ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો એની સાથે જ બલૂચ લિબરેશન આર્મી પણ પાકિસ્તાનના સૈનિકો પર તૂટી પડી હતી
| બલૂચ લડવૈયાઓએ બલૂચિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કર્યાનો દાવો કર્યો છે. તેમણે તો યુનાઇટેડ નેશન્સને પણ શાંતિ મિશન માટે અપીલ કરી છે. રોજે રોજ બલૂચ લડાકુઓ પાકિસ્તાનના સૈનિકોને નિશાન બનાવી રહ્યા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ છેક સુધી લડી લેવાનું નક્કી કર્યું છે |
આપણા દેશે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું એ પછી પાકિસ્તાનની દશા ખરાબ થઇ ગઇ છે. ભારત પાસે યુદ્ધવિરામની આજીજી કરીને પાકિસ્તાન બચી ગયું છે પણ પોતાને ત્યાં જે ચાલી રહ્યું છે એમાંથી પાકિસ્તાનને છૂટકારો મળવાનો નથી. ભારતે હુમલો કર્યો એ પછી બલૂચિસ્તાનમાં ઉત્સાહનું વાતાવરણ છવાઇ ગયું હતું. બલૂચ લિબરેશન આર્મી અને બીજા બલૂચ લડાકુઓને તો એક તબક્કે એવું પણ લાગવા માંડ્યું હતું કે, બાંગ્લાદેશની જેમ આ વખતે અમારા માટે પણ આઝાદીનો મોકો છે. ભારતની સાથે જ બલૂચ લડાકુઓએ પણ પાકિસ્તાનની સેના પર હુમલાઓ વધારી દીધા હતા.
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેનાના 51 મથકો પર 71 હુમલા કર્યા હતા. આ તો હમણાની વાત છે, એ પહેલા પણ બલૂચ લડાકુઓએ અનેક બનાવોમાં પાકિસ્તાનના સેંકડો સૈનિકોને મારી નાખ્યા છે. 2025માં બલૂચ લડાકુઓએ પાકિસ્તાનની સેના પર 29 મોટો હુમલાઓ કરીને પાકિસ્તાનના 186 સૈનિકોને મારી નાખ્યા છે અને 200થી વધુને ઘાયલ કર્યા છે. બલૂચોએ દસ સ્યૂસાઇડ એટેક કર્યા છે અને હજુયે આવા હુમલા માટે બલૂચો તૈયાર જ બેઠા છીએ. પાકિસ્તાન ઊંચી ઊંચી વાતો કરવામાંથી નવરું નથી પડતું પણ એક હકીકત એ પણ છે કે, પાકિસ્તાનના સૈનિકો બલૂચિસ્તાનમાં પગ મૂકતા પણ ફફડે છે.
પાકિસ્તાનમાં બેકારી છે તો પણ પાકિસ્તાનના યુવાનો સેનામાં ભરતી થવાનું ટાળે છે. તેને મરવાનું જોખમ લેવું નથી. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી જ પાકિસ્તાનની સરકારે બલૂચિસ્તાન સાથે ઓરમાયું વર્તન રાખ્યું છે. અધૂરામાં પૂરું પાકિસ્તાને બલૂચિસ્તાનમાં ચીનને ઘૂસાડ્યું છે. ચીનની હાજરી બલૂચિસ્તાનના લોકોને આંખમાં કણાની માફક ખૂંચે છે. બલૂચ લિબરેશન આર્મીએ ચીનને ધમકી આપી છે કે, તમારું ભલું ઇચ્છતા હોવ તો બલૂચિસ્તાનમાંથી ચાલ્યા જાવ. પાકિસ્તાન એવો આક્ષેપ કરતું રહે છે કે, ભારત બલૂચ લડાકુઓને સાથે આપે છે. આપણો દેશ એવું કહે છે કે, પાકિસ્તાન પોતાને ત્યાં સ્થિતિ કંટ્રોલ કરી શકતું નથી એટલે ભારત પર ખોટા આળ મૂકે છે. બલૂચોએ પાકિસ્તાનની આખી ટ્રેન હાઇજેક કરી એ વખતે પણ પાકિસ્તાને ભારત સામે આંગળી ચિંધી હતી. ઘણા લોકોનું કહેવું તો એમ જ છે કે, ભારતે બલૂચ લડાકુઓને સીધી કે આડકતરી રીતે મદદ કરીને પાકિસ્તાનથી છૂટું પડાવી જ દેવું જોઇએ.
બલૂચોએ તો આઝાદીનો દાવો પણ કરી નાખ્યો છે
બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, અમે બલૂચિસ્તાનના 90 ટકા વિસ્તાર પર કબજો જમાવી દીધો છે. બલૂચિસ્તાનની પોલીસ ચોકીઓ અને બીજા સ્થળો અમારા કબજામાં છે. બલૂચિસ્તાનમાં આવતા તમામ માર્ગો પર નાકાબંધી કરી હોવાનું પણ બલૂચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું છે. બલૂચિસ્તાનના લેખક મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, બલૂચિસ્તાન પાકિસ્તાનથી આઝાદ થઇ ગયું છે. તેમણે યુનાઇટેડ નેશન્સને કહ્યું કે, તમે હવે જેમ બને તેમ વહેલીતકે શાંતિ મિશનને અહીં મોકલો અને આઝાદીની જાહેરાત કરી દો. ભારત પાસે એવી માંગણી કરી કે, દિલ્હીમાં બલૂચિસ્તાનની એમ્બેસી શરૂ કરવા દો. દુનિયાના દેશો અમને અમારા પોતાના ચલણ અને પાસપોર્ટ માટે આર્થિક મદદ કરે. બહુ નજીકના ભવિષ્યમાં અમે આઝાદીની રાષ્ટ્રીય પરેડ યોજવાના છીએ. આ પરેડમાં અમે મિત્ર દેશોને આશીર્વાદ આપવા માટે પણ બોલાવવાના છીએ.
બલૂચ લડાકુઓ કહે છે, ભારત અમને મદદ કરે
બલૂચિસ્તાન લિબરેશન આર્મી સહિતના જે સંગઠનો પાકિસ્તાન સામે લડી રહ્યા છે તેઓ ભારતને કહી રહ્યા છે કે, પાકિસ્તાનથી આઝાદી માટે અમને મદદ કરો. ઇરાન સ્થિત બલૂચ લિબરેશન ફ્રંટના કમાન્ડર ડોકટર અલ્લાહ નજરે હમણા એક વીડિયો મેસેજ જાહેર કરીને ભારતને કહ્યું કે, 1971 વખતે ભારત સમક્ષ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી હતી. પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા. પાકિસ્તાનના સૈનિકોએ જે બંદૂકો મૂકી હતી 93 હજાર બંદૂકો દસ દસ ગોળીઓ સાથે અમને આપી દો, અમે પાકિસ્તાનને પૂરું કરી દેશું. પાકિસ્તાનથી આઝાદી મેળવવા માટે અમારે મિસાઇલ કે પરમાણુ બોંબની પણ જરૂર નથી, અમારા માટે આટલું જ પૂરતું છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન ઉપરાંત ખૈબર પખ્તુનખ્વાં, ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં પણ અત્યારે જબરજસ્ત ઉકળાટ છે. પીઓકે વિશે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંકેતો આપી જ દીધા છે. પીઓકે ભારતનું હતું અને ભારત તેને લઇને જ રહેશે એવું આપણા દેશે અનેક વખત કહ્યું છે. ભારત પાસે પાકિસ્તાનના ટૂકડા કરવાના યુદ્ધ સિવાય પણ ઘણા રસ્તા છે. પાકિસ્તાન ભારતથી ભલે બચી ગયું હોય પણ એ પોતાના પાપે જ મરવાનું છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહેરીક-એ-તાલિબાને પણ પાકિસ્તાન પર કબજાનું એલાન કર્યું છે. પાકિસ્તાનને અત્યારે અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે પણ તનાતની ચાલે છે. આર્થિક રીતે તો પાકિસ્તાન પતી ગયેલી પાર્ટી જ છે. બલૂચિસ્તાનની આઝાદી હવે દૂર નથી. આપણા વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, પાકિસ્તાન સામેની કાર્યવાહી હજુ સ્થગિત કરવામાં આવી છે, બંધ નથી થઇ ગઇ. પાકિસ્તાન જો સખણું નહીં રહે તો અમે ફરીથી કાર્યવાહી કરીશું. પાકિસ્તાન પર અત્યારે ચારેય તરફથી ખતરો મંડરાયેલો છે! તેના હાલ ખરાબ જ થવાના છે.
| ચીન બલૂચિસ્તાનમાંથી નીકળી શકે એમ નથી. ચીન ચોંકાવનારો માર્ગ અપનાવશે?
બલૂચિસ્તાનમાં જે થઇ રહ્યું છે એની ચિંતા પાકિસ્તાનને છે એના કરતા પણ વધારે ટેન્શન ચીનને છે. એનું કારણ એ છે કે, ચીને બલૂચિસ્તાનમાં જંગી રોકાણ કર્યું છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અનેક પ્રોજેક્ટો અત્યારે ચાલી રહ્યા છે. ગ્વાદર બંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર ચીને ખડું કરી આપ્યું છે. ચીનને હતું કે, પાકિસ્તાનમાં રોકાણ કરીને આપણે આપણું ધાર્યું કરીશું. ચીન એવું કરી શક્યું નથી. ઉલટું તેને પોતાના લોકો અને પોતાના રોકાણની ફીકર છે. બલૂચ લિબરેશન આર્મી ચીનના નાગરિકોને નિશાન બનાવી રહી છે. ચીને એક નહીં પણ અનેકવાર પાકિસ્તાનને એવું કહ્યું છે કે, અમારું રક્ષણ કરવાની મંજૂરી અમને આપો. મતલબ કે, ચીનની સેનાને રક્ષણની જવાબદારી સોંપી દો. પાકિસ્તાને હજુ સુધી મંજૂરી આપી નથી. પાકિસ્તાનને ડર છે કે, જો એક વખત ચીનની સેના ઘૂસી ગઇ તો એને પાછી કાઢવી મુશ્કેલ થઇ જશે. ચીન સ્વાર્થી દેશ છે. એ પોતાનો સ્વાર્થ સાધવા ગમે તેની સાથે દગો કરી શકે છે. એક શક્યતા એ પણ છે કે, ચીન જ બલૂચિસ્તાન લિબરેશન આર્મી સાથે સમજૂતી કરી લેશે. અલબત્ત, બલૂચો એની વાત માને કે કેમ એ શંકા છે. બલૂચોને માત્ર પાકિસ્તાનથી જ આઝાદી નથી જોઇતી, ચીનથી પણ મુક્તિ જોઇએ છે. પાકિસ્તાન વિશે ઘણા સમયથી એવું કહેવાય છે કે, પાકિસ્તાનના હજુ બે ત્રણ ટૂકડા થવાના છે. આમાં સૌથી પહેલું બલૂચિસ્તાન હશે એવી આગાહીઓ પણ કરવામાં આવી છે. |










