ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદીમિર પુટિને 90 મિનિટ વાત કરી. હજુ યુદ્ધ 30 દિવસ માટે થોડુંક જ રોકવાનું નક્કી થયું છે!



યુદ્ધ ખતમ કરવાની ફાઇનલ ડીલ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદીમિર પુટિન સાઉદી અરેબિયામાં મુલાકાત કરવાના છે. એ ત્યારે જ શક્ય બનશે જ્યારે બધું જ ડન થઇ જશે. યુદ્ધ ખતમ કરવા તરફ હજુ એક ડગલું જ ભરાયું છે

રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવા માટે એક નાનકડું પગલું ભરાયું છે. હજુ યુદ્ધ ક્યારે ખરેખર પૂરું થશે એ કોઇ કહી શકે એમ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિને લગભગ 90 મિનિટ સુધી ફોન પર વાત કરી. આ વાતચીત દરમિયાન પુટિન 30 દિવસ માટે મર્યાદિત યુદ્ધ વિરામ માટે રાજી થયા છે. આ યુદ્ધ વિરામ પણ આખા યુક્રેન માટે નથી. પુટિને કહ્યું છે કે, તેઓ યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા નહીં કરે. ઉર્જા સિવાયના બીજા સ્થળોએ હુમલા કરી શકે છે. યુક્રેન જો હવે શાંત રહેશે તો વાંધો નહીં આવે. યુક્રેને કંઇ કર્યું તો મુશ્કેલીઓ પેદા થઇ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પુટિન સાથે વાતચીત કરતા પહેલા જ યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીને શાંત રહેવા સમજાવી દીધા છે.

ટ્રમ્પ જે કરી રહ્યા છે એ ઝેલેન્સ્કીને બિલકુલ ગમતું નથી પણ ટ્રમ્પની વાત માનવા સિવાય બીજો કોઇ છૂટકો નથી. યુક્રેનનું યુદ્ધ આખી દુનિયા માટે મોટું લેસન છે કે, બીજાના હિસાબે અને જોખમે લડવા નીકળી ન પડાય! યુક્રેન તો યુદ્ધમાં નામનું જ રહ્યું હતું, રશિયા સામે યુદ્ધ તો અમેરિકા જ લડતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા એ પહેલા જ તેમણે પ્રચારમાં એવી વાતો કરી હતી કે, હું પ્રેસિડેન્ટ બન્યો તો યુદ્ધ સમાપ્ત કરાવી દઇશ. ટ્રમ્પે તો એવી ડિંગ પણ હાંકી હતી કે, ચૂંટાયા પછી હું શપથ લઇશ એ પહેલા જ યુદ્ધ ખતમ કરાવી દઇશ. ટ્રમ્પ એવું કરી શક્યા નથી. પ્રેસિડેન્ટ તરીકે શપથ લીધા એને પણ આજે તારીખ 20મીએ બે મહિના થઇ ગયા છે. હજુ ઘણું બધું અદ્ધરતાલ છે.

યુદ્ધની સમાપ્તિ માટે ટ્રમ્પ અને પુટિન સાઉદી અરેબિયામાં વન ટુ વન મળવાના છે. સ્થળ નક્કી છે પણ સમય નક્કી નથી. ટ્રમ્પ બધું જ ફાઇનલ થઇ જાય એ પછી સહીસિક્કા કરવા માટે જ ભેગા થશે. 30 દિવસના યુદ્ધ વિરામમાં હજુ શું થાય છે એ જોવાનું રહેશે. ટ્રમ્પ અને પુટિનની વાતચીત દરમિયાન રશિયા યુક્રેનના યુદ્ધ કેદીઓને છોડવા માટે પણ તૈયાર થયું. રશિયા અને યુક્રેન 175 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવાના છે. રશિયાના કબજામાં રહેલા યુક્રેનના 23 ઘાયલ સૈનિકોને પણ યુક્રેનને સોંપી દેવાશે. રશિયાએ એવી માંગણી કરી છે કે, યુક્રેન યુદ્ધ વિરામના 30 દિવસમાં સેનાની મૂવમેન્ટ રોકી દેશે.

ઝેલેન્સ્કી હજુ મદદ માટે દુનિયામાં ફરી રહ્યા છે

ટ્રમ્પ અને પુટિન વાતચીત કરતા હતા ત્યારે જ યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી ફિનલેન્ડ ગયા હતા. ફિનલેન્ડ યુક્રેનને મદદ કરવાનું છે. ફિનલેન્ડ પહેલા બ્રિટન સહિત યુરોપના અનેક દેશોએ યુક્રેનને તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે. ઝેલેન્સ્કી એ પણ ચેક કરી રહ્યા છે કે, અમેરિકાની મદદ વગર યુદ્ધ લડી શકાય એમ છે કે કેમ? જો કે, નિષ્ણાતો એવું કહે છે કે, આવો વિચાર ઝેલેન્સ્કી અને યુક્રેન માટે જોખમી છે. ઝેલેન્સ્કી પાસે ટ્રમ્પની વાત માનવા સિવાય કોઇ વિકલ્પ જ નથી. હા, યુક્રેનને મદદ કરવાનું કહેનારા દેશો યુદ્ધ ખતમ થઇ જાય એ પછી યુક્રેનને ફરીથી બેઠું કરવામાં ચોક્કસ મદદ કરી શકે છે. યુદ્ધ પૂરું થઇ ગયા પછી ઝેલેન્સ્કીએ બરબાદ થઇ ગયેલા પોતાના દેશને ફરીથી બેઠું કરવા લાંબો સંઘર્ષ કરવાનો છે. જો કે, એ પણ તેના ભાગે આવશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ડોનાલ્ડ ટ્રમ્પની દાનત ઝેલેન્સ્કીને હટાવીને પોતાનો પડ્યો બોલ ઝીલે એવી વ્યક્તિને યુક્રેનની ગાદી પર બેસાડવાનો છે. આગામી સમયમાં ઝેલેન્સ્કીની વિદાય થઇ જાય તો જરાયે નવાઇ પામવા જેવું નહીં હોય.

યુદ્ધ સમાપ્તિ માટેની આ અઘરી શરતો અમેરિકા માની જશે?

ટ્રમ્પ અને પુટિનની વાતચીત બાદ જે શરતો માનવા બંને પક્ષ તૈયાર થયા છે એ તો બહુ જ સામાન્ય છે. થોડા દિવસ માટે હુમલા રોકવા અને કેદીઓની અદલા બદલી કરવી એ બહુ મોટી વાત નથી. મુખ્ય શરતો તો હજુ એમની એમ છે. યુદ્ધ શરૂ થવાનું સૌથી મોટું કારણ એ હતું કે, યુક્રેન નાટો સાથે જોડાવાના પ્રયાસ કરતું હતું. અમેરિકાએ કહી દીધું છે કે, યુક્રેનનો નાટોમાં સમાવેશ નહીં કરાય. એ વાત પૂરી થઇ જશે. સવાલ એ છે કે, રશિયાએ યુક્રેનના જે વિસ્તારો પર કબજો જમાવી લીધો છે એનું શું? રશિયાએ યુક્રેનના ક્રિમિયા પર વર્ષ 2014માં જ કબજો જમાવી લીધો હતો. આ વખતના યુદ્ધમાં રશિયાએ યુક્રેનના લુહાંસ્ક, ડોનોટસ્ક, જાપોરેઝિયા અને ખેરસોન વિસ્તાર પર કબજો જમાવ્યો છે. બધો મળીને યુક્રેનનો વીસ ટકા વિસ્તાર અત્યારે રશિયા પાસે છે. રશિયા આ વિસ્તાર છોડવા નથી માંગતું. આ મુદ્દે જ ડખો પેદા થાય એવી શક્યતાઓ છે. એમાં પણ વાત એવી જ છે કે, યુક્રેને પોતાના આ વિસ્તારથી હાથ ધોવા પડશે.

ટ્રમ્પ અને પુટિનની વાતચીત દરમિયાન અમેરિકાએ લાદેલા પ્રતિબંધો વિશે કોઇ ચર્ચા થઇ હોવાનું બહાર આવ્યું નથી. શું અમેરિકા રશિયા પર લાદેલા પ્રતિબંધો ઉઠાવી લેશે? ટ્રમ્પ એવું કરી શકે છે. રશિયા પરના પ્રતિબંધોથી અમેરિકાને પણ મોટું નુકશાન થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ફાયદો જુએ છે. એ પ્રતિબંધો હટાવી દેશે. યુક્રેન કે પોતાના સાથી દેશોની નારાજગીથી ડોનાલ્ડ ટ્રમ્પને કોઇ ફેર પડતો નથી. એ માત્રને માત્ર પોતાનો સ્વાર્થ જ જોઇ રહ્યા છે. વેલ, જે હોય તે પણ યુદ્ધ સમાપ્ત થાય એ સૌથી મહત્ત્વનું છે. વાત શરૂ થઇ છે તો પૂરી પણ થશે. આખી દુનિયા એવું ઇચ્છે છે કે, યુદ્ધ જેમ બને એમ વહેલી તકે પૂરું થાય! 


યુદ્ધ વિરામની ઐસીતૈસી કરીને ઇઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો અને ધમકી આપી
ઇઝરાયેલે હમાસ સાથે યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી. આ યુદ્ધ વિરામની શરત એ હતી કે, હમાસ ઇઝરાયેલના બંધકોને મુક્ત કરી દેશે. હમાસે થોડાક બંધકોને છોડી દીધા છે પણ હજુ બાકીના 59 બંધકો તેના કબજામાં છે. હમાસ એ બંધકોને છોડતું નથી એટલે ઇઝરાયેલે યુદ્ધ વિરામની ઐસીતૈસી કરીને ગાઝા પર નવો હુમલો કર્યો છે. ઇઝરાયેલના આ હુમલામાં 413 જેટલા લોકોના મોત થયા છે. માર્યા ગયા છે એમાં હમાસના કેટલાંક નેતાઓનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલે ધમકી આપી છે કે, જો વહેલીતકે હમાસે અમારા બંધકોને ન છોડ્યા તો અમે વધુ હુમલાઓ કરીશું. હમાસને એ વાતનો ડર છે કે, બધા બંધકોની મુક્તિ બાદ પણ ઇઝરાયેલ શાંત બેસશે નહીં. ઇઝરાયલે ગાઝા અમેરિકાને સોંપી દેવાનો નિર્ણય કર્યો છે. હમાસ ઇચ્છતું નથી કે, ગાઝા પર અમેરિકાનું વર્ચસ્વ સ્થપાઇ જાય. આ યુદ્ધ હજુ ગમે એવો ટર્ન લઇ શકે છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ ખતમ કરાવવા ડોનાલ્ડ ટ્રમ્પ સક્રિય છે પણ હમાસના કિસ્સામાં ટ્રમ્પને કોઇ ઉતાવળ નથી. ટ્રમ્પે હમાસને પણ અનેક વખત ધમકીઓ આપીને કહ્યું છે કે, સીધી રીતે બંધકોને છોડી દો, નહીંતર તમારા હાલ બેહાલ થઇ જશે!


  • Follow us on: