નેપાળના લોકો ચીનના ઇશારે નાચતા વડાપ્રધાન કે પી શર્મા ઓલીની નીતિ રીતિથી કંટાળી ગયા છે. લોકો પરિવર્તન ઇચ્છે છે



વડાપ્રધાન કે પી શર્મા ઓલીના કારણે જ નેપાળ અને ભારતના સંબંધો સારા રહ્યા નથી. વડાપ્રધાન ઓલીને ચીને ખરીદી લીધા છે એવા આક્ષેપો ત્યાંના જ રાજકારણીઓ અને લોકો કરી રહ્યા છે. નેપાળ આડા રસ્તે ફંટાઇ ગયું છે!

અમને રાજાશાહી જોઇએ છે. અમારા રાજા આવે છે. રાજા માટે શાહી મહેલ ખાલી કરો. ગયા રવિવારે નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર હજારો લોકો એકઠા થયા હતા અને રાજાશાહીની માંગ કરતા નારાઓ લગાવતા હતા. નેપાળના રાજાનું સ્વાગત કરવાની સાથે તેમણે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી. રાજા જ્ઞાનેન્દ્ર પોખરામાં બે મહિનાનું રોકાણ કરીને વિમાન માર્ગે કાઠમંડુ પાછા આવ્યા ત્યારે લોકોએ એમને કહ્યું કે, રાજા તમે પાછા આવો અને દેશ બચાવો. અમને લોકશાહી નથી જોઇતી. અમને રાજાશાહી જોઇએ છે.

રાજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવું કહેવાયું કે, અંદાજે ચાર લાખ લોકો ભેગા થયા હતા. જો કે, સરકાર કહે છે એટલા બધા નહોતા, માત્ર દસ હજાર જ હતા! દસ હજાર પણ કંઇ નાનો આંકડો તો નથી જ. કાઠમંડુ બાદ હવે નેપાળના બીજા શહેરોમાં પણ રાજાશાહીની માંગ સાથે દેખાવો થવા લાગ્યા છે. આમ તો આ પહેલી વખત નથી કે, લોકોએ રાજાશાહી માટે દેખાવો કર્યા હોય. અગાઉ પણ અનેક વખત રાજાશાહીની માંગ કરતી રેલીઓ યોજાઇ છે. નેપાળના લોકો વડાપ્રધાન કે પી શર્માની નીતિ રીતિથી કંટાળી ગયા છે. નેપાળની આર્થિક સ્થિતિ પતલી થઇ ગઇ છે. ગરીબી, બેકારી અને મોંઘવારી વધી રહી છે. વડાપ્રધાન ઓલી લોકોનું ભલું થાય એવું કંઇ કરવાના બદલે ચીન કહે એમ જ કરી રહ્યા છે. નેપાળના લોકોને હવે એવું લાગવા માંડ્યું છે કે, આના કરતા તો રાજાશાહી હતી ત્યારે અમે વધુ સુખી હતા. રાજકારણીઓ પોતાના ખિસ્સા ભરવામાં જ પડ્યા છે. નેપાળનું રાજકારણ જબરજસ્ત ચડાવ ઉતારવાળું રહ્યું છે. રાજકારણીઓ પોતાના ફાયદા માટે ગમે ત્યારે ગમે તેની પડખે ચડી જાય છે.

નેપાળના દેખાવોમાં યોગી આદિત્યનાથની તસવીરો ફરકી!

નેપાળમાં જ્યાં સુધી રાજાશાહી હતી ત્યાં સુધી આ દેશ હિન્દુ રાષ્ટ્ર હતો. આખી દુનિયામાં માત્ર નેપાળ જ હિંદુ રાષ્ટ્ર હતું. નેપાળના લોકો રાજાશાહીની સાથે એવી પણ માંગણી કરી રહ્યા છે કે, નેપાળને ફરીથી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો. મજાની વાત એ છે કે, જે લોકો દેખાવો કરતા હતા તેમાંથી કેટલાંક લોકોના હાથમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરો હતી. યોગીની તસવીરોના મામલે પણ નેપાળમાં જબરજસ્ત ઉહાપોહ મચ્યો હતો. લોકો કહેતા હતા કે, યોગી આદિત્યનાથથી માત્ર મુખ્યમંત્રી કે રાજકારણી જ નથી, તેઓ ગોરક્ષપીઠના મહંત પણ છે. નેપાળના લોકો યોગીને હિન્દુત્ત્વનો મોટો ચહેરો માને છે. યોગીની તસવીરો વિશે વડાપ્રધાન ઓલીના રાજકીય સલાહકાર વિષ્ણુ રીમલે ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે, આ યોગ્ય નથી. ખુદ વડાપ્રધાન ઓલીએ પણ કહ્યું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન વિદેશી નેતાઓની તસવીરોનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

વર્ષ 2008 સુધી નેપાળમાં રાજાશાહી અસ્તિત્ત્વમાં હતી

નેપાળમાં 1769થી 2008 સુધી એટલે કે 240 વર્ષ સુધી રાજાશાહી હતી. નેપાળના છેલ્લા રાજા જ્ઞાનેન્દ્રનો રાજ્યાભિષેક 2001માં થયો હતો. આખી દુનિયાને આઘાતનો આંચકો આપે એવી નેપાળના રાજ પરિવારની એક ઘટના જ્ઞાનેન્દ્રને રાજા બનાવવા પાછળ નિમિત્ત બની હતી. જ્ઞાનેન્દ્ર પહેલા તેમના ભાઇ બિરેન્દ્ર નેપાળના રાજા હતા. આ દરમિયાનમાં તારીખ 1 જૂન, 2001ના રોજ રાજા બિરેન્દ્રના દીકરા દીપેન્દ્રએ હાહાકાર મચાવી દે એવી ઘટનાને અંજામ આપ્યો હતો. દીપેન્દ્રએ આડેઘડ ફાયરિંગ કરીને પિતા બિરેન્દ્ર, માતા ઐશ્વર્યા, ભાઇ નિરંજન, બહેન શ્રુતિ, કાકા ધીરેન્દ્ર, બે ફઇબા શાંતિ અને શારદા, ફૂઆ કુમાર ખડગા અને પ્રિન્સેસ જયતિ સહિત કુલ નવ લોકોની હત્યા કરી નાખી હતી. પોતાના પરિવારના લોકોને જ મારીને દીપેન્દ્રએ પોતે પણ આપઘાત કરી લીધો હતો.

દીપેન્દ્રએ આવું શા માટે કર્યું તેનો સાચો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. એક વાત એવી હતી કે, દીપેન્દ્રને કોઇ છોકરી સાથે પ્રેમ હતો. આ છોકરી રાજ પરિવારની ન હોવાના કારણે દીપેન્દ્રના પરિવારજનોએ લગ્નની ના પાડી હતી. તેના કારણે દીપેન્દ્રએ ઘાતકી કૃત્ય આચર્યું હતું. રાજા બિરેન્દ્ર અને તેના દીકરા દીપેન્દ્રના મોત બાદ તારીખ 4 જૂન, 2001ના રોજ જ્ઞાનેન્દ્રનો રાજ્યાભિષેક થયો હતો. બાદમાં દેશમાં લોકશાહીની માંગણી ઉગ્ર બનતા રાજા જ્ઞાનેન્દ્રએ સત્તા છોડવાનો નિર્ણય કર્યો હતો. તારીખ 28મી મે, 2008ના રોજ નેપાળમાં લોકશાહીનો અંત આવ્યો હતો એને લોકશાહીનું સ્થાપન થયું હતું.

લોકશાહી સ્થપાય એ પછી નેપાળના લોકોને લાગતું હતું કે, હવે નેપાળનો વિકાસ થશે પણ થયું સાવ ઉલટું જ! નેપાળની દશા સતત બગડતી જ ગઇ. નેપાળને રાજકારણીઓએ ફોલી ખાધું એમ કહીએ તો પણ નવાઇ નથી. એમાંયે વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ તો દાટ વાળ્યો છે. 73 વર્ષના ઓલી અત્યાર સુધીમાં ચાર વખત વડાપ્રધાન બન્યા છે. દરેક વખતે કોઇને કોઇ કાવાદાવા કરીને ઓલી વડાપ્રધાન બની જાય છે. ચીન ઓલીને તમામ મદદ કરે છે. ચીનના કહેવાથી જ વડાપ્રધાન ઓલીએ નેપાળનો નવો નકશો તૈયાર કર્યો હતો.

ઓલીએ એવો દાવો કર્યો હતો કે, ભારત જેને પોતાના કહે છે એ લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખ નેપાળના છે. આપણા દેશે ઐતિહાસિક પુરાવાઓ આપીને એ સાબિત કર્યું હતું કે, આ વિસ્તારો ભારતના હતા, ભારતના છે અને ભારતના જ રહેવાના છે. આ સિવાય ભારતીય સેનામાં ગોરખા જવાનો અને ભારત નેપાળ સરહદ મુદ્દે પણ ઓલીએ સંઘર્ષ પેદા થાય એવા નિવેદનો કર્યા હતા. ભારત અને નેપાળના સંબંધો પ્રાચીન સમયથી છે. નેપાળને જ્યારે જરૂર પડી ત્યારે ભારત તેની પડખે મોટા ભાઇની જેમ ઊભું રહ્યું છે. વડાપ્રધાન ઓલી એ બધું જ ભૂલીને ચીનની પડખે ચડી ગયા છે. નેપાળના લોકોને ચીન પર ભરોસો નથી. લોકોને ભારત પ્રત્યે જ પ્રેમ છે. વડાપ્રધાન ઓલી જો આવું જ કરતા રહેશે તો એક દિવસ ચીન નેપાળને ગળી જશે એવો ભય લોકોને સતાવી રહ્યો છે, એટલે જ લોકો રાજાશાહીની માંગણ કરી રહ્યા છે! 


શી જિનપિંગે નેપાળ જઇને વડાપ્રધાન ઓલી પર ભૂરકી છાંટી આવ્યા હતા!
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઓક્ટોબર, 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની મુલાકાત પતાવીને જિનપિંગ સીધા નેપાળની મુલાકાતે ગયા હતા. 23 વર્ષના લાંબા ગાળા પછી ચીનના કોઇ રાષ્ટ્રપતિએ નેપાળની મુલાકાત લીધી હતી. નેપાળની મુલાકાત દરમિયાન શી જિનપિંગે વડાપ્રધાન કે પી શર્મા ઓલી પર કોણ જાણે કેવી ભૂરકી છાંટી કે ઓલીને ચીન સિવાય બીજું કંઇ દેખાતું જ નથી. નેપાળમાં એવું કહેવામાં આવે છે કે, ઓલી જે ડાન્સ કરે છે એનું કોરિયોગ્રાફર ચીન છે. ચીન નેપાળના રાજકારણમાં પણ દખલ દે છે. વાત તો ત્યાં સુધીની છે કે, ચીનની મહેરબાનીથી જ ઓલી વડાપ્રધાન બન્યા છે. નેપાળના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો ઓલીને સલાહ આપતા રહે છે કે, ચીનનો વધુ પડતો ભરોસો ભારે પડશે. ચીનથી દૂર રહો. ચીન ઘણાયે દેશને પતનના માર્ગે પહોંચાડ્યા છે. ઓલી કોઇની વાત સાંભળતા નથી અને ચીન કહે એમ જ કરી રહ્યા છે. ચીને નેપાળની જમીનમાં પેશકદમી કરી છે એ વાત સાબિત થઇ ચૂકી છે તો પણ ઓલી મોઢું સીવીને બેઠા છે.


  • Follow us on: