- પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને પ્રેમ કરતો હતો. સોનાલીને શોએબે પ્રપોઝ કર્યું હતું અને જો એ ન માને તો અપહરણ કરવાની યોજના બનાવી હતી. સોનાલીએ કહ્યું, ફેક ન્યૂઝ એ જમાનામાં પણ ચાલતા હતા!
- બોલિવૂડ અને ક્રિકેટ વર્લ્ડમાં ગોસિપ અને ફેક ન્યૂઝ જરાયે નવી વાત નથી. ફેક ન્યૂઝના મૂળિયા પ્રાચીન સમયમાં પણ નીકળે છે. અત્યારના હાઇટેક યુગમાં તો કઇ વાત સાચી અને કઇ વાત ભ્રામક છે એ નક્કી કરવું અઘરું બની ગયું છે!
ગભરુ આંખોમાં કાજળ થઇ લહેરાઇ જવામાં લિજ્જત છે, ચર્ચાનો વિષય એ હોઇ ભલે ચર્ચાઇ જવામાં લિજ્જત છે. ગુજરાતી શાયર સ્વ. અમૃત ઘાયલ પોતાની એક રચનામાં આવું કહી ગયા છે. અત્યારના હાઇટેક યુગમાં ચર્ચાઇ જવા માટે લોકો અને ખાસ તો સેલિબ્રિટીઓ જાતજાતના ગતકડાં કરી રહ્યા છે. ફેક ન્યૂઝ ચર્ચા, વિવાદ અને વિખવાદ સર્જવા માટેનું સૌથી મોટું હથિયાર છે. આપણા બધાના મોબાઇલ પર રોજે રોજ કોઇને કોઇ એવા સમાચારો આવે છે જે વાંચીને આપણને વિચાર આવ્યા વગર ન રહે કે ખરેખર આવું છે? બોલિવૂડ અને ક્રિકેટ વર્લ્ડમાં તો ગોસિપ અને ફેક ન્યૂઝની જબરી બોલબાલા છે. ફિલ્મ, વેબ સીરિઝ અને સીરિયલના કલાકારો સાચા જ લાગે એવા ફેક ન્યૂઝ પેદા કરે છે. ગામ ગાંડુ થાય એ પછી તેઓને કરવો હોય તો એવો ખુલાસો કરે છે કે, એવું કંઇ હતું જ નહીં. એક સમયે બોલિવૂડમાં ધૂમ મચાવનાર હીરોઇન સોનાલી બેન્દ્રે અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ અખ્તરના જૂના અફેરની વાતો અઢી દાયકા બાદ ફરીથી ગાજી છે. સોનાલી કે શોએબને તો ખબર પણ નહોતી કે, લશ્કર ક્યાં લડે છે પણ તેના નામની ચર્ચા ચકડોળે ચડી હતી. સોનાલી બેન્દ્રેએ હવે રહી રહીને એ વાતની ચોખવટ કરી છે કે, ફેક ન્યૂઝ એ સમયમાં પણ હતા!
વેલ, આખી વાત શું હતી? આજની જેમ જ એ સમયમાં પણ ભારતની હીરોઇનો પાકિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય હતી. પાકિસ્તાન ક્રિકેટમાં શોએબ અખ્તરની બોલબાલા હતી. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા થયેલા શોએબ અખ્તર વિશે જાતજાતની વાતો ઉડતી હતી. સોનાલી બેન્દ્રે સાથે કોઇએ શોએબ અખ્તરનું નામ જોડી દીધું. શોએબને સોનાલી બેન્દ્રે બહુ ગમતી હતી. એ પોતાના પાકીટમાં સોનાલીનો ફોટો રાખતો હતો. સોનાલી સાથે મેરેજ માટે શોએબ પ્રપોઝ કરવાનો હતો. સોનાલી માની જાય તો ઠીક છે, જો ન માને તો અપહરણ કરવા સુધીના વિચારો શોએબે કર્યા હતા. વાતો તો ત્યાં સુધીની પણ ચાલી હતી કે, શોએબે સોનાલીને પ્રપોઝ પણ કર્યું હતું. સોનાલી બેન્દ્રે આજકાલ તેની વેબસીરિઝ બ્રોકન ન્યૂઝ-2ને લઇને ચર્ચામાં છે. તે એક પોડકાસ્ટ ચેનલને ઇન્ટરવ્યૂ આપવા પહોંચી હતી. એ વખતે તેને શોએબ અખ્તરના અફેર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સોનાલીએ કહ્યું કે, મને તો કંઇ જ ખબર નથી. તેણે પછી જે વાત કરી એ બહુ માર્મિક છે. તેણે કહ્યું કે, એ સમયે પણ ફેક ન્યૂઝ ચાલતા હતા! આ પોડકાસ્ટમાં ક્રિકટેર સુરેશ રૈના વિશે પણ એક સવાલ પૂછવામાં આવ્યો હતો. સુરેશ રૈનાને એક કાર્યક્રમમાં સોનાલી બેન્દ્રે વિશે પૂછવામાં આવ્યું ત્યારે એનો ફેસ બ્લશ કરવા લાગ્યો હતો! સોનાલીએ કહ્યું કે, મને લોકો તરફથી જે લાગણી અને પ્રેમ મળે છે એના માટે હું બધાની બહુ આભારી છું. સોનાલીએ પછી પેટછૂટી વાત કરી કે, મને ક્રિકેટમાં જરાયે રસ નથી. હું ક્યારેય ક્રિકેટ મેચ જોવા જતી નથી. મારા પતિ અને દીકરાને ક્રિકેટનો શોખ છે. બાકી મને ક્રિક્રેટમાં ટપો પડતો નથી. સોનાલી સાથેના અફેર વિશે શોએબ અખ્તરે પણ એવું કહ્યું કે, સોનાલી બેન્દ્રે એક સારી અભિનેત્રી છે પણ અમારા વિશે જે વાતો થઇ હતી કે થઇ રહી છે એમાં કશું જ તથ્ય નથી. સોનાલી બેન્દ્રે અત્યારે 49 વર્ષના છે. 2002માં સોનાલીએ ફિલ્મ મેકર ગોલ્ડી બહલ સાથે મેરેજ કર્યા હતા. આ કપલને 18 વર્ષનો દીકરો રણવીર પણ છે. સોનાલી બેન્દ્રે આમ તો વચ્ચે સાવ ફ્રી હતા પણ બ્રોકન ન્યૂઝ વેબ સીરિઝથી એ પાછા લાઇમ લાઇટમાં આવ્યા હતા. સોનાલી વિશે કોઇને કોઇ વાત સતત વહેતી રહે છે. સોનાલીને કેન્સર છે એ વાત જ્યારે જાહેર થઇ ત્યારે તો બધાએ આંચકો અનુભવ્યો હતો. સોનાલીને કેન્સર ડિટેક્ટ થયું એ પછી કિમોના કારણે તેના વાળ ચાલ્યા ગયા હતા. પોતાનો વાળ વગરનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સોનાલીએ હલચલ મચાવી હતી. કેન્સર વખતે ડોકટરે કહી દીધું હતું કે, તમારા બચવાના ચાન્સ માત્ર 30 ટકા છે. સોનાલીએ પોતાના મનોબળથી કેન્સરને ટક્કર આપી અને બહાર પણ આવી. સાજી થઇને તેણે કામ પણ શરૂ કર્યું. સોનાલીએ કહ્યું હતું કે, એ વાતથી ઇનકાર નથી કે હું ડરી ગઇ હતી. જો કે પછી મેં વિચાર કર્યો કે ડરવાથી કંઇ વળવાનું, મારે હિંમતભેર કેન્સરનો સામનો કરવો પડશે. આખરે હું સ્વસ્થ થઇ અને પાછી કામે પણ વળગી.
સોનાલી બેન્દ્રે એની કરિયર દરમિયાન પોતાની ફિલ્મો અને સંબંધોના કારણે ખૂબ જ ચર્ચા અને વિવાદમાં રહી છે. સોનાલી બેન્દ્રેનું નામ એક સમયે સુનિલ શેટ્ટી સાથે પણ ચાલ્યું હતું. એ વિશે સોનાલીએ કહ્યું કે, એ સમયે જેની સાથે ફિલ્મ આવવાની હોય તેની સાથેના અફેરની વાતો ચાલતી રહેતી. અલબત્ત સવાલ એ છે કે, ચાલતી રહેતી હતી કે જાણી જોઇને ચલાવવામાં આવતી હતી? આજના સમયમાં પણ એવું થઇ જ રહ્યું છે કે, જેની ફિલ્મ આવવાની હોય એના અફેર અને બીજી ઘણી બધી વાતો ચાલતી રહે છે. એક રીતે જોવા જઇએ તો સોનાલીએ પણ શોએબ અખ્તર વિશેની વાત તેની વેબસીરિઝ બ્રોકન ન્યૂઝ-2 વખતે જ કરી છે.
સોનાલી બેન્દ્રેએ એની કરિયર મોડેલ તરીકે શરૂ કરી હતી. 1994માં તેણે ફિલ્મમાં કામ કરવાનું શરુ કર્યું. તેણે ઘણી ફિલ્મો આપી છે પણ તેની નામના તો સરફરોઝ અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોથી થઇ હતી. સોનાલી અને રાજ ઠાકરેના સંબંધોની પણ બહુ ચર્ચાઓ થઇ છે. 1996માં માઇકલ જેક્સન જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે ટ્રેડિશનલ મરાઠી ડ્રેસમાં તેણે માઇકલ જેક્સનનું સ્વાગત કર્યું હતું. એક વખત સોનાલીએ ઓમ નમો શિવાય લખેલો ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો ત્યારે ભારે હોબાળો થયો હતો. આ કેસમાં સોનાલીની ધરપકડ પણ થઇ હતી. રાજસ્થાનમાં સલમાન ખાન સાથે કાળિયારના શિકારના કેસમાં પણ સોનાલીનું નામ બહાર આવ્યું હતું. સોનાલીના વિવાદોનું લાંબુ લિસ્ટ છે. તેણે સીરિયલો પણ કરી છે અને ટીવી શો પણ હોસ્ટ કર્યા છે.
અત્યારે શોએબ સાથેની વાતો એ ફેક ન્યૂઝ હતા એવું સોનાલીએ કહીને આ વિવાદનો તો અંત આણી દીધો છે પણ લોકો માટે એ વાત સમજવાની જરૂર છે કે, સોશિયલ મીડિયા પર જે વાતો ચાલતી હોય છે એને ભૂલેચૂકેય સાચી માની લેવી નહીં. આપણા દેશમાં અત્યારે ઇલેકશનનું વાતાવરણ છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં જાતજાતની વાતો ફરતી રહે છે. ફેક ન્યૂઝ વિશે એવું કહેવાય છે કે, હજુ તો તેમાં વધારો જ થવાનો છે. લાંબુ વિચાર્યા વગર ફોરવર્ડ કરી દેનારા લોકોને પણ એવી સલાહ આપવામાં આવે છે કે, દરેક વાતને સાચી માનીને આગળ વધારવાનું રહેવા દો. સેલિબ્રિટીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે કંઇ પણ કરી શકે છે. એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં આવું બધું ચાલતું જ રહેવાનું છે!










