આતંકવાદને પોષનારા અને ચીનના ચાળે ચડેલા પાકિસ્તાનને ટ્રમ્પ ક્યારેય ન ભૂલે એવો પાઠ ભણાવવા માંગે છે



અમેરિકા પ્રતિબંધિત દેશોને રેડ, ઓરેન્જ અને યલો કેટેગરીમાં મૂકે છે. કુલ 43 દેશોને અમેરિકાએ જુદી જુદી યાદીમાં મૂક્યા છે. પાકિસ્તાનીઓ ઉપર આમ તો પહેલેથી જ અમેરિકાની નજર રહેતી આવી છે! હવે અમેરિકા વધુ સખત થવાનું છે

પાકિસ્તાનને અમેરિકા ક્યારેય ન ભૂલે એવો પાઠ ભણાવવાનું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનીઓના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે. થોડા જ દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત થવાની છે. પાકિસ્તાન માટે આ મોટો ફટકો હશે. પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે. પાકિસ્તાન અત્યારે પોતાના પાપ પણ ભોગવી રહ્યું છે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ આખેઆખી ટ્રેન હાઇજેક કરીને હાહાકાર મચાવ્યાની વાત હજુ તાજી છે ત્યાં જ બલૂચિસ્તાનના તુરબતમાં પાકિસ્તાની સેના પર બીજો હુમલો થયો છે. રોજે રોજ પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થઇ રહ્યા છે. આતંકવાદના કારણે પાકિસ્તાન પહેલેથી જ અમેરિકાની આંખે ચડેલું છે જ, બીજું કારણ પાકિસ્તાન અને ચીનના સંબંધો છે. પાકિસ્તાન ચીન કહે એટલું જ પાણી પીવે છે. ચીનને કંટ્રોલ કરવા માટે પાકિસ્તાન ચીનથી દૂર થાય એવું અમેરિકા ઇચ્છે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા ત્યારે જ તેમણે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. અમેરિકા પાકિસ્તાનને આર્થિક મદદ કરતું હતું. એ વખતે અમેરિકાનો ઇરાદો પાકિસ્તાનની મદદથી અલકાયદા, લશ્કર-એ-તોયબા, ઇસ્લામિક સ્ટેટ અને બીજા આતંકવાદી સંગઠનનો ખાત્મો બોલાવવાનો હતો. પાકિસ્તાન એક તરફ અમેરિકાની મદદ લેતું હતું અને બીજી તરફ આતંકવાદીઓને પાછલા બારણે મદદ પણ કરતું હતું. પાકિસ્તાન અમારી સાથે બેઇમાની કરે છે એવું કહીને ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અપાતી આર્થિક સહાય બંધ કરી દીધી હતી. પાકિસ્તાનના પતનની ખરી શરૂઆત ત્યારથી જ થઇ હતી. હવે બીજી ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને બેવડું વાળી દેવા ઇચ્છે છે!

અમેરિકાએ તૈયાર કર્યું છે રેડ, ઓરેન્જ અને યલો લિસ્ટ

અમેરિકા જુદા જુદા દેશોના નાગરિકોને પોતાના દેશમાં ન પ્રવેશવા દેવા માટે બાકાયદા લાલ, નારંગી અને પીળી યાદી તૈયાર કરે છે. આ યાદીમાં પાકિસ્તાન સહિત 43 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોથી મોખરે રેડ લિસ્ટ છે. આ યાદીમાં જે દેશના નામ હોય એના પર અમેરિકા સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે. અત્યારે અગિયાર દેશોના નામ રેડ લિસ્ટમાં છે. તેમાં અફઘાનિસ્તાન સૌથી ટોપ પર છે. આ ઉપરાંત નોર્થ કોરિયા, યમન, સોમાલિયા, ભુતાન, ક્યુબા, સુદાન, સીરિયા, ઇરાન, લીબિયા અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનનું નામ ઓરેન્જ લિસ્ટમાં છે. આ લિસ્ટમાં જેનું નામ હોય એ દેશના નાગરિકોને અમેરિકાને જરૂર હોય તો જ વિઝા આપવામાં આવે છે. ઓરેન્જ લિસ્ટમાં પાકિસ્તાન ઉપરાંત રશિયા, બેલારૂસ, ઇરીટ્રિયા, હૈતી, સિએરા લિઓન, લાઓસ, સાઉથ સુદાન, મ્યાનમાર અને તુર્કમેનિસ્તાનનો સમાવેશ થાય છે.

રેડ, ઓરેન્જ બાદ યલો લિસ્ટ આવે છે. આ લિસ્ટમાં જેનું નામ હોય એ દેશને અમેરિકા 60 દિવસની મુદ્દત આપીને એવો ચાન્સ આપે છે કે, આટલા દિવસમાં અમે કહીએ એ સુધારાઓ કરી નાખો, નહીંતર તમારા દેશના લોકોને અમારે ત્યાં આવવા નહીં દઇએ. યલો લિસ્ટમાં અંગોલા, એક્વાટોરિયલ ગુઆના, એન્ટીગુઆ, ગાંબિયા, બેનિન, લાઇબેરિયા, બુર્કિના ફાસો, મલાવી, કંબોડિયા અને માલીનો સમાવેશ થાય છે. અમેરિકાની આ યાદીને આખી દુનિયા બહુ સીરિયસલી લે છે. અમેરિકા જેને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકે છે એના પર અમેરિકાના સાથી દેશો પણ અંકુશ રાખે છે. અમેરિકા એકલું કંઇ નથી કરતું, પોતે જે કરતું હોય એ સાથી દેશો પાસે પણ કરાવે છે. અમેરિકાના પ્રતિબંધોથી એટલે જ બધાની ફેં ફાટે છે. પાકિસ્તાનીઓને આમ પણ દુનિયાના દેશો વિઝા આપતા પહેલા સો વાર વિચાર કરે છે. બધા પાકિસ્તાનીઓ ખરાબ કે આતંકવાદને સમર્થન આપનારા નથી પણ સારા પાકિસ્તાનીઓને શોધવા કપરું કામ છે. દુનિયાના દેશો કોઇ જોખમ લેવા માંગતા નથી.

અમેરિકામાં 6,84,438 પાકિસ્તાનીઓ વસે છે

અમેરિકામાં 6,84,438 પાકિસ્તાનીઓ રહે છે. આ બધા કાયદેસર એટલે કે વિઝા મેળવીને પાકિસ્તાનમાં વસે છે. અમેરિકામાં ગેરકાયદે ધૂસ્યા હોય એવા પાકિસ્તાનીઓની સંખ્યા દસથી બાર હજારની હોવાનું માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્ટ બન્યા એ પછી ગેરકાયદે પ્રવાસીઓને વીણી વીણીને કાઢવાનું શરૂ કર્યું છે. છેલ્લા થોડા દિવસમાં આઠ પાકિસ્તાનીઓને ડિપોર્ટ કરાયા છે. હજુ બીજી યાદી અમેરિકા તૈયાર કરી રહ્યું છે. જે પાકિસ્તાનીઓ અમેરિકામાં કાયદેસર રીતે રહે છે એના પર પણ પાકિસ્તાન તીણી નજર રાખે છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ટેરરિસ્ટ એટેક થયા પછી એવું બહાર આવ્યું હતું કે, કેટલાંક પાકિસ્તાનીઓએ પણ આતંકવાદીઓને મદદ કરી હતી. એ પછી પાકિસ્તાનીઓ માટે અમેરિકા સતર્ક થઇ ગયું છે.

જે થઇ રહ્યું છે એ ભારત માટે ખૂબ જ સારું છે

અમેરિકા પાકિસ્તાને ચારે તરફથી બરાબર ભીંસમાં લે એ આપણા દેશ માટે ખૂબ જ સારું છે. આપણે ત્યાં કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ પાકિસ્તાન જ કરાવી રહ્યું છે. ભારત માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભલે ટેરિફ વધારવાની અને બીજી વાતો કરતા હોય પણ તેને ખબર છે કે, ઇન્ટરનેશનલ રિલેશન્સમાં બેલેન્સ જાળવવા માટે ભારત સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે. ભારતને સારું લાગે એ માટે પણ અમેરિકા પાકિસ્તાનને ચિંટીયા ભરતું રહેવાનું છે. પાકિસ્તાન ભારતને બદનામ કરવાના તમામ પ્રયાસો કરે છે. ટ્રેન હાઇજેકના કિસ્સામાં પણ પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે, આ ઘટનામાં ભારતનો હાથ છે. આપણા દેશે જડબાતોડ જવાબ આપીને કહ્યું છે કે, તમારો દેશ કેવો છે એ આખી દુનિયા જાણે છે. ભારતને દોષ દેવાનું બંધ કરો અને તમારે ત્યાં જે ચાલે છે એને રોકો. પાકિસ્તાન અત્યારે ચારે તરફથી બરાબરનું ફસાયું છે. હજુ અમેરિકા એવા નિર્ણયો કરવાનું છે જેનાથી પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો પડે. અમેરિકાની મહેરબાની વગર કોઇ ઇન્ટરનેશનલ એજન્સી પાકિસ્તાનને મદદ કરવાની નથી. પાકિસ્તાનનું ક્યાંય ધ્યાન ન પડે એવી દશા અમેરિકા કરી નાખવાનું છે. પાકિસ્તાનીઓ પર પ્રવેશબંધી પછી અમેરિકા કયું પગલું લે છે એ જોવું પણ રસપ્રદ રહેવાનું છે! 


  • Follow us on: