પાક્કી દોસ્તી છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અત્યારે સિઝફાયર ડીલ થઇ ગઇ છે. જો કે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું છે કે, હમાસે અથવા તો બીજા દુશ્મનોએ જરાયે વાયડાઇ કરી છે તો સિઝફાયર સમાપ્ત કરતા વાર નહીં લાગે! અમેરિકાએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે માંડ માંડ શાંત થયેલો ભડકો ફરીથી ન પેટી જાય. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એવી વાતો કરી હતી કે, જો હું ચૂંટાઇશ તો પ્રેસિડેન્ટના શપથ લઇશ એ પહેલા જ રશિયા અને યૂક્રેનનું યુદ્ધ ખતમ કરાવી દઇશ. ટ્રમ્પ એવું કરી શક્યા નથી. ટ્રમ્પે સૌથી પહેલું કામ યુદ્ધ રોકવાનું કરવું પડશે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિનને ડોનાલ્ડ ટ્રમ્પ કેવી રીતે મનાવે છે એ જોવાનું રસપ્રદ રહેશે. જો યુદ્ધ ન અટક્યું તો અમેરિકાના અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવામાં પ્રોબ્લેમ થવાના છે. અમેરિકા ફર્સ્ટ અને અમેરિકાને ફરીથી મહાન બનાવવાના ગાણાં ગાતા રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ સામે પડકારો ઓછા નથી.
જો બાઇડેનના સમયમાં અમેરિકાની ઇમેજ ઝંખવાઇ છે. બાઇડેન પોતાની ટર્મ દરમિયાન કોઇ કરિશ્મો કરી શક્યા નથી. રશિયાને બરબાદ કરવા માટે બાઇડેન યૂક્રેનને હથિયારો પૂરા પાડતા રહ્યા છે. તેના કારણે અમેરિકાની ઇકોનોમીને ફટકા પડ્યા છે. રશિયા પર બાઇડેને સખત પ્રતિબંધો લાદ્યા છતાં રશિયાને ઝૂકાવી કે થકાવી શક્યું નથી. ડોલરનો દબદબો ઘટાડવા માટે રશિયા અને ચીને પ્રયાસો કર્યા અને અમેરિકાની આંખે અંધારા લાવી દીધા. ડોનાલ્ડ ટ્રમ્પે ડોલરનું વર્ચસ્વ પાછું કાયમ કરવું પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સના દેશોને એવી ધમકી આપી છે કે, જો બ્રિક્સ કરન્સી લાવવાનો પ્રયાસ કર્યો તો આકરા ટેરિફ લાદી દઇશ. ટ્રમ્પે કેનેડાને પણ અમેરિકાનું એકાવનમું રાજ્ય બનાવી દેવાની વાતો કરી છે. એ સિવાય પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર કબજાની વાતો ટ્રમ્પે કરી છે. જોવાનું એ રહે છે કે, ટ્રમ્પે જે કહ્યું છે એમાંથી કેટલું કરી શકે છે. ઇરાન અને અફઘાનિસ્તાનના ઇશ્યૂઝ પણ હજુ એવાને એવા છે. પાકિસ્તાનની હવે ખાસ કોઇ ત્રેવડ રહી નથી, છતાં પાકિસ્તાન સાથે કેવી લાગણી રાખે છે એના પર ઘણો બધો આધાર રહેવાનો છે!
આપણા માટે સૌથી મોટો સવાલ એ છે કે, ભારત સાથે અમેરિકાના સંબંધો કેવા રહે છે. ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન ભારત અને અમેરિકા વધુ નજીક આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો અને સ્ટેડિયમમાં સભા પણ કરી હતી. ટ્રમ્પ પહેલેથી ભારતને નજીકનું મિત્ર ગણાવતા રહ્યા છે. આપણો દેશ રશિયા અને ઇરાનની નજીક રહે છે એ અમેરિકાથી સહન થતું નથી. ખાલિસ્તાન આતંકવાદ અને અમેરિકામાં બેસીને ઉધામા મચાવતા શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુનો મુદ્દો પણ બંને દેશ વચ્ચે છે.
એ તો સર્વવિદિત છે કે, આપણો દેશ કોઇની શેહમાં કોઇ નિર્ણય કરતો નથી. અમેરિકા પણ આ વાત સારી રીતે જાણે છે. ટ્રમ્પ ભલે ગમે એવી વાતો કરે પણ એ ભારત સાથેના સંબંધોમાં સાવચેતી રાખશે. ચીનને કંટ્રોલમાં રાખવા માટે અમેરિકાને ભારતનો સાથ જરૂરી છે. અમેરિકા એ વાત પણ સમજે છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત જર્મની અને જાપાનને પાછળ ધકેલીને અમેરિકા અને ચીન પછીની વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવાનું છે. આપણો દેશ પણ કૂટનીતિમાં માહેર છે. ભારત પણ ટ્રમ્પનું વલણ જોઇને જ અમેરિકા સાથે આગળ વધવાનું છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ફર્સ્ટ ટર્મ કંઇ બહુ વખાણવા જેવી રહી નહોતી. ટ્રમ્પ ખાસ કંઇ કરી શક્યા નહોતા એટલે જ તો અમેરિકાની પબ્લિકે તેને હરાવ્યા હતા. બાઇડેનનું શાસન નબળું રહ્યું એટલે અમેરિકનોએ ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ નસીબના બળિયા છે. બે બે વખત હુમલાઓ થયા છતાં તેઓ ચમત્કારિક રીતે બચી ગયા છે. અનેક કોર્ટ કેસો હોવા છતાં અને હશમનીના કેસમાં તો દોષી કરાર થયા પછી પણ તેઓ સર્વોચ્ય સ્થાને પહોંચી શક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જે ભૂલો કરી છે એવી ફરીથી ન થાય એની કાળજી રાખવી પડશે.
બાઇડેને પોતાના વિદાય પ્રવચનમાં અમેરિકાના સુપર રીચ લોકોના વર્ચસ્વની વાત કરી હતી. તેમનો આડકતરો ઇશારો એલન મસ્ક અને બીજા ધનાઢ્યો તરફ હતો. એલન મસ્ક અને બીજા ઘણા એવા શક્તિશાળી લોકો છે જેઓ મોકો મળે તો બેકસિટ ડ્રાઇવિંગ કરે એવા છે. ટ્રમ્પ અને મસ્કની દોસ્તી કેવા રંગ લાવે છે એના પર પણ બધાની નજર રહેવાની છે. બે બે મોટા યુદ્ધોથી દુનિયા થાકી છે. વિશ્વ હવે શાંતિ ઝંખી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી ટર્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ હતો કે, તેમણે કોઇ યુદ્ધ થવા દીધા નહોતા. ઇરાન સાથે યુદ્ધની નોબત આવી ગઇ હોવા છતાં ટ્રમ્પે સંયમ વર્ત્યો હતો. અમેરિકાનું ભલું ટ્રમ્પ ભલે વિચારે પણ સાથોસાથ આખી દુનિયામાં શાંતિ અને સુરક્ષા સ્થપાય એનું ધ્યાન રાખે તો સારું છે!










