દેશની બેંકોનું 13850 કરોડ રૂપિયાનું કરીને ભાગી ગયેલો મેહુલ ચોક્સી પ્રત્યાર્પણથી બચવા માટે પેંતરા કરતો રહ્યો છે!



બેલ્જિયમની સરકારે કબૂલ્યું છે કે, મેહુલ ચોક્સી અમારે ત્યાં છે. સવાલ એ છે કે, બેલ્જિયમ તેને સોંપવા માટે તૈયાર થશે ખરું? બેલ્જિયમ કંઇ કરે એ પહેલા મેહુલ ચોક્સી ત્યાંથી પણ ભાગી જાય તો નવાઇ પામવા જેવું નહીં હોય! મેહુલ ચોક્સીને લઇ આવવા ભારતે વધુ મહેનત કરવી પડશે

ભારતના પ્રત્યાર્પણથી બચવા માટે ભાગાભાગી કરતા વધુ એક ગુનેગારના પાક્કા સગડ મળ્યા છે. દેશની બેંકોનું 13850 કરોડનું કરીને ભાગી ગયેલો મેહુલ ચોક્સી બેલ્જિયમમાં હોવાની વાત ખુદ બેલ્જિયમ સરકારે સ્વીકારી છે. બેલ્જિયમ સરકારે કહ્યું કે, અમે મેહુલ ચોક્સીના પ્રકરણથી વાકેફ છીએ અને મેહુલ ચોક્સી પર નજર રાખી રહ્યા છીએ. સવાલ એ છે કે, શું બેલ્જિયમની સરકાર મેહુલ ચોક્સીને ભારતને સોંપવામાં મદદ કરશે ખરી? આ દરમિયાનમાં એવી પણ વાત આવી છે કે, મેહુલ ચોક્સીએ હવે બેલ્જિયમથી પણ ભાગીને સ્વિટ્ઝર્લેન્ડ અથવા તો જ્યાં જવાનો મેળ પડે ત્યાં પહોંચી જવાની તૈયારીઓ આદરી દીધી છે. મેહુલ ચોક્સીના આર્થિક કૌભાંડો બહાર આવ્યા એ પછી 2018માં ભારત છોડીને ભાગી ગયો હતો.

ભારત છોડતા પહેલા જ મેહુલ ચોક્સીએ એન્ટિગુઆની સિટિઝનશીપ મેળવી લીધી હતી. એન્ટીગુઆ એવો દેશ છે જ્યાં તમે એક લાખ ડોલરનું દાન આપો એટલે ત્યાંની સિટિઝનશીપ મળી જાય છે. ભારત અને એન્ટીગુઆ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ નથી એટલે જ મેહુલ ચોક્સીએ આ દેશ પસંદ કર્યો હતો. જો કે, આપણા દેશે વગ વાપરીને એન્ટીગુઆથી પણ મેહુલ ચોક્સીને પકડી લાવવાના પ્રયાસો આદર્યા હતા. મેહુલ ચોક્સીને એન્ટીગુઆમાં રહેવું જોખમી લાગ્યું એ પછી તે ત્યાંથી ભાગીને ક્યુબા જતો હતો ત્યારે ડોમિનિકામાં પકડાઇ ગયો હતો. એ વખતે પણ ભારતે તેને ડોમિનિકાથી લાવવાના તમામ પ્રયાસો કર્યા હતા પણ તેમાં સફળતા મળી નહોતી. હવે મેહુલ ચોક્સી બેલ્જિયમ પહોંચી ગયો છે. બેલ્જિયમના એન્ટવર્પમાં મેહુલ ચોક્સી પત્ની પ્રીતિ ચોક્સી સાથે રહે છે. પ્રીતિ ચોક્સી બેલ્જિયમની નાગરિક છે. હવે મેહુલ ચોક્સીને પણ બેલ્જિયમનું એફ રેસિડેન્સી કાર્ડ મળી ગયું છે. આપણા દેશે તેને ભારત લાવવા નવેસરથી પ્રયાસો આદર્યા છે.

શું છે મેહુલ ચોક્સીનું 13850 કરોડનું કૌભાંડ?

મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ સાથે મળીને પંજાબ નેશનલ બેંકમાંથી મોટી રકમની લોનો મેળવી હતી. જાન્યુઆરી, 2018માં પંજાબ નેશનલ બેંકે મેહુલ ચોક્સી સામે 280 કરોડની છેતરપિંડીનો કેસ કર્યો હતો. આ કેસની તપાસ દરમિયાન એવી ખબર પડી હતી કે, માત્ર 280 કરોડ નહીં પણ મેહુલ ચોક્સીએ તો બહુ મોટી રકમના ગફલા કર્યા છે. બધી તપાસના અંતે આંકડો 13,850 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ઇડી અને સીબીઆઇ સહિતની એજન્સીઓએ આખા કેસની તપાસ હાથ ધરી હતી. મેહુલ ચોક્સીની ધરપકડ થાય એ પહેલા જ તે તારીખ 4 જાન્યુઆરી, 2018ના રોજ ભારતથી ભાગી ગયો હતો. મેહુલ ચોક્સીને ખબર જ હતી કે ભારતમાં આપણા દિવસો હવે ભરાઇ ગયા છે એટલે તેણે 2017માં જ એન્ટીગુઆની સિટિઝનશીપ મેળવી લીધી હતી.

મેહુલ ચોક્સી સરન્ડર થવાને બદલે પોતાના બચાવમાં જાતજાતની વાતો કરતો રહે છે. તેણે કહ્યું કે, હું ભાગ્યો નથી. ભારત સરકારે જ મારો પાસપોર્ટ રદ કરી નાખ્યો છે. હું ઇચ્છું તો પણ ભારતમાં પગ મૂકી શકું એમ નથી. મેહુલ ચોક્સી બેલ્જિયમમાં છે એવી વાત ભલે અત્યારે જાહેર થઇ હોય પણ આપણી સરકારને તો એ જ્યારે બેલ્જિયમ પહોંચ્યો ત્યારથી તેની ખબર છે. ગયા મહિને બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડ અને સંરક્ષણ પ્રધાન થિયો ફ્રેકેન ભારતની મુલાકાતે આવ્યા હતા. આપણા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિત દેશના ઉચ્ચ અધિકારીઓએ તેમની સાથે મુલાકાત કરી હતી.

બધાએ સાથે મળીને ભારત અને બેલ્જિયમના સંબંધોને નવી ઊંચાઇએ લઇ જવાનું નક્કી કર્યું હતું. એક વાત એવી છે કે, એ સમયે જ મેહુલ ચોક્સી વિશે વાતચીત થઇ હતી. તારીખ 2થી 8 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવેલી બેલ્જિયમની રાજકુમારી એસ્ટ્રિડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. ભારત અને બેલ્જિયમ વચ્ચે સારા સંબંધો છે. આપણા દેશને આઝાદી મળી એ જ વર્ષે એટલે કે 1947માં બેલ્જિયમે ભારતમાં દૂતાવાસ ખોલ્યું હતું. બીજા વર્ષે 1948માં આપણા દેશે પણ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં દૂતાવાસ શરૂ કર્યું હતું. બેલ્જિયમમાં હીરાનો મોટો કોરોબાર છે. આપણા સુરતના ડાયમંડ બિઝનેસમેનોને એન્ટવર્પ સાથે રોજિંદો સંબંધ અને આવરોજાવરો છે.

ડોમિનિકાથી ભારત લાવવા વિમાન પણ મોકલી આપવામાં આવ્યું હતું!

મેહુલ ચોક્સી ડોમિનિકામાં પકડાઇ ગયો ત્યારે તેને ભારત લાવવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે આપણી સરકારે વિશેષ વિમાન પણ ડોમિનિકા મોકલી આપ્યું હતું. બધી જ તૈયારીઓ થઇ ચૂકી હતી પણ મેહુલ ચોક્સીના વકીલોએ તમામ પ્રકારના પ્રયાસો કરીને મેહુલ ચોક્સીને બચાવી લીધો હતો. મેહુલ ચોક્સી 51 દિવસ ડોમિનિકાની જેલમાં રહ્યો હતો. આખી ઘટના મે, 2021ની છે. 23મી મે, 2021ના દિવસે સાંજે પાંચ વાગે મેહુલ ચોક્સી એન્ટીગુઆના પોતાના નિવાસ સ્થાનેથી કારમાં નીકળ્યો હતો અને અચાનક ગુમ થઇ ગયો હતો.

પોલીસને આ વાતની ખબર પડી કે તરત જ તેણે એરપોર્ટે તપાસ કરી હતી. તપાસમાં એવી ખબર પડી હતી કે, કોઇ એરપોર્ટથી મેહુલ ચોક્સી વિમાનમાં ચડ્યો નથી. વધુ તપાસના અંતે મેહુલ ચોક્સીની કાર દરિયા કિનારેથી રેઢી મળી આવી હતી. મેહુલ ચોક્સી દરિયાઇ રસ્તે ક્યુબા ભાગી જવા બોટમાં નીકળી ગયો હતો. એન્ટિગુઆથી 100 નોટિકલ માઇલ દૂર જ આવેલા ડોમિનિકામાં મેહુલ ચોક્સીને પકડી લેવાયો હતો. મેહુલ સામે ડોમિનિકાની અદાલતમાં કામ ચાલ્યું હતું. ભારતે એ પહેલા જ ડોમિનિકાને કોરોનાની વેક્સિન ગિફટમાં આપી હતી. ભારતે મેહુલ ચોક્સીને સોંપવાની વિનંતી કરી એ પછી ડોમિનિકા તૈયાર પણ થઇ ગયું હતું. છેલ્લી ઘડીએ મેહુલ બચી ગયો હતો. મેહુલને ખબર હતી કે, હવે એન્ટીગુઆ કે ડોમિનિકામાં રહેવા જેવું નથી એટલે જ એ બેલ્જિયમ પહોંચી ગયો છે. હવે મેહુલને ભારત લાવવામાં ક્યારે સફળતા મળે છે એ જોવાનું છે!  


લલિત મોદીએ વાનુઅતુની સિટિઝનશીપ મેળવી પણ તેની હાલત કફોડી થઇ ગઇ!
આપણા દેશના મોસ્ટ વોન્ટેડ આર્થિક ગુનેગાર લલિત મોદીએ ભારતના પ્રત્યાર્પણથી બચવા માટે વાનુઅતુની સિટિઝનશીપ મેળવી લીધી હતી. બ્રિટનથી તેને સેઇફ હેવન જેવા વાનુઅતુ જઇને શાંતિથી જીવન જીવવું હતું. જો કે, વાનુઅતુની સરકારને જ્યારે ખબર પડી કે, લલિત મોદી ભારતનો વોન્ટેડ ક્રિમિનલ છે ત્યારે ત્યાંની સરકારે લલિત મોદીની સિટિઝનશીપ રદ કરવાનું નક્કી કરી નાખ્યું. વાનુઅતુની સરકાર ભારત સાથેના સંબંધોમાં કોઇ પ્રોબ્લેમ થાય એવું ઇચ્છતી નથી. વાનુઅતુમાં એક કરોડના ખર્ચે નાગરિકતા મેળવી શકાય છે. વાનુઅતુ માટે એક કરોડ રૂપિયા કરતા ભારતના સંબંધોનું મહત્ત્વ વધુ છે. અલબત્ત, જાણકારો એવું કહે છે કે, વાનુઅતુ લલિત મોદીને નહીં સ્વીકારે તો એ બીજે ક્યાંક ચાલ્યો જશે. દુનિયામાં એવા દેશોની કમી નથી જે નાણાં લઇને સિટિઝનશીપ આપે છે. આપણા દેશે કહ્યું છે કે, વોન્ટેડ ગુનેગારોને જ્યા જવું હોય ત્યાં જાય, અમે ગમે તેમ કરીને તેને પકડી લાવશું અને જેલમાં ધકેલી દેશું. જોવાનું એ છે કે, લલિત મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને નીરવ મોદી જેવા દેશના ગુનેગારોને ક્યારે ભારત લાવવામાં આવે છે!


  • Follow us on: