• અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આતંકવાદને ફેલાવતો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રનો મામલો ગરમાયો છે. અમેરિકાએ ભારતને આ મુદ્દે એલર્ટ કર્યું એટલે નવા સવાલો પેદા થયા છે!
  • કેનેડા અને પાકિસ્તાનમાં ભારતના ઘણા દુશ્મનોની છેલ્લા થોડા સમયમાં હત્યા થઇ છે. કેનેડાએ ખાલિસ્તાન આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા માટે ભારત સામે આંગળી ચિંધી એના કારણે બંને દેશના સંબંધો વણસ્યા છે!

ખાલિસ્તાનના આતંકવાદીઓની ગતિવિધિઓ જેટલી આપણા રાજ્ય પંજાબમાં નથી ચાલતી એટલી દુનિયાના બીજા દેશોમાં ચાલી રહી છે. પંજાબમાં તો આતંકવાદીઓ માથું ન ઊંચકી શકે એ માટે આપણી સરકારે તમામ બંદોબસ્ત કરી રાખ્યો છે. બીજા દેશોને પણ આપણી સરકારે કહ્યું છે કે, તમારા દેશમાં ભારત વિરોધી જે ગતિવિધિઓ ચાલે છે એને કંટ્રોલ કરો. જો તમે કોઇ પગલાં નહીં લો તો આપણા સંબંધો પર તેની સીધી અસર આવશે. કેનેડા સાથે આવું થયું પણ છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બીજા કેટલાંક દેશોમાં ખાલિસ્તાનીઓ ઉધામા મચાવતા રહે છે. દુનિયામાં જે ખાલિસ્તાની પ્રવૃતિઓ ચાલી રહી છે તેની પાછળ સૌથી મોટું માથું જો કોઇ હોય તો એ અમેરિકામાં બેસીને શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા ચલાવતો આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ છે. આપણા દેશમાં 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટની ઉજવણી હોય કે વર્લ્ડ કપનું આયોજન હોય, પન્નુ વીડિયો રીલિઝ કરીને જાતજાતની ધમકીઓ આપતો રહે છે. સંતાઇને ફરતો ગુરપતવંત પન્નુ હવે થર થર કાંપી રહ્યો છે. તેને એ વાતનો ભય સતાવી રહ્યો છે કે, કોઇ મારી હત્યા કરી નાખશે. કેનેડા અને પાકિસ્તાનમાં જે રીતે ભારતના દુશ્મનોની એક પછી એક હત્યાઓ થઇ છે એ જોઇને પન્નુનો ફફડાટ વધી ગયો છે. ગુરપતવંત પન્નુ કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ખાલિસ્તાનના નામે રેફરન્ડમ યોજે છે. ખાલિસ્તાનીઓને ઉશ્કેરે છે. પન્નુની હત્યાના ષડયંત્રના મામલે અમેરિકા અને ભારત વચ્ચે નિવેદનબાજી થઇ રહી છે. ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે સોળે કળાએ ખીલેલા છે. આવા સમયે પન્નુના કારણે બંને દેશ વચ્ચે વિવાદ ઊભો થયો છે.

આખા વિવાદની શરૂઆત બ્રિટનના અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક અહેવાલથી શરૂ થઇ હતી. આ અહેવાલમાં એવું જણાવાયું હતું કે, શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ આ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે, આ મુદ્દે અમેરિકાએ ભારત સરકાર સામે આ કાવતરાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થયો એ પછી અમેરિકાએ પણ સ્વીકાર કર્યો કે, આ વાત સાચી છે. અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિએન વોટસને કહ્યું કે, અમે આ વાતને ગંભીરતાથી લીધી છે. આપણા દેશે પણ કહ્યું કે, અમને અમેરિકા તરફથી આ અંગે જાણકારી મળી છે. અમેરિકાના ઇન્ટેલિજન્સના ઇનપુટને અમે પણ સિરીયસલી લઇ રહ્યા છીએ. આ ઘટના બાદ દેશ અને દુનિયામાં એવી ચર્ચાઓ પણ ચાલી છે કે, આખરે અમેરિકાને ગુરપતવંત પન્નુનું આટલું બધું પેટમાં કેમ બળે છે? ભારત સરકારે અમેરિકાને અનેક વખત અપીલો કરી છે કે, પન્નુને નાથો પણ અમેરિકા કોઇ જરૂરી પગલાં ભરતું નથી. પન્નુ અને તેની સંસ્થા શીખ ફોર જસ્ટિસ પર આપણા દેશે પ્રતિબંધ મૂક્યો છે. પન્નુને ઓનપેપર ટેરરિસ્ટ ડિકલેર કર્યો છે, એ પછી પણ અમેરિકા કેમ પન્નુને મન ફાવે એવું કરવા દે છે? અમેરિકા ભારત સાથે દોસ્તીના ઊંચા ઊંચા દાવાઓ કરે છે તો તેને કેમ મિત્રની ચિંતા થતી નથી? બીજી વાત એ કે, અમેરિકાએ કેમ એવું માની લીધું કે પન્નુની હત્યાના કાવતરા પાછળ ભારતનો હાથ છે? ખાલિસ્તાનીઓમાં અંદરોઅંદર પણ કંઇ ઓછી દુશ્મનાવટ નથી! માફિયા અને ખાલિસ્તાનીઓ વચ્ચે પણ વિવાદો અને વિખવાદો છે. એવા થોડાક જ પંજાબીઓ છે જે ખાલિસ્તાનને સપોર્ટ કરે છે. મોટા ભાગના પંજાબીઓ શાંતિથી રહેવા અને જીવવા ઇચ્છે છે. એ લોકો કહે છે કે, પન્નુ જેવા આતંકીઓ પંજાબીઓને બદનામ કરે છે અને સીધા સાદા પંજાબીઓનું જીવવું મુશ્કેલ બનાવે છે.

કેનેડામાં તારીખ 18મી જૂન, 2023ના રોજ ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ હરદીપસિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારતની સંડોવણીની વાત કરી એ પછી ભારત અને કેનેડાના સંબંધો બગડ્યા છે. કેનેડામાં સૌથી વધુ ખાલિસ્તાન ગતિવિધિઓ ચાલે છે. જસ્ટિન ટ્રુડો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર ખાલિસ્તાનીઓને સપોર્ટ કરતા રહે છે. હરદીપસિંહ નિજ્જરની હત્યા સંદર્ભે પણ અમેરિકાએ ભારતને સંયમ વર્તવાની સલાહ આપી હતી. બાકી બધું તો ઠીક છે પણ અમેરિકા ક્યા મોઢે ભારતને સલાહો આપી રહ્યું છે? ભારતે વિદેશની ધરતી પર કોઇની હત્યા કરાવી હોય એવું તો હજુ બહાર આવ્યું નથી, અમેરિકાએ તો સરાજાહેર આવી ઘટનાઓને અંજામ આપ્યો છે. પોતાના દુશ્મનોને બીજા દેશમાં ઘૂસીને મારી નાખ્યા પછી અમેરિકા તો છાતી પહોળી કરીને એવી વાતો કરતું રહે છે કે, અમે દુનિયાના પેટાળમાંથી અમારા દુશ્મનોને શોધીને ખતમ કરી દેશું. અમેરિકાએ તારીખ 2 મે, 2011ના રોજ પાકિસ્તાનના અબોટાબાદમાં સંતાયેલા ઓસામા બિન લાદેનને શોધીને તેના ઘરમાં ઘૂસીને પતાવી દીધો હતો. હજુ ગયા વર્ષે જ તારીખ 31મી જુલાઇ, 2022ના રોજ અલકાયદાના વડા અયમાન અલ જવાહીરીને અફઘાનિસ્તાનના કાબુલના ઘરમાં ડ્રોન એટેક કરીને ખતમ કરી દેવાયો હતો. ઇરાનના આર્મી ચીફ કાસીમ સુલેમાની તારીખ 2 જાન્યુઆરી, 2020ના રોજ ઇરાકના એરપોર્ટથી કારના કાફલામાં જઇ રહ્યો હતો ત્યારે એર સ્ટ્રાઇક કરીને અમેરિકાએ તેને પતાવી દીધો હતો. અમેરિકાના આવા કારસ્તાનોનું તો લાંબું લિસ્ટ છે. અમેરિકા પોતાના આવા ઓપરેશનનું ગૌરવ લે છે અને બીજાની વાત હોય ત્યારે જગત જમાદારી કરવા માંડે છે. અમેરિકા વિશે એટલે જ એવું કહેવાઇ રહ્યુ છે કે, અમેરિકા કરે એ લીલા અને બીજા કરે એ બદમાશી!

અમેરિકા આખી દુનિયામાંથી આતંકવાદ નાબુદ કરવાની વાતો કરતું રહે છે. ભારતમાં જે આતંકવાદ ચાલી રહ્યો છે એના વિશે અમેરિકા કેમ સજાગ નથી? ગુરપતવંતસિંહ પન્નુ એવી વાતો કરે છે કે, અમે તો આઝાદી માટે લડીએ છીએ! અમને મળેલા અધિકારો મુજબ લોકશાહી ઢબે દેખાવો કરીએ છીએ. પન્નુ અને તેના મળતિયાઓ જે કરી રહ્યા છે એ દેખાવો નથી પણ આતંકવાદ છે. નિર્દોષ લોકોની હત્યાના અસંખ્ય કિસ્સાઓ ખાલિસ્તાનીઓના નામે ચડેલા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા ખાલિસ્તાનીઓએ કરી હતી. અમેરિકા બીજું કંઇ કરી ન શકે તો પન્નુને એટલું તો કહી જ શકે એમ છે કે, અમારી ધરતી પરથી અમારા મિત્ર ભારતને હેરાન કરવાની પ્રવૃતિઓ અમે સાંખી લેશું નહીં. બીજી વાત એ છે કે, એક સમયે આતંકવાદીઓ દુનિયાના દેશોમાં ભારતની વિરૂદ્ધમાં ઝેર ઓકતા રહેતા હતા, હવે આતંકવાદીઓ ડરી રહ્યા છે કે, ક્યાંક અમારો ઘડો લાડવો ન થઇ જાય! યે ડર અચ્છા હૈ. પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ખાલિસ્તાની ગતિવિધિઓ ચાલે છે. પાકિસ્તાન ભારતનું દુશ્મન છે એટલે તેની પાસેથી કોઇ અપેક્ષા ન હોય પણ અમેરિકા તો મિત્ર દેશ છે, તેની પાસે તો અમુક અપેક્ષાઓ રહેવાની જ છે. ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરો પર હુમલાઓ કર્યા હતા. ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝને વિનંતી કરી એ પછી ઓસ્ટ્રેલિયાએ ખાલિસ્તાનીઓને કંટ્રોલ કર્યા છે. અમેરિકાએ બીજી વાતો કરવાને બદલે પોતાને ત્યાં ખાલિસ્તાની પ્રવૃતિઓ રોકવાની આવશ્યકતા છે!


  • Follow us on: