રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુટિન દર થોડા દિવસે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાય છે. રશિયા ટકી ગયું એમાં ભારતનો સાથ મહત્ત્વનો રહ્યો છે. પ્રેસિડેન્ટ પુટિનના નિવેદનોમાં અમેરિકા માટે કેવા ઇશારા છે?
રશિયાના પ્રેસિડેન્ટ પુટિન ભારતને પોતાની વધુ નજીક લેવા માંગે છે. અમેરિકા અને ભારત દૂર થાય એવો પણ પુટિનનો ઇરાદો હોય શકે છે. અમેરિકાને પુટિનની ચાલ સારી રીતે સમજાય છે. ભારતને છંછેડવું અમેરિકાને પણ પરવડે એમ નથી
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની એકેય તક જતી કરતા નથી. હમણાં પુટિને વધુ એક વખત ભારતના સાથ અને આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરના વખાણ કર્યા. એ વાતથી કોઇ ઇન્કાર કરી શકે એમ નથી કે, રશિયાની કપરી પરિસ્થિતિમાં ભારતે પૂરો સાથ આપ્યો છે. ભારત અને રશિયાની દોસ્તી આઝાદી વખતથી છે. રશિયાને જ્યારે જરૂર પડી છે ત્યારે ભારતે દોસ્તી નિભાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. રશિયાએ યૂક્રેન પર આક્રમણ કર્યું એ પછી સૌથી મોટો સવાલ એ જ હતો કે,
હવે રશિયા માટે ભારતનું વલણ કેવું રહેશે? યુદ્ધ બાદ અમેરિકાએ રશિયા પર અગાઉ કોઇએ ક્યારેય કોઇના પર ન લાદ્યા હોય એટલા પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકાની દાનત એવી હતી કે, ભારત પણ રશિયા સાથેના સંબંધો મર્યાદિત કરી નાખે. આપણા દેશે પહેલેથી જ સોય ઝાટકીને કહ્યું કે, અમારે કોની સાથે કેટલા અને કેવા સંબંધો રાખવા એ બીજું કોઇ નક્કી કરી ન શકે. અમારા હિતમાં હશે એવા જ નિર્ણયો અમે કરીશું. અમેરિકાથી ભારતનો એટિટ્યૂડ સહન તો નહીં થયો હોય પણ અમેરિકા ભારતનું કંઇ બગાડી શકે એમ નથી.
ભારત જે રીતે રશિયાની પડખે ઊભું રહ્યું એનાથી પુટિન ગદગદ થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરા અર્થમાં ઇન્ટરનેશનલ લીડર છે અને રશિયા ટકી રહ્યું એની પાછળ ભારતનો સાથ જવાબદાર છે એવું પુટિને એક વખત નહીં અનેક વખત કહ્યું છે. પુટિનના ભારત પ્રત્યેના લગાવ અને બયાનો વિશે અમેરિકન એક્સપર્ટસ એવું કહી રહ્યા છે કે, પુટિન ભારતના વખાણ કરીને અમેરિકા સાથે માઇન્ડ ગેમ રમે છે. પુટિનની કોઇ વાતમાં આવી ન જવાય એની અમેરિકાએ સાવધાની રાખવી પડશે. ભૂલેચૂકેય અમેરિકાએ ભારત સાથેના સંબંધોમાં ડિસ્ટન્સ આવે એવું કંઇ કરવું ન જોઇએ.
પોણા ત્રણ વર્ષથી યૂક્રેન સાથે ચાલતા યુદ્ધના કારણે રશિયાની હાલત કફોડી થઇ ગઇ છે. રશિયા પાસે હથિયારોની અછત છે. લડવા માટે સૈનિકો નથી. પુટિનની વિનંતી બાદ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના દેશના જવાનોને યૂક્રેન સામે લડવા માટે રશિયા મોકલ્યા છે. રશિયા યૂક્રેન પર છૂટક પૂટક હુમલાઓ કરીને પડ ગાજતું રાખે છે. અમેરિકા અત્યારે સત્તા હસ્તાંતરણના સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 20મી જાન્યુઆરી, 2025ના રોજ શપથ ગ્રહણ કરીને ચાર્જ સંભાળવાના છે.
ટ્રમ્પ આવે એ પહેલા જ પ્રેસિડન્ટ જો બાઇડેને યૂક્રેનને રશિયા પર લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કરવાની છૂટ આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીના પ્રચાર દરમિયાન જ કહ્યું હતું કે, હું ચૂંટણી જીતીશ તો પ્રેસિડેન્ટનો ચાર્જ સંભાળીશ એ પહેલા જ રશિયા અને યૂક્રેનનું યુદ્ધ ખતમ કરાવી દઇશ. ટ્રમ્પ હજુયે રશિયા અને યૂક્રેન યુદ્ધ ખતમ કરાવવાની વાતો કરે છે પણ તેમને ખાસ સફળતા મળતી નથી. પ્રેસિડેન્ટનો હવાલો સંભાળે નહીં ત્યાં સુધી ટ્રમ્પની કોઇ કારી ફાવે એવું લાગતું નથી. અલબત્ત, તેઓ રશિયાને મનાવવાની વાતો તો કરી જ રહ્યા છે.
ટ્રમ્પ ચૂંટાયા ત્યારથી ધમકીની ભાષા બોલી રહ્યા છે. કંઇપણ વાત હોય ટ્રમ્પ તરત જ ટેરિફ વધારી દેવાની ધમકી આપે છે. ભારત મિત્ર દેશ છે છતાં તેણે ભારતને ટેરિફનો ડર બતાવ્યો છે. ચીનને પણ ટ્રમ્પ ચેતવણીઓ આપી રહ્યા છે. ચીન અને રશિયા સાથે મળીને બ્રિક્સ કરન્સી લાવવાના પ્રયાસો લાંબા સમયથી કરી રહ્યા છે. ટ્રમ્પે તેની સામે પણ ધમકી આપી છે કે, ડોલરનું પ્રભુત્ત્વ ઘટે એવા પ્રયાસો કર્યા તો બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો સામે ટેરિફ વધારી દઇશ. ટ્રમ્પ બધાને ધમકીઓ આપે છે પણ રશિયા વિશે નિવેદન આપતા પહેલા બહુ કાળજી રાખે છે. ટ્રમ્પ એવું ઇચ્છતા નથી કે,
વાત બગડે અને યુદ્ધ લાંબુ ખેંચાય. પુટિન અને ટ્રમ્પના સંબંધો જ્યારે ટ્રમ્પ અગાઉ પ્રેસિડેન્ટ હતા ત્યારે સારા રહ્યા હતા. ટ્રમ્પની ફિતરત પુટિન સારી રીતે જાણે છે. પુટિન ભારતના વખાણ કરીને ટ્રમ્પ સાથે માઇન્ડ ગેમ રમે છે. ભારત અમારી સાથે છે એવું જતાવવા પાછળ પુટિનની મોટી રમત છે. ચીન અને રશિયાએ અમેરિકા સામે નવો ચોકો રચ્યો છે. ચીન, રશિયા, નોર્થ કોરિયા, તુર્કિયે, પાકિસ્તાન અને અમેરિકા વિરૂદ્ધના દેશો એક થઇ ગયા છે. આ બધામાં આપણો દેશ તટસ્થ છે.
ભારત અને ચીનના સંબંધોમાં સુધારો થઇ રહ્યો છે. અમેરિકાને એમાં પણ ગેમ લાગે છે. ચીનને ટક્કર આપવામાં અમેરિકાને ભારતનો મોટો સાથ છે. ભારત અને ચીન એક થઇ જાય તો અમેરિકાને પ્રોબ્લેમ થાય એમ છે. અત્યારે ભારત અને ચીન ફરીથી નજીક સરકી રહ્યા છે અને શાંતિ મંત્રણાઓ ચાલી રહી છે. બરાબર આ સમયે જ અમેરિકાના પેન્ટાગોને એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે કે, ભારત વિરૂદ્ધ ચીનના ષડયંત્રો ચાલી જ રહ્યા છે. અમેરિકાનો આ અહેવાલ ભારત અને ચીન વચ્ચે ડિસ્ટન્સ બરકરાર રહે એ માટે જ રીલિઝ કરાયો છે. કૂટનીતિમાં આપણો દેશ પણ જરાયે ઓછો ઉતરે એવો નથી. આપણે વસુધૈવ કુટુમ્બકમમાં માનીએ છીએ અને આખા જગતને એક પરિવાર સમજીએ છીએ એ વાત સાચી પણ ભારતને કોઇ પરેશાન ન કરી જાય એવું પણ ભારત કરી જ રહ્યું છે. ચીન સાથેના સંબંધો સુધારવાના પ્રયાસો એ અમેરિકાને પણ આડકતરો ઇશારો જ છે કે, તમે અમારી સાથે સારા રહેજો, બાકી અમને પણ રમત રમતા આવડે છે!
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સત્તાવાર પ્રેસિડેન્ટ બને એ પછી આતંરરાષ્ટ્રીય સંબંધોના ઘણા સમીકરણો બદલવાના છે. આપણા દેશે પણ તેની તૈયારીઓ કરી રાખી છે. ટ્રમ્પની પહેલી ટર્મ દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો હતા એના કરતા સારા થયા હતા. બાઇડેને પણ ભારત સાથેના સંબંધોમાં ઓટ ન આવે એની કાળજી રાખીને જ બધા નિર્ણયો કર્યા છે. રશિયા પણ ભારત અમારી નજીક છે એવું જતાવીને અમેરિકાને છંછેડે જ છે. એક હકીકત એ છે કે, બધાને ભારતનો સાથ જોઇએ છે. આખી દુનિયના અર્થશાસ્ત્રીઓ એવું કહી રહ્યા છે કે, ભારતના વિકાસની ગતિ વધતી રહેવાની છે.
ભારત અત્યારે વિશ્વની પાંચમા નંબરની આર્થિક મહાસત્તા છે. હજુ આગાહીઓ એવી જ થઇ રહી છે કે, આગામી થોડા વર્ષોમાં ભારત જર્મની અને જાપાનને પણ પાછળ રાખીને અમેરિકા અને ચીન પછીની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે. ભારત જેની સાથે હશે એને ફાયદો થવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ગમે એવી વાતો કરે પણ ભારતના સાથ વગર તેને પણ ચાલવાનું નથી. ટ્રમ્પને ખબર છે કે, ભારતને છંછેડવાનું ભારે પડી શકે એમ છે. અમેરિકાએ ભારત સાથે સખણું જ રહેવું પડશે!

  • Follow us on: