સુખ અને ખુશી વ્યક્તિગત છે કે સામૂહિક છે એ વિશે પહેલેથી સવાલો ઉઠતા રહ્યા છે. એક સરખું સુખ ક્યારેય રહી શકે ખરું?



ઘણા દેશો હેપીનેસ ઇન્ડેક્સને વાહિયાત ગણે છે. સુખ, ખુશી, આનંદ, ઉત્સાહ, આયુષ્ય, નિરાશા, હતાશા અને બીજી બધી સંવેદનાઓ વિશે તર્ક લગાડીને કોઇ એક નિષ્કર્ષ પર આવી ન શકાય એવું ઘણાનું માનવું છે. માણસ શું માને છે તેના પર બધું નિર્ભર છે

સુખની વ્યાખ્યા, આનંદનો અર્થ, ખુશીનો અહેસાસ અને મજાના મર્મ સામે કાયમ સવાલ થતા રહે છે! સુખ વ્યક્તિગત છે કે સામૂહિક તે વિશે પણ પ્રશ્નો ઉઠતા રહે છે! એક જ ઘરમાં રહેતા બધા લોકો એકસરખા સુખી હોતા નથી, એવા સંજોગોમાં આખા દેશના લોકો સુખી કે ખુશી હોય શકે ખરા? બધા મોજમજાથી નાચતા હોય ત્યારે પણ કોઇ એક ખૂણે એકાદ માણસ ઉદાસ બેઠો હોય છે. સુખનો સમય પણ ચર્ચાનો વિષય છે. કાયમી સુખ કે કાયમી દુ:ખ જેવું કંઇ હોતું નથી. એકદમ મજામાં રહેતો માણસ બીજી જ ક્ષણે દુખી અને અપસેટ થઇ શકે છે. સુખ ગમે ત્યારે સરકી શકે છે. આનંદ ગમે તે ઘડીએ ઓસરી શકે છે. દુ:ખ ગમે ત્યારે ત્રાટકી શકે છે. ઉદાસી ઓચિંતી ઓઢાઇ જાય છે. સુખનું કોઇ એક કારણ હોતું નથી. સુખ માનસિક છે. માણસ માને તો સુખી છે અને ન માને તો માણસને કોઇ સુખી કરી શકે નહીં. સુખ અને શાંતિ એક જ છે કે જુદા જુદા? સુખ વગર પણ શાંતિ અનુભવી શકાય છે એવી વાતો પણ ખૂબ થઇ છે. અનેક દુ:ખથી ઘેરાયેલો માણસ પણ ધારે તો શાંતિ અનુભવી શકે છે. હેપીનેસ સ્ટેટ ઓફ માઇન્ડ છે. સુખ ક્યારેય કોઇને પૂરેપૂરું સમજાયું નથી. સુખ વિશે છેલ્લે તો એવું પણ કહેવાય છે કે, સુખ લખવા, વાંચવા, વિચારવા અને સમજવા કરતા માણવાનો વિષય વધુ છે. સુખ માપવાનો નહીં, પામવાનો વિષય છે.

હેપીનેસ ઇન્ડેક્સ અને હેપીનેસ મિનિસ્ટ્રી સુખનું પ્રમાણ છે?

દર વર્ષે યુનાઇટેડ નેશન્સ હેપીનેસ ઇન્ડેક્સ જાહેર કરે છે. આ વર્ષે પણ 2025નો ઇન્ડેક્સ જાહેર થયો. ફિનલેન્ડે સતત આઠમી વખત ટોપ કર્યું. દરેક દેશ પોતાની રીતે આ ઇન્ડેક્સને મૂલવે છે. આપણા દેશે આ ઇન્ડેક્સમાં નાનકડી છલાંગ મારી છે. આપણો દેશ 126મા નંબરે હતો. તેમાં 8 ક્રમ ઉછળીને આપણે 118મા ક્રમે પહોંચ્યા છીએ. મતલબ કે, આપણા દેશના સુખમાં થોડોક વધારો થયો છે. અમેરિકા દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ છે. અમેરિકા ટોપ ટેન હેપીનેસ કન્ટ્રીમાં નથી. અમેરિકાનો નંબર 24મો છે. ટોપ ટેનમાં ફિનલેન્ડ ઉપરાંત નોર્વે, ડેન્માર્ક, આઇસલેન્ડ, સ્વીડન, નેધરલેન્ડ, કોસ્ટોરિકા, લેક્ઝમબર્ગ અને મેક્સિકોનો સમાવેશ થાય છે. ટોપ ટેનમાં આઠમા નંબરે ઇઝરાયેલ આવે છે! આખી દુનિયા જાણે છે કે, ઇઝરાયેલ યુદ્ધમાં અટવાયેલું છે. તારીખ 7મી ઓક્ટોબર, 2023થી ઇઝરાયેલ હમાસ અને બીજા દુશ્મનો સાથે યુદ્ધ લડી રહ્યું છે.

ઇઝરાયેલના લોકો જ રોડ પર ઉતરીને પોતાની સરકાર અને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સામે પ્રદર્શનો કરી રહ્યા છે. લોકો યુદ્ધની સમાપ્તિ માટે માંગણી કરી રહ્યા છે. લોકો હેરાન પરેશાન છે છતાં સુખના ઇન્ડેક્સમાં ઉપર છે. આ વાત ઘણાને ગળે ઉતરતી નથી. જ્યારે જ્યારે હેપીનેસ ઇન્ડેક્સની ચર્ચા થાય છે ત્યારે એવો બચાવ પણ કરવામાં આવે છે કે, વાતાવરણ, સ્વચ્છ હવા, સુરક્ષિત વાતાવરણ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડનો સમાવેશ કરવામાં આવે છે. માત્ર વ્યક્તિગત સુખની જ વાત નથી. તેની સામે પણ એવી દલીલ થાય છે કે, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યાં શું લોકો સુખી નથી હોતા? અગાઉના સમયમાં સુવિધાઓ ઓછી હતી, છતાં લોકો સુખી હતા. અત્યારના વૃદ્ધોને સવાલ કરો કે, અત્યારનો સમય સારો છે કે તમારા વખતનો સારો હતો? તેઓ કદાચ એવું જ કહેશે કે, જૂનો જમાનો સારો હતો. આટલી હાયવોય ન હતી. સંબંધો સજીવન અને સાત્ત્વિક હતા.

ઘણા દેશોએ હવે હેપીનેસ મિનિસ્ટ્રી શરૂ કરી છે. આપણા દેશમાં પણ મધ્ય પ્રદેશ સહિત કેટલાંક રાજ્યોમાં હેપીનેસ વિભાગ શરૂ કરાયો છે. હેપીનેસ મિનિસ્ટ્રીમાં કશું ખોટું નથી પણ સરકાર કોઇને જબરજસ્તીથી સુખી કરી ન શકે. લોકોને મજા આવે એવા પ્રયાસો ચોક્કસ થઇ શકે છે.

ભારતની સરખામણી પાકિસ્તાન અને બીજા દેશો સાથે થતી રહે છે

જ્યારે પણ હેપીનેસ ઇન્ડેક્સ કે બીજા કશાની વાત નીકળે ત્યારે ભારતની સરખામણી પાકિસ્તાન અને બીજા પડોશી દેશો સાથે કરવામાં આવે છે. હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કરતા પાકિસ્તાન અને નેપાળ આગળ છે. પાકિસ્તાનમાં રોજે રોજ આતંકવાદી હુમલાઓ થઇ રહ્યા છે. ગરીબી, બેકારી અને મોંઘવારીએ માઝા મૂકી છે. દુનિયાના દેશો એવી એડવાઇઝરી જાહેર કરે છે કે, પાકિસ્તાન જતા પહેલા સો વખત વિચાર કરજો. આ દેશ જોખમી છે. પાકિસ્તાનના લોકો ખુદ હૈયાવરાળ ઠાલવતા રહે છે. ભારત કરતા પાકિસ્તાન સુખી હોય એ વાત માનવા આપણા દેશના તો શું, બીજા દેશના લોકો પણ માનવા તૈયાર નથી. આપણા દેશ કરતા યુદ્ધગ્રસ્ત યૂક્રેન અને પેલેસ્ટાઇન પણ આગળ છે એ વાત ફની નથી લાગતી? હળવાશમાં એવું કહેવાય છે કે, ઇન્ડેક્સમાં ઉપર હોવાથી કંઇ સુખી થઇ જવાતું નથી. નીચે હોય એ બધા દુ:ખી જ હોય એવું પણ જરૂરી નથી. અફઘાનિસ્તાન હેપીનેસ ઇન્ડેક્સમાં તળિયે છે. તાલિબાનોના રાજમાં લોકો હેરાન પરેશાન છે. અલબત્ત, ત્યાં બધા જ લોકો દુ:ખી છે એવું માનવું વાજબી નથી.

હેપીનેસ વિશે દુનિયાભરમાં અનેક અભ્યાસો અને સરવે થતા રહે છે. ટેક્નોલોજીના આગમન પછી લોકોના સુખમાં વધારો થયો કે ઘટાડો તેની પણ ચર્ચા થતી રહે છે. મોબાઇલે દાટ વાળ્યો છે. લોકો ફોન લઇને બેઠા રહે છે અને સમય તથા મગજ બગાડતા રહે છે. તેની સામે એવું પણ કહેવાય છે કે, મોબાઇલના કારણે લોકો તરત જ એક-બીજાનો સંપર્ક કરી શકે છે. સાત સમંદર પાર હોય એ પણ નજીક લાગે છે. સરવાળે તો બધાના ફાયદા અને ગેરફાયદા હોવાના છે. સુખ વિશે અંતે તો એવું જ કહેવાય છે કે, તમારું સુખ તમે શોધો! ઇન્ડેક્સ બિન્ડેક્સમાં બહુ પડવા જેવું નથી. 


હેપીનેસમાં આઠ વર્ષથી ટોપ ફિનલેન્ડ સામે અનેક સવાલો પેદા થયા છે!
હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ સતત આઠ વર્ષથી ટોપ પર રહ્યું છે. ફિનલેન્ડ સુંદર દેશ છે એ વાતથી જરાયે ઇન્કાર ન થઇ શકે. અલબત્ત, માત્ર સૌંદર્ય સુખ આપી શકતું નથી. ફિનલેન્ડના લોકોમાં આપઘાત અને ડિપ્રેશનના પ્રમાણ સામે પણ સવાલો ઉઠતા રહે છે. જો સુખ જ સુખ હોય તો પછી લોકો આપઘાત શા માટે કરે છે? ફિનલેન્ડના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક રિપોર્ટમાં એવું જણાવાયું છે કે, દેશના નવ ટકા લોકો સિવિયર ડિપ્રેશનથી પીડાઇ રહ્યા છે. યુરોપના બીજા દેશો કરતા ફિનલેન્ડમાં આપઘાતનું પ્રમાણ સૌથી વધુ છે. ફિનલેન્ડમાં જે લોકો આપઘાત કરે છે તેમાં 14થી 24 વર્ષના યુવાનોનો પણ સમાવેશ થાય છે. આ ઉંમરના યુવાનોના કુલ મૃત્યુ થાય છે તેમાં એક તૃતિયાંશ લોકો આપઘાત કરીને જિંદગીનો અંત આણે છે. ફિનલેન્ડમાં ડિપ્રેશન અને આપઘાતના કારણો શોધવા રીતસરનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. સૌથી મોટું કારણ એકલતા હતું! પ્રેમ, લાગણી, સ્નેહ, ચિંતા, પરવા કરવાવાળું કોઇ ન હોય ત્યારે સુખ સામે સવાલો પેદા થાય છે. ફિનલેન્ડનું સુખ ભ્રામક હોવાનું પણ કહેવાતું રહ્યું છે!


  • Follow us on: